કુમારપાળભાઈના અભિનંદન-ગ્રંથ માટે લેખ લખવા કલમ ઉપાડતાં જ સ્મરણ થયું – એક અજાણ્યાં બહેનનું, વિમાનમાં મારી પાસેની સીટ ઉપર બેઠેલ એ બહેને કુમારભાઈના સંદર્ભે બોલેલ એ વાક્યનું. સાથે પ્રવાસ કરવાનો થાય તો વાતચીત સ્વાભાવિકપણે જ આકાર લેતી જતી હોય છે. એકવખતના મારા આવા પ્રવાસ દરમિયાન મારી પાસેની સીટ ઉપર બેઠેલ એ સન્નારીની સાથેવાતચીતનો દોર શરૂ થયો. પરિચય વધતો ચાલ્યો. હું ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં અંગ્રેજી વિભાગની અધ્યક્ષ છું તે જાણ્યા બાદ તેઓ બોલ્યાં, “કુમારપાળ દેસાઈને તમે ઓળખો ?”
મેં કહ્યું, “હા, ખૂબ સારી રીતે. તેઓ મારા મિત્ર છે, ડીન અને ડાયરેક્ટર પણ ખરા.”
તેઓ બોલ્યાં, “તમે મને તેમની સાથે એક મુલાકાત ગોઠવી આપી શકો ?”
મેં સહજતાથી કહ્યું, “ચોક્કસ; કેમ નહીં ?”
વાતોનો વિષય બદલાતો ચાલ્યો. છૂટા પડતાં તેમણે સંદર્ભ વગર અચાનક કહ્યું, “તમે મને કુમારપાળની સાથે મેળવી આપશો ને ?”
‘હા.' 'ચોક્કસ ?' 'હા... હા.... જરૂર, ચોક્કસ.' ભલે ત્યારે. ‘હા…શ.. આ તો એમ કે મારો ફેરો એળે ન જાય.’
હું એ ધનાઢ્ય દેખાતાં, પ્રભાવશાળી સન્નારીને જોઈ રહી. વૃદ્ધાવસ્થામાં આવી મુગ્ધતા !
મેં વિચાર્યું. ક્ષણાર્ધ બાદ મારામાં રહેલ યુનિવર્સિટી શિક્ષકે તર્ક આપ્યો – તેઓને ક્યાં ખબર હતી કે હું તેમને મળવાની હતી.
ધક્કો શાનો ?
મનમાં ચાલતા તર્કને શિક્ષકની જીભ સાથ ન આપે ? એવું બને કદી ?
જીભે ટાપશી પૂરી, “આવું કેમ બોલો છો ? આ વખતે કદાચ ન બને તો આવતા વખતે ફરી આવો ત્યારે મળી લેજો. હું જરૂર મેળવી આપીશ. એમાં ફેરો પડ્યા જેવું શું છે ?
સન્નારી મને તાકી રહ્યાં. સહેજ ધીમેથી તેઓ ગણગણ્યાં. “બહેન, હું અમદાવાદના ફેરાની વાત નથી કરતી. હું તો જીવનના ફેરાની વાત કરું છું.”
*
“જેમને ન મળ્યાથી જૈન સમાજનાં એક વૃદ્ધ સન્નારીને જીવનનો ફેરો એળે ગયો તેમ લાગે તેવી વ્યક્તિ મારા પાડોશના રૂમમાં હતી અને હું એને ઓળખી જ ન શકી ?”
*
સા…..વ નજીકના સ્નેહી મિત્રોની પિછાણ કરાવવા શું બહારના લોકોની મદદ લેવાની ?
મારી એ વિમાનયાત્રા મારા માટે એક સીમાચિહ્નરૂપ બની ગઈ. ત્યાર બાદ મેં મારા મિત્ર, ભાષાભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફૅકલ્ટીના ડીન એવા કુમારપાળભાઈને જોવા માટે મારાં સહયાત્રી બહેનની નજર કેળવી… અને હું જોઈ શકી એવું ઘણું બધું જે પહેલાં મેં જોયું નહોતું.
ધર્મ, જ્ઞાન અને કરુણાતાનું એક અદ્ભુત સંયોજન મને કુમારભાઈમાં જોવા મળ્યું. કરુણાની આંગળીએ વિનમ્રતા, સદ્ભાવી લાગણી ઇત્યાદિ ગુણો તો ખરા જ. પણ ઘણી વાર જ્ઞાનની આંગળી પકડીને આવતો ઘમંડ જરા પણ નહીં. વળી આ ઉપરાંત ઉત્તમ વ્યવસ્થાશક્તિ પણ અદ્ભુત.
*
પદ્મશ્રી અને અન્ય ઘણાં સન્માનો અને ઍવૉર્ડોથી નવાજાયેલ કુમારભાઈનું મોટામાં મોટું સન્માન એમના અજાણ્યા પ્રશંસકના ફેરાની સફળતાએ કર્યું. આ બહેન જેવાં તો કંઈ-કેટલાંય હશે. મને તો આનંદ એ વાતનો છે કે એ બહેન થકી હું કુમારભાઈના સાચા સ્વરૂપને ઓળખી શકી. અને આ પ્રકારની વિશેષ ઓળખાણ બાદ પણ મને ગુજ. યુનિ.ના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે એમની સાથે બાજુના જ રૂમમાં બેસીને કામ કરવાનાં વર્ષો મળ્યાં.
*
વિશ્વવિધાલયના વિદ્યાજગતમાં આવી, કુમારભાઈ જેવી, વ્યક્તિઓ ભાગ્યે જ મળે અને તેથી તેનો સવિશેષ સંતોષ હોય. મને તો છે જ. એક બુંદ જેટલું ઇચ્છનારને આખી ને આખી ગંગા મળ્યા જેટલો :
“જિંદગીભર બૂંદ કો તરસે,
સામને ઘર કે એક દરિયા થા.”
ડૉ. રંજના હરીશ
પૂર્વ અધ્યક્ષ, અંગ્રેજી વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, લેખક, સંશોધક, વિવેચક.