પદ્મશ્રી પ્રોફેસર ડૉક્ટર કુમારપાળ દેસાઈ છેક 1959માં મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં પાસ થયાનો તાર એમને મોસાળ રાણપુર પ્રતિ મેં કરેલો ત્યારથી આજ 2023 સુધીના લગભગ સાડા છ દાયકાના સંબંધ, અનુભવ અને છાપ આશરે 1,200 શબ્દોમાં લખી આપવાનું મહામુશ્કેલ છે છતાં કોશિશ કરીએ. વાસ્તવમાં આપણે જેની બહુ નજીક હોઈએ એને વિશે ટૂંકમાં લખવું મુશ્કેલ હોય છે. જેના નામે મારી સેંકડો વાર્તાઓના વાચકનું નામ ‘કુમાર’ છે જેની મૈત્રીના માનમાં મારા પુત્રનું નામ પણ કુમાર છે…ઘણું લખાય. પણ જિંદગીભર થોડાથી સંતોષ માન્યો છે.
1959ના ઉનાળામાં મુ. પ્રા. સુરેન્દ્રભાઈ કાપડિયાની ભલામણથી મને ‘ગુજરાત સમાચાર’ સંસ્થામાં નોકરી મળી. એ જ ઉનાળે કુમારપાળે મૅટ્રિક્યુલેશનની પરીક્ષા આપેલી. એમનો પરીક્ષાર્થીક્રમાંક સુરેન્દ્રભાઈ પાસે હતો. એ દિવસોમાં મૅટ્રિકનું પરિણામ પ્રથમ અખબારો પર આવતું. એમાં કુમારપાળને પાસ થયેલા જોઈને સુરેન્દ્રભાઈએ મને જીપીઓ પર મોકલીને હરખનો તાર કરાવેલો.
બસ, એ દિવસથી આજ સુધી એ મારા તરફદાર રહ્યા છે અને હું એમનો. શરૂઆતની જિંદગીમાં એ મારા કરતાં સમૃદ્ધ. (આજે પણ એમ જ છે.) અનેક વાર મને મદદ કરી છે. એક વાર મુંબઈ ગયા. ત્યાંથી મારે માટે પાટલૂનનું કાપડ લેતા આવ્યા. રાખોડી રંગનું એ પાટલૂન મેં વર્ષો સુધી પહેર્યું. કુમારને તો આ યાદ પણ નહીં હોય. એક વાર એને ધૂન ચડી કે અપંગ લોકોની સંઘર્ષ-સિદ્ધિની કથાઓ લખું. એ કથાઓ પછી ‘અપંગનાં ઓજસ’ નામે પ્રગટ થઈ છે. એમાં વયોવૃદ્ધ નૌકા-સફારી લૉર્ડ ચિશેસ્ટરની સાહસકથા લખવા માટે એ સાહસકથાઓનું દળદાર પુસ્તક લઈ આવ્યા. મારું અંગ્રેજી કાંઈક ઠીક એટલે લૉર્ડ ચિશેસ્ટરની કથાના અનુવાદમાં મેં કિંચિત્ મદદ કરી. એ કામ પૂરું થયું એટલે સાહસકથાઓનું એ આખું પુસ્તક મને આપી દીધું. કહે કે મારી જરૂરિયાત પૂરી થઈ. તમારે જિંદગી આખી સાહસકથાઓ લખવાની છે. આ પુસ્તક હવે તમે જ રાખો.
સાઠના દાયકાની શરૂઆતમાં કુમારપાળે મારી ઓળખાણ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના કાંતિભાઈ શાહ સાથે કરાવી. મારે માટે આ ઓળખાણ રત્નોની ખાણ બની ગઈ. કુમારપાળે જોડી આપેલો આ સંબંધ ઘણાખરા સાહિત્યકારોને તો અદેખાઈનું કારણ બને એવો સુદીર્ઘ અને સુફળદાયી બન્યો છે. લગભગ છ દાયકાથી ગૂર્જર મારા પ્રકાશક છે અને હું એમનો લેખક છું અને અમારો સહયોગ લગભગ 450 પુસ્તક-પુસ્તિકાઓનો છે. કુમારપાળના પિતા, વિખ્યાત સાહિત્યકાર જયભિખ્ખુ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના આગવા મુદ્રણાલય શારદાના માનદ સંચાલક હતા એ નાતે કુમારપાળ કાન્તિભાઈ અને પરિવારના સંપર્કમાં હતા. એ કાંતિભાઈની અને મારી દોસ્તી કરાવીને કુમારપાળે કેટલી મહત્ત્વની સાહિત્યિક ઘટનાને જન્મ આપ્યો છે, એ તો હજુ ભવિષ્ય જ કહેશે.
કુમારપાળ અને ‘ગુજરાત સમાચાર’ના ‘ઝગમગ’ને કારણે જયભિખ્ખુ મારા વડીલ બન્યા. છેક 1958થી એ ‘ઝગમગ’ના પ્રથમ પૃષ્ઠના લેખક હતા. મેં પહેલાં સુરેન્દ્રભાઈના મદદનીશ તરીકે અને પછી મહાન ચિત્રકાર-પત્રકાર ચન્દ્રભાઈ ત્રિવેદીના મદદનીશ તરીકે સંપાદનકાર્યની તાલીમ લીધી અને 1962 પછી તો સાવ સ્વતંત્રપણે એકલે હાથે ‘ઝગમગ’ની જવાબદારી સંભાળવાની આવી, ત્યારે જયભિખ્ખુએ મારી કેટલીય મૂર્ખતાઓને અને ગુસ્તાખીઓને માફ કરી અને સદાય મારી સજ્જતા કેળવવા પ્રયાસ કર્યો. બાપા અને દીકરા બંનેને હૈયે મારું હિત હતું, એની પ્રતીતિ 1967માં મળી. એ વર્ષે ગુજરાત રાજ્યની શિષ્ટમાન્ય સાહિત્યને ઇનામો આપવાની યોજનામાં જયભિખ્ખુને, કુમારપાળને અને મનેય ઇનામ મળેલાં. અખબારમાલિક કહે કે યશવન્ત તો અમારો કર્મચારી છે. એને બિરદાવતા સમાચાર નહિ છાપું અને એની તસવીર નહિ છાપું. ત્યારે આ બંનેએ કહેલું કે જો યશવન્ત મહેતાની તસવીર સાથે સમાચાર ન છપાય તો અમારા સમાચાર પણ ન છાપશો.
સાઠના દાયકાનો ઉત્તરાર્ધ અને સિત્તેરના દાયકાનો પૂર્વાર્ધ અમારા અનેક સહ-ઉજાગરાનો સાક્ષી છે. ગુજરાત સમાચાર' અનેઝગમગ’ બંનેમાં કુમારપાળ ખેલકૂદના સ્તંભ લખે. ક્રિકેટ વિશેની જાણકારી છાપે. એટલે અમદાવાદમાં કોઈ મૅચ રમાવાની હોય ત્યારે શ્રીમાનને ક્રિકેટજંગ પ્રગટ કરવાનો ઉમળકો જાગે એટલે એ મારો કાંઠલો ઝાલે. અમે સાથે મળીને ક્રિકેટજંગના લેખનાં પ્રૂફરીડિંગ, લે-આઉટ વગેરેની કસરત કરીએ. એ પ્રોફેસર અને હું પૂરા સમયનો પત્રકાર. એટલે રાતના ઉજાગરા કરીને જ કામ કરી શકીએ. ચંદ્રનગરને એમને બંગલે અમે પરોઢ સુધી જાગીએ. પાર્શ્વભૂમાં વાસણા ખાતેના સાબરમતી પરના બેરેજ બાંધકામનાં મશીનોનું ધમધમાટ સંગીત ચાલતું હોય…મીઠા લાગતા’તા દોસ્તોના એ ઉજાગરા ! હું મારી તરંગી પ્રકૃતિ મુજબ ઘણી વાર કહું કે બાપુ, આ બેરેજ બંધાઈ જાય અને સાબરમતી સરોવર બની જાય, પછી એની વચ્ચે મારે એકદંડિયો મહેલ બનાવવો છે !
સાબરમતીની વચ્ચે તો નહિ, પરંતુ એને સાવ કાંઠે, પેલા બેરેજની પાડોશમાં આખરે મારું પોતાનું ઘર થયું એ માટેનો મહત્તમ યશ કુમારપાળને ઘટે છે. મેં એમને કહી રાખેલું કે મારે આટલામાં, તમારા પાડોશમાં, ક્યાંક ટેનામેન્ટ જોઈએ છે. એમણે નારાયણનગરના મંત્રી પ્રવીણભાઈ શાહને ભલામણ કરી. કુમારપાળનું ચીંધેલું કામ હતું એટલે પ્રવીણભાઈએ પાંચ પાંચ મહિના તકેદારી રાખીનેય પાર પાડ્યું.
કુમારપાળના અને મારા સંબંધની કઈ કઈ વિગતો ભૂલું અને કઈ યાદ કરું? 1977માં નવગુજરાત કૉલેજની મૅનેજમેન્ટે પત્રકારત્વ જેવા વ્યવસાયી અભ્યાસક્રમો શરૂ કર્યા. એ માટે એક મલ્ટિકોર્સ ઇન્સ્ટિટ્યૂટ રચીને ડૉ. ચંદ્રકાંત મહેતા અને ડૉ. કુમારપાળ દેસાઈને એનું સંચાલન સોંપ્યું. ત્યારે વિઝિટિંગ ફૅકલ્ટીમાં મારો સમાવેશ કર્યો. આ બે દોસ્તોએ મને પ્રોફેસર બનાવ્યો.
પછી તો ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠ જેવી યુનિવર્સિટીઓમાં મેં અધ્યાપન કર્યું. 1977માં શરૂ થયેલી અધ્યાપકીય કામગીરી જાતે 2003માં છોડી ત્યાં સુધી ચાલુ રહી. યુવાવસ્થામાં પ્રોફેસર બનવાની તમન્ના ખૂબ હતી. કાંઈક આર્થિક-સામાજિક સંજોગોએ અને કાંઈક વધારે પડતો રોમૅન્ટિક સ્વભાવે એવું બનવા ન દીધું. પરંતુ કુમારપાળ અને ચંદ્રકાંત મહેતા જેવા દોસ્તોને પ્રતાપે, મારા જેવા પાસ ક્લાસનો ગ્રૅજ્યુએટ એકવીસમી સદી સુધી અનુસ્નાતકોને યુનિવર્સિટી કક્ષાએ ભણાવવા સુધી પહોંચ્યો. કદાચ મારી આવડતનોય આમાં ફાળો હશે પરંતુ દોસ્તોના વિશેષ ઋણનો સ્વીકાર કરું છું.
મેં 1988માં મારા સિદ્ધાંતો અને માનવતાવાદી માન્યતાઓને અનુરૂપ લેખન કરવા માટે ‘ગુજરાત સમાચાર’ની નોકરી છોડી એનેય આજે 2023માં પાંત્રીસ વર્ષ થઈ ગયાં. આથી સહકાર્યનો અવકાશ ઓછો થયો છે. ગુજરાતી જ્ઞાનકોશના કામમાં ક્યારેક ફાળો આપવાનું બન્યું હશે, પણ ખાસ નહિ. વળી, કુમારભાઈ તો બડા સંસ્થા-સર્જક અને સંચાલક, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જૈનજ્ઞ, અતિ સફળ અધ્યાપક, પદ્મશ્રી બન્યા છે. પણ મારે માટે એ સંકટ સમયની સાંકળ જેવા છે. 2013માં મારા શુભેચ્છકોએ મારાં 75 વર્ષ ઊજવવાની યોજના કરી અને કાર્યક્રમના વરેલા અધ્યક્ષ ક્યાંક સ્મશાનમાં અટવાઈ ગયા ત્યારે એ પદની જવાબદારી કુમારભાઈએ હસતે મને સ્વીકારી લીધી. અમે કેટલાક મિત્રોએ બાળસાહિત્યના હિત, વિકાસ અને ગૌરવ માટે બાળસાહિત્ય અકાદમી સ્થાપી (1994) ત્યારથી ડગલે ને પગલે એ સહાયભૂત થતા રહ્યા છે અને હજુય થશે એની મને ખાતરી છે. અકાદમીનાં અધિવેશનો માટે તન, મન, ધનથી એ વારંવાર સહાય કરતા રહ્યા છે. મારું હિત વિચારીને મને એમણે વિશ્વકોશ વગેરે પ્રવૃત્તિઓમાં ખેંચવા ધાર્યું, પરંતુ મારો ઝુકાવ વધુ ને વધુ સ્વતંત્ર લેખન તરફ રહ્યો છે. ક્યારેક જ મળાય છે. એમને વારંવાર મળીને એમના સમયમાં ભાગ પડાવવાની મારીય કોશિશ નથી. એમની નિરંતર પ્રગતિ સાક્ષીભાવે જોવાનું બને છે અને એ સદાય આગળ અને ઊંચે જાય એવી શુભેચ્છા એ મારો સ્થાયીભાવ છે. હું અને મારી પત્ની વૈદ્ય દેવી મહેતા (જે માધ્યમિક શાળામાં કુમારપાળનાં સહપાઠી હતાં) અમારા આ તેજસ્વી દોસ્તને વધુ ને વધુ તેજસ્વી બનતા જોવા ચાહીએ છીએ. ચાહતાં રહીશું.
યશવન્ત મહેતા
બાળસાહિત્યકાર, નવલકથાકાર, અનુવાદક અને પત્રકાર, સ્થાપક બાળસાહિત્ય અકાદમી, અમદાવાદ