સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ

કુમારપાળ દેસાઈ મારા મિત્ર છે.' આટલું કહીએ તો બસ કહેવાય. પછી ‘સારા’, ઘણા 'સારા', ‘ખાસ’, ‘જૂના' એવાં વિશેષણો મિત્ર આગળ લગાડી શકાય. પણ તેનો બહુ અર્થ નથી. મિત્ર એટલે મિત્ર. મૈત્રીનો મહિમા જેટલો કરીએ એટલો ઓછો છે. બધા માનવ-સંબંધોમાં મૈત્રીસંબંધ સૌથી ઊંચો અને ઊંડો છે. વળી એ શ્રેષ્ઠકર સંબંધ છે. કારણ કે, મિત્રો પરસ્પરને જેવા કામ આવે છે તેવા કોઈ બીજા ભાગ્યે જ કામ આવે છે. એટલે જ અંગ્રેજીમાં કહેવાયું છે કે ‘A friend in deed is a friend indeed.’ હું માનું છું કે વખતે કામ આવે એ મિત્ર નહીં, મિત્રો હોય તે વખતે કામ આવે. કોઈ-કોઈને કામ લાગે કે સહાયભૂત થાય તેનો આધાર ઋણાનુબંધ પર છે. એટલે મિત્રોએ મને કરેલી મદદ બાજુએ રાખીએ તોય મિત્રો પાસેથી પુષ્કળ પ્રેમ-સદ્ભાવ પ્રાપ્ત થયેલો છે તે હકીકત છે. જીવનની એ મૂલ્યવાન ઉપલબ્ધિ છે. એથી હું ઘણી વાર કહું છું કે ‘મને મિત્રો ભાઈઓ જેવા અને ભાઈઓ મિત્રો જેવા મળ્યા છે.' એ કદાચ મારી નિયતિ છે.

મિત્ર છે એમ કહીએ ત્યારે તે કેમ, કેવી રીતે, અને કેવા-એવા પ્રશ્નો ઉદ્ભવે. અને એ પ્રશ્નો અંગે આપણે કારણો, નિમિત્તો, સંજોગો શોધવાં પડે. કુમારપાળ સાથેની મારી મૈત્રીનું કારણ સાહિત્ય – સાહિત્યનું સર્જન, અધ્યયન અને અધ્યાપન. નિમિત્ત નવગુજરાત કૉલેજ અને સંજોગ મારું ત્યાં એમ.એ. ગુજરાતીના વર્ગોમાં વ્યાખ્યાનો આપવા જવું. એથી અમારી મુલાકાતો વધી અને અમે એકબીજાની વધુ નિકટ આવ્યા. બાકી તો એ પહેલાંય અમે વારંવાર મળી ચૂક્યા હતા.

યોગાનુયોગ કુમારપાળનો અને મારો અનુક્રમે ગુજરાત - સૌરાષ્ટ્ર યુવિવર્સિટી પ્રવેશ એક જ વર્ષે થયો. અલબત્ત, લેખક અને અધ્યાપક તરીકે સતત ત્વરિત ગતિએ વિકસતા રહેલા કુમારપાળ મારી પહેલાં યુનિવર્સિટીમાં જોડાયા. હું 1983ના માર્ચની પહેલી તારીખે અને કુમારપાળ ફેબ્રુઆરીની પહેલી તારીખે એટલે મારાથી એક મહિનો પહેલાં એ જોડાયા.

અમારી બંનેની યુનિવર્સિટીમાં નિમણૂકની પ્રક્રિયા લગભગ સમાંતરે ચાલતી હતી.

૧૯૯૨માં હું મારી ગુણવત્તાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદે નિમાયો, પરંતુ ગુજરાતી ભવનના સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતા અધ્યક્ષપદ માટે સ્થાનિક રાજકારણને કારણે મારે યુનિવર્સિટી સાથે સંઘર્ષ કરવો પડ્યો જે બે વર્ષ ચાલ્યો અને લાંબી પ્રતીક્ષા-તપસ્યા પછી ગુજરાત હાઈકોર્ટના આદેશથી હું ભવનનો અધ્યક્ષ થયો. તે વેળાએ પરિસ્થિતિ એવી હતી કે યુનિવર્સિટીનું આખું તંત્ર મારી સામે હતું. રાજકોટના અને અમદાવાદના બહુ જૂજ મિત્રો-મુરબ્બીઓ તરફથી સલાહ-સૂચન- માર્ગદર્શન તેમજ હૈયાધારણ અને હૂંફ મળતાં હતાં. એ બધામાં એક જણ કુમાર પણ ખરો. જેણે કહેલું ‘ચિંતા ના કરશો, અમે તમારી સાથે છીએ. કંઈ પણ કામ પડે ફોન કરશો. હું તરત આવી પહોંચીશ.' 'A Friend in need is a Friend indeed.' એવા પેલા અંગ્રેજી વિધાનને ચરિતાર્થ કરનાર આ કુમાર – પ્રો. ડૉ. કુમારપાળ દેસાઈ.

પ્રો. ડૉ. કુમારપાળ દેસાઈની સિદ્ધિઓ વિશે તેમજ પોતાના બધા મિત્રોમાં આગળ ધપવાની એની શક્તિ વિશે કે એની અવિરામ વિકાસયાત્રા વિશે મારે કંઈ કહેવું જોઈએ એમ મને લાગતું નથી. કેમ કે, હવે એ સર્વવિદિત છે. એની ત્વરિત ગતિની વાત તો મેં કરી તેની પતીજ પાડતી એક વાત કહું : હું કૉલેજમાં અધ્યાપક હતો ત્યારે એ બી.એ.માં અભ્યાસ કરતા હતા, પરંતુ યુનિવર્સિટીના અધ્યાપક મારા કરતાં પણ વહેલા થયા. એમના ઘણા એક સહાધ્યાયીઓ અને સહકાર્યકરોથી ઘણા પહેલા અને ઘણા આગળ એ નીકળી ગયા છે. એમ થવામાં કારણભૂત મુખ્યત્વે તો છે એમનાં માતા-પિતાના સંસ્કાર. એ પછી આવે એ સંસ્કારને દીપાવે અને તેને અનુરૂપ વિકાસ સાધે એવો એમનો પોતાનો પુરુષાર્થ અને છેલ્લે એમનું પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ. આટલા સુદીર્ઘ સમયના એટલે કે વર્ષોના અમારા મૈત્રી સંબંધને નાતે તેમજ અતૂટ સંપર્કને કારણે હું કહી શકું છું કે એમના વ્યક્તિત્વમાં એક સૌમ્યતા છે અને એક સંતુલન છે.

કુમારપાળનું કામ ઘણું વિસ્તૃત છે. તેની પ્રત્યે સહેજ અંગુલિનિર્દેશ જ કરું તો તે પર્યાપ્ત ગણાશે. બાળસાહિત્ય, ચારિત્રસાહિત્ય અને સંશોધન-વિવેચનસાહિત્ય જેવાં વિવિધ ક્ષેત્રે એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તો ‘એકાંતે કોલાહલ’ વાર્તાસંગ્રહ દ્વારા સર્જનાત્મક સાહિત્યક્ષેત્રે પણ એમણે કામ કર્યું છે. એમની કૉલમમાં આવતાં દૃષ્ટાંતો, કથાઓ અને કાવ્યપંક્તિઓ જોતાં અને તેની પ્રસન્નકર પ્રસ્તુતિથી તૃપ્ત થતા હરકોઈ વાચકને એમની સર્જનાત્મકતાનો અને અધ્યયનશીલતાનો અવશ્ય પરિચય થયો છે. રમતગમતના રસિયાઓને એમનાં જ્ઞાન-લેખનનો લાભ મળ્યો છે.

છેક ૧૯૬૦માં સાહિત્યનિબંધની સ્પર્ધામાં વિદ્યાર્થી તરીકે ભાગ લેનાર કુમારપાળને પ્રથમ પારિતોષિક મળ્યું છે. ૧૯૬૫માં, એમ.એ.નો અભ્યાસ કરતા કુમારપાળને એમના પ્રથમ પુસ્તક `લાલ ગુલાબ’ માટે પુરસ્કાર મળ્યો છે. અને એ પછી એ બધાની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ ગઈ છે. નિર્દિષ્ટ ગણતરી અનુસાર પદ્મશ્રી ઍવૉર્ડનો ક્રમ ૩૩મો છે. આમ અનેકવિધ પુરસ્કારોથી આખેઆખા ઢંકાઈ ગયેલા કુમારપાળને એનો જરાય ભાર લાગ્યો નથી. જૈન ધર્મ અને જૈન દર્શનના અભ્યાસી કુમારપાળે એમનાં દેશ-વિદેશનાં અનેક પ્રવચનોથી જૈનધર્મીઓનો અપાર આદર પ્રાપ્ત કર્યો છે. એ સાથે અનેક માન-સન્માન પ્રાપ્ત કર્યાં છે. એ બધું જેમ સહજતાથી સાંપડ્યું છે તેમ પોતે સહજતાથી સ્વીકારીય જાણ્યું છે. એના વિશે ક્યારેય કોઈ ઊહાપોહ કર્યો નથી. સિદ્ધિની પ્રાપ્તિ માટેની એમની મક્કમતા અને તે જીરવી જાળવવાની એમની સ્વસ્થતા માટે એમનું મેં હમણાં દર્શાવ્યું તે સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ જવાબદાર છે.

હેમંત દેસાઈ

પ્રાધ્યાપક, કવિ અને વિવેચક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑