ભાઈ કુમારપાળ સાથે મારો વર્ષોનો સંબંધ છે. એક અર્થમાં કહું તો એ સમયે કુમારપાળને એક ઊગતા યુવાન તરીકે જોયા અને એ પછી આજ સુધીનાં ૩૬ વર્ષ દરમિયાન કુમારપાળનો અનેક રીતે અનુભવ થયો.
મને સહુથી વધુ સ્પર્શી ગઈ એવી બાબત હોય તો એ એમની ચોકસાઈ છે. એ પ્રવચન આપવા ઊભા થાય અને એમને જેટલી મિનિટ બોલવાનું કહ્યું હોય, બરાબર એટલી જ મિનિટે એમનું વક્તવ્ય પૂર્ણ થાય.
બીજી વાત છે એમની નમ્રતાની અને ખ્યાલ પણ ન આવે કે આટલી બધી વિદ્વત્તા અને આટલા બધા માન-સન્માનવાળી વ્યક્તિ આટલી નમ્ર કઈ રીતે હશે. આનું કારણ એમનામાં રહેલા માતાના સંસ્કારો છે.
મને જ્યારે જાણ થઈ કે એમનાં માતુશ્રી જયાબહેન ખૂબ બીમાર છે ત્યારે હું મુંબઈથી અમદાવાદ આવીને કુમારપાળને ઘેર ગયો હતો અને એ દિવસે માતાની સેવાનું જે વાતાવરણ જોયું હતું તે હજુ ભૂલ્યો નથી. તેઓ અને તેમનો આખો પરિવાર બીમાર માતાની સેવામાં ડૂબી ગયો હતો. એ પછી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના મંત્રી તરીકે કુમારપાળ સાથે સંબંધ થયો, અનેક સમારંભોમાં સાથે મળતા રહ્યા. ૧૯૯૪માં શિકાગોમાં યોજાયેલી `વર્લ્ડ પાર્લમેન્ટ ઑફ રિલિજિયન્સ’માં અમે સાથે હતા. શિકાગોમાં વસતા મારા પુત્ર રશ્મિ ગાર્ડીને ત્યાં તેમનો ઉતારો હતો. અને એ રીતે કુમારપાળની ખૂબ નજીક આવવાનું બન્યું.
એમણે એમના પિતા પાસેથી સાહિત્યનો વારસો મેળવ્યો છે અને દીપાવ્યો છે. જયભિખ્ખુએ એમની લેખિનીથી સમાજ અને રાષ્ટ્રની ઘણી સેવા કરી, પરંતુ કુમારપાળે એમની લેખિની ઉપરાંત એમનાં પ્રવચનોથી પણ આ કાર્ય કર્યું. વિદેશમાં એમનાં પ્રવચનોની ખૂબ માંગ રહે છે અને ચાર ચાર વર્ષ અગાઉથી એમનાં પર્યુષણ પ્રવચનો નક્કી થઈ જતાં હોય છે. આ બધું મેં નજરોનજર જોયું છે અને ત્યારે જ ખ્યાલ આવે કે વિદેશમાં વસતા આપણા ભાઈઓની ધર્મજિજ્ઞાસા અને સંસ્કારભૂખ બંનેને એમણે સુંદર રીતે સંતોષી છે.
મારા સમગ્ર કુટુંબ સાથે એમનો ગાઢ સંબંધ છે. એક અર્થમાં કહું તો હું એમને મારા પુત્ર સમાન માનું છું. હજી એમની પાસે તેઓ સાહિત્ય, સમાજ, શિક્ષણ અને ધર્મનાં ક્ષેત્રોમાં વધુ ને વધુ પ્રગતિનાં ઊંચાં સોપાનો સર કરે એવી ભાવના રાખું છું.
દીપચંદભાઈ ગાર્ડી
અગ્રણી સમાજસેવક, જાણીતા દાનવીર અને અનેક સંસ્થાઓના અધ્યક્ષ.