આદરમાનના અનેક પ્રકારો છે.
કોઈને પ્રણામ કરીને આદર અપાય, તો કોઈ હાથ મિલાવીને કે ભેટીને પણ આદર વ્યક્ત કરે.
ક્યારેક વખાણ કરવા દ્વારા આદર સૂચવાય, તો ક્યારેક વ્યક્તિને માટે અનુરૂપ વિશેષણો પ્રયોજીને પણ આદર પ્રગટ કરી શકાય.
આ બધા કરતાં વિલક્ષણ લાગે એવો એક પ્રકાર છે : આત્મીયતા.
હા, કોઈની સાથે આત્મીયતા અનુભવવી, દર્શાવવી એ પણ આદરમાન અભિવ્યક્ત કરવાનો એક ખાસ પ્રકાર છે. અને આ પ્રકાર દ્વારા હું હંમેશાં કુમારભાઈને આદર આપું છું.
બધા માટે તેઓ પદ્મશ્રી અને ડૉક્ટર હશે, ઘણાને માટે તેઓ ડૉ. કુમારપાળ દેસાઈ કે દેસાઈસાહેબ હશે જ. મારા માટે તેઓ કુમારભાઈ છે. તેમને આ સંબોધનથી સંબોધતી વેળા મનમાં જે આદરની લાગણી પ્રગટે છે, તે અન્ય સંબોધન કરું ત્યારે ઔપચારિકમાં ફેરવાઈ જતી અનુભવાય છે, આત્મીયતા ઓઝપાતી લાગે છે.
ના, મારે ‘આત્મીય કુમારભાઈ’ લખવું નથી પડતું. હું માત્ર ‘શ્રી કુમારભાઈ’ જ લખતો હોઉં છું. ‘આત્મીય’ શબ્દ મોટા ભાગે આત્મીયતાથી દૂર લઈ જતો હોવાનું હું માનું છું, એ શબ્દપ્રયોગ પણ ઉપચાર જ બની રહે છે.
હું વીસ વર્ષનો હતો ત્યારથી, એટલે કે પચાસેક વર્ષોથી તેમને આ રીતે સંબોધતો આવ્યો છું અને એ પ્રચ્છન્ન કે છૂપી આત્મીયતાને તેમણે હંમેશાં સ્વીકારી છે, એ પણ હું સમજું છું.
આવી આત્મીયતા બંધાવાનું કારણ શું હોઈ શકે ? ન જાને.
એમ લાગે છે કે જયભિખ્ખુ એ મારા સૌથી વધુ પ્રિય લેખક હતા. તેમનાં પુસ્તકો મેં અનેક વાર વાંચ્યાં છે. તેમનો ભાષાવૈભવ, તેમની હૈયાંસોંસરવી ઊતરી જાય તેવી પ્રસ્તુતિ – આ બધાનું મને કાયમ કામણ રહ્યું છે. આજે પણ તે અકબંધ છે.
આ મારા પ્રિય લેખકના કુમારભાઈ પુત્ર છે એવું જ્યારથી જાણ્યું ત્યારથી, પ્રત્યક્ષ-પરોક્ષ કોઈ પરિચય વગર પણ, મનમાં એક પ્રકારનો સદભાવ તેમના માટે અંકુરિત થયો હતો.
પછી તો ‘શાસનસમ્રાટ’ ગ્રંથ લખવાનો થયો, ત્યારે તેનાં પ્રારંભિક પ્રકરણો કુમારભાઈને વંચાવવાનાં થયાં. લેખનપ્રવૃત્તિ મારા માટે નવીન ક્ષેત્ર હતું. થયું કે જયભિખ્ખુના પુત્ર છે, પાછા પોતે લેખક છે, તો એક વાર એમની નજરતળે આ પ્રકરણો પસાર થઈ જાય અને કાંઈ સુધારવા જેવું સૂચવે તો સુધારી લેવાય. મેં પ્રકરણો તેમને મોકલ્યાં. તરત જ તેઓ તે બધું વાંચીને, લઈને રૂબરૂ આવ્યા. મારી શ્રદ્ધા ફળી લાગી. તેમણે રાજીપો વ્યક્ત કર્યો જ, કેટલાક સુધારા તથા સૂચનો પણ કર્યાં. આત્મીયતાનો આ પહેલો અનુભવ.
પરિચય વધતો ગયો. તેમનાં બા જયાબહેને ઘેર પધારવાનું કહેણ મોકલ્યું. તેમનાં માસી મોંઘીબાનો પૂજ્ય નંદનસૂરીશ્વરજી મ. સા. થકી પરિચય. તેમને મારું લખાણ ને કેટલીક વાતો વગેરે ગમતું. તે કુમારભાઈને ઘેર આવેલાં. તેમણે વાત કરી હોય કે ગમે તેમ, મને તેડું આવ્યું. હું ગુરુ મહારાજની આજ્ઞા લઈને ગયો. બધાં બહુ રાજી. આપણાં સગાં મા હોય એવાં હેત એ બંને માતાઓએ પીરસ્યાં. અને એમ આત્મીયતા વધી, વધતી ગઈ. જયાબા જીવ્યાં ત્યાં સુધી જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે તેમના ખબરઅંતર પૂછતો રહ્યો. અવસરે તેમની પાસે જવાનું પણ બનતું.
તેમના ગયા પછી તેમના ઘરે જવાનું બંધ થયું. તો પ્રતિમાબહેન ધોકો કરે કે ‘કેમ, બા ગયાં એટલે ઘર બંધ થઈ ગયું ? કેમ ન આવો ?’ અર્થાત્ આત્મતીયતાનો ભાવ યથાવત્ રહ્યો.
મને પ્રતિમાબહેનમાં હંમેશાં જયાબા અને માતૃત્વનાં દર્શન થયાં છે, થાય છે. તેમની વાતને ટાળવાનું તેથી વધારે અઘરું પડ્યું છે.
સાહિત્યના, ધર્મક્ષેત્રના અનેક પ્રશ્નો કુમારભાઈ સાથે ચર્ચવાનું, ઉકેલવાનું બન્યું છે. ગ્રંથપ્રકાશન, ઍવૉર્ડ પ્રદાન, પરિસંવાદ જેવાં અનેક કાર્યોમાં સહયોગી તથા પૂરક બનવાનું બન્યું છે. કેટલાંય પ્રયોજનોમાં કુમારભાઈની સહાય તથા સલાહ ઘણી ઉપયોગી બની છે, બનતી રહે છે, પરંતુ એ બધી વાતોને આજે ગૌણ બનાવવી છે. આજે તો ફક્ત આત્મીયતાની જ વાત પૂરતી છે.
એક શીલવંત, સદાચારી, સંસ્કૃત સજ્જન, સાહિત્યકાર લેખે કુમારભાઈની મારા મનમાં બહુ મોટી ઇજ્જત છે. તેમના હાથે ઘણાં બધાં યશસ્વી કાર્યો તથા લેખનો થયાં છે. હજી પણ તેમના હાથે નિરંતર આવાં કાર્યો થાય અને દીર્ઘાયુષી બનીને ધર્મની તથા સાહિત્યની ખૂબ સેવા કરે તેવી શુભ ભાવના પ્રગટ કરીને વિરમું છું.
વિજયશીલચન્દ્રસૂરિ
વિદ્વાન આચાર્ય, ગ્રંથોના રચયિતા અને અનુસંધાન સામયિકના તંત્રી