Type of the wise, who soar but never roam
True to the kindred points of heaven and home.
– Wordsworth
આજના મૂલ્યહ્રાસના જમાનામાં શિક્ષક હોવું તે સદ્ભાગ્યની વાત ગણાય કે કેમ એ પ્રશ્ન છે, પરંતુ શિક્ષક તરીકે હું સદ્ભાગી છું એમાં શંકા નથી. મને ઉત્તમ કોટિના શિષ્યો મળ્યા છે.
હું ઓછું આપીને મારા શિષ્યો પાસેથી વધુ પામ્યો છું. મારા કરતાં વિશેષ સિદ્ધપ્રસિદ્ધિ પામેલા શિષ્યને જોઈને મને એક પ્રકારનો સાત્ત્વિક આનંદ થાય છે ! ‘सर्वत्र विजयमिच्छेत् पुत्रात् शिष्यात् पराजयम् ।’ એ ઉક્તિને ચરિતાર્થ કરે તેવા વિદ્વત્તા, સર્જકતા અને સુજનતામાં મારાથી ચઢી જાય તેવા શિષ્યો મને મળ્યા તેને હું ઈશ્વરની કૃપા માનું છું.
મારા આવા થોડાક આત્મીય સ્વજનરૂપ શિષ્યોમાં કુમારપાળનું સ્થાન છે. તેમને હું તેમના પિતા જયભિખ્ખુ સાથેની મૈત્રીને કારણે છેક બાળપણથી ઓળખું છું. કુમારથી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સુધીનો તેમનો વિકાસ મારી નજર સામે થયો છે. નાનપણથી ધીર-ગંભીર શાન્ત અને નમ્ર સ્વભાવ. માતાપિતાની શિષ્ટ સંસ્કારપ્રિય છત્રછાયામાં તેમનું ચારિયઘડતર થયું છે. પિતાની મૂલ્યનિષ્ઠા અને સાહિત્યપ્રીતિ અને માતાનો શીળો સ્વભાવ તથા તેમની ઉદાર વત્સલ આતિથ્યભાવના કુમારપાળને વારસામાં મળ્યાં છે.
જયભિખ્ખુ એક વિશાળ કુટુંબના વડીલ હતા. કુટુંબમેળો કરીને કુટુંબના નાનામોટા પ્રશ્નોના વ્યાવહારિક ઉકેલ લાવવાની તેમને અદ્ભુત સૂઝ હતી. સંયુક્ત કુટુંબના સૌ સભ્યોને પરસ્પર પ્રેમ અને સુમેળભર્યા સદ્ભાવથી સાથે રહેવાની શીખ આપતા. તેમને ત્યાં મિત્રો અને સ્નેહીઓનો મેળો જામતો. શારદા મુદ્રણાલયમાં ધૂમકેતુ, ગુણવંતરાય, મનુભાઈ જોધાણી, કાગ બાપુ વગેરે સાહિત્યકારો ઉપરાંત કનુ દેસાઈ અને ચન્દ્ર જેવા ચિત્રકારો, પ્રકાશકો, મુદ્રકો, બ્લૉકમેકર્સ, બાઇન્ડર્સ વગેરેનો ડાયરો જામતો. તેમાં ચાનાસ્તા સાથે અલકમલકની વાતોનો રંગ રેલાતો. જયભિખ્ખુ સૌને પ્રેમની સાંકળે બાંધીને જરૂર પડ્યે મદદરૂપ થતા. ઊગતા લેખક કે કળાકારને પ્રોત્સાહન આપતા.
જૈન ગુરુકુલમાં તાલીમ પામેલા લેખક જયભિખ્ખુએ જૈન ધર્મ અને તીર્થંકરો વિશે ઘણું લખ્યું છે, પરંતુ અન્ય ધર્મો વિશે પણ તેમને એટલો જ આદરભાવ હતો. જૈન મુનિવરોની માફક અન્ય સંતો સાથે પણ તેમને પ્રેમસંબંધ હતો. તેઓ સંપ્રદાયની વાડ કૂદી ગયેલા સંસ્કારપુરુષ હતા. તેમનાં લખાણોમાંથી નીતિ, સદાચાર અને માનવતાનો બોધ ઊપસતો. જ્યાં જ્યાં વિભૂતિમત્, શ્રીમદ્ અને ઊર્જિત જોવા મળે ત્યાં ત્યાં તેને બિરદાવવાનો મોકો તે જવા દેતા નહીં. નાના માણસનું હીર પ્રગટ કરે તેવા પ્રસંગો તેઓ પોતાની કૉલમમાં ચમકાવતા. ગરીબ કે નિઃસહાયને તેમનું સ્વમાન સાચવીને મદદ કરવાનું તેમનું વલણ હંમેશાં રહેતું. કુમારપાળનો ઉછેર આ સાંસ્કારિક માહોલમાં થયો હતો. તેમના વ્યક્તિત્વના ઘડતરમાં પિતાના ઉપર્યુક્ત સદ્ગુણોના સંસ્કાર પડેલા છે. આ સંસ્કારમાં સ્વ-પુરુષાર્થ ભળતાં આજે આપણે જોઈએ છીએ તેવી સફળતા તેમને વરી છે.
અભ્યાસકાળ દરમિયાન ખંતથી પોતાના વિષયનું અધ્યયન કરવા ઉપરાંત અધ્યાપકની મુલાકાત લઈને તેને વિશે વધુ ને વધુ માહિતી એકત્ર કરવાની તેમને ટેવ હતી. એટલે પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળતું. ભાષા-સાહિત્યના અભ્યાસ સાથે જૈન ધર્મ, સાહિત્ય અને રમતગમત જેવાં ઇતર ક્ષેત્રો વિશે શાસ્ત્રીય અને અધિકૃત જાણકારી મેળવવાનો શોખ તેમણે કેળવેલો છે. આ વિશિષ્ટ ઉપલબ્ધિનો ઉપયોગ ‘ગુજરાત સમાચાર’ની પોતાની કૉલમોમાં તે કરતા રહ્યા છે. પિતાના અવસાન પછી તેમની ‘ઈંટ અને ઇમારત' કૉલમ મહેનત કરીને પિતાના જેટલા જ સામર્થ્યથી તે ચલાવે છે. સાહિત્યક્ષેત્રે બાળસાહિત્ય, કિશોરસાહિત્ય, વાર્તા અને ચરિત્ર ઉપરાંત સાહિત્ય-વિવેચન, સંશોધન-સંપાદન એમ વિવિધ પ્રકારની ઉત્તમ રચનાઓ તેમણે આપી છે. મધ્યકાળના આનંદઘન વિશે સંપૂર્ણ કહી શકાય એવો સંશોધન-પ્રબંધ અને હેમચંદ્રાચાર્ય વિશે સર્વાંગીણ સમાલોચના તેમનાં આ ક્ષેત્રનાં સ્મરણીય પ્રદાન છે.
અધ્યાત્મ તેમનો બીજો પ્રિય વિષય છે. શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને ચિંતન વિશે તેમણે ઊંડો અભ્યાસ કરેલો છે. જૈન તત્ત્વજ્ઞાનની પારંપરિક મીમાંસાથી આગળ વધીને તેઓ તેનું આધુનિક યુગને અનુરૂપ અર્થઘટન કરીને જૈન ધર્મના હાર્દને અને ભગવાન મહાવીરના સંદેશને ઉચ્ચ જીવનશૈલીના ઘટક તરીકે રજૂ કરે છે. અહિંસા, ક્ષમાપના અને નિરામિષાહારનું વ્યાપક ભૂમિકા પર મહત્ત્વ તેમણે વિદેશી જિજ્ઞાસુઓને સમજાવ્યું. તેને કારણે તેમને જૈન અને ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ધારક તરીકે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે. વિશ્વ ધર્મપરિષદમાં ગયેલ ભારતના પ્રતિનિધિમંડળમાં તેમનો સમાવેશ થયેલો. દર વર્ષે – ક્વચિત્ વર્ષમાં બે વાર – પરદેશમાં વસતા ભારતીયો માટે જૈન ધર્મ અને સાહિત્ય વિશે કુમારપાળનાં વ્યાખ્યાનો યોજાય છે. અધ્યાપક તરીકે પણ તેઓ એટલા જ સફળ છે. તૈયારી કર્યા વગર વર્ગમાં ન જવું, વિદ્યાર્થીને કશુંક નવું વિચારવાની પ્રેરણા આપવી અને બને તેટલા મદદરૂપ થવું એ તેમનો મુદ્રાલેખ. ઊગતા જુવાનને જીવનસંગ્રામમાં ઝૂઝવાનું બળ આપે તેવા આદર્શનું સિંચન પણ તેઓ તેમનામાં કરે છે એટલે તે યુવાપેઢીના પ્રિય પ્રોફેસર છે. કુમારપાળના વ્યક્તિત્વનું બીજું ઉજ્જ્વળ પાસું તે વહીવટી કુશળતા અને સંગઠનશક્તિ. તેમની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ સુચિંતિત આયોજન હોય છે. જે-જે સંસ્થાનું સંચાલન તેમના હાથમાં હોય તેના પર 'સુઘડ કુમારપાળ ટચ’ જોવા મળે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી કુમારપાળ મારી સાથે જોડાયેલા છે. છેલ્લાં ૧૮ વર્ષથી વિશ્વકોશના પ્રકાશનનું કામ સુંદર અને સંગીન રીતે સમયસર થાય છે તેનું શ્રેય કુમારપાળને છે. વહીવટી તાપ દેખાય નહીં એવી સલુકાઈથી સંસ્થાનું સંચાલન કરવાની કુશળતા તેમનામાં છે. કોઈ પ્રશ્ન ઊભો થાય તો શાંતિથી યોગ્ય ઉકેલ લાવે. મારામાં નામ પ્રમાણે ગુણ નથી. ઉતાવળિયો છું. કોઈક વાર ગુસ્સામાં નિર્ણય લેવા જઉં તો કુમારપાળ બ્રેક મારે. આજ સુધીના અમારા સહકાર્યકર તરીકેના સંબંધમાં કડવાશ ઊભી કરે એવો એક પણ બનાવ બન્યો નથી તેનું શ્રેય પણ કુમારપાળની શાણી તથા સદ્ભાવપૂર્ણ કાર્યનીતિને છે. જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન જેવી સાહિત્યિક સંસ્થાઓ ઉપરાંત ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી' જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાને કુમારપાળની આ પ્રકારની સેવાઓનો લાભ મળેલો છે. કશી ધાંધલધમાલ વગર શાંતિથી રમતાં રમતાં વહીવટ ચાલે એવી કુશળતા તેમણે દેખાડી છે. કુમારપાળ હંમેશાં ઉત્તમના અભિલાષી રહ્યા છે. કશું જેવું-તેવું કે હલકું ગમે નહીં. Excellence તેમનું નિશાન અને તે સાચવવાનો તેમનો સદાયે પ્રયત્ન હોય. આ ગુણને લીધે અનેકાવધાની સાધકની માફક સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મ-સંસ્કૃતિ એમ એકસાથે અનેક ક્ષેત્રોમાં તેમની પ્રવૃત્તિઓ ચાલે છે. આનંદની વાત એ છે કે તેમની આ પ્રવૃત્તિઓ એક યા બીજી રીતે બિરદાવાતી રહી છે. ચરિત્ર અને બાળસાહિત્યનાં તેમનાં પુસ્તકોને ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હીની NCERTનાં પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી સંશોધન માટેનો ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક તેમને બે વાર મળેલ છે. ઉપરાંત ‘ઈંટ અને ઇમારત’, ‘રમતનું મેદાન' વગેરે કૉલમોને ઍવૉર્ડ મળેલા છે. ગુજરાતના સામાજિક અને સાંસ્કારિક ક્ષેત્રના શ્રેષ્ઠ કાર્યકર તરીકે અને આદર્શ યુવાન તરીકે તેમને ગુજરાત અને ભારતની તેમજ પરદેશની અનેક સંસ્થાઓએ સમ્માનિત કર્યા છે. આ સિવાય પણ દેશી-વિદેશી જૈન સંસ્થાઓ તરફથી પણ તેમને ‘જૈન-રત્ન’ જેવા દુર્લભ ઍવૉર્ડ એનાયત થયા છે. ગુજરાતમાં સૌથી વધુ ઍવૉર્ડ કે પારિતોષિકો પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું સર્વેક્ષણ કરવામાં આવે તો અનેક ક્ષેત્રમાં વ્યાપેલી તેમની પ્રવૃત્તિને કારણે કુમારપાળનો નંબર કદાચ પહેલો આવે અને તે માટે તેમને વધુ એક ઍવૉર્ડ એનાયત થાય એવું બને !
જયભિખ્ખુ પ્રભાવકશૈલીના લેખક હતા, પણ તેમનામાં સબળ વક્તૃત્વશક્તિ નહોતી. પોતાની આ ઊણપ પુત્ર પૂરી કરે એવી તેમની ઇચ્છા હતી. કુમારપાળે ઉત્તમ અને પ્રભાવક વક્તૃત્વશક્તિ કેળવીને પિતાની એ ઇચ્છા પૂરી કરી છે.
કોઈ પૂછે, ‘કુમારપાળની આ સિદ્ધિઓ અને સફળતાનું કારણ શું ?' કર્તવ્યનિષ્ઠા, પારદર્શક વ્યવહાર અને સમભાવશીલ વર્તન, નાનામાં નાના માણસ પાસેથી શીખવામાં શરમ નહીં. ધ્યેયપ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી મથ્યા રહેવું – તે બાબતોને ગણાવી શકાય. પ્રેમ અને પરિશ્રમ તેમનાં ચારિયનાં ધ્રુવબિંદુઓ છે. ધીર-ગંભીર નમ્ર સ્વભાવના કુમારપાળ હંમેશાં ‘લો પ્રોફાઇલ’માં કામ કરે છે. બીજી મહત્ત્વની વાત એ કે તે સમયના તીવ્ર ભાન સાથે કામ કરે છે. કોઈને પણ જરૂર કરતાં એક પણ ક્ષણ વધુ ન આપે. કસ્તૂરભાઈની માફક કુમારપાળ પણ સમયની કરકસર કરે છે. એક પણ પળ નકામી વેડફાય નહીં તે રીતે તેમનો દરરોજનો કાર્યક્રમ ગોઠવે છે. લેખન, વાચન, અધ્યયન, સભાઓ વગેરેનો કાર્યક્રમ ભરચક હોય. બહારગામ પણ વારંવાર જવાનું થાય, પણ બધું નિશ્ચિત સમયપત્રક મુજબ વ્યવસ્થિત ચાલે. એમ થતાં શિસ્ત અને સંયમનું પાલન આપોઆપ થઈ જાય.
એમ કહેવાય છે કે વણિકજન ધન સાચવી અને પચાવી જાણે. આ વરિષ્ઠ વણિકજને સિદ્ધિઓ પણ પચાવી છે. સિદ્ધિઓને કારણે તેમના મગજમાં પવન ભરાયો નથી તેનું સૌને સાનંદાશ્ચર્ય છે. આ ભદ્રશીલ સંસ્કારસેવક ગુજરાતનું કીમતી રત્ન છે.
ધીરુભાઈ ઠાકર
વિવેચન, સંશોધક, માડાસા કૉલેજ સંકુલબા રચયિતા તથા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રણેતા