મૂલ્યવાન અંગત અનુબંધ

ઘણાં વરસ પહેલાં મારા પિતરાઈની દીકરી દિવ્યા ભાવનગર અમારા ઘરમાં રહી ભણતી હતી. એક દિવસ કુમારપાળ દેસાઈ કોઈ કારણસર ભાવનગર આવ્યા હશે તો ઘરે આવ્યા. જમ્યા. વિમલે રસોઈ બનાવી હતી. દિવ્યાએ પીરસ્યું. તેઓ ગયા પછી દિવ્યાએ મને કહ્યું : ‘આ અંકલના માથાના વાળ એટલા સરસ અને વ્યવસ્થિત ઓળેલા હતા કે તેને અડવાનું મને મન થઈ આવેલું.’ આ સાંભળી હું હસી પડેલો. મેં કહેલું કે તેઓ દરેક બાબતમાં આટલા જ સરસ અને વ્યવસ્થિત હોય છે. આજ સુધી હું જોતો રહ્યો છું કે કુમારભાઈ કોઈ પણ ભૂમિકાએથી સરસ અને વ્યવસ્થિત હોય છે. એમના જેવી કામ કરવાની ચીવટ, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા મેં એકસાથે ભાગ્યે જ કોઈનામાં જોઈ હશે. એમણે કામ હાથમાં લીધું એટલે સર્વાંગ અને સુપેરે સંપન્ન થયું જ સમજવું.

જ્યારે મને ખબર પડી કે જયભિખ્ખુ એમના પિતાશ્રી થાય ત્યારે બહુ રોમાંચ થયેલો. કિશોરકાળમાં ગ્રામપંચાયતની લાઇબ્રેરીમાંથી લાવીને જયભિખ્ખુનાં પુસ્તકો વાંચેલાં. કુમારપાળ દેસાઈ જયભિખ્ખુના પુત્ર – એ ઓળખ એટલી તો પ્રભાવક હતી કે તેની અસરમાં ‘કુમારભાઈ’ સાથેનું જોડાણ થોડું મોડું થયું. પણ એ જોડાણ થયું તે પછી વધુ ને વધુ દૃઢતર થતું ગયું છે. આજ સુધી તે અનુસંધાન સચવાયું છે.

ભારતીય સાહિત્ય અકાદમીમાં દોઢ દાયકા પર્યંત સાથે કામ કરવાની તક મળી તેનાથી કુમારભાઈનો પરિચય ગાઢ થયો. મેં એમનામાં હંમેશાંં એક સ્વસ્થ, કૃતનિશ્ચયી અને કર્મઠ માણસનાં દર્શન કર્યાં છે. ભારતીય સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિમાં તેઓ પૂર્વતૈયારી કરીને આવે. ઈ.સ. 1856માં એલેક્ઝાન્ડર કિનલોપ ફાર્બસલિખિત અને ઈ.સ. 1869માં રણછોડભાઈ ઉદયરામ અનૂદિત ‘રાસમાળા’ જેવા બે ભાગમાં પ્રગટ થયેલા મહત્ત્વપૂર્ણ ગ્રંથનું સંપાદન અને પુન:પ્રકાશન કરવાનું એમને જ સૂઝે. અને એ ભગીરથ કામ પાર પાડવાનું પણ પોતે જ સ્વીકારે. સાહિત્ય અકાદમીના અસંખ્ય કાર્યક્રમોનું આયોજન એમણે પોતાની જવાબદારીએ ઉપાડી લીધાનો મને અનેક વાર અનુભવ થયો છે. પૂરી નિસબતથી એમ કહે કે આ તો આપણું સહિયારું કામ છે. અને પછી આપણને તકલીફ આપ્યા વગર એકલ પંડે પાર પાડે.

કુમારભાઈમાં મેં સદૈવ એક સાલસ અને શુભાકાંક્ષી સ્વજનનાં દર્શન કર્યાં છે. એમની પ્રતીતિઓ પાક્કી હોય. પણ આપણા પર કશું લાદે નહીં. તેઓ પોતાનો વિચાર એક વિકલ્પ તરીકે રજૂ કરે. અને આપણને એવું જ લાગે કે એમની વાત જ વધુ યોગ્ય છે. એમણે કોઈ વાર બહુ જ સમજદારીથી સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિના સભ્યોના વિચારભેદને ઉકેલવાના પ્રામાણિક અને સફળ પ્રયત્નો કર્યા છે તે હું કદી ભૂલી શકું તેમ નથી.

એમની એક વિશેષતા મેં પહેલેથી જ જોઈ છે કે એમણે કદી અમારી વચ્ચેની ઉંમરનો તફાવત મને લાગવા દીધો નથી. એમણે મારી સાથે ક્યારેય મુરબ્બીવટ દાખવ્યાનો કોઈ દાખલો નથી. મારે કહેવું તો એ છે કે દરેક વખતે સાવ સહજ અને હળવી ભાષામાં અમારી સંવાદલીલાનું પોત રચાતું હોય છે. આ કારણે મને કદી એમની સાથેના સંબંધનો ભાર લાગ્યો નથી. આવું સહુ કોઈ જ્યેષ્ઠોની સાથે થઈ શકતું નથી.

મેં એમને મારી ચિંતા કરતા અનેક વાર જોયા છે. મારા ખબર-અંતર પૂછવાનું તો એમના તરફથી જ થતું હોય. હું એમની પાસેથી સમરસતાના પાઠ શીખ્યો છું. પરિસ્થિતિને સંવાદિતાથી કેમ સંભાળી લેવી તેના વ્યવહારુ ઉકેલ એમની પાસે હંમેશાંં હોય.

સહજ રીતે જ ઘરે આવે. કોઈ દુરાગ્રહ નહીં. વિમલના હાથનું બનાવેલું જમ્યા પછી એની અનુપસ્થિતિમાં પણ એની રસોઈનાં વખાણ કરે. હું પ્રોફેસર રવિશંકર જોશીના કુટુંબમાંથી છું એ વાતે એમને મારો મહિમા કરતાં સાંભળું ત્યારે મને પણ ગર્વની પ્રતીતિ થાય. ભાવનગરના કોઈ જૈન પરિસરમાં એમનું વ્યાખ્યાન હોય તો મને એમની સાથે લઈ જાય. મારી પાસે પણ વક્તવ્ય કરાવે અને એમ મારા નગરમાં મારું માન વધારે.

હું પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ લખતો હતો ત્યારે એમણે તે પૂરું થાય ત્યારે વિશ્વકોશ ભવનમાં તેનું પ્રથમ જાહેર પઠન કરવા મને બાંધી લીધેલો. તે પૂરું થયું ત્યારે હું ઑસ્ટ્રેલિયા હતો. પણ ભારત આવ્યો કે તરત જ એમણે કાર્યક્રમ ગોઠવી દીધો. કોઈ વિરામ વગરના સળંગ અઢી કલાકના કાવ્યપાઠના જોખમને એમણે મારા અને મારી સર્જકતાના ભરોસે સુપેરે પાર પાડ્યું. શ્રોતાઓએ કાવ્યરસમાં ડૂબી જઈ આટલા દીર્ઘ સમયને ભરપૂર માણ્યો એ ઘટના મારા માટે અવિસ્મરણીય છે. તે વખતે મેં ખાસ પરિચિત નહીં તેવી ફેસબુક લાઇવની ટૅક્ નિકથી એ કાવ્યપઠનનું જીવંત પ્રસારણ કરવાનું સુઝાડેલું અને ત્યારે વિશ્વકોશમાં એમણે પહેલી વાર તે અમલમાં મૂકેલું. વિશ્વકોશમાં તે પછીથી ફેસબુક અને યૂટ્યૂબના માધ્યમથી કાર્યક્રમોના જીવંત પ્રસારણ અને સાચવણીની પદ્ધતિસરની વ્યવસ્થા એમણે ઊભી કરી, જે આજ પર્યંત ચાલે છે. અસંખ્ય કાર્યક્રમોનું દસ્તાવેજીકરણ થઈ ચૂક્યું છે અને આવનારા સમય માટેની મૂલ્યવાન સામગ્રી સંચિત થઈ રહી છે.

કુમારભાઈ વિશ્વકોશની પ્રવૃત્તિઓમાં ચંદ્રકાન્ત શેઠ અને ધીરુબહેન પટેલથી માંડી પ્રીતિબહેન અને અલ્પાબહેન સુધીના સહુનો સંતુલિત સહયોગ મેળવી શક્યા છે. આ બન્યું છે તેમાં સંસ્થા પરત્વેની એમની નિસબત અને નિર્વ્યાજ લાગણી જ કારણભૂત છે તેમ હું માનું છું. વિશ્વકોશમાં સહુ કોઈને દાયિત્વ બજાવવાની સહજ ઇચ્છા જાગે તેવું સમભાવપૂર્વકનું વાતાવરણ કુમારભાઈને કારણે જ છે તેવું હું સ્પષ્ટપણે કહેવા ચાહું છું.

એક સાહિત્યસેવી તરીકેની એમની પ્રતિભા અંગે તો અહીં વાત માંડી જ નથી. પણ તેનાં લેખાંજોખાં માંડીએ તોયે તેઓ સાંગોપાંગ પાર ઊતરે તેમ છે તે હું જાણું છું. કુમારભાઈની સાથે હોવું એટલે જાણે કોઈ સહજતા, સલામતી અને નિશ્ચિંતતાના પ્રભાવ તળે હોવું. આવો ભરોસો મૂકી શકાય તેવાં ઠેકાણાં ભાગ્યે જ હોય ત્યારે કુમારભાઈ સાથેનો આ અનુબંધ મને ઘણો જ મૂલ્યવાન લાગે છે. હું ઇચ્છું કે એમનો સંગ મને સદા ઊર્જાથી સભર કરતો રહે. આટલું અંગત લખવાનું નિમિત્ત મળ્યું તે મારું અહોભાગ્ય.

વિનોદ જોશી

કવિ, વિવેચક, સંશોધક, પૂર્વ અધ્યક્ષ, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑