સાચના સિપાઈઃ
એ વખતે ત્યાં કામ કરનાર માણસોએ આવીને રવિશંકર મહારાજને કહ્યું, આજ દાળ ખૂટી ગઈ છે.... એટલે મહારાજ પોતાના ભાગનો રોટલો કોરો ખાય છે અને આવું ઘણી વાર બને છે. દાળ-શાક નથી રહેતાં તો દાદા એકલો રોટલો જમે છે ! પેલા ભાઈનું પાલી જેવડું મોં પાવલા જેવડું થઈ ગયું. એણે દાદાને સાચા ઓળખ્યા. દાદાની જમાદારીને એણે વંદન કર્યું.
(ગુજરાતમાં ધોરણ-પના વિદ્યાર્થીઓ માટેના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ઉદ્ધૃત) લેખક : જયભિખ્ખુ
મારું મનોમંથન.... કલમમાં રહેલી કેટલી અનુપમ તાકાત ! વિદ્યાર્થીને 'સાચના સિપાઈ’ બનવાનું શીખવે. ‘દાદા એકલો રોટલો જમે છે.' વાંચતાં-વાંચતાં જમવા શબ્દની મઝા પડે. વાંચતાં વાંચતાં દાદા(રવિશંકર મહારાજ)ના મુખનાં દર્શન થઈ જાય ! ભગવાનનાં દર્શન થઈ જાય. આમ કુશળ કસબીના હાથે બાળકોમાં રહેલ દિવ્યતાને ઉત્તમ પોષણ મળે.
હવે, જયભિખ્ખુના સવાયા પુત્ર કુમારપાળના લખાણની એક ઝલક આપવાનું મન થયું છે.....
એક આંખની અજાયબી :
બૅટ બાજુએ મૂકી કપાળે હાથ દઈને પટૌડી બેસી ન ગયા. એમણે તો રમવાનું ચાલુ જ રાખ્યું. કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. એમ માનીને એ વધુ ને વધુ વખત રમતા જ ગયા. અનુભવને આધારે એમણે એક આંખે દડાની ગતિ પારખવી હોય તો કેવી રીતે ઊભા રહેવું જોઈએ એ તપાસી જોયું. એમણે બૅટ પકડીને ઊભા રહેવાની પોતાની રીત પણ ફેરવી નાખી. દડાને પારખવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો. પોતાની મર્યાદાઓ શોધવા લાગ્યા અને એ મર્યાદાઓને કેવી રીતે ઓળંગી જવી એની સતત મથામણ કરવા લાગ્યા.
(ગુજરાતમાં ધોરણ-પના વિદ્યાર્થીઓ માટેના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ઉદ્ધૃત) લેખક : કુમારપાળ દેસાઈ
કુમારપાળની તો રીત જ નિરાળી ! દર્શન-જ્ઞાન-ચારિયની ત્રિવેણીમાં પોતે નાહતા જાય અને એ ત્રિવેણીમાં વાચકને નવડાવતા જાય. મનની મૂંઝવણોનું સુંદર નિરૂપણ અને મનની મથામણોને અંતે રસ્તો શોધવાની અનુપમ તાકાત અને તે તાકાતનું અમલીકરણ – એકીસાથે કેટકેટલું પ્રાગટ્ય !
કુમારપાળના ‘અપંગનાં ઓજસ’ પુસ્તકના વાચને તો કેટલાયનાં જીવનમાં ઓજસ પાથર્યાં છે. કેટલાયને જીવતા કરી દીધા છે. મડદાં બેઠાં થયાં છે.' – એમ કહું તો જ યોગ્ય ગણાય.
માનવમાં – જાગ્રત માનવમાં દિવ્યતાનાં દર્શન કરવા અને અન્યને તેનાં દર્શન કરાવવાં અને તે દ્વારા માનવતાની જ્યોત વધારે ને વધારે દેદીપ્યમાન બને તે માટેનો આવો ભગીરથ પુરુષાર્થ કુમારપાળની કલમથી છતો થયો છે. !
આવનારી પેઢીઓ સુધી આ નજરાણું અકબંધ રહેશે અને એનો આસ્વાદ લેનારાઅપંગ’માંથી અમાપ સૌંદર્યના સ્વામી બનશે, તેનું મારું હૃદય સાક્ષી પૂરે છે.
સત્યનાં દર્શન કરવાં – એ બહુ મોટી સૂઝ માગી લે છે. સત્યનાં દર્શન કરાવવાં અને તે પણ લખાણ દ્વારા તે લેખિનીનો ભવ્ય વિજય છે. ભગીરથ પુરુષાર્થ થકી ઊભી થતી ગંગોત્રી છે. ભગીરથ પુરુષાર્થ ધરાવતા, ધરાવતા એટલું જ નહિ પણ પલાંઠી વાળીને બેસી જતા અને લખતા એવા કુમારપાળમાં ભગીરથ રાજાનાં દર્શન મારા જેવા અસંખ્યોએ કર્યાં છે. ધન્ય છે એ બાપ કરતાં સવાયા બેટાને…. ! વંદન !!!
શું શું સંભારું ને શું શું પૂજું ?
પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.
અમદાવાદમાં શાહપુરમાં આવેલા દિગંબર જૈનમંદિરમાં એક દિગંબર મુનિરાજ આવેલા. તે સમયે કુમારપાળભાઈ અને તેમની સાથે પરદેશની ટીમ દર્શનાર્થે આવેલી. હું તે વખતે હાજર હતો અને કુમારપાળભાઈ અને તેમની સાથે આવેલ પરદેશી ભાઈઓ-બહેનોની બ્રિટનથી આવેલી બી.બી.સી.ની ટીમને દિગંબર મુનિરાજનાં દર્શન કરવા આવેલા જોઈને મારો તો હરખ માતો નહોતો.
આ ટીમને મુનિરાજની ચર્યાનાં દર્શન કરવાં હતાં. ચાલતાં ચાલતાં એક નાનકડી કીડીને પણ સંતાપ ના થાય તેવી મુનિરાજની સાવધાનીને તેમણે કૅમેરામાં કંડારી.
પાછળથી જાણવા મળ્યું કે – Natural History Unitના ડાયરેક્ટર જૉન ગાયનર બી.બી.સી.ની સહાયથી ચાર હપતાની એક ફિલ્મ Natural History’ બનાવી રહ્યા હતા. ૪૦ દેશોમાં ફરીને Man and Animalના પારસ્પરિક સંબંધને શોધવા આ ટીમ કૅમેરામાં દૃશ્યો કંડારતી હતી.
નોંધ લેતાં સહર્ષ જણાવવાનું કે અમદાવાદમાં આ ટીમ કુમારપાળભાઈની આગેવાની હેઠળ ફરી અને અંતે તો માનવ અને પ્રાણી– સંબંધનું ઉત્કૃષ્ટ સમાધાન જૈન ધર્મમાં જ છે એવું પ્રતિપાદન થયું. કુમારપાળભાઈની ચકોર દૃષ્ટિ દાદ માગી લે તેવી છે !
કુમારપાળભાઈનું માનવું છે,પોતાના ભીતરમાં રહેલી અનેક શક્યતાઓને પ્રગટ કરવી તે જ માનવીનું જીવનધ્યેય. માનવી પાસે મન, બુદ્ધિ અને ભાવનાના વિકાસની અનંત શક્યતાઓ છે. એ શક્યતાઓ તરફ ગતિ કરવી એ જ પરમાત્માની ઇચ્છાને અનુસરીને કરેલું કાર્ય ગણાય.”
ઉપરની વાતને સમર્થન આપતાં કેટલાંયે જીવંત પાત્રો વૉલ્ટર, સાત અંધ જુવાનો, પટૌડીના નવાબ, ટેરી ફોક્સ, ડોરિસ હાર્ટ, ઓસ્ટર, યોગેશ ગાંધી, ગ્લેન કનિંઘમ વગેરેનું તેમણે આલેખન કર્યું છે. પરિણામે નિરાશામાં ધકેલાતાં કેટલાંય જીવંત માનવીઓને એમની સત્ય ઘટનાઓએ ‘લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે'નો અહેસાસ કરાવ્યો છે. આમ તેમની કલમનો જાદુ માનવીને માનવ બનાવવામાં આગવો ફાળો આપી રહ્યો છે.
ઢાંકે પ્રકાશ રવિનો શશિતુલ્ય રમ્ય મોતી સમૂહ રચનાથી દિપાયમાનએવા પ્રભુજી તમને ત્રણ છત્ર શોભેત્રિલોકનું અધિપતિપણું તે જણાવે.
પ્રભુને સંપૂર્ણ દર્શન.... પરિણામે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ ચારિય હોય છે. કુમારપાળભાઈનું દર્શન સદાય વિકસતું રહ્યું છે, પરિણામે જ્ઞાન અને ચારિયનો વિકાસ તેમની કલમ ઝીલતી જાય છે અને સાહિત્યનો ભંડાર સર્જાતો જાય છે. ઍવૉર્ડ વગેરે મળતા જાય છે પણ તેની તેમને ખેવના નથી. એમને તો એક જ ખેવના છે.... ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની.’
ભારતના વડાપ્રધાન વાજપેયીજીના હસ્તે સમગ્ર વિશ્વના ર૬ જૈન અગ્રણીઓને અપાયેલા ઍવૉર્ડ પૈકી એક `જૈનરત્ન’નો ઍવૉર્ડ કુમારપાળભાઈને અપાયો ત્યારે એ દબદબાભર્યા સમારંભમાં પ્રસન્નચિત્ત, સૌમ્યમૂર્તિ બનીને એ ઍવૉર્ડ સ્વીકારતા કુમારપાળભાઈનાં દર્શન કરવાં એ પણ મારા માટે મારા જીવનનો અવર્ણનીય પ્રસંગ હતો.
દિગંબર હોય કે શ્વેતાંબર, સ્થાનકવાસી હોય કે દેરાવાસી, બધા જ જૈનો તેમનામાં એક સમભાવી અને સમતાભર્યા સાચા મિત્રનાં દર્શન કરે છે.
કુમારપાળભાઈ હર પળે વીરતા બતાવતા જાય છે, મહાવીરમાંથી મહાવીર બનવાનો સંદેશો મેળવતા જાય છે અને મહાવીર બનતા જાય છે, તે એક અનુપમ આનંદનો વિષય છે.
Soul has worked miracles in human body – માનવપર્યાય મેળવ્યા પછી આત્માની પ્રચંડ તાકાતનાં દર્શન વિશ્વને વારંવાર થયાં છે. ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર, રામ, કૃષ્ણ, મહાવીર જેવાં અનુપમ ઉદાહરણો છતાં થયાં છે.
અંતમાં, જૈન ધર્મના એટલે કે માનવધર્મના મહાન ચિંતક અને હરહંમેશ ચિંતનને સથવારે વિશ્વમાનવ બનવાના મહાન પથ પર અડગ ડગ માંડી રહેલા મહાન લેખક ડૉ. કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી કુમારપાળ દેસાઈને કોઈક ભવે મહાવીરની મુદ્રામાં રાચતા પરમ આત્માના સ્વરૂપમાં નિહાળતો નિહાળતો લેખને વિરામ આપું છું.