જીવતરની સાધના સંગાથ સમાજ અને સંસ્કૃતિ ઘડતરનું કાર્ય સહજ રીતે જેમના હાથે થઈ રહ્યું છે, એવા સારસ્વત કુમારપાળ દેસાઈનો અભિવાદન ગ્રંથ ‘શબ્દ અને શ્રુત’ની બીજી સંવર્ધિત આવૃત્તિ વર્ષ 2024માં પ્રકાશિત થઈ છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા હાડ બાઉન્ડ, સ્કેવર સાઈઝ, 100 GSM – બેલારપુર પેપરના ઉપયોગ સાથે 680 પૃષ્ઠમાં પ્રકાશિત પુસ્તકમાંથી પસાર થતાં જ પ્રખર પુરુષાર્થી માણસનો પરિચય થઈ આવે છે. કુમારપાળભાઈ તો એમના કામ અને નામથી પરિચિત છે, લોકો તો એમના માણસાઈથી સભર વ્યક્તિત્વથી જાણીતા છે જ, પરંતુ એમના વિશે ઓછું જાણતા લોકોને પણ ‘શબ્દ અને શ્રુત’ અભિવાદન ગ્રંથ એમની શબ્દ અને માનવીય સાધનાનો સુપેરે પરિચય કરાવી આપે છે.
એમના કામને સમાજના આ ક્ષેત્રના ધુરંધરો કેવી રીતે બિરદાવે છે ? જવાબમાં આપણને અનેકવિધ અભિનંદન, વિશેષણો એમના વિશે મળે એવું કામ એમણે પોતાના ગત 80 વર્ષની આયુમાં કર્યું છે. કુમારપાળ દેસાઈ શું છે ? જવાબમાં તેઓ જનપ્રિય અને જિનપ્રિય છે. વિરલ સંશોધક, ભદ્રશીલ સંસ્કારસેવક, નખશીખ ભારતીય, પ્રકાશ ફેલાવતી જીવનજ્યોત, સંકલ્પ અને સિદ્ધિના પર્યાય, મૂલ્યવર્ધનનું અમૂલ્ય કાર્ય કરનાર ઈન્સાન, સૌ માટે સૌજન્યશીલ સ્વજન, સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ, બહુઆયામી વ્યક્તિત્વ, વ્યક્તિત્વ ઘડતરના શ્રેષ્ઠ શિલ્પી, વિરલ સાંસ્કૃતિક પ્રતિભા, માનવતાના પ્રતિબદ્ધ સારસ્વત, પ્રેમભીની મૈત્રીનું સરનામું, માનવધર્મના મહાન ચિંતક, સર્જકના શ્વાસથી ધબકતી વિદ્વતા, ગુજરાતના પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ, તાજગી અને પ્રસન્નતાનું પર્મનન્ટ એડ્રેસ, અહિંસાને વરેલા અજાત શત્રુ, ગરિમા અને ગરવાઈનો માણસ, જાગૃત અને કર્મશીલ ભાષાપ્રેમી, તરસ છિપાવનાર મીઠી વીરડી, શાતા અને ક્ષમતાનું સરનામું, જ્ઞાનપ્રેમી સેવા સમૃદ્ધ બહુમુખી માણસ, મૂલ્ય સાથે નિસ્બતના અક્ષરયાત્રી, માનવતાના મૂર્તિમંત પ્રતીક, પ્રેરણાનું તીર્થ, ઊર્જાનું પાવરહાઉસ, વન મેન યુનિવર્સિટી. અનેક પરિમાણનું નામ-સરનામું કુમારપાળ દેસાઈ છે.
સ્વકેન્દ્રી નહીં સર્વ કેન્દ્રી માણસની સવિગત, યાજ્ઞિક કર્મનો આલેખ આપતાં પુસ્તક – ‘શબ્દ અને શ્રુત’નું સંપાદન ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. બળવંત જાનીએ કર્યું છે. કુમારપાળ દેસાઈના જીવન કવનની ગાથાને સંપાદિત લેખોમાં સંકલિત કરી આપી છે. સંપાદનનું કાર્ય કાળજીપૂર્વકનું, અભ્યાસનિષ્ઠા સાથેનું થયું છે. સંપાદકોની વિદ્યાનિષ્ઠા સાથે કુમારપાળભાઈ તરફનો આદર-પ્રેમ પણ જોઈ શકાય છે.
‘શબ્દ અને શ્રુત’ અભિવાદન ગ્રંથમાં 11 વિભાગોમાં કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વ અને કર્મશીલ જીવનને દર્શાવતા 286 લેખ આ વ્યક્તિ વિશેષની જીવન સાધનાનો નકશો ચીંધી આપે છે. કુમારપાળ દેસાઈ અત્યારે 81 વર્ષના થયા છે. એમના આઠ દશકનાં યજ્ઞરૂપ કાર્યની સાદર નોંધ આ ગ્રંથમાં 286 લેખકોએ લખી આપી છે. કુમારપાળ દેસાઈ વિદ્યાસાધક, કળામર્મી જીવન ઉપાસક છે. માણસાઈ ભરેલા માણસ હોવાથી તેમનું વ્યક્તિત્વ સકારાત્મક છે. ખૂબ શાંત ચિત્તે તેઓશ્રી પોતાને કરવાના કાર્યોમાં સંકલ્પપૂર્વક મંડ્યા રહે છે. આ પ્રકારના માણસો કેવા હોય એની રસપ્રદ વાત લીયોનાર્દો-દ-વિન્ચીએ કરી છે.
વિન્ચીને એક માણસે પૂછ્યું, ‘કેટલા પ્રકારના લોકો હોય છે ?’
લિયોનાર્દ દ વિન્ચી : ‘લોકોના ત્રણ વર્ગો હોય છે. એક વર્ગના લોકો કશું જોતા નથી, બીજા વર્ગના લોકો જ્યારે દેખાડવામાં આવે ત્યારે જુએ છે; અને ત્રીજા વર્ગના લોકો પોતાની જાતે જુએ છે.’
કુમારપાળ દેસાઈનો સમાવેશ આપણે આ ત્રીજા પ્રકારના લોકોમાં કરી શકીએ છીએ. તેમના મતે જીવનની ક્ષણેક્ષણનો વિનિયોગ કરવો એ જ જીવન કાર્ય છે. શ્રી કુમારપાળભાઈ જૈન ધર્મના જૈન સાહિત્યના ઊંડા અભ્યાસુ છે. જૈન ધર્મનું અમૃત આકંઠ પીધું છે તેથી તેમનામાં ધાર્મિકપણું દેખાઈ આવે છે. એમની પ્રતિભા અનેક ક્ષેત્રોમાં રમમાણ રહી છે. રમત ક્ષેત્રે અનન્ય લગાવ હોવાથી વિવિધ રમતોના તજ્જ્ઞ અને લેખક પણ છે. સાહિત્ય તો એમનું ગમતું અને ઘરનું ક્ષેત્ર કહી શકાય પરંતુ તેઓ એક ઉત્તમ વક્તા છે. શ્રેષ્ઠ વ્યવસ્થાપક સાથે સભા સંચાલક છે. માતૃભાષા તરફનો લગાવ આકાશને આંબે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સંચાલક તરીકે ધ્યાનાર્હ, વિવેકયુક્ત કાર્ય કરતા રહે છે. વિશ્વકોશ ટ્રસ્ટને ઉત્તમ સંસ્થા બનાવવામાં શ્રી ધીરુભાઈ ઠાકર પછી એમનો સિંહફાળો રહ્યો છે. હજુ તો એમની પરિપક્કવ પ્રૌઢિ આગામી સમયમાં કેવા રૂડા કાર્યો કરશે ! પોતાના ગુરુ ધીરુભાઈ ઠાકરનું અને પિતા જયભિખ્ખુનું નામ ઉજળું કરનાર, કોઈ એક વ્યક્તિ પોતાના આયુષ્યમાં કર્મરત રહી કેવું બૃહદ કાર્ય કરી શકે એનું જીવંત ઠેકાણું કુમારપાળ દેસાઈ છે.
‘શબ્દ અને શ્રુત’ ગ્રંથમાં એમના વિશે ખૂબ આદરપૂર્વક લેખકોએ એમણે કરેલા કાર્યોની નોંધ લીધી છે. એમાંથી કેટલાક માનનીય મુરબ્બીશ્રીઓ, લેખકોના કુમારપાળભાઈ વિશેના અભિપ્રાય અહીં રાખું તો તમને એમના વ્યક્તિત્વની ઊંચાઈ અને ભીતરની અમીરાત જોવા મળશે.
‘આટલી બધી સિદ્ધિ અને પ્રસિદ્ધિ મળી હોવા છતાં એમના વર્તનમાં ક્યારેય અહમ્ કે આડંબર નથી આવ્યા’
- જાદુગર કે.લાલ
‘અનેકવિધ ક્ષેત્રે કુમારપાળભાઈની પ્રતિભા અને વ્યક્તિત્વની સુગંધ પ્રસરી રહી છે.’
- શ્રેણિકભાઈ કસ્તુરભાઈ
‘કુમારપાળભાઈ હંમેશા હકારાત્મક વલણ રાખે છે રાષ્ટ્રમાં તથા સમાજમાં નીતિના ધોરણો તથા મૂલ્યો સચવાઈ રહે તે માટેના આગ્રહી રહ્યા છે.’
- બી.જે. દીવાન
‘તેમની વહીવટી દક્ષતાનું એક મહત્ત્વનું સુખફળ એટલે ગુજરાતી વિશ્વકોશ ગ્રંથશ્રેણીનું પ્રકાશન.’
- રજની વ્યાસ
‘કુમારપાળભાઈને અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છતાં અહમ્ કે આછકલાપણું એમનામાં ડોકાતું નથી.’
- વસુબહેન
‘મેં એમનામાં હંમેશા એક સ્વસ્થ કૃતનિશ્ચયી અને કર્મઠ માણસના દર્શન કર્યા છે.’
- વિનોદ જોશી
‘શ્રી કુમારપાળભાઈ દેસાઈ મારી ગમતી વ્યક્તિઓમાં અને ગમતા લેખકોમાંના એક છે.’
- દલપત પઢિયાર
‘એક શીલવંત સદાચાર્ય, સંસ્કૃત સજ્જન સાહિત્યકાર લેખે કુમારપાળભાઈની મારા મનમાં બહુ મોટી ઈજ્જત છે.’
- વિજયશીલ ચંદ્રસૂરી
‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના વિકાસમાં એમનો સિંહફાળો છે. અમદાવાદમાં વિશ્વકોશ એક જોવા જેવું સ્થળ છે અને એના સંવાહક મળવા જેવા માણસ છે.’
- રઘુવીર ચૌધરી
‘જૈન આગમોના કુમારપાળભાઈ ઉદ્ગાતા છે. એક લોકશિક્ષક તરીકે એ કેવળ ગુજરાત જ નહીં, પણ સમગ્ર વિશ્વના જૈન શ્રાવકો અને તત્ત્વપિપાંશુઓમાં ખૂબ જ લોકપ્રિય છે.’
- ભાગ્યેશ જહા
‘ખૂબ સિદ્ધિઓ અને જ્વલંત કીર્તિ કુમારપાળભાઈ દેસાઈના અભિજાત અને સરળ વ્યક્તિત્વને અળપાવી શકી નથી.’
- રતિલાલ બોરિસાગર
‘કુમારપાળ દેસાઈ એટલે શાંત સ્વસ્થ પ્રજ્ઞાશીલ કર્મઠ વ્યક્તિ.’
- મણિલાલ હ. પટેલ
કુમારપાળ દેસાઈ વિશેના ઉપરોક્ત મત આપણને એમની સમીપ લઈ જાય છે. નજીક જતા, ઓળખાણ વધતા આપણે એમના અને તેઓશ્રી આપણા બની જાય છે. ‘શબ્દ અને શ્રુત ગ્રંથમાંથી પસાર થતાં કુમારપાળ દેસાઈને ન ઓળખતા વ્યક્તિઓ પણ અહોભાવમાં આવી જાય એવું એમનું પાવક વ્યક્તિત્વ અહીં 286 લેખોમાંથી પ્રગટ થાય છે. આવા ઉમદા ગુજરાતી શ્રેષ્ઠ માણસ જે ધાર્મિકપણું જીવે છે. સંશોધન શ્વસે છે. વહીવટને દક્ષતાથી સફળ કરે છે. અનેક લોકો સાથે રહી સૌ પાસેથી ધ્યેયલક્ષી કામ લઈ શકે છે. વસુધૈવ કુટુંબકમ્નો ભાવ રાખી, કર્મપણું જીવે જાય છે. કુમારપાળ દેસાઈ નિરામય રહો એવી પરમને પ્રાર્થના.’
ડૉ. દિનુ ચુડાસમા
(કોડિયું મેગેઝીનમાં : નવેમ્બર-2024)