અહિંસાને વરેલા અજાતશત્રુ

સમયના પ્રવાહમાં ઊગવું, વહેવું ને આથમવું એ જીવનનો એક નિશ્ચિત ક્રમ છે. આ ઉપક્રમને ડૉ. કુમારપાળ દેસાઈસાહેબે બરાબર પિછાણ્યો છે. ઊગતા રહેવું અને એકધારું વહેતા રહેવું જરા કપરું કામ છે. પરંતુ કુમારપાળભાઈની જીવનધારામાં જરા ધ્યાનથી નજર કરીએ તો ક્યાંય પણ ડહોળાયા વિના સતત નિર્મળ રહીને વહ્યા કર્યા છે. જીવનની સમી સાંજે એમને કેટલુંક સત્ય સમજાઈ ગયું છે અને એટલે જ કવિ રોબર્ટ ફ્રોસ્ટની પેલી પંક્તિઓને યાદ કરીને ‘…and miles to go befor I sleep and…’ વાળી વાતને વળગી રહીને કશુંક જબરદસ્ત રીતે કામ કરી જવા મથી રહ્યા હોય એમ દેખાઈ રહ્યું છે.

આ દેસાઈસાહેબને ક્યારેય ફુરસદ તો હોય જ નહીં અને છતાં ક્યાંય કોઈ ઉતાવળ નહીં, નરી ઠાવકાઈથી, ખંત અને ધીરજ ધરી હૈયે હામભરી પૂરી નિષ્ઠાથી આત્મવિશ્વાસ સાથે ધીમી ગતિએ પોતાનું ધાર્યું કામ પાર પાડે. એક સફળ વ્યક્તિત્વની આ ઉમદા લાક્ષણિકતા છે. કોઈ એક શિક્ષણવિદ – સાહિત્યકાર-સંશોધકે ગાલ્લું ભરીને અનેકવિધ કાર્યો હાથ ધર્યાં હોય તો એ સંનિષ્ઠ વ્યક્તિ છે કુમારપાળ દેસાઈ.

નવગુજરાત કૉલેજનો વર્ગખંડ હોય કે મલ્ટિકોર્સ એકૅડેમીમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓ હોય કે પછી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ હોય – કુમારપાળ પૂરી શ્રદ્ધા ને લગનથી એકધારું કામ કરનારા નિષ્ઠાવાન સૈનિક છે. ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાભવનના એક સંનિષ્ઠ પ્રાધ્યાપક તરીકે એમણે વિદ્યાર્થી આલમના ઘડતરનું અને મૂલ્યનિષ્ઠા સાથે સંસ્કારસિંચનનું જે કામ કર્યું છે એ વૈયક્તિક નિષ્ઠા નોંધપાત્ર છે. તેઓ ભાષાભવનના અધ્યક્ષ અને ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફૅકલ્ટીના ડીનનું સ્થાન શોભાવી ચૂક્યા છે. આમ છતાં ક્યાંય કોઈ વાદ નહીં, વિવાદ નહીં. અમે અનેક વિદ્યાર્થીમિત્રો એમને ‘અજાતશત્રુ’ કહેતાં ગૌરવ અનુભવતા.

મુ. ડૉ. ધીરુભાઈ ઠાકરસાહેબે ‘આનંદઘન’ પર કામ કરાવતાં કરાવતાં પોતાના આ શિષ્યનું હીર પારખી લીધું હતું. એથી જ તો ગુજરાતી ભાષાના એન્સાઇક્લોપીડિયા તૈયાર કરતી વિશ્વકોશ સંસ્થાની રાહબરી માટે પોતાના ઉત્કૃષ્ટ અનુગામી તરીકે આ કુમારપાળ ઉપર પસંદગી ઉતારી. હા, આ શિષ્ય ગુરુ કરતાં સવાયા સાબિત થાય એ ન્યાયે યથાર્થ પુરવાર થયા.
ડૉ. કુમારપાળ દેસાઈની કોઠાસૂઝ અને ધ્યેયલક્ષી કર્તવ્યનિષ્ઠા તથા સહુને સાથે લઈને ચાલવાની એમની ભાવના થકી આજે ગુજરાત વિશ્વકોશ સંસ્થા એક કાર્યશીલ, જીવંત સંસ્થા તરીકે ગુજરાતી આલમમાં જગપ્રસિદ્ધ બની છે. ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ દ્વારા આપણી માતૃભાષાના સંવર્ધનનું અને વિશ્વજ્ઞાનનું ગુજરાતીમાં અવતરણ કરાવવાનું જે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે એ બેનમૂન છે.

કુમારપાળ દેસાઈ એક અચ્છા ‘કલમખેડુ’ છે. દરરોજ વહેલી સવારથી કાગળ પર કલમ વડે સાહિત્યનું ખેતર ખેડવાનું કામ વર્ષોથી કર્યે જ જાય છે. એનું પરિણામ એ આવ્યું છે કે ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં પિતા જયભિખ્ખુની 1954માં શરૂ થયેલી ‘ઈંટ અને ઇમારત’ કૉલમ કુમારપાળભાઈની કલમે આજે 2023માં ચાલુ છે અને પિતા-પુત્રની આ કૉલમે 70 વર્ષ પૂરાં કર્યાં.
આ કૉલમમાં વિચારોનું સાતત્ય અને ઘટનાબદ્ધ ઉદાહરણો દ્વારા પ્રજામાનસનું જે ઘડતર થાય છે એ થકી સૌથી વધુ વંચાતી દીર્ઘ કૉલમ તરીકે અનેક રેકૉર્ડ પ્રસ્થાપિત થયા છે. આજે આ લેખ લખું છું એ જ દિવસે કુમારપાળ દેસાઈની કલમે આ કૉલમમાં લખાયેલી એક ડૉક્ટરની માનવતાને મહેકાવતી અનોખી ‘સર્જિકલ સ્ટ્રાઇક’માં માનવતાની મહેક મોહરી ઊઠી છે. (તા. 29 જૂન, 2023, ‘ઈંટ અને ઇમારત’, ‘ગુજરાત સમાચાર’) વર્તમાનપત્રની એક કૉલમ પિતાને પગલે ચાલીને સિતેર વર્ષની મજલ કાપે એ અનોખી સિદ્ધિ નહીં તો બીજું શું ?

એક સમયે કુમારપાળભાઈ ક્રિકેટજગતના અચ્છા ક્રિટીક હતા. ટેલિવિઝનના ક્લોઝ શોટ્સ વિનાની એ ક્રિકેટની રમત વિશેનું એમનું સૂક્ષ્મ અવલોકન ઊડીને આંખે વળગતું. ખેલાડીઓની રમતની ખૂબીને કયા દૂરબીનથી એ જોતા હશે એ તો એમને જ પૂછવું રહ્યું. ક્રિકેટની મૅચોના રેકૉર્ડ્ઝની જાળવણી અને ક્રિકેટજગતના માંધાતા ખેલાડીઓ સાથેનો એમનો ઘરોબો કાબિલેદાદ માંગી લે છે.

જૈન ધર્મ પ્રત્યેનો એમનો અનુરાગ ગળથૂથીમાં. તેઓ જૈન ધર્મનું તત્વદર્શન સમજાવે ત્યારે મહારાજસાહેબ પણ એક ચિત્તે એમનાં અર્થઘટનોને સાંભળે. પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં એમનાં વ્યાખ્યાનોનો ઉપક્રમ દેશ-વિદેશમાં એમની ખ્યાતિ પ્રસરાવે એ સ્વાભાવિક છે. એમણે જૈન જીવન દર્શનને પોતાના જીવન સાથે સાંગોપાંગ વણી લીધું છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. એના ભારતના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે મહામૂલી હસ્તપ્રતોના સંવર્ધનનું અને આ વિદ્યાના પ્રચાર-પ્રસારનું ભગીરથ કાર્ય એમણે હાથ ધર્યું છે. એ થકી અનેક યુવાનોને એમણે હસ્તપ્રતો ઉકેલતા કર્યા છે.

એ જ રીતે કુમારપાળે તાજેતરમાં ગુજરાતી લૅક્સિકન સાથે જોડાણ સાધ્યું છે. પિસ્તાળીસ લાખ શબ્દો ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ ઑનલાઇન શબ્દકોશ ‘ગુજરાતી લૅક્સિકન’ તરતો મૂકીને ઑનલાઇન રહેતી આવનારી યુવાપેઢીની બહુ મોટી સેવા કરી છે.

સમય સાથે કદમ મિલાવવા એ એમની તાસીર રહી છે. એથી જ ગુજરાત વિશ્વકોશના ઉપક્રમે દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપે વ્યાખ્યાનશ્રેણીઓનું આયોજન એમની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. આજે અનેક ગુજરાતીઓ ગુજરાત વિશ્વકોશની પ્રવૃત્તિમાં સેવાવૃત્ત થયા છે. તેનું કારણ કુમારપાળભાઈનું ચુંબકીય આકર્ષણ છે. એમનો સ્વભાવ અને સહુની પાસેથી કામ લેવાની પ્રેમાળ શૈલી તથા નિસ્વાર્થ ઉષ્માસભર વાણી-વ્યવહાર ને પ્રસન્ન વ્યક્તિત્વ એમની કાર્યપ્રણાલીનું જમા પાસું છે.

કુમારપાળભાઈની સર્જનશીલતા, વિવેચન, સંશોધન, સાત્વિક શિષ્ટ અને મૂલ્યલક્ષી લેખન માટે તેઓ અનેક ઍવૉર્ડ્ઝને પાત્ર ઠર્યા છે. ભારત સરકાર તરફથી પદ્મશ્રીનું સર્વોત્કૃષ્ટ સન્માન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને હસ્તે પામ્યા છે. 16 નવેમ્બર, 2022માં બ્રિટનની પાર્લમેન્ટના વિલ્સન હૉલમાં મિનિસ્ટર ઑફ ફેઇથ મિસ બેરોનેસના હસ્તે આંતરરાષ્ટ્રીય ‘અહિંસા ઍવૉર્ડ’ એનાયત થયો. એ દર્શાવે છે કે સાચા આર્થમાં અહિંસાને વરેલા એ કુમારપાળ દેસાઈ ‘અજાતશત્રુ’ છે.

ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ

ભારતીય સંસ્કૃતિના અધ્યાપક, પૂર્વ આચાર્ય. એચ. કે. આર્ટ્સ કોલેજ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑