ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય – પુસ્તક પ્રકાશક અને વિક્રેતા દ્વારા ‘શબ્દ અને શ્રુત’ પુસ્તક પ્રકાશિત થયું. ભાઈશ્રી કુમારપાળ દેસાઈની સર્વાંગી પ્રતિભાને 111થી વધુ લેખોમાં ‘શબ્દ અને શ્રુત’ના માધ્યમથી પ્રકાશ સાંપડ્યો. જે 2004માં પ્રકાશિત થઈ અને અપ્રાપ્ય બનતાં જ સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરવાની દિશામાં પ્રગતિશીલ છે ત્યારે મારા લેખનના પ્રદાન માટેના આમંત્રણથી હું ગૌરવ અને આનંદ અનુભવું છું – હિન્દી ભાષાનો પ્રખ્યાત શબ્દપ્રયોગ યાદ આવે છે. ‘हाथ कंगन को आरसी क्या ?’ હાથના કાંડા ઉપર અમૂલ્ય, સુંદરતમ આભૂષણ શોભતું હોય તેની સુંદરતાને નિહાળવા દર્પણ–અરીસાની જરૂર ખરી ? કંગનના શણગારથી કાંડું શોભતું હોય તે જોવા માટે અરીસો શું મદદ કરે ? એ તો નરી આંખે અને હાથના સ્પર્શે જ ઓળખી શકાય, ખરું ને ? સીધેસીધી નજરમાત્રથી જ માણી, જાણી અને નાણી પણ શકાય – એ મૂલ્યાંકન માટે અરીસો સાવ બિનજરૂરી જ સાબિત થાય. વિશાળ સાહિત્યજગતમાં નજર માત્ર માંડીએ ત્યાં જ સર્જકની ઓળખ સહજભાવે મળી જાય, માત્ર દૈનિક પત્રોના માધ્યમથી તે પરખાય, વિવિધ વિષયોના પુષ્પગુચ્છથી તેની મહેક માણી લેવાય – આટલેથી એકાદ સોપાન ઉપર ચડીએ એટલે પુસ્તકનું વહેણ રેલમછેલ. વિશાળ વિશ્વનો ઓટલોય નાનો પડે ! શ્રીકૃષ્ણ ભગવાને ટચલી આંગળીના ટેરવે ગોવર્ધન તોળ્યો તેવી વાતો વાંચી–સાંભળી, આપણા સાહિત્યજગતને કલમના ટાંકણે કંડાર્યું અને વાચકવર્ગને સમૃદ્ધ કર્યો તેવા ઋષિગણમાં– પિતાશ્રી(જયભિખ્ખુ)ના ચરણો ઉજાળતા ભાઈ કુમારપાળે વિશ્વઆંગણે પોતાની સર્જક પ્રતિભાને શણગારી છે.
મને સાહિત્ય વાંચનમાં ક્યાંક વિચારશીલ મુદ્દો ન સમજાય તો – આજુબાજુથી છાનબીન કરીને તત્વ ન લાધે તો ? – ફોનના દોરડે કુમારપાળભાઈનો સંપર્ક અને આપણે મોકળા મને ગૂઢાર્થને સમજી શકીએ – આનંદીએ એ નફો. કોઈ સમારંભમાં તેમના વક્તવ્યને માણ્યા પછી – અવલોકન કરતાં, સમજની વેલમાં પરોવી લેવાનો ભાવ. ‘અનાહતા’ કુમારપાળભાઈલિખિત નવલકથા. કેન્દ્રમાં ‘કુંતી’. એક સન્માનનીય – વંદનીય વ્યક્તિત્વ. ત્યાં ‘મહાભારત’ને આરપાસ વીંધતા અને સંવેદતા કુમારપાળ દેખાય – મેં જોયું–વાંચ્યું એ પુસ્તક. પણ તેનું મુખપૃષ્ઠ મને સમજાયું નહિ.– સાચું કહું તો ગમ્યું પણ નહિ – સુંદરતાની દૃષ્ટિએ. વિશ્વકોશભવનના આંગણે એક વાર કુમારપાળભાઈ મળી ગયા તો લાગલું જ પૂછી નાંખ્યુ – ‘‘ભાઈ, ‘અનાહતા’નું મુખપૃષ્ઠ આવું કેમ ?’’ જવાબ મળ્યો – ‘આર્ટિસ્ટને જે ગમ્યું તે ખરું’ – આશ્ચર્ય સાથે સાંભળી લીધું. લેખક એ જ રચનાકાર અને ચિત્રકાર પણ તેમાં સહયોગી ! કેવો ભાવસ્વીકાર ?