જનપ્રિયત્વ અને જિનપ્રિયત્વ

ભારત સરકારે શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન ભારતીય શ્રી કુમારપાળભાઈને ‘પદ્મશ્રી’ના ખિતાબથી વિભૂષિત કર્યા તે ભારતદેશનું અને જૈન સમાજનું ગૌરવ છે. એ ગૌરવની પૂર્તિ માટે તેમના જીવનની વિશિષ્ટતાને પ્રગટ કરતું પુસ્તક-પ્રકાશન આવકારદાયક છે.
કહેવાય છે મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે' તે સ્વતઃ જ ઓળખાય. આપણા કુમારપાળભાઈને પૂ. પિતાશ્રીજયભિખ્ખુ’ તરફથી સાહિત્યલેખન અને રસપ્રદ કથાઓની રચનાનો વારસો મળ્યો છે. પૂજ્ય માતુશ્રી તરફથી ગાંભીર્ય, સંસ્કાર અને કાર્યકુશળતાનો વારસો મળ્યો છે. આ ઉપરાંત પૂર્વના પુણ્યયોગે સ્વયં વ્યક્તિત્વનો વિકાસ અને વિવિધલક્ષી પ્રતિભાનું પ્રાગટ્ય એ તેઓનો આગવો પુરુષાર્થ છે. માનો કે પવિત્ર ત્રિવેણીસંગમ. વળી દૂર-સુદૂર દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા કુમારપાળભાઈનું વ્યક્તિત્વ વિરલ છે. વિકાસની હરણફાળ ભરી રહેલા તેઓ એક સફળ વ્યક્તિ છે.
તેમનો પરિચય આપણી કલમ કરતાં તેમનું સાહિત્ય, વિવિધ ક્ષેત્રોની સેવાઓ અને તેમની કાર્યકુશળતા બોલે છે, છતાં પ્રસંગે શુભ ભાવના અને ગુણપ્રમોદ હોવો આવશ્યક છે.
આમ તો તેમનો પ્રથમ પરિચય અપ્રત્યક્ષ હતો તે ગુજરાત સમાચાર'નાઝાકળ બન્યું મોતી’ના લેખથી શબ્દપ્રત્યક્ષ થયો. ત્યાર પછી પંડિત શ્રી સુખલાલજી પાસે આવતા ત્યારે ઔપચારિક પરિચય થતો. શ્રી આત્માનંદજી પ્રેરિત શ્રીમદ્‌ રાજચંદ્ર આશ્રમમાં તેઓ પ્રવચન માટે, શિબિરોમાં કાર્યક્રમમાં અવારનવાર આવતા ત્યારે તેમની સાથે વાતચીત થવાના પ્રસંગો મળતા તથા તેમનાં પ્રવચનો સાંભળીને મનમાં તેમનાં સાહિત્યિક ક્ષેત્રોના અનુભવ માટે માન થતું.
આથી જ્યારે જ્યારે પુસ્તક-પ્રકાશનને માટે સલાહ જરૂર પડતી ત્યારે તેમની પાસે પહોંચી જતી અથવા તેઓ મારા નિવાસે આવતા અને જરૂરી સલાહ-સૂચન સ્પષ્ટપણે, નિઃસ્પૃહભાવે આપતા. તેમની સલાહમાં ગાંભીર્યતા અને સ્પષ્ટતા નિખરતા તે તેમનું કૌશલ્ય છે. વયમાં તે મારાથી નાના, આ ક્ષેત્રે મોટા ખરા.
સને ૧૯૯૦માં મેં શ્રી કલ્પસૂત્રકથાસાર' લખેલું. મૂળ ગુજરાતી અનુવાદમાંથી કથાના રૂપમાં હતું. તૈયાર થતાં એક આચાર્યશ્રીને બતાવ્યું. તેઓએ શાસ્ત્રપ્રણાલી અનુસાર મંતવ્ય આપ્યું કે ‘શ્રી કલ્પસૂત્ર' જૈન દર્શનનો પવિત્ર ગ્રંથ. તે ઘેર ઘેર પહોંચે અને જ્યાંત્યાં વંચાય તો તેની પવિત્રતા અને ગૂઢતા ન જળવાય. યદ્યપિ તેમણે બીજો કોઈ નિષેધ ન કર્યો, પણ પવિત્રતા સચવાય એમ તમને ઠીક લાગે તેમ કરજો એમ જણાવ્યું. આથી હું મૂંઝાઈ કે શું કરવું ? અને પહોંચી કુમારપાળભાઈ પાસે. તેમણે ગ્રંથ જોઈ લીધો અને સ્પષ્ટપણે જણાવ્યું કે આમાં જૈન દર્શનની પ્રણાલીને બાધા પહોંચે તેવું કંઈ નથી અને ગ્રંથ સ્વયં એવો છે કે તેની પવિત્રતા જળવાશે. તમે પ્રકાશન પૂરું કરો. તેમની આ શુભભાવના અને સચોટ સલાહથી એ ગ્રંથ નિશ્ચિંતપણે પ્રકાશિત થયો. પછી તો તેની છ આવૃત્તિ પ્રગટ થઈ. વળી પંદર વર્ષ પહેલાં જાહેર સામાજિક અને ધાર્મિકક્ષેત્રોની પ્રવૃત્તિનું પ્રયોજન રહેતું, ત્યારે પણ કોઈ વિકલ્પાત્મક સંયોગો પેદા થાય ત્યારે તેઓ સ્પષ્ટ અને સચોટ સલાહ આપતા. એ કહેતા કે પોતાની સ્વાયત્તતા જાળવવી અને તે તે ક્ષેત્રોને યોગ્ય કાર્ય કરવામાં કંઈ અલ્પતા અનુભવવી નહિ. એક વાર મારા પુસ્તકમાં તેમણે લખેલાઅંગૂઠે અમૃત વસે’ પુસ્તકનાં ચિત્રોની નકલ કરવા માટે મેં પૂછ્યું. તેમણે તે જ સમયે પોતાની ખુશી બતાવી હતી. તેમણે લખેલ ૧૦૮ ચિત્ર સાથેની ચરિત્રકથામાંથી લેખન અને ચિત્રની મારા પુસ્તક માટે જરૂર પડી. તેઓ કહે તમારું જ છે, ખુશીથી લઈ શકો.' એક વાર અમે કોબા આશ્રમ જતાં હતાં. તેમની ગાડી આગળ હતી. તેમણે જોયું કે મારી ગાડી પાછળ છે. તેમણે ગાડી ઊભી રાખી અને અમારી ગાડીને આગળ કરી. આપણને લાગે,આ તો નાની વાત છે.’ પણ પૂ. ગાંધીજી કહેતા કે ભૂલ નાની હિમાલય જેવી લાગવી જોઈએ. જ્ઞાનીઓ કહે છે કોઈનો નાનો પણ ગુણ પહાડ જેવો ઉત્તુંગ લાગવો જોઈએ. માનવી ભલે પૂર્ણ ગુણસંપન્ન ના હોય પણ જ્યારે ગુણવૃદ્ધિ થાય છે ત્યારે આમ જ થતી હોય છે. સમયોચિત ગુણોને જીવવા એ મનુષ્યનું ઉત્તમ કર્તવ્ય છે. એમાં જ માનવની સાત્ત્વિકતા અને સજ્જનતા નિખરે છે. તે વ્યક્તિ ગુણથી જ જનપ્રિયત્વ પામી જિનપ્રિયત્વ પામે છે.
નેમુભાઈ અમદાવાદ આવે ત્યારે તેમનો ઉતારો અમારા નિવાસે હોય અને ત્યારે કુમારપાળભાઈ અવારનવાર આવતા અને મળવાનું થતું.
ત્યાર પછી મારી અંતર્મુખ સાધનાના અભિગમને કારણે મારે જાહેર ક્ષેત્રોનાં કાર્યો, પ્રવચનો અને લેખો આપવાનું ગૌણ બન્યું. જોકે કુમારપાળભાઈ વચમાં વચમાં તે તે ક્ષેત્રનાં આમંત્રણ મોકલતા અને તેમાં સ્વહસ્તાક્ષરે સ્નેહપૂર્વક લખતા કે તમે આવશો તો આનંદ થશે. મારું હવે જાહેરક્ષેત્રોનું કાર્ય લગભગ નહિવત્‌ થવાથી તેમના કાર્યક્રમોમાં કે લેખનકાર્યમાં સાથ આપવાનું બનતું નહિ. છતાં એમ તો કહું કે અન્યોન્ય સ્નેહ-આદર જળવાઈ રહ્યાં છે. ભલે હમણાં પ્રત્યક્ષ પરિચય ઓછો રહે છે, પરંતુ તેમણે આપેલા સહકારને કેમ ભુલાય ? તેથી તેમના પ્રત્યેના ગુણપ્રમોદથી પ્રેરાઈને આ લેખ લખવા પ્રેરાઈ છું, છતાં વિશેષ પરિચય રહ્યો ન હોવાથી તેમને વિશે લખવામાં પૂરો ન્યાય આપી શકી નથી, પરંતુ તેમનું વિવિધલક્ષી વ્યક્તિત્વ જ એવું છે કે તે પ્રસાર પામતું જ રહેશે.
તેમનું સાહિત્યક્ષેત્રની વિવિધ રચનાઓનું પ્રદાન સ્વયં જ પ્રકાશિત છે. એટલે આપણે એનાથી વિશેષ શું લખીએ ? તેમની અનેકવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓ અને કૃતિઓ જ બોલતી હોય છે. તેની આગળ આપણી કલમ નાની ગણાય. તેમનાં પ્રવચનો જ સ્વયં તેમની પ્રતિભાને પ્રગટ કરે છે. જૈન ધર્મની તેમની સેવાઓનું પુણ્ય પણ પાંગરતું જાય છે. એટલે આપણે જે કંઈ લખીએ તે પૂર્ણ જણાવાનું નથી, છતાં આ નિમિત્તે તેમના પ્રત્યેનો આપણો સ્નેહ સદ્ભાવ વ્યક્ત કરીને આપણે જ સંતોષ લેવાનો છે. પદ્મશ્રી'ની પદવી પ્રાપ્ત થઈ, તે પહેલાં પણ તેઓશ્રીને વિવિધ ક્ષેત્રોએ બિરદાવ્યા છે તે તેમનું આગવું સાહસ છે. આપણે સૌ જાણીએ છીએ કે જાહેરક્ષેત્રોમાં જે વ્યક્તિઓ વિશિષ્ટપણે પ્રકાશમાં આવે છે, તેઓ જે સત્કાર્યોનું સર્જન કરે છે તેવી દરેક વ્યક્તિની પાછળ કોઈ અજાણ કારણ કામ કરતું હોય છે તે છે તે તે વ્યક્તિઓનાં ધર્મપત્નીનું યોગદાન. આપણે જોયું કે તેમને માતાપિતાનો સુસંસ્કારનો વારસો મળ્યો હતો તેમ કુમારપાળભાઈની પાછળ તેમનાં ધર્મપત્ની પ્રતિમાબહેનનું ઘણું યોગદાન છે. તેમની મૂક સેવા, સાથ અને સહિષ્ણુતાના કારણે તેઓ પોતાના અત્યંત કાર્યભારમાં પણ કંઈક નિરાંત અનુભવે છે એમ કહી શકાય. આમ માતાપિતાનો સુસંસ્કારિત વારસો અને ધર્મપત્ની પ્રતિમાબહેનનો સાથ – આ ત્રિવેણીસંગમના બીજા યોગ માટે કુમારપાળભાઈ ખૂબ ભાગ્યશાળી છે. એક ભાઈ કહે,કુમારપાળભાઈ તો રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયા.’ અર્થાત્‌ આ દેશના રાષ્ટ્રપતિના વરદ્‌ હસ્તે તેમને પદ્મશ્રી' પ્રદાન થયું. મેં કહ્યું,આ તો હજી પ્રારંભ છે.’ કુમારપાળભાઈ તો ગુર્જરદેશના, જૈન દર્શનના મહાન ઉપાસક મહારાજા કુમારપાળની સમિષ્ઠ પ્રતિભા સુધી પહોંચે. અર્થાત્‌ જૈન ધર્મનો પ્રચાર કરે. તેને પરિણામે તેઓ ભગવાન મહાવીરના પંથે પહોંચી પૂર્ણ જીવન સાર્થક કરે તેવી શુભ કામના, પ્રભુ પ્રત્યે પ્રાર્થના.
અંતમાં આ શુભ પ્રસંગે તેમને આપણે સૌ શુભ ભાવના પાઠવીએ. તેઓ દીર્ઘાયુષી બને અને જૈન શાસનની શ્રેષ્ઠ સેવા કરે, અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપે. પ્રભુ તેમને તે માટે યોગબળ આપે. તેમનું જીવન ઉત્તમ પ્રકારે સાર્થક થાય તેવી હાર્દિક શુભ ભાવના.

સુનંદાબહેન વોહોરા

જૈન ધર્મના ગ્રંથોના લેખિકા, દેશ-વિદેશમાં પ્રવચન આપનાર તથા સમાજસેવા કરનાર.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑