જેમ આખા દરિયા કે આખા આકાશનો ફોટો પાડી શકાતો નથી, એની અખિલાઈનું ચિત્ર દોરી શકાતું નથી કે એની વ્યાપકતા અને ભવ્યતાને શબ્દો કે ભાષામાં અભિવ્યક્ત કરી શકાતા નથી; કંઈક એવી જ મૂંઝવણ અમારા સહુના ગુરુજી, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ વિશે બોલવાનું કે લખવાનું થાય ત્યારે અનુભવું છું.
એમનું વ્યક્તિત્વ ‘કમલદલ’ જેવું છે. નજીક જઈએ ત્યારે એક પછી એક પાંખડીઓ ખૂલતી જણાય અને તે કોમળ પાંખડીઓની મૃદુતામાં એમની પ્રતિભાના જુદા જુદા આયામોની સુગંધ માણી શકાય, ને છતાં આવો પ્રયત્ન પણ છેવટે તો અધૂરો જ રહે.
ડૉ. કુમારપાળ દેસાઈ એટલે પોતાના શિષ્યના હૃદયમાં સહૃદયી અધ્યાપક બનીને પત્યેક શિષ્યના સ્મરણવિશ્વમાં સુગંધ બનીને સચવાયેલું સરનામું.
ડૉ. કુમારપાળ દેસાઈ એટલે મૂલ્યનિષ્ઠ પત્રકારત્વનું ગુરુશિખર, ડૉ. કુમારપાળ દેસાઈ એટલે ‘અપંગોના ઓજસ’ જેવા પુસ્તકથી ગુજરાતી ભાષામાં કદાચ પહેલી વાર વિશ્વના દિવ્યાંગજનોની વાત મૂકવાનું સાહસિક સામાજિક ઉતરદાયિત્વ નિભાવતાં એક સંવેદનશીલ લેખક, ડૉ. કુમારપાળ દેસાઈ એટલે રમત-ગમત અને ખાસ તો ક્રિકેટની રમત વિશેની ઊંડી જાણકારી, સમજ અને તાટસ્થ્ય સાથે કલમ દ્વારા કેડી કંડારનાર એક ઉમદા સમીક્ષક, ડૉ. કુમારપાળ દેસાઈ એટલે તેમના પિતાશ્રીએ શરૂ કરેલી ‘ઈંટ અને ઇમારત’ કૉલમને પિતાશ્રીના અવસાન પછી પોતાના ખભા ઉપર ઉપાડીને એમાં પિતાશ્રીની સર્જકસુગંધ સચવાય એ રીતે સાવધાનીપૂર્વક પોતાનું કુમારપાળપણું ઉમેરીને દેશ અને દુનિયામાં લોકપ્રિય અને છેલ્લાં વર્ષોથી સાતત્યપૂર્ણ રીતે લોકશિક્ષણનું પત્રકારપણું નિભાવનાર એક લાયક પુત્ર, ડૉ. કુમારપાળ દેસાઈ એટલે સામયિકો અને વર્તમાનપત્રોમાં જેમનાં લેખો અને કૉલમો વાંચવા વાચકો રાહ જોતા હોય તેવા પત્રકારત્વને ધર્મ સમજતા અને સર્જકતાને સમાજની સંવેદનાનું પ્રતિબિંબ પાડનારું એક સમર્થ દર્પણ બની રહેલા લોકપ્રિય સર્જક, ડૉ. કુમારપાળ દેસાઈ એટલે જૈન ધર્મના સાંગોપાંગ અભ્યાસી અને જૈન ધર્મના દર્શન થકી દેશ અને દુનિયામાં ભારતની સંસ્કૃતિ, અસ્મિતા અને ઓળખનું અજવાળું ફેલાવનારા મશાલચી, ડૉ. કુમારપાળ દેસાઈ એટલે ગુજરાત વિદ્યાસભા સહિત અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના સંવર્ધનનું ચાલકબળ, ડૉ. કુમારપાળ દેસાઈ એટલે પદ્મભૂષણ સ્વ. ધીરુભાઈ ઠાકરના ‘માનસપુત્ર’ અને ડૉ. કુમારપાળ દેસાઈ એટલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ…. આ યાદી ઘણી લાંબી થાય એમ છે એટલે એ કર્મકાંડમાં જવાનું ટાળું છું પણ મેં અગાઉ કહ્યું તેમ દરિયા જેવું દિલ, આકાશ જેવું ઔદાર્ય, સૂરજ જેવી શિસ્ત, ચંદ્ર જેવી શીતળતા, ચિત્રગુપ્ત જેવું વ્યવસ્થાપન અને એ બધા આયામોના સમાંતરે ચાલી રહેલું તેમનું વજ્રનું કૌવત અને પુષ્પની કોમળતાના સરવાળા જેવું અનન્ય વ્યક્તિત્વ.
એમનાં ઉપરોક્ત વિવિધ પાસાંઓ વિશે તો આ ગ્રંથમાં અધિકૃત સર્જકો લખવાના જ છે એટલે એમની ઓળખના એ બધા આયામોનો માત્ર ઉલ્લેખ કરીને હું વાત કરીશ. ઉપરોક્ત તમામ આયામોની પાછળ સતત ધબકતી એક વિશેષ બની રહેલી વ્યક્તિ, ‘ડૉ. કુમારપાળ દેસાઈ’ની – એમના વ્યક્તિત્વની મેં જોયેલી, અનુભવેલી કે જાણેલી કેટલીક લાક્ષણિકતાઓની.
એક સાવ તાજો અનુભવ કહ્યા વિના રહી શકતો નથી.
મારી તબિયત થોડીક અસ્વસ્થ બની અને હું એકાદ અઠવાડિયું વિશ્વકોશમાં ન જઈ શક્યો તો ચોથા જ દિવસે એમનો ફોન રણક્યો. મારી તબિયતના સમાચાર તો એમને પહોંચ્યા જ હતા એટલે ફોનમાં હેતભર્યા અવાજમાં મારા ખબરઅંતર પૂછી મારી તબિયત વિશેની ઝીણામાં ઝીણી વિગતો મેળવી એમણે મને તબિયત વિશે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું. એટલું જ નહિ; ‘કોઈ તજજ્ઞ ડૉક્ટર પાસે હું તમને લઈ જાઉં’ એવાં વચનોથી એમણે મારી સાથે મારા જ પરિવારના એક વડીલ મારી ચિંતા કરતા હોય એવા ભાવ સાથે મને ભાવવિભોર કરી દીધો. એ પછી તો દર બે-ત્રણ દિવસે કશા જ કામ વગર પણ માત્ર તબિયત પૂછવા માટે તેઓ અચૂક મને ફોન કરતા અને પોતાના વ્યાપક અનુભવને કામે લગાડીને જરૂરી સૂચનો પણ કરતા રહેતા.
મને બરાબર યાદ છે તેમના આયુષ્યના 75મા વર્ષના પ્રવેશ દિવસે હું જ્યારે બપોરે તેમની ઑફિસમાં ગયો ત્યારે તેમના તરફના મારાં આદર અને શ્રદ્ધાને વ્યક્ત કરવામાં ટેકો બની રહે તે હેતુથી એક સરસ પુષ્પગુચ્છ લઈને ગયો હતો. ઑફિસમાં પ્રવેશ કર્યો ત્યારે મારા હાથમાં પુષ્પગુચ્છ જોઈને તેમના હોઠો ઉપર સૂચક સહમતીનું હાસ્ય તો હતું જ, પણ એમની આંખોમાં અણગમાનો ભાવ સ્પષ્ટ વંચાતો હતો. તેમણે પુષ્પગુચ્છ સ્વીકાર્યું તો ખરું પણ પછી તરત જ કામની વાત ઉપર આવી ગયા. મને લાગે છે કે તેઓ કમ સે કમ પોતાના પૂરતા કોઈ ઔપચારિકતામાં પડવાનું પસંદ કરતા નથી. સાચું કહું તો અનુભવે મને સમજાયું છે કે તેઓ ઔપચારિકતાના નહિ, પણ સતત ઉદ્યમના માણસ છે.
છેલ્લાં વીસેક વર્ષનો મારો સીધો અનુભવ રહ્યો છે કે, એ ઑફિસમાં પ્રવેશે અને સાંજે ઘરે જવા માટે ઑફિસમાંથી બહાર નીકળે એ દરમિયાનની પ્રત્યેક ક્ષણને તેઓ પ્રવૃત્ત રાખે છે. પોતાને પણ અને પોતાની આસપાસના સહુનો સમય પણ બરાબર ફળપ્રદ રીતે ઉપયોગમાં લેવાય તેની કાળજી રાખે છે. અલબત્ત આ બધું તેઓ ‘હળવાફૂલ’ રહીને અને આજુબાજુના માણસોને પણ ‘હળવાફૂલ’ રાખીને કરે છે એ એમના વ્યક્તિત્વની લાક્ષણિકતા છે.
એમની ‘સેન્સ ઑફ હ્યુમર’ ગજબની છે. ગમે તેવા કામના બોજા વચ્ચે કે ખૂબ અગત્યના કાર્યક્રમ પૂર્વે કે ચાલુ કાર્યક્રમે કે પછી કાર્યક્રમને અંતે – કોઈ પણ વખતે તેઓ ઊંચી કક્ષાની, સાહિત્યિક કે સાત્વિક કહી શકાય તેવી મજાક કરીને વાતાવરણને હળવાશથી તરબતર કરી દે છે.
નિયમિતતા ગજબની. આપણને સાંજે ચાર વાગ્યે મળવાનો સમય આપ્યો હોય તો એ સમય તેઓ આપણે માટે ખાલી રાખીને અચૂક આપણને મળે, આપણે અનિયમિત થઈએ તો એ એમને ન ગમે પણ પોતાનો અણગમો કે પોતાનો ગુસ્સો કે પોતાની નારાજગી તેઓ ક્યારેય જાહેર ન કરે. હા, વાંચતાં આવડે તો એમની આંખોમાં કે ચહેરાની રેખાઓમાં એ નારાજગી થોડીઘણી પકડાઈ જાય ખરી પણ સરેરાશ માણસની જેમ તેમને અસહજ થતાં કે ગુસ્સે થતાં કમ સે કમ મેં તો ક્યારેય જોયા નથી.
તેઓ વર્તમાનપત્રોના કટારલેખક તરીકે પોતાનો સમય સાચવવામાં ક્યારેય ચૂક્યા નથી. બહારગામ હોય કે નાની-મોટી બીમારીમાં હોય તોપણ તેમની કટારને એની અસર ન પહોંચવા દે. ‘ઈંટ અને ઇમારત’ જેવી અનેક વિક્રમો સર્જનારી તેમની વૈશ્વીક કટાર આજદિન સુધી ક્યારેય તેના ‘ગુરુવારનું વ્રત’ ચૂકી હોય એવું બન્યું નથી.
આ ઉપરાંત અનેક સામયિકોમાં એમનું સર્જનકાર્ય નિયમિત ચાલે. લગભગ નિયમિત સમયે તેમનાં પુસ્તકો પ્રકાશિત થતાં રહે. વિશ્વકોશ જેવી ‘ગુજરાતની જ્ઞાનદોરી’ જેવી સંસ્થાનું કુશળ વ્યવસ્થાપન, બીજી અનેક સાહિત્યિક અને સેવાભાવી સંસ્થાઓનું સક્રિય અનુસંધાન, સામાજિક અને પારિવારિક જવાબદારીઓ અને બીજું ઘણું બધું કામ આટલી ચોકસાઈ અને નિયમિતતાથી તેઓ કેવી રીતે કરી શકતા હશે તેવો મારા મનમાં ઊઠતો પ્રશ્નનો ઉત્તર આજદિન સુધી હું ખોળી શક્યો નથી.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના આટલા બધા ઍવૉર્ડ્સ તેમના નામે થયા છે પણ એમના વ્યક્તિત્વમાંથી આપણને ક્યારેય એ બધા ઍવૉર્ડ્સનો ભાર કે અણસાર વર્તાતો નથી.
તેમની અસામાન્ય પ્રતિભાની કોઈ સૌથી મોટી અસામાન્યતા હોય તો તે છે કે તેઓ હંમેશાં ‘એક સામાન્ય માણસ તરીકેની પોતાની ઓળખ’ જાળવી શક્યા છે.
તેમના વ્યવસ્થાપનની અનેક લાક્ષણિકતામાંની એક-બે લાક્ષણિકતાઓનો જિકર કરું તો કોઈ પણ કામ માટે તેને ન્યાય આપી શકે તેવા યોગ્ય માણસને ખોળી કાઢવાની તેમની છઠ્ઠી ઇન્દ્રિય આબાદ રીતે કામ કરતી રહે છે.
બીજું જે તે વ્યક્તિને જે તે કામ કે જવાબદારી સોંપ્યા પછી તેઓ ક્યારેય એમાં પોતાની કોઈ પણ પ્રકારની દખલગીરી કરતા નથી. પોતાની સાથે કામ કરનારા માણસને પસંદ કરવામાં કદાચ થોડીક વાર લગાડે, પણ એ પ્રક્રિયા પૂરી થયા પછી તેઓ જે તે વ્યક્તિને જે તે કામ કરવાની સંપૂર્ણ મોકળાશ આપે છે.
અને છેલ્લે મારો સાવ અંગત અનુભવ કે તેમના વિશેનો અભિપ્રાય લખવાનો અવિવેક કરું છું.
તેમને જ્યારે જ્યારે મળવાનું થયું છે ત્યારે ત્યારે તેમના વાતવાતમાં મળી જતા માર્ગદર્શનથી હું અનેક સંભવિત મુશ્કેલીઓથી બચી ગયો છું. તેઓ એક અદભુત ‘કાઉન્સિલર’ છે, વળી તેમની ‘ઓરા’ની ભ્રમણકક્ષાની નજીક જવાનું જ્યારે જ્યારે બન્યું છે ત્યારે ત્યારે આપમેળે જ ‘સમસ્યાઓના સમાધાન’ અને ‘શબ્દાતીત સુકુન’નો અનુભવ થયા વિના રહ્યો નથી એ અર્થમાં હું સહેજપણ અતિશયોક્તિ વગર તેમને એક ઓછા ઓળખાયેલા ‘સાધક’ કહેવાની જવાબદારીપૂર્વકની હિંમત કરીશ.
શિષ્યભાવે એમના નિરામય અને સક્રિય દીર્ઘાયુની પ્રભુપ્રાર્થના સાથે ખૂબ ખૂબ આદરપૂર્વક તેમના ચરમોમાં મારાં વંદન મૂકું છું.
જસુભાઈ કવિ
પૂર્વઆચાર્ય – અંધજન મંડળ, કવિ અને પ્રજ્ઞાચક્ષુઓના પ્રેરણાદાતા