આગવા સ્નેહી-સ્વજન

સને ૧૯૮૪માં યુ. એન. મહેતાસાહેબ અંગેના એક પ્રસંગમાં ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મુલાકાત થઈ અને પછી તો અવારનવાર જુદા જુદા પ્રસંગોએ તેમની મુલાકાતો વધવા લાગી. તેઓ બન્ને એટલા નિકટ આવી ગયા કે જાણે તેમની વચ્ચે વર્ષો પહેલાંના સંબંધો બંધાયેલા હોય. ઘણી વાર તો તેમને મળ્યે સમય વીતી ગયો હોય તો મહેતાસાહેબ તેમના ઘેર પહોંચી જાય અને વીતેલા દિવસોની વાતો કરવા બેસી જાય. મહેતાસાહેબને અવારનવાર ગુરુભગવંતોને વંદન કરવા જવાનું થાય, ત્યારે તેમની સાથે થયેલી ધાર્મિક ચર્ચાઓ તથા ઉદ્ભવેલા ધાર્મિક પ્રશ્નોની ચર્ચાઓ તેમની સાથે કરવા બેસી જાય અને એ રીતે મનનું સમાધાન શોધી લેતા તથા પ્રશ્નોનું નિરાકરણ લાવતા. તેમની સાથેની અવારનવારની મુલાકાતથી તેઓ અમારા કુટુંબના એક આગવા સ્નેહી-સ્વજન જેવા બની ગયા છે.

તેમની સાથેની આત્મીયતા વધવાનું તથા વધુ નજદીક આવવાનું એક કારણ મહેતાસાહેબનું જીવનચરિત્ર લખવાનું તેમણે શરૂ કર્યું તે પણ હતું. તેના કારણે તેઓ વારંવાર અમારા ઘેર આવતા. મહેતાસાહેબના જીવનની નાનામાં નાની વિગતો પૂછી વિષયના ઊંડાણમાં ઊતરતા. અમારા કુટુંબના દરેક સભ્યો સાથે બેસી ગોષ્ઠિ કરી તે વાતો પોતાના ચિત્તમાં ગોઠવીને સાહિત્યની ભાષામાં કાગળમાં ઉતારતા ગયા અને તેના ફળસ્વરૂપે તેમણે મહેતાસાહેબનું જીવનચરિત્ર ‘આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' એ શીર્ષક નીચે અમને અર્પણ કર્યું. જેમ-જેમ એ પુસ્તક અમે વાંચતાં ગયા તેમ તેમ તેમનામાં રહેલ એક સફળ સાહિત્યકારની પ્રતિમા આંખ સમક્ષ ઊપસતી ગઈ. પુસ્તકમાં જે મહેનતથી તેમણે મહેતાસાહેબના ચરિત્રનું નિરૂપણ કર્યું તે વાંચીને અમારા કુટુંબના સભ્યો જ નહીં, પરંતુ જેણે જેણે એ પુસ્તક વાંચ્યું તેમને ખ્યાલ આવ્યો કે મહેતાસાહેબ ફક્ત ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ સમાજના એક શ્રેષ્ઠતમ દાનવીર અને માનવતાવાદી વ્યક્તિ હતા. તે ખ્યાલ આ ચરિત્ર પરથી આવ્યો.

કુમારપાળભાઈ કહેતા કે પૈસા કમાવવા, એકઠા કરવા તે અગત્યનું નથી, પરંતુ કમાયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવો તે અગત્યનું છે અને તે મહેતાસાહેબે વિવિધ ક્ષેત્રોમાં દાનની ગંગા વહેવડાવીને સિદ્ધ કરી બતાવ્યું છે.

આમ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મદર્શનના ક્ષેત્રે યશસ્વી કામગીરી કરનાર ડૉ. કુમારપાળભાઈ જાણે કુટુંબના જ એક સદસ્ય હોય તેવી લાગણીના દોરમાં અમે બંધાઈ ગયાં છીએ. મહેતાસાહેબના અવસાન બાદ ડૉ. કુમારપાળભાઈએ અમારા કુટુંબ સાથે લાગણીનો એ જ સિલસિલો જાળવી રાખ્યો છે. જ્યારે પણ મેં તેમને કોઈ પ્રસંગ માટે કે કોઈ સલાહ માટે વાત કરી હોય તો તરત જ હાજર થઈ જાય અને હૃદયના એ જ ઉમળકાથી વાતો કરવા બેસી જાય.

આજે ભારતભરમાં જ નહીં, પણ દેશવિદેશમાંજૈના’ જેવી અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. વિદેશમાં અવારનવાર જઈને જૈન ધર્મની ફિલૉસૉફીને સહુને સાચી રીતે સમજાવી શક્યા હોય તો તેનો યશ શ્રી કુમારપાળભાઈને જ આપવો યોગ્ય ગણાશે. આમ આજના એક અનોખા સાહિત્યકાર, અજોડ પત્રકાર અને જૈન તત્ત્વજ્ઞાનના બેનમૂન ચિંતક સાથે વાત કરવા બેસો તો તમને લાગે પણ નહીં કે તેમણે આટલી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમની વાતોમાં ગર્વનો કોઈ દિવસ છંટકાવ નહીં. આટલાં ઉન્નત શિખરો સર કર્યાં પછી પણ તેમની એ જ સાદગી એમના પ્રત્યે માનથી જોવા લલચાવે છે. તેમની એ મૃદુ ભાષા આપણને તેમના સમીપ લઈ જવા એક કેડી બની રહે છે.

આવા ડૉ. કુમારપાળભાઈને `પદ્મશ્રી’નો ઍવૉર્ડ આપીને ભારત સરકારે જે બહુમાન કર્યું છે તેના તેઓ સાચા હકદાર છે અને અમારાં સૌનું એ સ્વપ્ન સફળ બનતું આપણે સૌ જોઈ રહ્યા છીએ. જ્યારે આપણા સ્વજન કે જેમને આપણે ખૂબ નજદીકથી ઓળખીએ છીએ તેવી વ્યક્તિને આવો પ્રતિષ્ઠિત અૅવૉર્ડ અપાય ત્યારે અપ્રતિમ રોમાંચ પ્રસરી જાય છે. છેલ્લે હજુ પણ સાહિત્ય, પત્રકારત્વ જેવાં વિવિધ ક્ષેત્રોમાં દિન-પ્રતિદિન આગવી સફળતાઓ હાંસલ કરતા રહે તેવા અંતરના આશીર્વાદ.

શારદાબહેન યુ. મહેતા

ટોરન્ટ ગ્રૂપના સ્થાપક શ્રી યુ. એન. મહેતાના સભ્ય, ધાર્મિક ને સામાજિક કાર્યોમાં અગ્રસર

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑