ઇસ્લામમાં ‘મુકમમિલ ઇન્સાન’ શબ્દ એવી વ્યક્તિ માટે વપરાયો છે, જે મૂલ્યનિષ્ઠ જીવનને વરેલી હોય. જે ધાર્મિક હોય પણ ધર્માંધ ન હોય. સૂફી પરંપરામાં પણ સૂફીસંતોનાં જે લક્ષણો વ્યક્ત થયાં છે, તેમાં સાદગી, શુદ્ધ ચરિત્ર, આચારવિચારમાં સમાનતા, ભક્તિ, નિસ્વાર્થતા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ કેન્દ્રમાં છે. એ જ રીતે જૈન ધર્મમાં પણ સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ વાણી અને સમ્યક્ ચારિત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ તમામ ગુણોનો સમન્વય એટલે ડૉ. કુમારપાળ દેસાઈ એમ કહું તો કદાચ આપને અતિશયોક્તિ કે ખુશામત લાગશે, પણ એવું નથી. અમારા વ્યવહારમાં માત્ર માનવી માનવી વચ્ચેનો નિર્મળ પ્રેમ જ વ્યક્ત થાય છે. અમારા આવા પવિત્ર સંબંધો એકાદ બે વર્ષના નહીં, પણ ત્રીસ વર્ષ જૂના છે.
કુમારપાળભાઈના નામથી તો હું વર્ષોથી પરિચિત હતો. કૉલેજકાળમાં જયભિખ્ખુસાહેબનું કૉલમ ‘ઈંટ અને ઇમારત’ નિયમિત વાંચતો. એ પછી એ કૉલમના લેખક તરીકે મેં કુમારપાળભાઈને પણ વર્ષો સુધી માણ્યા છે. પણ અમારો સીધો પરિચય તો ભાવનગરના મુસ્લિમ સમાજના એક ઇનામવિતરણ કાર્યક્રમને કારણે થયો. એક દિવસ કાર્યક્રમના આયોજકો મને મળવા મારી ઑફિસે આવ્યા અને મને વિનંતી કરી કે, ‘દેસાઈસાહેબ, અમારી ઇચ્છા કાર્યક્રમમાં મા. કુમારપાળ દેસાઈને બોલાવવાની છે. આપ જો તેમને અમારા વતી વિનંતી કરો અને તે આવે તો અમારા કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જાય.’ હું તેમની વાત મનોમન સાંભળી રહ્યો અને મનમાં વિચારી રહ્યો હતો કે કુમારપાળભાઈ સાથે મારે કોઈ જ પરિચય નથી. હું તેમને કેવી રીતે વિનંતી કરી શકું અને આ સજ્જનો મારા પર મદાર માંડીને બેઠા છે. છતાં મેં તેમને મારી દ્વિધા કળવા ન દીધી અને કહ્યું, ‘સારું, હું પ્રયત્ન કરીશ.’
એક સવારે કુમારપાળભાઈનો લૅન્ડલાઇન નંબર શોધી મેં તેમને હિંમત કરી ફોન કર્યો.
‘હલ્લો, હું ભાવનગરથી મહેબૂબ દેસાઈ બોલું છું. ભાવનગર વિશ્વ વિદ્યાલયમાં અધ્યાપક છું. આપની સાથે બે પાંચ મિનિટ વાત કરી શકું ?’
‘બોલો બોલો મહેબૂબભાઈ, કેમ છો ? આપણે મળ્યા નથી પણ તમારા નામથી પરિચિત છું.’ આવો પ્રેમાળ પ્રતિભાવ સાંભળી મારો માનસિક ભાર થોડો હળવો થયો અને મેં તેમને કાર્યક્રમની વિગતો આપી અને કહ્યું, ‘આપ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે પધારો એવી વિનંતી છે. કાર્યક્રમની તારીખ આપ જે કહેશો તે રાખીશું.’
‘ચોક્કસ આવીશ. પણ મને એકાદ દિવસનો સમય આપો. હું મારી અનુકૂળતા જોઈ તમને તારીખ જણાવીશ.’
‘આપનો ખૂબ ખૂબ આભાર’ એમ કહી અમે વાત પૂરી કરી.
કુમારપાળભાઈ એ કાર્યક્રમમાં ભાવનગર સુધી આવ્યા અને સાચ્ચે જ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા. વિદાય સમયે આયોજકોએ તેમને આપવા માટે પુરસ્કારનું કવર મને આપ્યું. મેં રસ્તામાં ચાલતાં ચાલતાં તેમને આપતાં કહ્યું, ‘સર જી, આપના આવનજાવન ખર્ચ અને પુરસ્કારની અલ્પ રકમ છે.’
તેમણે એક નજર મારા તરફ કરી. પછી ચહેરા પર મીઠું સ્મિત પાથરતાં કહ્યું,
‘મહેબૂબભાઈ, આની જરૂર નથી.’
‘સર જી, આયોજકોએ પ્રેમથી આપને આપ્યા છે. ના ન પાડશો.’
એમણે પોતાની કારના દરવાજા પાસે પહોંચી કવર મને પરત કરતાં કહ્યું,
મહેબૂબભાઈ, બસ હવે કશું ન બોલશો. કાર્યક્રમના બહાને આપને અને આપના સમાજને મળવાની મને તક મળી છે. વળી, આવા કાર્યક્રમોના આયોજનની આર્થિક સમસ્યાઓથી હું વાકેફ છું.’ અને મારો હાથ તેમના હાથમાં લઈ સસ્મિત સહેજ દબાવી તેઓ કારમાં બેસી ગયા. અને હું એમને સદ્ભાવનાથી ભીંજાયેલી આંખે જોઈ રહ્યો.
આવો જ એક અન્ય પ્રસંગ યાદ આવે છે. 5 ફેબ્રુઆરી, 2001ના રોજ ઈશ્વર-ખુદાની કૃપાથી મને અને સાબેરાને હજયાત્રાએ જવાનો અવસર સાંપડ્યો. એ યુગમાં પૈસાની તાણ. હજયાત્રા માટે દોઢ લાખ ભેગા કરવાના હતા. તેથી મેં સ્વજનો, મિત્રો અને મારા પીએફમાંથી લોન લેવા સુધીના પ્રયાસો આરંભી દીધા. એ વખતે કુમારપાળભાઈ દેસાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ અને ભોળાભાઈ પટેલ પ્રમુખ. મારા એક પુસ્તકને અકાદમીની સહાય મળેલ. પુસ્તક છપાઈ ગયું. અકાદમીને મોકલી આપ્યું છતાં હજુ સહાયની રકમનો ચેક મળ્યો ન હતો.
કુમારપાળભાઈ સુધી મારી હજયાત્રા અને નાણાભીડની વાત કેવી રીતે પહોંચી તે તો મને ખબર નથી. પણ એક દિવસ કુમારપાળભાઈનો મારા પર ફોન આવ્યો.
‘મહેબૂબભાઈ, કેમ છો મજામાં ને ?’
‘મજામાં છું સર જી.’
‘હજયાત્રાએ જાવ છો તો અમારા માટે પણ પ્રાર્થના કરજો.’
‘ચોક્કસ સર જી.’
‘અને હા, આજે જ તમારો ચેક પોસ્ટ કરી દીધો છે. એકાદ બે દિવસમાં તમને મળી જશે. ક્યારે નીકળવાના છો ?’
‘5 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવીશ અને 10મીએ બપોરે ફ્લાઇટ છે.’
‘મારી આપ બંનેને શુભેચ્છાઓ છે.’ અને તેમનો ફોન મૌન થઈ ગયો.
આવા ગુણીજન કુમારપાળ દેસાઈસાહેબ સાથે છેલ્લે તેમને કોઈક ઍવૉર્ડ માટે અભિનંદન આપવા મેં ફોન કર્યો અને કહ્યું, ‘સર જી, હજુ કેટલા ઍવૉર્ડ લેવા છે. કોઈકના માટે કંઈક તો રહેવા દો.’
અને ત્યારે તેઓ એટલું જ બોલ્યા, ‘મહેબૂબભાઈ, મેં ક્યાં ક્યારેય કશું કોઈની પાસે માંગ્યું છે. જે કંઈ મળે છે તે ઈશ્વરની કૃપા સમજી સ્વીકારી લઉં છું.’
આવા સૂફીજન ડૉ. કુમારપાળ દેસાઈસાહેબને મારા સો સો સલામ.
મહેબૂબ દેસાઈ
અધ્યાપક, ઇતિહાસવિદ્ અને ઇસ્લામ ધર્મના વિચારક