પ્રગતિની વણથંભી કૂચ

૧૫ જૂન, ૧૯૬૮થી હું ‘નવગુજરાત કૉલેજ' અમદાવાદમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યારથી અર્થાત્‌ ૩૬ વર્ષો પૂર્વે, કુમારપાળ દેસાઈનો પ્રત્યક્ષ પરિચય ગુજરાતીના સહઅધ્યાપક તરીકે થયો હતો. એ પહેલાં કુમારપાળ દેસાઈનો નામ-કામથી પરોક્ષ પરિચય હતો જ.

કુમારપાળના સંપર્કમાં આવ્યા પછી અલ્પ સમયમાં જ કુમારપાળના સ્વભાવ – સૌજન્યની અને વ્યક્તિત્વની મહેક મને સ્પર્શી ગયેલી અને 'અમે તમે’ જેવું સંબોધન છોડી, 'તું' જેવા આત્મીયતાસૂચક સંબોધન પર આવી ગયેલા. આજે પણ એ સિલસિલો ચાલુ જ છે.

समान शीलम् व्यसनेषु सख्यम् ।’ના ન્યાયે ‘ચા'ના – સંસ્કૃતના સહઅધ્યાપક શ્રી પંડ્યાસાહેબના શબ્દોમાં ‘ઉષ્ણોદક’ના – અમારા શોખે અમને વધુ નજીક આવવાની તકો ઊભી કરી આપી. સાથે ફ્રી પીરિયડ હોય તો અમે અચૂક કૉલેજની પાછળ ઊભી રહેતી ભૈયાજીની લારી પર અડધો અડધો કપ-ચા પીવા જતા. અમારો આવો શોખ જોઈ તે સમયના સહઅધ્યાપકોએ અમને ‘Tea Tiger'નું મઝાનું બિરુદ આપી દીધું હતું. આજે પણ સાથેચા’ પીતાં એ બિરુદનું સ્મરણ કરતાં આનંદ અનુભવીએ છીએ.

કુમારપાળ શિક્ષણપદ્ધતિથી, વિઘાર્થીઓ સાથેની સુસંવાદિતા અને ગૃહકાર્ય (Home Work) આપવાની ટેવને લીધે વિદ્યાર્થીઓના પ્રેમ અને આદરના અધિકારી બન્યા હતા એનો હું સાક્ષી છું.

પછી તો કુમારપાળે Ph.D.ની પદવી હાંસલ કરી, શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરતા રહ્યા. નવગુજરાતમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયા. રીડર બન્યા. રીડરમાંથી પ્રોફેસર બન્યા. ભાષાભવનના અધ્યક્ષ બન્યા. ડીનની ચૂંટણીમાં વિજયી બની ડીનનો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કર્યો. થોડા થોડા દિવસે કુમારપાળને કોઈ ને કોઈ સિદ્ધિ હાંસલ કર્યા બદલ અભિનંદન આપવા ડાયલ ઘુમાવવું પડે. બહુમાનોની ફલશ્રુતિ રૂપે હોય એમ જૈનદર્શન, શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે કરેલા પ્રદાન બદલ ભારત સરકારે પદ્મશ્રી' જેવા ઇલકાબથી એમને નવાજ્યા.

ગુજરાતી સાહિત્યક્ષેત્રે પિતા-પુત્રની બે પેઢીઓ સાહિત્યના ઇતિહાસમાં નોંધાઈ છે. કવીશ્વર દલપતરામના દેહવિલય પછી કવીશ્વર ન્હાનાલાલે અને મહિપતરામ રૂપરામ નીલકંઠ પછી રમણભાઈ નીલકંઠે સાહિત્યની ધુરા સંભાળી લીધી. આ પરંપરામાં ત્રીજી પેઢીનું ઉમેરણ કરવું પડે. જેમની એક નવલકથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ મને વિદ્યાર્થી અવસ્થામાં ખૂબ ગમી હતી એવા સુપ્રસિદ્ધ જીવનલક્ષી સાહિત્યકાર અને જૈન તત્ત્વજ્ઞાનના ચિંતક જયભિખ્ખુ'ના અવસાન પછી કુમારપાળે એમના સર્જનનું સાતત્ય સાધી લીધું.‘ગુજરાત સમાચાર’માં લોકપ્રિય બનેલી કટાર 'ઈંટ અને ઇમારત'ની જવાબદારી કુમારપાળે ઉપાડી લીધી એની લોકપ્રિયતા હજુય અકબંધ રહી છે. આ ઉપરાંત 'ગુજરાત સમાચાર’માં પ્રગટ થતી રમત ગમત, અગમ નિગમ, જૈન દર્શનને નિરૂપતી વિવિધ કટારોનું સર્જન કુમારપાળની કલમે થતું રહ્યું છે.

સાહિત્યક્ષેત્રે કટારલેખન ઉપરાંત જીવનલક્ષી બાલસાહિત્ય, ટૂંકી વાર્તાઓ, વિવેચન, સંશોધન, સંપાદન, પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પુસ્તકોનું પ્રદાન કર્યું છે. સાહિત્યસંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ મળ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. ઉપરાંત ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું પ્લેટિનમ પૃષ્ઠ બની રહે એવા વિશ્વકોશ'ના મુખ્ય સંપાદક ડૉ. ધીરુભાઈ ઠાકર બાદમાં સહસંપાદક તરીકે જવાબદારીપૂર્ણ કાર્ય બજાવી રહ્યા છે. સાહિત્ય અને સવિશેષ જૈન દર્શન પર વ્યાખ્યાનો આપવા વિદેશગમનના સંદર્ભમાં કુમારપાળને હું કહું છું,ગુજરાતી સાહિત્યમાં વ્યાખ્યાનો માટે સૌથી વધુ વિદેશયાત્રા કરનાર કુમારપાળ હશે. હવે ક્યારે, કયા દેશની યાત્રા કરવી છે ?’ કુમારપાળ અમદાવાદ પાછા ફરે ત્યારે આગામી વિદેશયાત્રાનું બુકિંગ થઈ જતું હોય છે.

કુમારપાળની વિદેશયાત્રાના અનુસંધાનમાં હું ઘણી વાર એમને ગંભીરતાથી કહું છું, કુમારપાળ, તમે કરેલી વિદેશોની યાત્રા-સ્થળનાં સંક્ષિપ્ત વર્ણન અને વ્યાખ્યાનોના સંક્ષિપ્ત સારને આલેખતા પુસ્તકનું સંપાદન થાય તો એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક સાહિત્યને પ્રાપ્ત થાય. હું એનું સંપાદન કરવા તૈયાર છું.'

જે કામ હાથમાં લીધું હોય એનું દૃષ્ટિપૂર્ણ આયોજન, એ કાર્યની પૂર્વતૈયારી (Home Work), અભ્યાસનિષ્ઠા, નિદિધ્યાસન અને નિયમિતતા કુમારપાળની દરેક ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સફળતાનું રહસ્ય છે. મારા પંચોતેરમા પુસ્તક ‘સૂર્યચંદ્રના પડછાયા'(ભાગ ૧-૨)નું વિમોચન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૬-૧-૨૦૦૪ના રોજ અમદાવાદ મુકામે કર્યું ત્યારે કાર્યક્રમને આનંદદાયક બનાવનાર શ્રી વિનોદ ભટ્ટની સાથે કુમારપાળ પણ મુખ્ય વક્તા હતા. વર્ષોની મૈત્રી હોવાથી વગર તૈયારીએ કેટલાક વક્તાઓની જેમ આગળના વક્તાઓનું વક્તવ્ય સાંભળી, ગોળ-ગોળ બોલવાના બદલે કુમારપાળે અનેક પ્રશ્નો કૃતિ વિશે પૂછી, મુદ્દાઓની નોંધ કરી, કૃતિ અને કર્તાને પૂરો ન્યાય આપ્યો હતો. કુમારપાળ ઘણી વાર કહે છે : 'Home Work કર્યા વગર કદી જવું નહીં.'

કુમારપાળના વ્યક્તિત્વનાં અનેક પહેલદાર પાસાંઓમાં સૌથી ઉત્તમ પાસુંમાણસ’ તરીકેનું છે. કુમારપાળના વ્યક્તિત્વમાંથી માનવતા, સંસ્કાર, સૌજન્યપૂર્ણ વ્યવહારની વાછંટ ફરફરતી સદા અનુભવી છે. અલંકારની પરિભાષામાં કહું તો, Kumarpal is Kumarpal” કુમારપાળ દેસાઈમાંથી ડૉ. કુમારપાળ દેસાઈથી શરૂ કરીપદ્મશ્રી’ સુધીની મજલ તૈયાર કરનાર કુમારપાળ સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો, વિધાર્થીઓ, ચાહકો અને જ્ઞાતિજનોનું અતિવિસ્તીર્ણ વર્તુળ ધરાવે છે. આ સર્વે પાસે કુમારપાળ સાથે સંબંધોનાં વિવિધ સ્મરણો હોય એ સ્વાભાવિક છે. કુમારપાળને હું ઘણી વાર પ્રિન્સ !' તરીકે સંબોધું છું અને એ મને ક્યારેક ક્યારેકરાજ્જા !’ કહે છે. આત્મીયતાની એ ફલશ્રુતિ છે.

મારી પાસે પણ છવ્વીસ વર્ષની મૈત્રી પછી વ્યક્તિ, શિક્ષણકાર, સાહિત્યકાર, વિક્રમ વિશ્વપ્રવાસી કુમારપાળના સૌજન્યના અંતરને તરબતર કરતાં અનેક સ્મરણો છે, પણ એ બધાંને ક્યાં ઉકેલવા બેસું ? અંતે સુપ્રસિદ્ધ ગઝલકાર મનોજ ખંડેરિયાની ગઝલના એક શેર સાથે વિરમું છું :

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

પ્રિયકાન્ત પરીખ

નવલકથાકાર, વાર્તાકાર અને પ્રાધ્યાપક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑