શ્રી કુમારપાળ દેસાઈ એટલે ગુજરાતી સાહિત્યના અવિભાજ્ય અંગ !
શ્રી કુમારપાળ દેસાઈ એટલે જૈન તત્ત્વજ્ઞાનના ચિંતકોમાં અગ્રસ્થાન ધરાવતા ખૂબ જ લોકપ્રિય વક્તા !
શ્રી કુમારપાળ દેસાઈ એટલે શોધ–સંશોધન ક્ષેત્રે ઉમદા પ્રદાન કરનાર રિસર્ચ સ્કૉલર !
અનેક ગ્રંથોના સંપાદક, અનુવાદક અને સંશોધક !
કુમારપાળ દેસાઈ એટલે વ્યાખ્યાનમાળાઓના બહુજન પ્રિય, સહુજનમાન્ય પ્રવચનકાર !
દેશ-વિદેશની ધરતી પર જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં અમૂલ્ય પ્રદાન કરનાર વ્યક્તિત્વ !
અનેક ઍવૉર્ડ માન-સન્માન, ઇનામ-અકરામ જેવા કે અણુવ્રત ઍવૉર્ડ, અહિંસા ઍવૉર્ડ, નર્મદચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત ઉમદા વ્યક્તિત્વ !
રમત ગમતના ક્ષેત્રે વૈવિધ્યસભર લખાણ દ્વારા લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર ખેલજગતના ખમીરવંત પત્રકાર !
જૈન વિષયોમાં તથા અન્ય અનેક વિષયોમાં સંશોધન કરનાર વિદ્યાર્થી–સંશોધકોના આદરણીય માર્ગદર્શક !
વિશ્વકોશ જેવી સુપ્રતિષ્ઠિત સંસ્થાના માધ્યમથી સાહિત્ય, સંગીત, ચિંતન, મનન, કળા, કવિતા, વિવેચન વગેરે અનેક પાસાંઓને પ્રતિષ્ઠાપિત કરનાર યશસ્વી આયોજક, સંયોજક !
સમાજના વિવિધ ક્ષેત્રે અવનવું પ્રદાન કરનાર વ્યક્તિત્વોની વર્તમાનપત્રોની લોકપ્રિય બનેલી કૉલમો (‘ઈંટ અને ઇમારત,’ ‘જાણ્યું છતાં અજાણ્યું’) દ્વારા ઓળખ, ઉપલબ્ધિઓ, પ્રદાન વગેરેની મહત્ત્વપૂર્ણ જાણકારી આપનાર આલેખક !
ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓનાં વિવિધ પદોને શોભાવનાર, સંસ્થાઓને વિકાસની ઊંચી ક્ષિતિજો પર પહોંચાડનાર પ્રખર પરિબળ !
બાળવાર્તાઓ અને ઇતિહાસની અવનવી વાતો દ્વારા ઊગતી પેઢીને શૌર્ય-સંસ્કારના ઘડતરનો માર્ગ ચીંધનાર માર્ગદર્શક !
મને વ્યક્તિગત રીતે આવા ઉમદા અને અત્યંત સૌજન્યશીલ વ્યક્તિના પરિચયમાં આવવાનું તથા મળવાનું ગુજરાત વિદ્યાપીઠના જૈન કેન્દ્રમાં ચાલતા કોર્સ અને અન્ય પ્રવૃત્તિઓના સંદર્ભમાં અનેક વખત થયું. અને એમની બહુમુખી અસાધારણ પ્રતિભાથી હું ખૂબ જ પ્રભાવિત થઈ છું.
૮૦ વરસની એમની યશસ્વી – ઊર્જસ્વી અને તેજસ્વી જીવનની યાત્રા વધુ ને વધુ સમૃદ્ધ બને, શુદ્ધ બને, બુદ્ધ બને અને પ્રતિબુદ્ધ બને એવી અંત:કરણની પ્રાર્થના !
ડૉ. પૂર્ણિમા એસ. મહેતા
જૈન ધર્મના ઊંડા અભ્યાસી, આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયનકેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ