મોટા આયોજક, સફળ સંયોજક

મુ. કુમારપાળભાઈ દેસાઈને પ્રત્યક્ષ મળવાનું પ્રથમ વાર બન્યું તેઓ પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મ વિશે લોકભારતી સણોસરામાં વ્યાખ્યાન આપવા આવ્યા ત્યારે. તેમનું વક્તવ્ય અભ્યાસપૂર્ણ હતું. પરંતુ સૌને યાદ રહી ગયું બીજું વ્યાખ્યાન – ક્રિકેટની રોમાંચક ઘટનાઓને વર્ણવતું. સૌએ એમને ભરપૂર માણ્યા હતા. આમ પણ તેઓ કાયમ રસપૂર્ણ બોલવા ટેવાયેલા છે.

હું અમદાવાદમાં આવ્યો (2003) અને થોડા વખતમાં તેમની દરખાસ્ત આવી કે મારે વિશ્વકોશમાં વહીવટકાર તરીકે જોડાવું. મારા સંજોગોને કારણે હું તેમની અને આદરણીય ધીરુભાઈ ઠાકરની વાત સ્વીકારી ન શક્યો, પરંતુ એ દરમિયાન તેમની અને આદરણીય ધીરુભાઈ સાથે નિકટ આવવાનું બન્યું. ગુજરાત યુનિવર્સિટીમાં તેમની પાસે ભણેલા વિદ્યાર્થીઓ તેમને વિશે જે આદરપૂર્વક વાત કરતા તે જોઈને કુમારપાળભાઈ કેવા ઉત્તમ અને અભ્યાસી શિક્ષક છે.

તેનો પરિચય મળતો. કુમારપાળભાઈની જે કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ મારા ધ્યાન પર આવી તેની વાત કરવી વધુ પ્રસ્તુત થશે.

(1) કુમારપાળભાઈ કોઈ બાબતમાં અસહમત હોય તોપણ એને આકરી રીતે ન કહે. સામો માણસ વિચારતો થાય એવો એમનો પ્રયત્ન હોય છે. છતાં ક્યારેક એવું બને કે વાત સામેનાને સમજાતી ન હોય અને બગડતી લાગે તો તેઓ વાતનો બંધ વાળી દે – મુલતવી રાખે. વળી થોડા જણ મિટિંગ રૂપે બેઠા હોય કે કોઈ વાતમાં નિર્ણય આપવાનો હોય ત્યારે તેઓ હસતાં હસતાં ‘આ કાંઈ બરાબર બેસતું નથી, પછી વિચાર કરીશું’ એવું કહીને વાતને બાજુ પર મુકાવી દે. સહકાર્યકર સમજી જાય કે હવે આ બાબતને હમણાં ઉખેળવાની જરૂર નથી. બધું શાંત રીતે પૂરું થઈ જાય. શાંતભાવે ના પાડવાની તેમને ફાવટ છે.

(2) કુમારપાળભાઈ મોટા વ્યવસ્થાપક છે. પ્રધાનો, ધર્મગુરુઓ, મહાજનો, દાતાઓ, વિશ્વકોશમાં મદદરૂપ થનારા વિદ્વાનો – સૌને તેઓ સાચવી શકે છે. સૌની મર્યાદાઓ જાણતા હોય પણ એ વિશે હરફ ભાગ્યે જ કાઢે. કોઈક વાર વાતવાતમાં કોઈની મર્યાદાનો ઉલ્લેખ થઈ જાય તો પછી વિશેષતાની વાત કરીને વાતને વાળી લે. કારણ કે તેઓ વ્યક્તિને નહિ, પણ ઉદ્દેશને મહત્ત્વનો ગણે છે. કોનો ક્યાં ઉપયોગ કરવો, તેમની શક્તિઓને હેતુ માટે કેમ ક્યાં યોજવી તેની તેમનામાં ભારે કોઠાસૂઝ છે. એટલે પરસ્પર વિરોધી અભિગમવાળા પાસેથી પણ તેઓ કામ લઈ શકે છે. મર્યાદાઓ દરેકની હોવાની, પણ દરેકમાં રહેલી વિશેષતાઓને સંકોરવાનું તેઓ સારી રીતે જાણે છે. એથી અનેક લોકોનો સાથ-સહકાર મેળવી શક્યા છે.

(3) કુમારપાળભાઈમાં કદર કરવાની ખાસ આવડત છે. તેઓ સૌની ઉદારભાવે પ્રશંસા કરી શકે છે – કામ ભલે નાનું કે પ્રાસંગિક હોય, તેઓ પ્રશંસા એવી રીતે કરે કે વ્યક્તિને પ્રોત્સાહન મળે, પણ અતિશયોક્તિથી દૂર રહે. એટલે પછી કરેલું વિધાન બદલવાની જરૂર ન પડે. આમ પણ તેઓ જૈન ધર્મના અનેકાંતવાદ અને સ્યાદવાદમાં માનનારા છે. એટલે ભિન્ન અભિપ્રાયથી અકળાતા નથી અને વ્યક્તિ સાચો પણ હોઈ શકે છે એ તક ખુલ્લી રાખે છે. એટલે તેમના મિત્રો અને શુભેચ્છકોમાં વધારો થાય છે, પણ ઘટાડો નહિ.

(4) જેમ સંસ્થા મોટી અને વૈવિધ્યભરી હોય તેમ તેના પ્રશ્નો પણ મોટા અને વૈવિધ્યભર્યા હોય છે; પરંતુ દીર્ઘકાળના અનુભવે કુમારપાળભાઈ જાણે છે કે પ્રશ્નો ઊભા થાય અને તેને ઉકેલવા માટે મહેનત કરવી એના કરતાં આયોજન અને વ્યવસ્થા એવાં ગોઠવવાં કે પ્રશ્નો ઓછામાં ઓછા ઊભા થાય. અમદાવાદમાં દર અઠવાડિયે સૌથી વધુ કાર્યક્રમો વિશ્વકોશમાં થતા હશે. આટલા વૈવિધ્ય અને નિરંતરતા પછી પણ તેઓ હળવા ફૂલ રહી શકે છે તેનું રહસ્ય મને આ લાગ્યું છે.

(5) તમે કુમારપાળભાઈને મળો અને એકાદ નવું આયોજન સાંભળો નહિ એવું ભાગ્યે જ બને. તેમના દિમાગમાં નવાં નવાં આયોજનો સ્ફુરતાં જ રહે છે. એ માટે તેમની આંખ યોગ્ય વ્યક્તિઓને શોધતી રહે છે. શોધેલી વ્યક્તિનું સન્માન જાળવીને આખા કાર્યક્રમ કે યોજનાને પોતાની રીતે ઘાટ આપવાની તેમની પાસે ખાસ હથોટી છે. એમનાં આયોજનો ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ-ઇતિહાસ સંદર્ભે હોય છે. વિગતોને તેઓ નવો ઘાટ આપવા પ્રયત્નશીલ હોય છે. એથી વિશ્વકોશ માત્ર એન્સાઇક્લોપીડિયા પ્રગટ કરનાર નહિ, પણ પ્રવૃત્તિઓનું સાંસ્કૃતિક કેન્દ્ર બની રહ્યું છે. ભલભલા સર્જકો, વિદ્વાનો, કલાકારો કે અભ્યાસીઓને વિશ્વકોશનું સ્ટેજ મળે તો વિશેષભાવે આનંદ અને તૃપ્તિ અનુભવતા હોય છે. કારણ કે કુમારપાળભાઈના આયોજનમાં એક પ્રકારની ચુસ્તી હોય છે, સમયપાલન હોય છે અને હેતુને અનુકૂળ આયોજન હોય છે.

(6) આટલી મોટી સંસ્થા અને પ્રવૃત્તિઓનો મધપૂડો રચાયો હોય અને દરેક વ્યક્તિને ઉંમરના પ્રભાવો હોય છે ત્યારે નવા નવા વારસદારોને શોધવા એ મુખ્ય માણસનું મહત્ત્વનું કર્તવ્ય બની જાય છે. એ દૃષ્ટિએ કુમારપાળભાઈ પણ આયોજન કરી રહ્યા છે. નાણી-પ્રમાણી રહ્યા છે. તેમની અનેક ક્ષેત્રની ખૂબીઓ આમાં પણ તેમને સફળ બનાવશે એવો વિશ્વાસ રાખી શકાય.

(7) ઉંમરલાયક (કે નિવૃત્ત) માણસોને એવા જ મુખ્ય માણસો મેળવી અને સાચવી શકે છે જેઓ દૂઝણી ગાયનું પાટું ખમવાની તૈયારીવાળા હોય છે. કુમારપાળભાઈની આ મોટી ઉપલબ્ધિ છે. ધીરુભાઈ ઠાકર તો પ્રારંભક હતા. ધીરુબહેન પટેલ લગભગ છેલ્લી અવસ્થામાં વિશ્વકોશમાં આવ્યાં. અનેક વિદ્વાનો અને અભ્યાસીઓની વિશેષતાઓનો લાભ તેઓ લઈ શક્યા. સૌનું સન્માન જળવાયું. આ ઘણું કઠણ કામ છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં અભિપ્રાયો અને વલણોનું એક પ્રકારનું મમત્વ અને હઠ ઊભાં થયાં હોય છે, પરંતુ ઉપર ગણાવી તેવી લાક્ષણિકતાઓને કારણે કુમારપાળભાઈ એવા અનેક લોકોનો સાથ મેળવી શક્યા છે, એમને સાચવી શક્યા છે. ચંદ્રકાન્તભાઈ શેઠ તો તેમના અભિન્ન ભાગ ગણી શકાય. તેમને પૂરા ગૌરવપૂર્વક વિશ્વકોશે સાચવી જાણ્યા છે.

કુમારપાળભાઈનું સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સન્માનો દ્વારા ગૌરવ થયું છે. તેમનાં કાર્યોની યાદી ઘણી મોટી છે, પરંતુ મેં એ સઘળાંની પાછળ વ્યક્તિત્વની કઈ વિશેષતાઓ અને લાક્ષણિકતાઓ રહેલી છે એનું અવલોકન કરવાનું પસંદ કર્યું છે. અંતમાં કહી શકાય કે ગુજરાતમાં વિશ્વકોશ જેમ એક છે, તેમ કુમારપાળ દેસાઈ પણ એક જ છે.

મનસુખ સલ્લા

કેળવણીકાર, શિક્ષણવિદ્, સંપાદક શિક્ષણ અને સાહિત્યની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑