બાળપણથી મને શિષ્ટ, સત્ત્વશીલ અને જીવનલક્ષી સાહિત્ય માટે વિશેષ રુચિ એટલે ડૉ. કુમારપાળભાઈનાં પુસ્તકો અને અન્ય લખાણો રસથી વાંચતી. સાથે-સાથે એમની અનેકવિધ પ્રવૃત્તિઓ, એમની સફળતા અને સિદ્ધિ વિશે પણ અવારનવાર વાંચતી.
મારા ઘરની સામે જ વિખ્યાત જૈન ઉપાશ્રય છે. ત્યાં કોઈ પણ જૈન સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, કોઈ વિદ્વત્તાભરી ગોષ્ઠિ હોય કે માત્ર પંડિતોની મિટિંગ હોય કુમારપાળભાઈ કાયમ ત્યાં આદરભર્યું સ્થાન શોભાવતા હોય.
જન્મભૂમિ-પ્રવાસી'ની મારી કટારવાસ્તવની વાટે’ માટે એમના વિશે એક લેખ તૈયાર કરવાના નિમિત્તે એમને બે વાર મળવાનું થયું ત્યારે એમનો સૌજન્યશીલ, ઉત્સાહી, વિવેકી, સહકારભર્યો સ્વભાવ તથા એકસાથે અનેક કાર્યો સુપેરે સંપન્ન કરવાની એમની ચોકસાઈભરી કાર્યપદ્ધતિનો ખાસ પરિચય થયો. ધારીએ તો એમના વિશે એક પુસ્તિકા તૈયાર થાય એટલી માહિતી એમણે નિખાલસતા અને સાહજિકતાથી એકદમ થોડા સમયમાં આપી હતી.
કારકિર્દીના આરંભકાળથી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ કક્ષાના ગૌરવપ્રદ અનેક ઍવૉર્ડો એમને મળ્યા છે, બહુમાન થયાં છે, પણ એનો ભાર એમનાં વાણી કે વર્તનમાં ક્યાંય વર્તાતો નથી.
૧૯૪૨માં જન્મેલા કુમારપાળભાઈને ૧૯૬૫માં આપણા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી વિશે લખેલા પુસ્તક લાલ ગુલાબ' માટે ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો. એ પુસ્તકની ૬૦ હજાર નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી. એ સમયથી કિશોરો અને યુવાનોનાં દિલ-દિમાગ પર ડૉ. કુમારપાળ દેસાઈ છવાઈ ગયા અને કુમારપાળભાઈએ પણ જાણે ગુજરાતને સંસ્કારસમૃદ્ધ કરવાનો નિર્ધાર કર્યો હોય એમ એક પછી એક સત્ત્વશાળી પુસ્તકો આપતા જ ગયા. એમનુંઅપંગનાં ઓજસ’ પુસ્તક એટલું જોમ અને જુસ્સાભર્યું હતું કે એમાંથી પ્રેરણા પામીને ત્રણ અંધ વ્યક્તિઓ પોતાના અંધત્વની પરવા કર્યા વિના ગિરનાર પહાડ ચડી આવી. આ મૂલ્યવાન પુસ્તકની પ્રસ્તાવના પૂ. શ્રી મોટાએ અને આમુખ વિજય મર્ચન્ટે લખ્યાં છે.
દેશ, સમાજ કે માનવતા ખાતર પોતાના જીવનને હોડમાં મૂક્યું હોય કે આહુતિ આપી હોય એવા ધીર, વીર, ઉદાત્ત નરપુંશવોની વાતો કહેતાં સંખ્યાબંધ પુસ્તકો એમણે લખ્યાં છે. આ કથાઓમાં ક્યાંય કલ્પના કે અનુમાન નથી, હકીકતની ખાતરી કરવા જાતે સ્થળ પર ગયા છે અને સત્યનું સંશોધન કરીને જ લખ્યું છે. આ સાહિત્ય વાચકના હૃદયને સ્પર્શે છે, નિત પ્રેરણા આપે છે. કાયમ તાજગીસભર લાગે છે. આવું સાહિત્ય કદી જૂનું નથી થતું.
કુમારભાઈને શૌર્ય અને ત્યાગની વાતોનું અજબ આકર્ષણ છે. અને કેમ ન હોય ? વીરોની ભૂમિ સૌરાષ્ટ્રનું રાણપુર એમનું જન્મસ્થળ છે. મેઘાણી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, દુલા કાગ જેવા ધરખમ સાહિત્યકારોનું શૈશવથી જ સાંનિધ્ય સાંપડ્યું હતું.
અનેક લોકો આજેય જેમનાં પુસ્તકો સ્નેહ અને આદરપૂર્વક વાંચે છે એવા ખમીરવંતા સાહિત્યકાર જયભિખ્ખુના તેઓ પુત્ર છે. પોતાનું લખાણ પિતાના નામના લીધે ન છપાય એવાં સ્વમાન અને ખુમારીના લીધે એમનું પ્રથમ લખાણ કુ. બા. દેસાઈના નામથી એમણે મોકલ્યું હતું. 1953માં એમના પિતાએ શરૂ કરેલી કૉલમો, પિતાના અવસાન પછી તંત્રીએ એમને લખવાનું કહ્યું, ‘ઈંટ અને ઇમારત', એ કૉલમ આજ દિન સુધી એમના હાથે સફળતાપૂર્વક લખાય છે. એમના પિતાજીનો સંકલ્પ હતો કે પોતે પૈતૃક સંપત્તિ લેશે નહિ ને પોતાના સંતાનને સંપત્તિનો વારસો આપશે નહિ. કુમારપાળ કહે છે,પિતાજીએ ત્રણસો પુસ્તકો લખ્યાં છે. એમના અવસાન બાદ કોઈ પુસ્તકમાંથી પાંચ રૂપિયાની નોટ તો કોઈમાંથી દસ રૂપિયાની નોટ મળે. એમ કુલ સાડા ત્રણસો રૂપિયા મળ્યા છે.’
આવા સિદ્ધાંતનિષ્ઠ, નિર્ભીક પિતાનો આપને કેવો અનુભવ ?' તેમનો એક જાતનો પ્રભાવ હતો, છતાં મારી સાથે કાયમ મિત્રવત્ પ્રેમથી વર્તતા. અમે ખૂબ વાતો કરતા.”
આટલા કાર્યભાર સાથે એમનું સાહિત્યસર્જન એકધારું ચાલે છે અને એ સર્જન કેવું વૈવિધ્યપૂર્ણ છે ! વાર્તાસંગ્રહો, વિવેચનસંગ્રહો, જૈન ધર્મનાં રહસ્યો ઉજાગર કરતાં ચિંતનાત્મક પુસ્તકો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પરના સંશોધનાત્મક લેખો.
ભગવાન મહાવીરસ્વામી અને શ્રીમદ્ રાજચંદ્રના અભ્યાસથી જીવન અને જગતને જોવાની નવી દૃષ્ટિ એમને મળી. મહાવીરસ્વામી એક કુમાર તરીકે પોતાના કુટુંબમાં કેવી રીતે રહેતા હતા તેની વાત તેમણે લોકોને કહેવા માંડી. આદર્શ કુટુંબજીવન કેવું હોય એનો ખ્યાલ તેઓ આપવા માંડ્યા. તેમનો ધર્મ તરફનો અભિગમ સાવ જુદો છે. તેઓ શુષ્ક તત્ત્વજ્ઞાનમાં નથી માનતા.
જૈન ધર્મ એ જીવનશૈલી છે. ધર્મ જીવનમાં વણાઈ જવો જોઈએ. ભગવાન મહાવીર ઊભા રહીને ધ્યાન કરતા, ખુલ્લી આંખે ધ્યાન કરતા, ફરતાં-ફરતાં ધ્યાન કરતા એ વાતનું હાર્દ તેઓ લોકોને સમજાવે છે. સ્વસ્થ તંદુરસ્ત નીરોગી જીવન જીવવા માટે શાકાહાર ઉત્તમ છે એમ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેઓ સમજાવે છે. એમનું પુસ્તક stories from jainism પરદેશમાં ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના તેઓ કો-ઑર્ડિનેટર છે. દુનિયાના દેશોમાં જૈન ધર્મને સ્થાન અપાવવામાં તેઓ સફળ થયા છે. પાંચે ખંડના જૈન પ્રતિનિધિઓ ઇંગ્લૅન્ડના બકિંગહામ પૅલેસમાં પ્રિન્સ ફિલિપને મળ્યા અને જૈન ધર્મમાં પર્યાવરણ વિશે માહિતી આપી. માત્ર વીસ મિનિટ માટે અપાયેલી એ મુલાકાત એક કલાક ને વીસ મિનિટ ચાલી. ત્યાંનાં અખબારોમાં અને બીજાં પ્રસારણ-માધ્યમોમાં એની નોંધ લેવાઈ.
કુમારપાળભાઈ નિર્ભીકતાથી કહે છે : જૈન સમાજ વાસ્તવિક પરિસ્થિતિ અને એના ઇતિહાસથી દૂર છે, અહિંસાના નામે એ ભીરુ થઈ ગયો છે. ક્યારેક એ ધનનો અપવ્યય કરે છે.' વિદેશોમાં તેઓ જ્યાં પ્રવચન કરવા જાય છે ત્યાં લાઇબ્રેરી થાય છે. સંશોધન અને અધ્યયન માટે સ્કૉલર્સ ફંડ થાય છે. સમાજને ઉપયોગી પ્રોજેક્ટો થાય છે.
તેઓ માત્ર જૈન ધર્મ પર જ નહિ, પણ મૂંડકોપનિષદ, રામાયણ અને ગીતા પર પણ પ્રવચનો આપે છે. તેઓ એમની વાતોમાં તત્ત્વજ્ઞાન એવી રીતે મૂકે છે કે માણસનાં હૃદય-મનને સ્પર્શે, બુદ્ધિને પહોંચે અને જીવનમાં ઊતરે, જીવનને શ્રેષ્ઠતાના માર્ગે વાળે.
આજથી સો વરસ પહેલાં આફ્રિકા ગયેલા અને ત્યાંના આદિવાસી જીવન જીવતા આફ્રિકન લોકો ઉદ્યોગ કરે એ માટે પ્રયાસ કરનાર એક માનવતાપ્રેમી નરવીર શ્રી પ્રેમચંદ વ્રજપાળની જીવનકથા કુમારભાઈએ લખી. ભુલાઈ ગયેલા એ શ્રેષ્ઠીવર્યની જીવનકથા માટે આધારભૂત વિસ્તૃત સાચી માહિતી મેળવવા કુમારભાઈ જાતે આફ્રિકા ગયા હતા, એ પ્રદેશોમાં જાતે ફર્યા હતા અને કેટલાય માણસોને મળ્યા હતા.
૧૮૯૩માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ જઈને ધર્મ પર કુલ ૫૩૫ વ્યાખ્યાનો આપનાર વીરચંદ ગાંધી પર એમણે વર્લ્ડ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સમાં મનનીય વક્તવ્ય આપ્યું. ઇતિહાસના પ્રવાહમાં ભુલાઈ ગયેલા કે વણનોંધાયેલા મહાન માણસોનો ફરી એક વાર તેઓ પ્રજાને પરિચય કરાવે છે. છ ચોપડીનો અભ્યાસ કરનાર અને ૧૩૧ ગ્રંથ રચનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ અને કરુણાના સાગર સમા કૈલાસસાગર મહારાજનાં જીવનચરિત્રો તેમણે લખ્યાં છે.
તેઓ આફ્રિકા ગયા ત્યારે નાઇરોબીની ઝૂંપડપટ્ટી જ્યાં ૬૦% એઇડ્ઝના દર્દીઓ છે ત્યાં ગયા હતા. રોગ અને દરિદ્રતામાં સબડતા ત્યાંના લોકો પર એક નવલકથા લખવાનું તેઓ વિચારે છે.
ક્યાંથી મળ્યું આવું અનુકંપાશીલ હૈયું ?’ મારી માતાની દેન છે.' કુમારપાળભાઈએ માતાની સ્મૃતિમાં અનુકંપા ટ્રસ્ટ કર્યું છે જે ગરીબોને સહાય કરે છે.
પિતાની સ્મૃતિમાં તેઓજયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ’ ચલાવે છે જે પુસ્તકપ્રકાશન ઉપરાંત અશક્ત, વૃદ્ધ, અપંગ લેખકોને આવશ્યક સહાય પહોંચાડે છે. સંસ્થાઓની સ્થાપના અને વહીવટ માટેનાં અજબ સૂઝ, શક્તિ ને ઉત્સાહ એમનામાં છે, જે કારભારી દાદાનો વારસો હશે ? એમના દાદા વરસોડાના કારભારી હતા.
અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચેય કુમારપાળભાઈનો રમતનો શોખ જળવાઈ રહ્યો છે : ૧૯૬૨થી એ સ્પૉર્ટ્સની કૉલમ લખે છે. એમની પુસ્તિકા ‘હાઉ ટુ પ્લે ક્રિકેટ'ની એક લાખ નકલો વેચાઈ છે. અધ્યયન, અધ્યાપન, ચિંતન, સંશોધન. સંપાદન, લેખન, વિવેચન, અનુવાદ, પ્રવચન,વહીવટ’ – કેટકેટલી પ્રવૃત્તિઓ અને કાર્યક્ષેત્રો છતાં હજી નવા પ્રોજેક્ટ કરવા તૈયાર.
‘દિવસના તો ચોવીસ કલાક જ છે તો ઊંઘ અને આરામના કેટલા કલાક ?'
‘ઊંઘ તો પૂરી લેવાની. ઉજાગરા કરવાનું નથી શીખ્યો. હા, દિવસ ઊગે પછી એકધારું કામ ચાલે.’
અવંતિકા ગુણવંત
લેખિકા, નિબંધકાર