સહુના પરમ સ્નેહી

શ્રી હિના શુક્લ :
મારા (હિનાના) પિતાશ્રી ધીરુભાઈ ઠાકરનો કુમારપાળભાઈના પિતાશ્રી જયભિખ્ખુ સાથેનો નાતો-ઘરોબો મારા જન્મના દાયકાઓ પહેલાંનો રહ્યો છે. હું જ્યારથી સમજણી થઈ ત્યારથી બાલાકાકા (જયભિખ્ખુ), જયાકાકી અને કુમારપાળભાઈનું સ્મરણ છે. ધીરુભાઈ બાલાકાકાથી દસેક વર્ષ નાના. બંને વચ્ચે ખૂબ પ્રેમભર્યા મૈત્રીપૂર્ણ મધુર સંબંધો રહ્યા. જયાકાકી અને મારાં માતા ધનુબહેન વચ્ચે પણ આત્મીયતા હતી.

નાનપણની મીઠી યાદોમાં ઉનાળા-દિવાળીનાં વૅકેશનોમાં મોડાસાથી અમદાવાદ આવીએ ત્યારે બાલાકાકા-જયાકાકીનું પ્રેમભર્યું આતિથ્ય અચૂક માણવા મળતું તેનું સ્મરણ છે. સારા-નરસા પ્રસંગોએ બાલાકાકા-જયાકાકીના સાથ, માર્ગદર્શન, હૂંફ ભાઈને અને કુટુંબને મળતાં રહ્યાં છે. ભાઈ મોડાસાથી જ્યારે પણ અમદાવાદ કૉલેજના કામ માટે આવે ત્યારે તેઓ મોટા ભાગે બાલાકાકાને ત્યાં જ રહેતા. બાલાકાકાનો પ્રેમ એવો કે મમતાથી રાત્રે ખસી ગયેલું ઓઢવાનું પણ ખાસ ઊઠીને ભાઈને ઓઢાડી આપતા. આવા પ્રેમાળ બાલાકાકાએ અચાનક ૧૯૬૯માં વિદાય લીધી. તેમની વિદાય મારા પિતાશ્રી માટે બહુ કપરી રહી. મોડાસામાં અર્ધી રાતે મેં તેમને બાલાકાકાની યાદ આવતાં ઊંઘમાં રડતા જોયા છે.

પ્રભુ મહાવીરસ્વામીના જેમના પર આશિષ છે, પિતાનું ઐશ્વર્ય અને માતાની કોઠાસૂઝ જેમને મળેલ છે તેવા કુમારપાળભાઈએ આ પ્રેમભરી મૈત્રીનો વારસો બખૂબી જાળવી રાખ્યો છે. મારાં નાનપણનાં સ્મરણોમાં અમદાવાદ હોય કે મોડાસામાં કુમારપાળભાઈનો પ્રસન્નચિત્ત ચહેરો, વાંકડિયા વાળ, રમૂજી વાતો અને વડીલો સાથેનું વિવેકપૂર્ણ વર્તન આજે પણ યાદ આવે છે. પ્રસંગો તો સ્મૃતિપટ પર ઘણા જ ઊભરે છે. કુમારપાળભાઈ પૂ. ભાઈની દરેક માંદગી વખતે સતત હાજર રહેતા તેનું વિશિષ્ટ સ્મરણ છે. અમને તેનાથી ઘણી હૂંફ મળતી. પૂ. ભાઈ પણ માંદગી દરમિયાન કુમારપાળભાઈને યાદ કરે અને તેમની હાજરીથી ઘણી રાહત અનુભવતા મેં જોયા છે. બાલાકાકાના અવસાન પછી એક વાર પૂ. ભાઈની તબિયત મોડાસામાં અચાનક ખૂબ બગડી. તેમને ઍમ્બ્યુલન્સમાં અમદાવાદ લાવવા પડેલા ત્યારે જયાકાકી-કુમારપાળભાઈ-પ્રતિમાભાભીએ કાળજીપૂર્વક ધ્યાન રાખ્યું અને ચંદ્રનગર એમના ઘરે પ્રેમપૂર્વક રાખ્યા હતા. પ્રતિમાભાભીનો સ્વભાવ પણ ખૂબ પ્રેમાળ. હમેશાં બધાની ઝીણવટથી કાળજી રાખે. સાલસ સ્વભાવનાં ભાભીને કોઈ મોટપ નહીં. કર્તવ્યનિષ્ઠ તેઓ બધામાં સમાસ કરી જાણે છે.

મારાથી 14-16 વર્ષ મોટા બે ભાઈઓ. 1941 માં જન્મેલા ભરતભાઈ અને 1943 માં જન્મેલ દિલીપભાઈ. અને 1942 માં જન્મેલ ત્રીજા માનેલા ભાઈ કુમારપાળભાઈ. આજે મારા 65મા વર્ષે પણ તેમને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા ચંદ્રનગર જાઉં છું. તેમની પણ નાની બહેન તરીકેની લાગણી-સંભાળ સતત અનુભવતી રહું છું.

*

શ્રી નીતિન શુક્લ :
હું (નીતિન) કુમારપાળભાઈને પ્રથમ વાર મળ્યો એમના લેખોના માધ્યમથી. ક્રિકેટના આગવી રીતે છણાવટ કરતા તેમના લેખો-કૉલમો ધ્યાનપૂર્વક વાંચતો. મિત્રો સાથે એમના લેખો-કૉલમોની ચર્ચા પણ થતી. કોઈ પણ કામને ‘હટ કે’ કરવાની, એક જુદા અંદાજથી કરવાની, એમની સૂઝ નિરાળી છે. મને લાગે છે કે તેઓ સતત એમના વાચકને નજર સામે રાખતા હશે. તેઓ માત્ર નિજાનંદે લખવા કરતાં એમના વાચકને શું અપીલ કરશે, એમનો વાચક શું ઇચ્છે છે, એને શેની ભૂખ છે, તે નજરઅંદાજ નહીં થવા દેતા હોય. જો તેઓ કૉર્પોરેટ વર્લ્ડમાં આવ્યા હોત તો નિરમાના મુરબ્બી કરસનભાઈ પટેલ કે એપલના સ્ટીવ જોબ્સ જેવા માર્કેટિંગ જિનિયસ થયા હોત! તેમના લેખોની જેમ તેમના નામથી પણ હું પ્રભાવિત થયો હતો. તમે કોઈએ ‘કુમારપાળ’ નામ બીજા કોઈનું સાંભળ્યું છે (ઇતિહાસ સિવાય) ?!? એવું જ ‘જયભિખ્ખુ’ નામ. બન્ને નામો અર્થસભર, આપણી સંકૃતિનાં દ્યોતક અને છતાં નાવીન્યપૂર્ણ.

*

અમારું વેવિશાળ (સગપણ) વિધિ થઈ સુરત શહેરમાં. ઑક્ટોબરની બીજી તારીખ 1976 શનિવારે. મારાં માતુશ્રી-પિતાશ્રી તે સમય દરમિયાન સુરત રહેતાં હતાં. હું Instrumentation Ltdમાં કોટા-રાજસ્થાન ખાતે કાર્યરત હતો. મારાથી બે-ત્રણ દિવસ માટે જ આવી શકાય તેમ હતું. ધીરુભાઈ મોડાસા કૉલેજ સંકુલના વડા-આચાર્ય તરીકે કાર્યરત હતા. માત્ર છ વ્યક્તિઓ વેવિશાળ માટે સુરત આવેલ તેમાંના એક કુમારપાળભાઈ હતા. તેઓ સતત આ પ્રસંગ દરમિયાન અમારી સાથે રહ્યા અને એમની માનેલી બહેનની વેવિશાળ વિધિ સારી રીતે પૂરી થઈ એમાં સહભાગી થયા.

આગળ ઉલ્લેખ કર્યો છે તેમ ભાઈની દરેક માંદગી વખતે કુમારપાળભાઈ સતત કાળજી રાખતા સાથે રહ્યા. અમે 1980 ના દાયકામાં લગભગ દસેક વર્ષ દિલ્હી રહ્યાં. તે દરમિયાન ભાઈ ચાર વખત હૉસ્પિટલમાં દાખલ કરવા પડે તેટલા માંદા પડી ગયેલ. અમે દિલ્હીથી અમદાવાદ પહોંચીએ ત્યાં સુધી કુમારપાળભાઈ અને પ્રતિમાભાભી સંપૂર્ણ ધ્યાન રાખશે તેની મોટી ધરપત રહેતી.

ગુરુ-શિષ્ય(ધીરુભાઈ-કુમારપાળભાઈ)ની જુગલબંધી જોરદાર હતી ! બન્નેની આગવી વિનોદ-વૃત્તિ (sense of humour) વાત્સલ્ય-સૌહાર્દ-આદરસભર રહેતી. બન્નેને એકબીજા માટે પ્રેમ, માન અને આદર, જેમાંથી જીવન પર્યંત બેમાંથી કોઈ ચૂક્યું નથી તેના સાક્ષી અમે રહ્યા છીએ. ભાઈ મોડાસા કૉલેજથી નિવૃત્ત થયા પછી એમની જિંદગીની ત્રણ પ્રમુખ અગ્રક્રમતા (priorities) હતી વિશ્વકોશ, વિશ્વકોશ અને વિશ્વકોશ. કુમારપાળભાઈ ભાઈથી પૂરા 25 વર્ષ નાના. સ્વાભાવિક રીતે તેમની બીજી પ્રવૃત્તિઓ હોય. જૈન સમાજની, દેશ-વિદેશ પર્યુષણ વ્યાખ્યાનમાળાઓની; ઉપરાંત ભાષભવન, અધ્યાપન, અધ્યયન, છથી સાત કૉલમ-લેખન વગેરે. કુમારપાળભાઈને આવાં કામો ભેગાં થઈ ગયાં હોય (bunching of assignments) ત્યારે ભાઈ અને કુમારપાળભાઈ વચ્ચેના સંવાદોને સાંભળવો એક લહાવો રહેતો. હસી ન પડાય એની કાળજી રાખવી પડતી, કેમ કે બન્ને શબ્દોના માલિક અને પ્રેમ-આદરના સંબંધો. ગાંધીજી અને ઘનશ્યામદાસ બિરલાજી [GDબાબુ] વચ્ચેના ગાંધીજીની અનેક પ્રવૃત્તિઓ માટે જોઈતા ફંડ-ફાળા માટે ચાલતી મીઠી વાટાઘાટોની ઝાંખી થઈ જાય. અમને ખાતરી છે કે કુમારપાળભાઈએ એમની અન્ય ધમધોકાર ચાલતી પ્રવૃત્તિઓને વિશ્વકોશ માટે અને ભાઈની લાગણીને માન આપીને સંકોરી હશે.

કુમારપાળભાઈ અડધા ગામને ઓળખે (અર્થાત્ પરસ્પર ઓળખે); બીજું અડધું ગામ કુમારપાળભાઈને ઓળખે. કુમારપાળભાઈની આ સર્વ-માન્યતા અને એમના તરફનો મહાજન-શ્રેષ્ઠીઓનો માન-આદર વિશ્વકોશને સતત આજ સુધી ઉપયોગી રહ્યાં છે, પણ સહુથી વિશેષ કરીને વિશ્વકોશનાં શરૂઆતનાં દસ-પંદર વર્ષ ખૂબ ઉપયોગી રહ્યા. ભાઈને વિશ્વકોશ માટે આ અંગે કોઈ ચિંતા ન રહી. આવા સંકડામણના પ્રસંગોએ ભાઈ કહેતા: “કુમારપાળ છે ને? એ બધું ગોઠવી લેશે”. આ નાનીસૂની વાત નથી. વિશ્વકોશની સાવ શરૂઆતથી ગણતરી કરીએ તો 14 મુખ્યમંત્રીઓના શાસન દરમિયાન બીજ રોપાયા અને આજે આ વિશાળ વડલો બન્યો છે. શરૂઆતના ગાળામાં એકાદ મુખ્યમંત્રી વિરુદ્ધ હતા, કેટલાક “મહેતાજી ન મારે, ન ભણાવે” પ્રકૃતિના હતા. વિશ્વકોશે કોઈ સરકારી માણસ બોર્ડ ઉપર પણ ન જોઈએ તેવો પાકો નિર્ધાર કરેલો. અને સફળતાથી અમલમાં મૂક્યો. રેતીમાં વહાણ ચલાવવાના હતા ત્યારે, અસ્તિત્વની કટોકટી (existentialcrisis) ના સમયે આ ધરપત હોવી એ બહુ મોટી વાત છે. આ સમગ્ર પરિસ્થિતિને “ઘાયલ કી ગત ઘાયલ જાને” ના ન્યાયે સમજાવવી થોડી અઘરી છે.

*

હું 50 વર્ષ પહેલાં મિકૅનિકલ એન્જિનિયર થયો, નોકરીએ લાગ્યો અને 6 વર્ષ પહેલાં નિવૃત્ત થયો. એ દરમિયાન અત્યાર સુધીમાં મેં 10 અલગ અલગ કંપનીઓમાં નોકરી કરી. નસીબયોગે એક વખત એમ બન્યું કે સદ્ભાવના(GoodFaith)થી કાર્ય કરેલ છતાં એક કંપનીના મુખ્ય માણસો સાથે ગેરસમજ થઈ અને બન્ને પક્ષે મન ખાટું થઈ ગયું. એ ખબર પડતાં કુમારપાળભાઈએ એમના અંગત સંબંધોને કાર્યરત કર્યા અને બહુ ટૂંક સમયમાં હું અન્ય જગ્યાએ સારી રીતે ગોઠવાઈ ગયો. (ત્યાર બાદ થોડા સમય પછી ગેરસમજ થયેલી એ કંપની સાથે સંબંધો સામાન્ય થયા; ત્યાંથી નીકળવું અને નવી કંપનીમાં જોડાવું એ પ્રછન્ન વરદાન (blessings in disguise)પુરવાર થયું: પણ એ થઈ આડ વાત) કુમારપાળભાઈએ આ બાબતનો એ વાતને દાયકાઓ વીતી ગયા પણ એ દરમિયાન એનો ઈશારો સુધ્ધાં નથી કર્યો, એટલું જ નહીં પણ એકાદ વાર મેં ઉલ્લેખ કર્યો ત્યારે જાણે આવું કશું બન્યું જ ન હોય, એમને સંપૂર્ણ વિસ્મૃતિ થઈ ગઈ હોય તેવી નિસ્પૃહતા દેખાડેલી. ફરી એક વાર સલામ સાહેબ, અને અંત:કરણ પૂર્વક આભાર. કહ્યું છે ને કે:

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું શયદા સહેલ નથી,
હું આમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું

*

શ્રી નીતિન શુક્લ અને હિના શુક્લ

નીતિન શુક્લ : પૂર્વ સીઈઓ સેલ હજીરા અને ટ્ર્સ્ટી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
હિના શુક્લ : ‘વિશ્વવિહાર’ના લેખિકા, વિશ્વકોશ લલિત કલાકેન્દ્રના આયોજક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑