કુમારપાળ એટલે કુમારપાળ

કુમારપાળ વિશે એકથી વધુ વાર લખવાનું બન્યું છે, અને છતાં વધુ વાર લખવાનું નિમિત્ત મળે તો ઉમળકાભેર સ્વીકારી લેવાનું પણ એટલું જ ગમ્યું છે. આ પાછળનું ખરું કારણ કુમારપાળનું વર્સેટાઇલ વ્યક્તિત્વ છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે તમે સદ્ય તેના વ્યક્તિરંગો વિશે વાત કરી શકો. ઝટ તમે એના વિશે તારણો પણ આપી શકો. કુમારપાળમાં એવું ઓછું બને છે. કારણ કે તે ‘સ્થિર’ કે માત્ર ‘સ્થિતસ્ય સમર્થનમ્’ પાસે અટક્યા નથી. તે ગતિશીલ છે, જૂનાની સાથે નવાને પણ આવકારે છે, તેની સાથે અનુસંધિત થઈ રહે છે. પરિણામે કુમારપાળની વ્યક્તિરેખાઓ સહજ-સરળ રહીને, કંઈક સંકુલ રૂપ ધારણ કરે છે. ધીરજથી એ રેખાઓને નિહાળવી પડે, ઉકેલવી પડે.

હા, કુમારપાળ જૂના મિત્ર છે. નજીકથી તો ઓળખું છું જ છતાં જાતને ક્યારેક પ્રશ્ન કરું છું : ‘ખરેખર ઓળખું છું ?’ એ પ્રશ્નને પ્રશ્ન રૂપે રહેવા દઈ પછી કુમારપાળની કર્મશીલતાને ફંફોસું, તેના વૈવિધ્યને, તેના મૂલ્યને, તે પાછળની દૃષ્ટિને, તેમના તત્પરક અભિગમને સમજવા પ્રયત્ન કરું. વળી અમારા ઉભયના ગુરુ ઠાકરસાહેબે કુમારપાળ વિશે કહેલી કેટલીક વાતોનું સ્મરણ કરું અને એમ કુમારપાળની ‘ઓળખ’ માટે મથામણ કરું. મને ક્યારેક એ ‘આધુનિક સુદામા’ કહે છે તો હું તેને ‘આધુનિક કૃષ્ણ’ રૂપે પછી સંબોધન કરું. મૂળે તો અનેક વાર ગમ્મતમાં મેં કહ્યું હતું, ‘હું તો સુદામો છું, કૃષ્ણ તો તું છે.’ પણ એ આ બધું ઝડપથી સ્વીકારે નહિ. પરિણામે ‘આધુનિક’ વિશેષણનો અમે પરસ્પર વ્યાપ વધાર્યો.

કુમારપાળનાં અનેક રૂપો છે. ગુજરાતી ભાષકોમાં, વાચકોમાં એ રૂપો ઓગળતાં રહ્યાં છે. કુમારપાળ નિત્ય નવા રંગો પ્રકટ કરતા જાય છે, પોતાની તે નિમિત્તે સજ્જતાનો તો અનુભવ કરાવી જ રહે છે, ઉપરાંત તેમના વિવિધ ક્ષેત્રોના બહુઆયામોનો પણ તે પરિચય આપી રહે છે. પરિણામે થોડેક થોડેક આંતરે તેઓ પોંખાતા જાય છે, તેમની કર્મવ્યાપકતાની પણ સૌને પ્રતીતિ કરાવી રહે છે. તેમના મિત્રો, ચાહકો, ગુરુઓ અને શિષ્યો-વાચકો સૌને એમ તેઓ આનંદના આંચકા આપતા રહ્યા છે. આવું ઘણું ઓછાં વ્યક્તિત્વોમાં બનતું હોય છે.

કહો આવા વ્યક્તિત્વને કેવી રીતે પરિભાષિત કરી શકીશું ? શું તે એક અધ્યાપક છે ? પત્રકાર કે કટારલેખક માત્ર છે ? એક લેખક છે ? ક્રિકેટ કે અન્ય રમતોના અભ્યાસી છે ? આ કે તે એવા સામયિકના તંત્રી છે ? વિશ્વકોશ ટ્રસ્ટના મોભી છે ? એક પ્રવાસી છે ? જૈન ધર્મના આરૂઢ અભ્યાસી છે ? અનેક સાહિત્યિક સંસ્થાઓના તે પ્રેરક છે અથવા તો તેના વડા છે કે સદસ્ય છે ? શું તે એક ધીર વક્તા છે ? તે પ્રેમાળ ગૃહસ્થી છે ? સૌમાં ભળી જતા અને સૌથી એક અંતર રાખતા – સૌને ગમતા એવા કર્મશીલ છે ? શું તેઓ જે રીતે એકથી વધુ સંસ્થાઓ સાથે સંકળાઈને તેમની વિશિષ્ટ કાર્યશૈલી દાખવી રહ્યા છે તેવા વ્યવસ્થાપક છે ? કે પછી ક્યારેક એ સર્વથી ઉપર રહી એક ‘સંસ્થા’ બની રહ્યા છે એ છે ? કુમારપાળના વ્યક્તિત્વને ઉકેલવા જતાં આ અને આવા અનેક પ્રશ્નો આપણા મનમાં જાગે, એના ઉત્તરો આપવા પ્રયત્ન કરીએ અને છતાં કુમારપાળ અવશેષમાં કશુંક એવું રાખે કે તેમની બધી ઓળખ પછી પણ એ ઓળખ અધૂરી રહે. કુમારપાળના વ્યક્તિત્વનો મને જણાયેલો આ તેમનો ‘વિશેષ’ છે.

અમારા ગુરુએ ‘સવ્યસાચી’ એવું ઉપનામ પોતાને માટે પસંદ કરેલું. અમારા ગુરુ એટલે, આગળ ઉલ્લેખ્યું છે તે ડૉ. ધીરુભાઈ ઠાકરસાહેબ. જે ડાબા હાથે પણ બાણ ફેંકી શકે – છોડી શકે. મને લાગે છે કે ગુરુનું આ ઉપનામ પ્રચ્છન્નપણે કુમારપાળે ગ્રહીને તે મૂર્તિમંત કરી આપ્યું છે. તે એકસાથે ઘણાં કામોમાં પોતાનું કૌશલ દાખવે છે, તેમાં સફળ થાય છે, ધાર્યું પરિણામ પણ પ્રાપ્ત કરે છે. એટલે જ વિવિધ ક્ષેત્રોમાં રહેલું તેમનું સંચરણ સૌને ચકિત કરે છે.

તેમણે ક્યાંય બદ્ધમત થવાનું પસંદ કર્યું નથી. બધી તરફની બારીઓ એ ખુલ્લી રાખીને બેઠા છે. તે વડે તે બધાં જ દૃશ્યોને, શીત-ઉષ્ણ પવનને, ભાતીગળ અવાજોને, અંકે કરતા રહ્યા છે અને એમ પોતાની ચેતનાને પુષ્ટ કરતા રહ્યા છે. કહો કે કુમારપાળ એવું વિધિનિષેધ વિનાનું ‘મુક્તમન’ દાખવે છે. બધાને સાંભળે છે, સમજે છે, પણ ઉતાવળે અભિપ્રાય કે પોતાનો મત પ્રકટ કરી દેતા નથી. કેટલુંક મિતાક્ષર રૂપે તો કેટલુંક મૌન રૂપે તે અભિવ્યક્ત કરે છે. સરજનાર પોતાની સમજણ જેટલું એમાંથી પામી રહે. કુમારપાળ ‘અક્રમ’ છે એમ નહીં કહું પણ કળ તો છે તે તેમનાં બધાં કાર્યો પર નજર નાખતાં સમજાય. એ રીતે તમે તેમને કાબેલ કે મુત્સદ્દી કહેવા હોય તો કહી શકો પણ બધી વેળા ત્યાં માનવ્ય જરૂર ઉપસ્થિત હોય. તેમની પાસે અન્યને પોતાનો કરી લેવાનું આંતરિક સંમોહનબળ છે. કઈ વ્યક્તિને, કઈ ક્ષણને કેટલું કેવું મહત્ત્વ આપવું તે કુમારપાળ સુપેરે જાણે છે. રણજિરામ સુવર્ણચંદ્રક સંસ્થાના પ્રમુખ ધીરુભાઈ પરીખ પાસેથી તો સ્વીકાર્યો, પણ તે જ ક્ષણે તેમને મંચ પરથી નીચે ઊતરી રણજિતરામ સુવર્ણચંદ્રકપ્રાપ્તિનું ફ્રેમમઢ્યું લખાણ રઘુવીરભાઈ અને ચંદ્રકાન્ત શેઠના વરદહસ્તે ગ્રહણ કર્યું ! પ્રસંગનો મહિમા તો તેથી વધ્યો પણ સંબંધોના દોરને પણ કુનેહથી વળ આપ્યો ! ધીરુભાઈ ઠાકરે કહેલી કેટલીક વાતોમાં કુમારપાળની આવી સંસ્કારજનિત વ્યક્તિઅંશની વાત પણ હતી.

થોડુંક પાછળ જઈને વિચારીએ તો તેમના પિતા જયભિખ્ખુનો સાથે તેમની માતાનો – એમ બંનેના વ્યક્તિત્વનો તેમનામાં સુભગ સમન્વય થયેલો જોવા મળે. જયભિખ્ખુની સહજતા, નિઃસ્પૃહવૃત્તિ, સેવાતત્પરતાની સાથે માતાનું લાગણીશીલ અને સમજભર્યું વ્યક્તિત્વ પણ કુમારપાળમાં કોળેલું જણાશે. એ સાથે જૈન ધર્મ અને એનો વ્યાપક અભ્યાસ પણ તેમની મદદે આવ્યો હશે. તેથી જ તે કારકિર્દીના આરંભે પિતાના મિત્રો પર સુંદર છાપ ઊભી કરી શક્યા, ‘ગુજરાત સમાચાર’ના તંત્રી – અગ્રણી શ્રી શાંતિલાલભાઈને પ્રભાવિત કરી શક્યા, ગુરુ ઠાકરસાહેબના અંતરંગ વિશ્વમાં પ્રવેશ મેળવી શક્યા. પછી તો અધ્યાપક તરીકેય જ્યાં જ્યાં કામ કર્યું તે વિદ્યાર્થીઓના, સંશોધનાર્થીઓના તેઓ પ્રિય થઈ પડ્યા. સાહિત્યસમજ વિશે કે સાહિત્ય વિશે તેમણે કશે ઊહાપોહ ભલે ન જગાવ્યો હોય પણ ક્રિકેટના કૉલમ પરથી પ્રેરક લખાણોની સૃષ્ટિમાંથી બહાર નીકળીને તેમણે સાહિત્યિક કટારની સાથે બાળસાહિત્ય, લોકસાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય, સંશોધન વગેરેમાં પણ પોતાનું કૌશલ-કૌવત દાખવી બતાવ્યું. કુમારપાળ એ રીતે સતત વિકસતા રહ્યા છે, પોતાને તરોતાજા રાખે છે.

પત્રકારત્વના ક્ષેત્રે એમ તેમણે વિવિધ વિષયનું સાહિત્ય તો પીરસ્યું, સાથે તે ક્ષેત્રે સાતત્ય દાખવી તાજેતરમાં તેઓ તે ક્ષેત્રે ટોચ પણ સર કરે છે. ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રીપદે રહી ટૂંકા ગાળામાં તેનાં આંતર-બાહ્ય લેબાસમાં પણ મોટું પરિવર્તન કર્યું. તેમના મનુષ્ય-સમાજ-વિશ્વ, મૂલ્યો, અહિંસા, સેવા, સભ્યતા, સંસ્કૃતિ, યુવકો, ધર્મતત્ત્વ, વ્યવહાર વગેરે વિશેના વિચારોની પણ વ્યાપક રૂપે નોંધ લેવાઈ અને થોડાક મહિનાઓ પહેલાં જ લંડન ખાતે તેઓને અહિંસા ઍવૉર્ડથી વિભૂષિત કરાયા.

વિશ્વકોશ ટ્રસ્ટ તો તેમની સમર્પણવૃત્તિનું દ્યોતક છે. ઠાકરસાહેબ સાથે એકરૂપ થઈને એ જ્ઞાનયજ્ઞમાં તેઓ જે રીતે અધ્વર્યુ બનીને કામ કરી રહ્યા હતા તેનો ઠાકરસાહેબને પણ ગર્વ હતો. ઠાકરસાહેબ પાસેથી એ વાત મેં એકથી વધુ વાર સાંભળી છે. પણ ઠાકરસાહેબ આજે નથી ત્યારે પણ એ જ્ઞાનયાત્રા અવિરતપણે તેમની સૂક્ષ્મ પ્રેરણા-સંવેદના સાથે કુમારપાળ આગળ ધપાવી રહ્યા છે. વિશ્વકોશની પ્રવૃત્તિઓ ઉપરાંત એ ટ્રસ્ટને એક ધબકતું શૈક્ષણિક-સાંસ્કૃતિક-વિદ્યાકીય, કલાકીય સાથે જાગૃતિનું એક કેન્દ્ર બની રહે તે માટે પણ તે પૂરતો પ્રયાસ કરી રહ્યા છે તો ‘કોશ’ની સીમાને વિસ્તારીને તેને તેઓ બાળસાહિત્યકોશ કે નાટ્યકોશ અને હજી આગળની ક્ષિતિજે તે લઈ જવા યત્ન કરી રહ્યા છે. અહીં વિશિષ્ટ વ્યક્તિઓનાં વ્યાખ્યાનો, વર્કશૉપ, શિબિરો સાથે મુલાકાતોનો દોર પણ ચાલે છે. ‘વિશ્વા’ની પ્રવૃત્તિઓ પણ ગતિ પકડી રહી છે અને નારીચેતનાને પણ નવે નવે રૂપે પ્રસ્તુત કરાઈ રહી છે. ‘વિશ્વવિહાર’ની સાથે નારીસર્જકતાને પ્રેરક બની રહે તેવા સામયિકનો આરંભ પણ થઈ ચૂક્યો છે. કહો કે વિશ્વકોશ ટ્રસ્ટ ગુજરાતનું જ્ઞાનતીર્થનું રૂપ ધારણ કરી રહ્યું છે. કુમારપાળ, આગળ કહ્યું તેમ, કર્મના આદતી છે, ઊહાપોહથી તે દૂર રહ્યા છે.

કુમારપાળ તેમની કૉલેજ, યુનિવર્સિટી, તેમની ધાર્મિક સંસ્થાઓમાં કે સાહિત્ય-સંસ્કારજગતમાં સૌના સ્નેહનું ભાજન બન્યા છે, તેમ વિશ્વકોશ ટ્રસ્ટમાં પણ સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે.

મને સ્મરણમાં છે ત્યાં સુધી કુમારપાળે જિંદગીના લગભગ આઠ દાયકા તો વિતાવ્યા છે. પણ અહીં ‘વિતાવ્યા’ ક્રિયાપદમાં ઉમેરો કરીને કહું તો તેને સમૃદ્ધ કરી બતાવ્યા છે. આજે તે અહર્નિશ કામ કરે છે, અનેક સંસ્થાઓને માર્ગદર્શન આપે છે, અનેકોના અંગત જગતમાં પણ જરૂર પડતાં તેઓ તેને સધિયારો, પ્રેમ-હૂંફ આપે છે. વસ્તુને તે આરપાર જોઈ શકે છે. ધીટતા વિનાની ધીરતા તેમનામાં છે, વેવલાઈ વિનાની લાગણીશીલતા છે, ‘હું’, ‘મેં’ વિનાની કાર્યશૈલી અને વિનમ્રતા છે. માનવતાને પોષક પ્રવૃત્તિમાં તેમની નિસબત રહી છે. વિવાદોથી, નિષેધોથી, નકારાત્મકતાથી તેઓ અળગા રહ્યા છે. તે પક્ષકાર બનવાનું રાખે છે, પણ સત્યના પક્ષનો અંદાજ તો મેળવી લે છે. કુમારપાળનું વડપણ તેમની પાસે કામ કરતા સૌને તેથી સ્વીકારવું ગમે છે. પ્રવૃત્તિશીલ માણસોને તે પૂરું સ્વાતંય આપે છે, તેમની પર વિશ્વાસ મૂકે છે. છતાં બધી વેળા જે તે કાર્ય સાથેનો તેમનો સંપર્ક તો રહ્યો હોય જ છે. કુમારપાળ એ રીતે ‘વિજિલન્સ આઇ’ની વ્યક્તિ છે.

આજે ગુજરાતી સાહિત્ય – ભાષા સંદર્ભે અનેક પરસ્પરને છેદતા વિવાદો-વિરોધોનો સૂર એક યા બીજા નિમિત્તે ઊઠતો-સંભળાતો ઘણાને જણાય છે ત્યારે ‘ધીર’ કુમારપાળ પેલા સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તેમ – કશે પણ ‘મોહ પામ્યા વિના’ નિજસ્થ રહી સાહિત્ય-સંસ્કાર-કલા-ધર્મની સકારાત્મક છબી ઉપસાવી રાખવા જે રીતે પુરુષાર્થ કરી રહ્યા છે તેમાં ‘મીઠી વીરડી’નાં જરૂર દર્શન થવાનાં. કુમારપાળ એટલે કુમારપાળ.

પ્રવીણ દરજી

કવિ, વિવેચક, સંપાદક, પ્રાધ્યાપક અને `પદ્મશ્રી’થી અલંકૃત

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑