ગૂર્જર સાહિત્યના અર્વાચીન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ શકે એવું ચિંતનશીલ અને ચેતનવંતું, પરિપક્વ અને પ્રફુલ્લિત, વિશાળ અને વૈવિધ્યસભર, કલાસમૃદ્ધ અને કૌશલ્યપૂર્ણ યોગદાન અર્પનાર સ્નેહનિધિ પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈની ગૌરવગાથા સમા ‘શબ્દ અને શ્રુત’ ગ્રંથને ધર્મસ્નેહપૂર્વક આવકાર.
શૈશવકાળ દરમિયાન મારા સંસ્કારઘડતરનાં અનેક ઘટક પૈકી એક સુંદર અને સબળ પરિબળ હતું ગુજરાતના લોકપ્રિય સર્જક શ્રી બાલાભાઈ દેસાઈ એટલે કે ‘જયભિખ્ખુ’ની વાર્તાઓનું માતૃમુખે શ્રવણ. સમાજના સંસ્કારસ્વાસ્થ્યની સંભાળ લેવાનો પિતાનો વારસો શ્રી કુમારપાળભાઈએ યથાર્થપણે વહન કર્યો છે. કુમા૨પાળભાઈ સાથેનો પરિચય બે દશકથી પણ અધિક અરસાથી પલ્લવિત અને પુષ્પિત થઈ રહ્યો છે. ધરમપુર અને અમદાવાદ સહિત દેશ-વિદેશમાં અનેક સ્થળોએ અને વિવિધ પ્રસંગોએ તેમની ઉપસ્થિતિ, સંવાદ, ગોષ્ઠિ, ઉદ્બોધન આદિ દ્વારા તેમના સ્નેહસભર, ઉષ્માપૂર્ણ અને વિશેષ તો ઋજુ અને પ્રસન્ન વ્યક્તિત્વનો અનુભવ થયો છે; તેમની ખમીર અને ખુમારીભરી, જોશીલી અને જોમવંત જીવનયાત્રાની ઝાંખી મળી છે. વિરલ વિદ્વત્તા, અસાધારણ નિપુણતા અને ઉલ્લેખનીય બહુશ્રુતતા છતાં સ્નેહાળ સ્મિત અને નિરભિમાની વ્યવહાર, સમજશીલ અભિગમ અને સૌમ્યતાયુક્ત શાસનપ્રેમ તેમનાં સદાયનાં સાથી રહ્યાં છે.
સાત દાયકાની સુદીર્ઘ સાહિત્યસાધના દરમિયાન આ સંવેદનશીલ અને સત્ત્વશીલ સર્જકે જીવનચરિત્ર, વાર્તા, નિબંધ, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, બાળસાહિત્ય, રમત સમીક્ષા, સ્પૉર્ટ્સ સાહિત્ય, ચિંતનાત્મક સાહિત્ય, પ્રૌઢ સાહિત્ય, પ્રેરણાત્મક સાહિત્ય, માનવીય મૂલ્યો, ધર્મદર્શન વગેરે અનેકાનેક ક્ષેત્રોમાં ખેડાણ દ્વારા નિરૂપણનિપુણતા દાખવી સાહિત્ય ઉપરાંત શિક્ષણ, સમાજસેવા, પત્રકારત્વ, સંશોધન, ભારતીય સંસ્કૃતિ અને માનવકલ્યાણનાં ક્ષેત્રે પણ અવિસ્મરણીય પ્રદાન કર્યું છે. સાત જેટલાં હિંદી તથા ૧૫ જેટલાં અંગ્રેજી પુસ્તકો સહિત આશરે ૧૫૦ પુસ્તકોનું સર્જન કરનાર ડૉ. દેસાઈના સકુશળ માર્ગદર્શન હેઠળ પાંચ સાધ્વીજીઓ સહિત ૨૬ વિભિન્ન વિદ્યાકાંક્ષી વિદ્વાનોએ પીએચ.ડી.નો શોધપ્રબંધ સંપન્ન કરેલ છે. ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન, શાંતિસંશોધન અને ગાંધીવિચાર – એમ પાંચ ભાતીગળ વિષયમાં પીએચ.ડી.ના માર્ગદર્શક અધ્યાપક તરીકેની તેમની પ્રતિભાનો પરિમલ દેશ-વિદેશમાં પ્રસર્યો છે.
અનેક વિદ્યાપીઠો, ટ્રસ્ટો, સમિતિઓ, પરિષદોમાં અગ્રણી અને ઉત્તરદાયિત્વસભર પદે વિરાજિત થઈને – વિશેષ તો તે તે પદોને વિભૂષિત કરી, સબળ આધારસ્તંભ બનનાર ડૉ. દેસાઈને વિભિન્ન સંસ્થાઓ, સંગઠનો, સમાજ, સરકારો દ્વારા ‘પદ્મશ્રી’ સહિત અનેક સુપ્રસિદ્ધ પુરસ્કારો, ચંદ્રકો, પદવીઓ તેમજ પારિતોષિકોથી સન્માનિત કરાવામાં આવ્યા છે.
ગળથૂથીમાંથી જ જેમનામાં સાહિત્ય અને દર્શનનું, સાધના અને સેવાનું સિંચન થયું છે; જેમના ઉછેરમાં સૂઝ, સમજ અને ચીવટ પાંગરી છે; પાયાના શિક્ષણથી જેમણે ગહનતા અને ગુણવત્તાને આત્મસાત્ કરી છે તેમજ જેમને અધ્યયન અને અધ્યાપનના વિશિષ્ટ બહોળા અનુભવરૂપ સંપદા પ્રાપ્ત થઈ છે, એવા કુમા૨પાળભાઈ કોઠાસૂઝ ધરાવતા એક પ્રબુદ્ધ વક્તા છે. કોઈ પણ વિષય ઉપર પોતાના અધિકૃત અને પ્રગલ્ભ વિચારો તેઓ સરળતાથી, સહજતાથી અને સબળતાથી અભિવ્યક્ત કરી શકે છે. માર્મિક દૃષ્ટાંતોથી યુક્ત વક્તવ્યધારા, શબ્દોનો સચોટ પ્રયોગ, જકડી રાખતી રોચક શૈલી અને વિનોદસભર ભાષા તેમના વક્તૃત્વને એક આહ્લાદક વિશેષતા બક્ષી જાય છે.
વયની તમામ મર્યાદાઓને સંકેલીને બાજુ પર મૂકી દેતી તેમની સુપ્રસન્ન સક્રિયતામાંથી સદૈવ સ્રવે છે સંસ્કૃતિ અને સાધનાનો સુમેળ પ્રગટાવતાં પ્રેરક સંશોધનો, યુવાશક્તિ અને કર્તવ્યસૃષ્ટિનું મિલન કરાવતાં વિવેચનો, ધર્મ અને અધ્યાત્મના શાશ્વત પ્રકાશને ઝળહળાવતાં સર્જનો તથા જૈન વિચારધારાને રસમય અને વિશ્વવ્યાપી બનાવતાં પ્રવચનો અને પ્રકલ્પો. જિનશાસનનું રત્ન, જૈન સમાજનું ગૌરવ એવા કુમારપાળભાઈએ જૈનદર્શન પર અનેક ઉપયોગી, સંશોધનાત્મક અને ભક્તિસભર કૃતિઓની સુંદર રચના કરી છે.
સાંપ્રત સમાજ શ્રી રામાયણ, મહાભારત, ભાગવત આદિ ગ્રંથો પરની કથાઓથી સુપરિચિત છે; એ દિશામાં જૈન ઇતિહાસની વીતરાગ વિભૂતિઓ પરની શ્રી કુમારપાળભાઈએ આરંભેલ કથા-પરંપરા એ શુભ અને સ્તુત્ય, પ્રબોધાત્મક અને પ્રભાવક પ્રયાસ છે. મહાન યુગસ્રષ્ટા ચેતનાઓનાં શાંત રસમય જીવનની અદ્ભુત કથાઓ દ્વારા તેમની અનંત ગુણસમૃદ્ધિની સુગંધના પ્રસારનું પ્રશસ્ત કાર્ય જિનશાસનના આ સમર્પિત સેવક પ્રભુત્વપૂર્ણ શૈલીથી બજાવી રહ્યા છે.
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના ધન્યનામથી કાર્યરત સંસ્થાઓ માટે કુમારપાળભાઈના હૃદયમાં શરૂઆતથી જ ભક્તિપૂર્ણ સદ્ભાવની સરિતા વહેતી રહી છે, જે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રત્યે પણ પ્રેમાદ૨૫ણે વ્યક્ત થતી રહી છે. મિશનની સમસ્ત આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે તેમણે સદૈવ સ્નેહસિક્ત પ્રમોદભાવના જ અભિવ્યક્ત કરી છે તેમજ અવસરે સહાયરૂપ થવા પણ હંમેશ તત્પરતા દાખવી છે.
‘શબ્દ અને શ્રુત’ ગ્રંથની દ્વિતીય સંવર્ધિત આવૃત્તિના પ્રકાશનના સુભગ અવસરે પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈને અંતઃકરણથી અઢળક અભિનંદન તથા આશિષ. તેમણે માંડેલ સર્જનયજ્ઞનાં સ્વકલ્યાણલક્ષી વિકાસ અને વિસ્તાર માટે હાર્દિક શુભેચ્છાઓ. તેમના સુસ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના. અધ્યાત્મયાત્રામાં નિરંતર સંવેગવંત રહી, તેઓ ચિદ્દન આનંદઘન નિજ ચૈતન્યની બોધિ પ્રતિ પ્રગતિશીલ રહે એ મંગળ ભાવના સહ વિરમું છું.
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના પ્રણેતા, વિશ્વવ્યાપી આધ્યાત્મિક પ્રતિભા