‘કુમારપાળ’ સંજ્ઞાની ઐતિહાસિક ઓળખ સોલંકી કાળથી સમગ્ર ગુજરાતને હતી જ, પણ આજે કુમારપાળ બાલુભાઈ દેસાઈની ઓળખ તો ગુજરાતની સરહદ ઓળંગીને દેશવિદેશ સુધી, સંસ્કારપુરુષ તરીકે ખ્યાતિ પામી છે. ‘જયભિખ્ખુ’ના સંતાન તરીકે ધરા ઉપર અવતરી પોતીકી પ્રતિભા વડે સવાઈ કેડી કંડારી જૈન અને જૈનેતર સમાજમાં તેઓ પોંખાયા છે. વિદ્વત્તાથી છલોછલ તેમ છતાં નમ્રતાની અખંડ મૂર્તિ જેવું જેમનું વ્યક્તિત્વ છે એવા કુમારભાઈને મારે તો ઝાઝી વાર મળવાનું નથી બન્યું, પણ મારા મનમાં બાલ્યકાળથી તેમના નામ સાથે નાતો રહ્યો છે. હું સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યક્ષસ્થાને હતો ત્યારે તેઓ વિભાગમાં આવેલા. ઘરે લઈ ગયો. તેમના આગમનથી ઘરનાં તમામ સદસ્યો અને સ્વયં ઘર ધન્યતા અનુભવવા લાગ્યું, પછી તો અલપઝલપ વ્યાખ્યાનોમાં, જ્ઞાનસત્રોમાં મળીએ ત્યારે એમની ઉષ્માની ઊંચાઈ એની એ જ અનુભવાય. ફોન ઉપર વાતો થાય એ બધા સરવાળામાંથી હું તેમને ‘સૌજન્યનું સરનામું’ ગણું છું.
‘ગુજરાત સમાચાર’ જેવું વર્તમાનપત્ર પણ જેમના થકી પ્રસિદ્ધિ પામ્યું છે તે જયભિખ્ખુ-કુમારપાળની કલમે શિથિલ સંસ્કારનો એક શબ્દ પણ ગુજરાતની પ્રજાને પીરસ્યો નથી. સદા શીલ, સંયમ અને સંસ્કારના પ્રેરક પ્રસંગો જ તેમના કૉલમમાં અભિવ્યક્ત થતા રહ્યા છે. ‘જેવું શીલ તેવું સાહિત્ય’નું તેઓશ્રી ઉત્તમ દૃષ્ટાંત છે. નવગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓ આજે પણ તેમના અધ્યાપનને સંભારે છે – એ કુમારપાળ, ગુજરાત યુનિવર્સિટી, ભાષાભવનના અધ્યક્ષ કુમારપાળ, સાત્ત્વિક સર્જક કુમારપાળ, રમતગમતના તથા બાળસાહિત્યના ચાહક, પત્રકારજગતમાં નોંધપાત્ર પ્રદાન કરનાર કુમારપાળ અને જૈન કવિ આનંદઘનજીનો બારીકાઈથી અભ્યાસ કરનાર કુમારપાળ – એવી તો અનેક ઓળખો ધરાવે છે પણ તેમની ઉત્તમ, મોટી અને સાચી ઓળખ મારે મન સૌજન્યશીલ વ્યક્તિ તરીકેની છે.
વિશ્વકોશ જેવી માતબર સંસ્થાના મોભી તરીકે તેઓ જે નિસબતથી કામ કરી રહ્યા છે તે જોતાં તેમને હું સાહિત્યના સંત તરીકે ઓળખું છું. તેઓશ્રી ઉત્તમ આયોજક છે, સાહિત્યિક અને સંસ્કારવર્ધક અનેકવિધ કાર્યક્રમો દ્વારા તેમણે ગુજરાતી પ્રજાનું સંસ્કાર-ઘડતર કર્યું છે – કરે છે, એમની સુવાસ જેટલી જૈન સમાજમાં છે એટલી જ, કદાચ વધારે સુવાસ જૈનેતર સમાજમાં છે.
કુમારપાળભાઈમાં ‘કુમાર’ કેવળ વ્યક્તિવાચક સંજ્ઞા ન રહેતાં ગુણવાચક – ભાવવાચક સંજ્ઞા અથવા વિશેષણ બની મ્હોરે છે. તેમના વ્યક્તિત્વમાં ઋજુતા છે, દંભ-દેખાડાથી તેઓ જોજનો છેટા છે. કૃતજ્ઞતા તેમને ગમતી નથી. સુઘડપણું તેમની ઓળખ છે. નિષ્ઠા એમની સફળતાનું રહસ્ય છે. તેઓ જ્યારે વ્યાખ્યાન કરે ત્યારે પ્રત્યેક શબ્દ અનુભૂતિના દ્રાવણમાંથી ઝબકોળાઈને રજૂ કરે એટલે ભાવકને તેમનાં વ્યાખ્યાનો સ્પર્શે છે. તેમની ઉચ્ચરિત વાણીમાંથી કેવળ માહિતીનો શબ્દ જ નહિ, શબ્દ સાથે સ્નેહની સુગંધ પણ અભિવ્યક્ત થાય છે, તેમનાં વ્યાખ્યાનોની ભાષા પણ તેમના વ્યક્તિત્વની દ્યોતક છે. સ્વકીય અને પરકીય, સાંસારિક અને વૈશ્વિક સંવેદનાઓ તેમના ‘ઈંટ અને ઇમારત’ કૉલમ દ્વારા પ્રજાના હૃદય સુધી પહોંચે છે. તેઓ ગુજરાતી વાચકોની શબ્દપરબડી છે.
ધીરજને તેમણે ગટગટાવી છે, અહમ્ ને તેઓ ઓળંગી ગયા છે. નિષ્ઠા સાથે તેમને ઘરોબો છે. નિયમિતતા અને સમયપાલન તેમની પવિત્ર કેડી છે. તેઓ અધ્યાપક ઓછા, માણસ વધારે છે. તેઓ ધર્મ અને સંસ્કૃતિવર્ધક સાહિત્યિક આબોહવામાં શ્વસે છે, સંસારી પણ ઝાઝા અને સાધુ પણ ઝાઝા એમ ઉભય ઓળખો પુરવાર કરે છે. એ જ રીતે તેઓ જૈન પણ ઝાઝા અને જૈનેતર પણ ઝાઝા જણાઈ આવે છે. નમ્રતા અને સૌજન્ય શબ્દને કુમારપાળનો પર્યાય થવાનું હંમેશાં રોચક લાગે છે એવું શ્રેયાર્થી વ્યક્તિત્વ તેઓ ધરાવે છે.
સર્જક પિતાનો વારસો ધરાવતા કુમારપાળભાઈમાં પુરુષાર્થનો મહિમા પણ ઝાઝો છે – એમ કહેવું જોઈએ. પિતાના અવસાન પછી પણ સ્હેજ પણ શિથિલતા લાવ્યા વિના તેમણે `ઈંટ અને ઇમારત’ મજબૂત કરી મજબૂત થતા રહ્યા છે. સાહિત્યમાં બાળકો, કિશોરો, યુવાનોને કેન્દ્રમાં રાખી તેમની કલમ ચાલી, ચરિત્ર દ્વારા સુવાસ પાથરી, સંશોધન-સંપાદનનાં નમૂનેદાર કામો પણ કરતા રહ્યા છે. અધ્યાત્મ તેમનો મનભાવન વિષય છે અથવા અધ્યાત્મ તરફ તેમને પક્ષપાત રહ્યો છે. જૈન ધર્મની પારંપરિક પ્રણાલિઓમાં નૂતન અર્થઘટનો તે તેમની આગવી સૂઝ અને ઓળખ છે. અહિંસા, ક્ષમા જેવા વિષયો ઉપર તેમની મૌલિક વિચારણા સાંભળવા – વાંચવા જેવી છે. દેશ-વિદેશમાં જૈન ધર્મના ચાહકો આજે પણ તેમને નિમંત્રે છે. તેઓશ્રી ઉત્તમ વક્તા હોઈ મોટા વર્ગની ચાહના મેળવી રહ્યા છે.
કુમારપાળભાઈ વહીવટી કૌશલ ધરાવતા હોઈ અને સૌને સાથે રાખી ચાલવાની તેમની પ્રકૃતિ હોઈ તેમનામાં સંગઠનનો સદ્ગુણ પણ જોઈ શકાય છે. તેઓ પોતે સુગડ હોઈ, તેમનાં કામોમાં પણ તેનું પ્રતિબિંબ જોઈ શકાય છે. સાહિત્ય, શિક્ષણ પત્રકારત્વ, ધર્મસંસ્કૃતિ અને વ્યાખ્યાનમાળા એક સાથે અનેક ક્ષેત્રોમાં તેમની પ્રવૃત્તિઓ ચાલે છે – પારદર્શી વ્યક્તિત્વને લીધે તેઓ તમામ ક્ષેત્રે સફળ રહ્યા છે.
ગુજરાતમાં વિશ્વકોશની પ્રવૃત્તિમાં દિલ દઈને જોડાયેલા આ સર્જક પાસે કુનેહ અને દૃષ્ટિ બંને હોવાને કારણે હાથમાં લીધેલું પ્રત્યેક કાર્ય સફળતાને વરે છે. દેશ, વિદેશમાં તેમનાં જૈન, જૈનેતર વ્યાખ્યાનોની યાદી પણ ઘણી લાંબી થઈ શકે.
કુમારપાળભાઈ ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં અજવાળું પાથરનારા સ્વપ્નસેવી છે. ગુજરાતી વિશ્વકોશની ગ્રંથમાળાથી ગુર્જર ગિરા એમની ઋણી છે. હળવા અને ગંભીર, વ્યવહારુ અને નિયમબદ્ધ, ધાર્મિક અને લોકપ્રિય, સીધા અને સૌજન્યશીલ એવા કુમારપાળભાઈને તેમનાં કાર્યોની સુવાસ સંદર્ભે શુભેચ્છાઓ પાઠવું છું અને હજુ વધુ ને વધુ ગુર્જર ગિરાની સેવા તેમના થકી થાય તેવી અપેક્ષા રાખું છું.
ભગીરથ બ્રહ્મભટ્ટ
ગીત કવિ, વાર્તાકાર, નિબંધલેખક અને વિવેચક, અધ્યાપક, સંપાદક, કૉલમ લેખક