એક કામ એમને નથી આવડતું

ડૉ.કુમારપાળ દેસાઈનાં કાર્યોથી સૌથી વધુ પ્રસન્ન કોણ હશે ? સમય પોતે. ક્ષણેક્ષણને, પળેપળને ધન્ય બનાવનાર, સમયના સોનાને ઉત્તમ રીતે પ્રયોજનાર એક માણસ તો છે, આપણી વચ્ચે. આ જેવુંતેવું આશ્ચર્ય નથી. પોતાની દરેક પ્રવૃત્તિને ખૂબ જ સરળતાથી, સહજતાથી, ભાર વગર કરી દેખાડવી, અનેક કાર્યોની વ્યસ્તતા છતાં હળવાફૂલ હોવું તે એમના સિવાય અન્ય કોણ કરી શકે ? પોતાના જીવનકાર્યને એક ‘લીલા’ રૂપે જીવી જાણે છે. મારા મનનો સતત એ કોયડો રહ્યો છે કે એક માણસ એકસાથે આટલી પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકે ! હજી જવાબ નથી મળ્યો. ભલે એ આશ્ચર્ય અકબંધ રહ્યું.

આજના યુવાનોને ટાઇમ મૅનેજમેન્ટ આકર્ષે એવો વિષય છે. એ યુવાનોનો આદર્શ બની શકે એવું કુમારપાળભાઈનું વ્યક્તિત્વ છે. કાર્યો એમની પાસે આવીને ઊઘડતાં જાય, ખીલતાં જાય અને પૂર્ણતાને પામતાં જાય છે.‘ડૉ. કુમા૨પાળ દેસાઈ કા એક દિન’ એવી ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવી જોઈએ. બધું કર્યા પછી એમના મનને કેમ પામી શકીશું ? એમના મનમાં ચાલતા વિચારોને એ પામવા નથી દેતા.

માણસને કંઈક અદ્ભુત આપવાની, પમાડવાની, પહોંચાડવાની, વહેંચવાની અભીપ્સા એમની પાસેથી નવાં નવાં કાર્યો કરાવે છે. માણસનેવર્તમાન સમયમાં પણ સુખ સુધી લઈ જઈ શકાય એ એમની મનોભાવના હશે. જ્ઞાનથી માણસ તરી શકશેએ એમની પાયાની માન્યતા હશે. અનેકાન્તને વ્યવહારમાં પામનાર વ્યક્તિ તે કુમારપાળભાઈ છે, એમને કોઈ સામે ફરિયાદ નથી, કોઈની અસૂયા ક૨વાનો સમય નથી. પોતાના સિવાય કોઈની સાથે હરીફાઈ કરવાની ઇચ્છા નથી.

વખતોવખત અમેરિકા જનાર કુમા૨પાળભાઈ જ્યારે નાયગરા ધોધ જોવા જતા હશે ત્યારે એમને જોઈને નાયગરા ધોધને વિચાર થતો હશે – જો માણસનું રૂપ મારે લેવાનું હોય તો હું અસલ આવો હોઉં.

પોતાની વગનો ઉપયોગ સમાજહિત માટે કરવો એ એમની વિશેષતા છે. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ અને ધર્મ – બધું જ આજના જીવનને કેમ ઉન્નત બનાવે, પ્રમાદની જ્યાં જૂની જાગીરો છે એવા ભારત દેશમાં યુવાનોને નવી દિશા કેમ મળે એ એમની પ્રવૃત્તિઓની નેમ છે.

હું મારા ગુરુઓની બાબતમાં ખૂબ જ શ્રીમંત – નસીબદાર છું. મારે કુમારપાળભાઈ પાસે પીએચ.ડી. કરવાનું આવ્યું. એમણે બધું આયોજન કરી આપ્યું. જરાય ગુરુપણું દેખાડ્યું જ નહિ. ડિગ્રી મળ્યા બાદ મુંબઈમાં મિત્રોએ તેજપાલ હૉલમાં કાર્યક્રમ રાખ્યો. ગુરુજી પોતાનું ટિકિટભાડું ખર્ચીને આવ્યા. પ્રસંગને ઉત્સવ બનાવી દીધો.‘સ્વામી આનંદનું જીવન અને કાર્ય’ એ વિષયમાં મને જે જ્ઞાન એમણે આપ્યું તે અદ્ભુત છે. ગુજરાતી ગદ્યને પામવાની કૂંચી આપી દીધી.

એ મર્યાદાઓ બધાની જાણે, પણ મર્યાદાઓ એમને નડે નહિ. એ તો હીરને પારખી જાણે. દરેક માણસ પાસે કંઈક ઉત્તમ હોય છે, તે બહાર લાવવા સહાયક થવું એ એમનો ઉદ્યમ. તેઓ મોટાઓની સાથે ચાલે છે અને નાનાઓને સાથે રાખે છે. ખરેખર તો એમના સાંનિધ્યમાં કોઈ નાનુંમોટું હોતું જ નથી. બધા કુમારપાળ મહારાજાની છત્રછાયામાં પ્રસન્ન હોય છે. એમને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સત્કાર્ય માટે દાન આપનારને પૂર્ણ વિશ્વાસ હોય છે કે એ દાન ઊગી નીકળશે અને એવું જ થાય છે.
શિક્ષક હોય એને વહીવટ ન ફાવે, વહીવટકારને સાહિત્ય ન સદે, સાહિત્યકારને રમતગમતમાં રસ ન પડે, ખેલકૂદના રસિયાને ધર્મ-અધ્યાત્મ ન જામે અને ધર્મ-અધ્યાત્મના અભ્યાસીને બીજું ઘણું ન આવડે એવું સામાન્ય રીતે બનતું હોય છે. પણ એક જ માણસને આ બધું સ૨ખું ફાવે એ તો અસામાન્ય જ કહેવાય. આપણાં દેવી-દેવતાઓને અનેક હાથવાળાં કલ્પવામાં આવ્યાં છે એ પ્રતીક કુમારપાળભાઈને જોતાં સાચું લાગે છે.

હા, કુમારપાળભાઈને એક કામ નથી ફાવતું તે છે બગાસાં ખાવાનું. એમને બગાસું ખાતાં ભાગ્યે જ કોઈએ જોયા હશે. સર્જકતા, સમસંવેદન, સમાજહિત અને સંવાદની અદીઠ સરવાણીઓ એમને સદા પ્રસન્ન અને ચિરયુવા રાખે છે.

જૈન ધર્મમાં ‘સમવાય’ની જે વિભાવના છે તે કુમા૨પાળભાઈને પૂરી રીતે લાગુ પડે છે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત ભાગ્ય અને સૌથી વધુ પુરુષાર્થ એમનાં કાર્યોને સફળતા અપાવે છે. કાળ એટલે સમય એમનો ૫૨મ સખા છે. સ્વભાવ એટલે સિંહનો પુત્ર સિંહ થાય તેમ ‘જયભિખ્ખુ’ના પુત્ર કુમારપાળ થાય. સર્જકના સંસ્કાર છે. બધું ઉત્તમ ક૨વું અને શબ્દ દ્વારા લોકોને આપવું એ એમની નિયતિ છે. પૂર્વજન્મની પુણ્યાઈ છે જેથી અપ્રમાદથી બધું કરી શકે છે અને મૂળ વસ્તુ તે એમનો પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ, અથાક કર્મનિષ્ઠા છે. જે કાર્યસિદ્ધિ લાવે છે.

આજે એમનાં કાર્યોનો વ્યાપ માન્યામાં નથી આવતો તો આવતી કાલે આ ‘બહુભુજ’ની કાર્યશક્તિને કેમ માની શકાશે ! હા, કરવા જેવું એક કામ એ છે કે એમની કામ કરવાની પદ્ધતિમાંથી પ્રેરણા લેવી, એમની સફળતાને સમજવી, એમનાં ઓજારોને તપાસવાં અને એમના વ્યવહારુ જ્ઞાનને પામવા પ્રયત્ન કરવો.

સમય અને કુમારપાળ બન્ને ૫૨મ મિત્રો. એકમેકના ખભે હાથ મૂકીને સસ્મિત ચાલી રહ્યા છે અને નવા નવા માર્ગો ઊઘડતા રહે છે.

ગુલાબ દેઢિયા

લેખક, કવિ અને શિક્ષક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑