શ્રી કુમારપાળભાઈના કુટુંબ સાથેનો સંબંધ મારા પિતાશ્રી તથા તેમના પિતાશ્રી ‘જયભિખ્ખુ'ના સમયથી ચાલ્યો આવે છે. 'શ્રી જયભિખ્ખુ’ સાથેનો મારા પિતાશ્રીનો સંબંધ એક નિકટના આત્મીય જન તરીકેનો હતો. જયભિખ્ખુની જૈન સાહિત્યસર્જનની પ્રવૃત્તિથી પિતાશ્રી અને અમે સૌ પ્રભાવિત થયેલા. આર્થિક વિષમતાઓમાં પણ 'જયભિખ્ખુ'ની સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિ સતત ચાલુ જ રહી. સરસ્વતીના ઉપાસક પિતા-પુત્રની આ બેલડી ગુજરાતની સંસ્કારગાથામાં ગૌરવપૂર્ણ સ્થાને શોભી રહી છે.
વળી આ બંનેએ જૈન ધર્મની કથાઓને રસાળ રીતે રજૂ કરીને એને વ્યાપક સમાજ સુધી મૂકી આપી છે. એમાં જૈનત્વના સંસ્કારોની સુવાસ હોય છે, પરંતુ એ સુવાસ પુષ્પમાં એવી રીતે મૂકી હોય છે કે જૈન અને અન્ય સહુ કોઈ એ કથાને માણી શકે. આમ એમનું સાહિત્ય વ્યાપક જનસમુદાયને સ્પર્શતું રહ્યું. કુમારપાળ દેસાઈનાં પુસ્તકો મેં વાંચ્યાં છે. એમણે ગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગર-સૂરીશ્વરજીનું જીવનચરિત્ર 'આતમજ્ઞાની શ્રમણ કહાવે’ લખ્યું હતું. એમનું આ ગુજરાતી પુસ્તક હું એક બેઠકે વાંચી ગયો હતો. એ જ રીતે એમણે લખેલું 'ભગવાન મહાવીર'નું પુસ્તક પણ મને ખૂબ ગમી ગયું હતું. રજૂઆતની છટા, માર્મિક આલેખન અને ગ્રંથનું ઉત્કૃષ્ટ મુદ્રણ એ બધું એમના ગ્રંથોમાંથી જોવા મળે છે, આથી એમનાં પુસ્તકો મારે માટે વાચનનો આનંદ બની રહ્યાં છે.
કુમારપાળભાઈ સાથેનો મારો સંબંધ પણ ખૂબ આત્મીય અને ઉષ્માભર્યો રહ્યો છે. અમારા પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મોહિનાબા કન્યા વિદ્યાલયમાં મારી વિનંતીને માન આપી કુમારપાળભાઈના પૂજ્ય કાકા શ્રી રતિલાલ દીપચંદભાઈ દેસાઈ નીતિશિક્ષણના વર્ગોમાં સેવાઓ આપતા હતા. નિયમ મુજબના વર્ગોના સમય ઉપરાંત વિશેષ સગવડ રૂપે ટ્રસ્ટ દ્વારા આ પ્રવૃત્તિ ચાલતી હતી. પૂજ્ય શ્રી રતિભાઈના અવસાન બાદ નીતિશિક્ષણનું એ કાર્ય મારી વિનંતીને માન આપી કુમારપાળભાઈએ પણ ચાલુ રાખ્યું. એ પ્રવૃત્તિમાં કુમારપાળભાઈનું પ્રદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહ્યું. ઘણા સમય અગાઉ શ્રી ધીરુભાઈ ઠાકર તથા શ્રી સાંકળચંદભાઈ વિશ્વકોશની એક ખૂબ જ મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર કરવાના સંકલ્પ સાથે મને મળ્યા. તેઓના આ સંકલ્પમાં શ્રી કુમારપાળભાઈ પણ જોડાયા હતા. ગુજરાતી ભાષામાં આ પ્રકારના કોશનું આયોજન રેતીમાં નાવ ચલાવવા જેવું લાગ્યું, તેમ છતાં તે સૌનો તે સમયે આ યજ્ઞ પાર પાડવાનો દૃઢ નિર્ધાર જોઈને હું પણ તેમાં જોડાયો. કુમારપાળભાઈની બહુમુખી પ્રતિભાએ અને ડૉ. ધીરુભાઈ ઠાકરના ભેખધારીપણાને કારણે વિશ્વકોશના આ યજ્ઞનું કાર્ય સુપેરે ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં તેના હજાર-હજાર પાનાંનો એક એવા ૧૮ ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યા છે અને અત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું નવું મકાન પણ તૈયાર થઈ રહ્યું છે. આયોજનબદ્ધ છતાં ઘણો કરકસરપૂર્ણ વહીવટ એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિશેષતા છે. મારી દૃષ્ટિએ કુમારપાળભાઈના જીવનનું આ મહામૂલું પ્રદાન રહેશે. ઇંગ્લૅન્ડમાં તથા અન્ય દેશોમાં અંગ્રેજશાસન દરમિયાન આપણી ઘણી પ્રાચીન હસ્તપ્રતો લઈ જવામાં આવી હતી. તે હસ્તપ્રતોના કૅટલૉગ તૈયાર કરાવવાની એક ભગીરથ યોજનાનું સ્વપ્ન લંડન રહેતા શ્રી નેમુભાઈ ચંદરયાનું હતું. તેઓએ તે માટે શ્રી કુમારપાળભાઈનો સહયોગ માગેલો. આ પ્રવૃત્તિમાં મને પણ ખૂબ રસ પડ્યો.
કુમારપાળભાઈની કુનેહ, વિચક્ષણતા અને વિદ્વત્તાને કારણે જ આ કાર્યનો પણ આરંભ થયો અને તેમાં ખૂબ જ પ્રગતિ સાધી શકાઈ છે. આ પ્રવૃત્તિમાં આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયી પેટ્રન તરીકે જોડાયેલા છે અને એ જ રીતે બ્રિટનના અગ્રણી રાજપુરુષો આની સાથે જોડાયેલા છે. જૈન સાહિત્ય સંશોધન તથા અધ્યયનના ક્ષેત્રે આપણી શ્રમણસંસ્થાને ખૂબ જ દૂરગામી પરિણામો પ્રાપ્ત થાય તેવી આ પ્રવૃત્તિમાં કુમારપાળભાઈની સાથે સહભાગી થવાનો મને ખૂબ જ આનંદ છે. કુમારપાળભાઈની પ્રતિભા વિવિધ ક્ષેત્રોમાં સુગંધ પ્રસરાવી રહી છે. તેઓ પ્રભાવશાળી વક્તા છે. ગુજરાત અને ભારતમાં ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમને ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. મેં પણ તેમનાં ઘણાં વ્યાખ્યાનો અને ભાષણો સાંભળ્યાં છે. એ બોલવા ઊભા થાય ત્યારે એવું મનમાં થાય કે તેઓ બોલ્યા જ કરે ને આપણે સાંભળ્યા જ કરીએ. આ રીતે જૈન ધર્મના સિદ્ધાંતો જનસમુદાય સુધી પહોંચાડવાનું કાર્ય કુમારપાળભાઈએ કર્યું છે. સામાન્ય રીતે વ્યક્તિ લેખનમાં કુશળ હોય, તે વક્તા તરીકે પ્રભાવશાળી ન હોય.
કુમારપાળભાઈમાં બન્ને શક્તિઓ છે, પરંતુ એની સાથોસાથ કાર્યક્રમોના આયોજન અને સંસ્થા-સંચાલનની આગવી સૂઝ છે. આને પરિણામે કાર્યક્રમના આયોજનમાં તેઓ ચોકસાઈ રાખે. એ સમયસર પૂરો થાય તેનો ખ્યાલ રાખે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના કાર્યક્રમોમાં મેં આ નજરોનજર જોયું છે. એવી જ રીતે ભારતમાં એમણે એકલે હાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીની પ્રવૃત્તિઓ કરી અને જૈન સંસ્થાઓમાં આ સંસ્થાને માનભર્યું સ્થાન અપાવ્યું. વળી, વિદેશના સેવાભાવી મહાનુભાવો સાથે એમનો સતત જીવંત સંપર્ક જોવા મળ્યો છે. તેઓ ડૉ. મણિભાઈ મહેતા, ડૉ. ધીરજ શાહ, રતિભાઈ ચંદરયા જેવી વ્યક્તિઓ સાથે ગાઢ સંપર્કમાં રહેતા હોય છે અને તેઓ ભારતમાં આવે ત્યારે મિલનસમારંભ યોજીને એકબીજાનો પરિચય કરાવે છે. આવું સેતુ બનવાનું કામ મહત્ત્વનું છે. ગુજરાત સમાચારમાં 'ઈંટ અને ઇમારત’ કૉલમ એ પિતા-પુત્રની યશસ્વી કલગી છે. પિતા-પુત્ર દ્વારા પચાસ વર્ષથી પણ વધુ સમયથી નિયમિત રીતે કૉલમ લખાઈ હોય એવો ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રમાં બીજો કોઈ દાખલો જોવા નહીં મળે. આ ઉપરાંત ‘પારિજાતનો પરિસંવાદ',‘ઝાકળ બન્યું મોતી’ કે ‘આકાશની ઓળખ’ જેવી કૉલમો દ્વારા એમણે સારી એવી નામના મેળવી છે. એમના આ લખાણના વાચનથી માણસ હતાશા ખંખેરીને હિંમતવાન બનતો હોય છે. માણસનું જીવન વધારે ને વધારે ઊર્ધ્વ કેમ બને એનો તેઓ સતત ખ્યાલ રાખતા હોય છે અને એ દૃષ્ટિએ એમણે સાહિત્યની માફક પત્રકારત્વ દ્વારા પણ સમાજના સંસ્કારઘડતરમાં યોગદાન આપ્યું છે.
રમતગમત ક્ષેત્રે પણ કુમારપાળભાઈનું પ્રદાન ઉલ્લેખનીય છે. તેમણે વિવિધ ક્લબો અને સંસ્થાઓમાં રમતગમત વિશે ત્રણસોથી વધુ વક્તવ્યો આપ્યાં છે. કુમારપાળભાઈ જુદા જુદા ત્રણ વિષયોમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે માન્યતા ધરાવે છે. સાહિત્ય, પત્રકારત્વ અને જૈન દર્શનમાં કુમારપાળભાઈના માર્ગદર્શન નીચે પંદર જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.
આવાં તો અનેકવિધ ક્ષેત્રે કુમારપાળભાઈની પ્રતિભા અને વ્યક્તિત્વની સુગંધ પ્રસરી રહી છે. મને હંમેશાં એક વાતનું ખૂબ જ આશ્ચર્ય થતું રહ્યું છે. કુમારપાળભાઈને ઈશ્વરે ચોવીસ કલાકને બદલે અડતાલીસ કલાક આપ્યા છે કે શું ? વિવિધ ક્ષેત્રોમાં વ્યાપ અને ઊંડાણ – બંને દષ્ટિએ તેઓએ ખૂબ જ સિદ્ધિઓ હાંસલ કરી છે.
કુમારપાળભાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા કરનાર કુમારપાળભાઈનો પદ્મશ્રીના ઍવૉર્ડ દ્વારા સમુચિત સમાદર થયો છે. આ ઍવૉર્ડથી આપણને સૌને ગૌરવનો અનુભવ થાય તે સ્વાભાવિક છે.
મારા એમને અભિનંદન અને ભવિષ્યમાં તેઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં વધુ ને વધુ વિકાસ સાધે તેવી શુભેચ્છા પાઠવું છું.
શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ
જૈન સંસ્થાઓના અગ્રણી, બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટીકર્તા.