અણીશુદ્ધ ફિતરતની ફોરમનો અવિરત અહેસાસ

કોઈ વ્યક્તિની આપણા મન પર પડેલી છાપ કે તેને માટે આપણે બાંધેલો અભિપ્રાય ચાર ચાર દાયકા પછી પણ બદલાયા વિનાનો, એકસરખો રહે? ભાગ્યે જ એવું બને . તેમાંય એ છાપ કે અભિપ્રાય પૉઝિટિવ હોય ત્યારે તો સમયના વીતવા સાથે તેમાં ગોબો પડવાની શક્યતા વધુ. વળી એ વ્યક્તિ સ્વયં જ્યારે જિંદગીના તમામ ક્ષેત્રે ખૂબ આગળ નીકળી ગઈ હોય, ઉચ્ચ સ્થાને બિરાજતી હોય ત્યારે તેનાં વાણી, વર્તન કે વ્યવહારમાં બદલાવ આવે તો એ સહજ કે અપેક્ષિત પણ ગણાય. પરંતુ કેટલીક વ્યક્તિઓની અસલી ફિતરત્ અણીશુદ્ધ રહે છે, તેમના સૌજન્યની ફોરમ અકબંધ રહે છે. કુમારપાળ દેસાઈ એટલે આવી આગવી ફિતરત અને ફોરમ ધરાવતું વ્યક્તિત્વ.

અગાઉ ૨૦૦૩માં તેમના વિશે લખ્યું હતું અને આજે, ૨૦૨૩માં આ લખી રહી છું. આ વીસ વર્ષોમાં તેમની સુજનતામાં મને લેશમાત્ર પણ ફરક જોવા કે અનુભવવા નથી મળ્યો. પત્રકારત્વ કે સાહિત્યજગત વિશેની કોઈ પણ પૃચ્છા કે પ્રશ્ન ઊઠે ત્યારે બેધડક ફોન જોડી કુમારપાળભાઈ સાથે વાત કરી શકાય. એ બારી આજે પણ એટલી જ નિર્ભારતાથી ખોલી શકાય છે; પરંતુ અંગત જિંદગીનો કે સ્નેહીઓ સંબંધી કોઈ મૂંઝવણ હોય તોપણ તેમનો સંપર્ક કરતા અચકાઉં નહીં એવી હામ એમના વ્યવહારે આજે પણ મારામાં ટકાવી રાખી છે.

છેલ્લા કેટલાય વરસોથી પત્રકારત્વમાં પ્રવૃત્ત હોવા છતાં કોઈ અખબારી જૂથ કે પ્રકાશન સાથે સંકળાયેલી ન હોવાને કારણે, અનેક પરિચિતો અને વ્યવસાયીઓના વર્તન અને વ્યવહારમાં આવેલું પરિવર્તન મેં નિહાળ્યું છે, અનુભવ્યું પણ છે. અલબત્ત એનો કોઈ હરખ-શોક કર્યો નથી. ખુશીના સંબંધો કે સત્તાના સંબંધો વિશે ઘણું વાંચ્યું અને લખ્યું પણ હોય ત્યારે એનો અનુભવ પ્રમાણમાં સહજ સ્વીકાર્ય બની જતો હોય છે. પરંતુ આવા વ્યવહારજગતમાં એ જ ક્ષેત્રની જબરદસ્ત સિદ્ધિવંત વ્યક્તિ તરફથી નિરપેક્ષ લાગણીનો સંબંધ અવિરત અનુભવાય ત્યારે ખૂબ જ ધન્યતા અનુભવાય.

અગાઉ પણ કુમારપાળભાઈ અત્યંત વ્યસ્ત વ્યક્તિ હતા અને આજે એક્યાશી વર્ષની વયે પણ એવા જ, બલ્કે વધુ વ્યસ્ત બન્યા છે. સાહિત્ય, અધ્યાત્મ, ધર્મ-સંશોધન ઇત્યાદિ ક્ષેત્રની તેમની કામગીરીમાં છેલ્લાં થોડાં વર્ષોથી ગુજરાત વિશ્વકોશની મહત્ત્વની અને વ્યાપક જવાબદારીનો ઉમેરો થયો છે. તેના નેજા હેઠળ ઢગલાબંધ નવી-નવી પ્રવૃત્તિઓ તેમણે શરૂ કરાવી છે, અનેક કાર્યકરોને તેઓ તૈયાર કરી રહ્યા છે. વળી પોતાનાં વિવિધ કમીટમેન્ટ્સ. એટલે પ્રવાસ, પ્રવચનો, મિટિંગ્સ ઇત્યાદિની શૃંખલા તો નિરંતર ચાલતી જ હોય. અને હા, છેલ્લા થોડા વર્ષોમાં દેશ-વિદેશમાં તેમને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે એટલે તે અંગેનાં રોકાણો પણ હોય. અને આવામાં તેમને આપણે અંગત કામ માટે ફોન કરીએ ત્યારે પણ તેમના અવાજમાં ઉષ્માની જરા જેટલી પણ ખોટ ન અનુભવાય.

મને યાદ છે. થોડા વર્ષો પહેલાં મારા એક ડૉક્ટર મિત્રએ લખેલા પુસ્તકના વિમોચન માટે મેં તેમને ફોન કર્યો હતો. ડૉ. સોનલની અંગત આધ્યાત્મિક જર્નીના અનુભવનું આલેખન કરતું એ પુસ્તક હતું. તેઓ લેખક નથી. આ પુસ્તક તેમનો પ્રથમ જ પ્રયાસ હતો, પરંતુ એ પુસ્તકનું એડિટિંગ કરતાં મને તેમની અનુભૂતિની સચ્ચાઈ અને અભિવ્યક્તિની પારદર્શકતા સ્પર્શી ગયાં હતાં. એ વાત કુમારપાળભાઈને કહી મેં તેમને પુસ્તકની નકલ મોકલી આપી. એક જ અઠવાડિયામાં તેમનો જવાબ આવી ગયો અને વિમોચન માટે મુંબઈ આવ્યા. લેખિકા અને તેના પરિવારજનો અહોભાવથી ગદ્‌ગદ બની ગયાં હતાં અને કુમારપાળભાઈના જવાબથી હું. તેમણે કહ્યું, તરુબહેને કહ્યું એટલે આવવાનું જ હોય ને! એમનો ભરોસો મને મારી જવાબદારીનો અહેસાસ કરાવી હંમેશાં સજગ રાખે છે. માત્ર વ્યાવસાયિક કાર્યો માટે જ નહીં, અંગત અને પારિવારિક પ્રશ્નો મૂંઝવતા હોય ત્યારે પણ સૌથી પહેલી તેમની યાદ આવે. વર્ષો પહેલાં એક જૈન અભ્યાસી અને જરૂરિયાતમંદ સ્વજન વિશે તેમને ભલામણ કરેલી. એ ભાઈને તેમણે અમદાવાદ પોતાને ઘરે બોલાવ્યા, જમાડ્યા અને ખૂબ જ કાળજીપૂર્વક તેમની વાતો સાંભળી હતી. એ ભાઈએ મને કહેલું ‘મારી જરુરિયાત સંદર્ભે આજ સુધી અનેક લોકોનો સંપર્ક કર્યો છે, પરંતુ આ વિદ્વાન સજ્જન જેવી સહૃદયતા અને સૌહાર્દ ક્યાંય ભાળ્યાં નથી.’

એકાદ વર્ષ અગાઉ અમેરિકામાં રહેતાં મારાં એક સ્વજનને ભીડ પડી હતી. તેમની કિશોરવયની પુત્રીના કૉલેજપ્રવેશ અંગે મદદની જરૂર હતી. ત્યારે કુમારપાળભાઈએ અમેરિકા વસતા તેમના એક મિત્રને ફોન કરી બધી વિગત કહી. પછી મને તેમનો નંબર આપ્યો. મેં સાથે વાત કરી. મને નવાઈ લાગી કે અમેરિકાના જૈન સમાજના અગ્રણી અને ઉચ્ચ હોદ્દેદાર એવા એ સજ્જન પેલા સ્વજનની સમસ્યા વિશે પૂરા વાકેફ હતા!. કુમારપાળભાઈએ તેમને એ વિશે મારા વતી અને મારા જેટલી જ કન્સર્નથી બ્રિફ કર્યા હતા. તેમની એ ખેવના અને કાળજી મને ઊંડે ઊંડે સ્પર્શી ગયાં.

આ બધાની સાથે-સાથે જ જ્યારે વાત થાય ત્યારે ‘વિશ્વવિહાર’ કે તાજેતરમાં જ શરૂ થયેલા ‘વિશ્વા' મૅગેઝિન માટે લખવાની તાકિદ કરતા જ રહે. અગાઉ મેં લખ્યું હતું તેનું પુનરાવર્તન આજે પણ થઈ જાય છે: આટલી બધી વ્યસ્તતા અને જવાબદારીઓ વચ્ચે સ્નેહી-સ્વજનો કે પરિચિતોના નાના-મોટા, અંગત-બિનઅંગત, ગંભીર કે ક્ષુલ્લક પ્રશ્નો પરત્વે આટલી સહાનુભૂતિ ક્યાંથી લાવતા હશે કુમારપાળ? ક્યાંથી જન્મતી હશે એ તદ્દન અજાણ્યાઓ પ્રત્યે આત્મીય જેવી અનુકંપા અને કાળજી? ત્યારે મને એનો જવાબ મળ્યો હતો તેમના મૂઠી ઊંચેરા માણસપણામાં. અને એ જ વાતની પ્રતીતિ તેમના શબ્દોમાંથી પણ મળે છે. એક વાર કુમારપાળને પૂછવામાં આવ્યું:પુન:જન્મ લેવાનું થાય તો તમે શું બનવાનું પસંદ કરો?’ તેમનો જવાબ હતો: `સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચી શકું. આધ્યાત્મિક જીવન જીવી શકું, ગ્રંથોના રહસ્ય પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું તેવો માનવદેહ ફરી મળે એવી ઈશ્વરને મારી પ્રાર્થના રહી છે.’ તેમની સાથેના સાડાચાર દાયકાના પ્રત્યક્ષ પરિચય અને સંબંધોને આધારે તેમના એકેએક શબ્દની નક્કરતાને હું અનુભવી શકું છું. ખરેખર ખૂબ ખૂબ ઇન્સ્પાઇરિંગ છે આ વિનમ્રતા, આ સમભાવ અને જિંદગી પ્રત્યેનો આ સર્વગ્રાહી અભિગમ. થૅન્ક યૂ કુમારપાળભાઈ, તમારા જેવા સ્વજનનું જિંદગીમાં હોવું એ ઈશ્વરનો આશીર્વાદ છે.

તરુ કજારિયા

જન્મભૂમિ દૈનિકના કોલમ લેખક, સંપાદક, ગ્રંથલેખક અને બાળ સાહિત્યકાર

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑