એક કર્મયોગીની પ્રેરક જીવનયાત્રા

હું અને ડૉ. કુમારપાળ દેસાઈ નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતા ત્યારે અમે એક સેમિનારનું આયોજન કર્યું હતું : સેમિનારનું શીર્ષક હતું : ‘What is Life ?’ જીવન એટલે શું ? એ માટે અમે પાંચ વક્તાઓને આમંત્રિત કર્યા હતાઃ 1. પાદરી, 2. ફિલ્મી કલાકાર, 3. રાજનીતિજ્ઞ, 4. લેખક, 5. સૈનિક.

પ્રથમ પ્રશ્ન હતો પાદરીને : What is Life ? પાદરીએ કહ્યું : Life is a ‘Duty’.

એ જ પ્રશ્ન ફિલ્મી કલાકારને, એણે કહ્યું, Life is a Beauty.

ત્રીજો પ્રશ્ન હતો રાજકારણીને, એણે કહ્યું, Life is a Fame.

ચોથો પ્રશ્ન હતો લેખકને, લેખકે કહ્યું, Life is a ‘Name’.

અંતિમ પ્રશ્ન હતો સૈનિકને, એણે કહ્યું, જીવન એ ‘ડ્યૂટી’ પણ નથી, માત્ર ‘બ્યૂટી’ પણ નથી, જીવન ‘પ્રતિષ્ઠા’ પણ નથી ને ‘નામના’ પણ નથી પણ…Life is a Challenge, Nothing but Challenge.

જીવન એક પડકાર છે, પડકાર સિવાય બીજું કશું જ નથી !

ડૉ. કુમારપાળ દેસાઈનો પણ આ જ જીવનમંત્ર છે, જીવન એટલે પડકાર !

‘મોત આવે તે છતાં મરવું નથી,
જિંદગી, તારા થકી ડરવું નથી.’

ડૉ. કુમારપાળ દેસાઈની જીવન વિશેની વ્યાખ્યા છે :

‘સિદ્ધિ સે પહલે
કભી જો બીચમેં રુકતે નહીં,
જો દબકર કિસીસે સામને
ઝુકતે નહીં,
જો હિમાલય સે અટલ હૈં
સત્ય પર, હિલતે નહીં,
આગ પર ચલતે હુએ ભી
જો ચરણ જલતે નહીં,
ઉન પગોં કે રજકણોં કા
નામ કેવળ જિંદગી.’

ડૉ. કુમારપાળ દેસાઈ એટલે એક ઝિંદાદિલ ઇન્સાન, આત્મવિશ્વાસની બુલંદીને વરેલો કર્મયોગી, વિનમ્રતા અને સહિષ્ણુતા ને સર્વસ્વ ગણતો ધર્મયાત્રી, ભાગ્યને પડકારતો પુરુષાર્થવાદી, વાણી પ્રભુત્વનો બેતાજ બાદશાહ, મહોબ્બતનો ઉપાસક, માનવતાનો મહારથી, ઇન્સાનિયતનું આભૂષણ….બાકીનું વાચકમિત્રો આપ જે કાંઈ જોડશો તે સાચું જ નીવડશે, કારણ કે ડૉ. કુમારપાળના જીવનનું પાસું જ્યાંથી તપાસો ત્યાંથી ઉજ્જ્વળ લાગે.

વિદેશોએ એમને ઉમળકાભેર પોંખી તેમની ધર્મનિષ્ઠા અને કર્મનિષ્ઠાને નવાજી છે. બ્રિટન, અમેરિકા, સહિત અનેક દેશોની યાત્રા એમણે ‘પરિવ્રાજક’ની જેમ ધર્મ, કર્તવ્ય, માનવતા, જીવનનાં ઉદાત્ત મૂલ્યો અને વિશ્વબંધુત્વની ભાવના સાકાર કરવા માટે કરી છે. ડૉ. કુમારપાળ દેસાઈ પોતે જ ‘વિશ્વકોશ’ છે. તેઓ સાચા જૈન છે. પ્રાકૃતમાં કહ્યું છે :

‘ધમ્મ ઉકિષ્ઠ મંગલમ્
અહિંસા, સંજમો તપ
દેવાન્વ તં નમસતી
જસ્સ ધમ્મં સયા મનો’

દેવોને પણ બિરદાવવાનું મન થાય એવું અદકેરું વ્યક્તિત્વ છે. એક લેક્ચરરથી જિંદગી શરૂ કરી, ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસર, ડાયરેક્ટર, સાહિત્ય અકાદમી અગ્રણી અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તેમ જ ઉપપ્રમુખ, પ્રમુખ તરીકેનું સફળ કર્તવ્ય અદા કરનાર કુમારપાળનું સૂત્ર છે :

‘હું હારવા જન્મ્યો નથી !’

ડૉ. કુમારપાળને ભાઈ નથી, મારે પણ ભાઈ નથી ! અમે પરસ્પર માટે બંધુત્વની ભાવના પચાવી જીવી રહ્યા છીએ. તેઓ હૂંફાળા મિત્ર છે, રૂપાળા હૃદયના નિષ્કપટ માનવી છે. એમની સાથેની મૈત્રીના અનેક સુખદ અનુભવો ટાંકવાનો અવકાશ નથી. 1978માં મારાં માતુશ્રી મણિબાને હાર્ટઍટેક આવતાં વી. એસ. હૉસ્પિટલમાં દાખલ કર્યાં. અમારી ચિંતા કરી ડૉ. કુમારપાળભાઈ ચા-નાસ્તો મોકલાવે. ભોજનની પણ ચિંતા રાખે. મારી સાળી માલતીના લગ્ન માટે મેં ઉછીના રૂપિયા 2500/- ડૉ. કુમારાપાળ દેસાઈ પાસે માગેલા. પ્રસંગ પત્યા પછી એક મહિને હું રૂ. 2500/- પચ્ચીસો તેમને પરત આપવા ગયો ત્યારે તેમના શબ્દો હતા : તમારું મૂલ્ય પચ્ચીસોનું નહીં મારે માટે પચીસ લાખનું છે. મારા મૈત્રીધર્મને કૃપા કરી પૈસાથી મૂલવશો ? આ પૈસા હું ક્યારેય પાછા લેવાનો નથી ! મારી આંખો ભીની થઈ ગઈ – કવિ રામધારીસિંહ ‘દિનકર’ના શબ્દોનું સ્મરણ થયું :

‘મૈત્રી કી બડી સુખદ છાયા
શીતલ હો જાતી હૈ કાયા,
ધિક્કારપાત્ર હોગા વહ નર જો
પાકર ઐસા તરુવર,
જો દૂર ખડા કટવાતા હૈ,
પર આપ નહીં કટ જાતા હૈ.’

ડૉ. કુમારપાળે જાતને નહીં પણ જગતને કેન્દ્રમાં રાખ્યું છે એટલે તો એમની પરોપકારી ભાવનાએ ગુપ્ત રીતે અલ્પસાધન લેખકોને મદદ કરી છે.

એક મૂલ્યનિષ્ઠ પત્રકાર તરીકે પુરુષાર્થથી જીવનની ઇમારત બાંધી છે. મુનીન્દ્ર તરીકે ‘મૌન’ રહી મૂલ્યનિષ્ઠાના ‘આકાશની ઓળખ’ આપી છે. નવી પેઢીના પત્રકારો ઘડવામાં એમનું મૂલ્યવાન પ્રદાન છે. તેઓ રમતગમતનું ‘ગુજરાત સમાચાર’નું કૉલમ લખતા, પણ જીવનમાં ‘ખેલાડીપણું’ કદીયે ફરકવા દીધું નથી. એમણે સન્માનો ઝંખ્યાં નથી, પણ સન્માનો એમને શોધતાં આવ્યાં છે.

તમે કહેશો : અમે હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ આપ્યો : વેરી ગુડ.

કૅલિફૉર્નિયાના જૈન સેન્ટરે તેમને ‘ગૌરવ ઍવૉર્ડ’થી સન્માનિત કર્યા. ઓ.કે. જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ, ગુજરાત રત્ન ઍવૉર્ડ, ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જક તરીકેનો ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ ઍવૉર્ડ એનાયત કર્યો : સરસ. જૈન સાહિત્યના લેખન, સંશોધન અને દર્શન નિમિત્તે ટોરેન્ટોમાં કૅનેડા ખાતે પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ, ‘અનાહતા’ નામની બૃહદકાય નવલકથા માટે નર્મદ ઍવૉર્ડ. વાહ વાહ વાહ કલમની સ્યાહી ખૂટે પણ ઇનામો-પુરસ્કારોની યાદી પૂરી ન થાય એટલું કામ ડૉ. કુમારપાળ દેસાઈએ તન-મન અને હૃદય ઠાલવીને કર્યું છે. વધુ જાણવું હોય તો ‘કુમારપાળ દેસાઈ પરિચય’ પુસ્તિકા વાંચી જજો.

સ્વ. ડૉ. ધીરુભાઈ ઠાકરના ઉત્તરાધિકારી ડૉ. કુમારપાળ દેસાઈએ ગુજરાત વિશ્વકોશનાં દ્વાર ખુલ્લાં મૂકી સાહિત્ય, વિજ્ઞાન, ધર્મ, ચિકિત્સા, અધ્યાત્મ, શિક્ષણ વગેરે વિશેનાં પ્રવચનોની હારમાળા દ્વારા તેમણે વિશ્વકોશને ‘જન દરબાર’ બનાવી ‘સાહિત્ય સંગમ’ની તીર્થભૂમિ બનાવી છે ! એમને શાબાશી આપવાનું બોલો, તમે ટાળી શકશો ? ગુજરાતે તો તેમને પોંખ્યા છે પણ ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ‘પદ્મશ્રી’ એનાયત કરી તેમની ઉમળકાભેર પીઠ થાબડી છે.

બાળસાહિત્ય હોય કે પ્રૌઢશિક્ષણ, જીવનચરિત્ર હોય કે ચિંતનસભર નિબંધો ડૉ. કુમારપાળ દેસાઈની કલમને ક્યારેય બંધાઈ રહેવું ગમતું નથી. કારણ કે, એ ‘વિકાસ પુરુષ’ છે.

આપણને ‘ઘડપણ’ શબ્દ ગમતો નથી તેમ કુમારપાળને પણ ‘ઘડપણ’ શબ્દ ગમતો નથી. ‘ઘરેડ’માં પડ્યો રહે તે ‘ઘરડો’ અને નિરંતર ‘વર્ધનશીલ’ રહે તે ‘વૃદ્ધ’. પ્રવૃત્તિ એ જ જેને મન નિવૃત્તિ હોય તેને ‘લાચાર નિવૃત્ત’ કોણ કહે ?

એડવિન માર્કહેમના શબ્દો ડૉ. કુમારપાળ દેસાઈનો આદર્શ છે :

જીતવું તમને ગમે, છતાંય
હારશો એવું લાગે તો
સાચે જ તમારો પરાજય
નિશ્ચિત છે.
ખોટ ખાધાનું વિચારશો,
તો ખોવાયું જ સમજજો,
કારણ કે જગતભરમાં તમે
જોશો કે
સફળતા એને જ વરે છે
જે એને ઝંખે છે.
સફળતા છુપાયેલી છે
માણસના ચિત્તમાં.’

ડૉ. કુમારપાળ દેસાઈ આત્મબળ, આત્મશ્રદ્ધા અને દૃઢ સંકલ્પના માનવી છે. એમણે એમના જીવનકોશમાંથી અશક્ય શબ્દ રદ કર્યો છે. મારું જીવન અંજલિ થાજોની ભાવના ડૉ. કુમારપાળ દેસાઈની આગવી ઓળખ છે. શૂન્ય પાલનપુરીના શબ્દોમાં

‘પરિચય છે મંદિરમાં દેવોને મારો
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી
પ્રતાપે તમારા બધા ઓળખે છે.

કોઈકે એક 95 વર્ષની સ્ત્રીને પૂછ્યું :

‘યૌવન કોને કહેવાય ?’ એણે તરત જ જવાબ આપ્યો, ‘હું તો હજી 95 વર્ષની જ છું. સો વર્ષ બાદ મને પૂછશો ત્યારે પણ જવાન જ હોઈશ. જેને વયનું બંધન નડતું નથી એવું સદાબહાર વ્યક્તિત્વ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. બહુઆયામી વ્યક્તિત્વનો ધની અને કર્મવીર જીવનયાત્રી. અમેરિકાના પ્રમુખે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રૉબર્ટ ફ્રોસ્ટની કવિતાઓનું સંકલન ભેટ આપ્યું હતું. મને પણ રૉબર્ટ ફ્રોસ્ટની કવિતાની એ પંક્તિઓ ડૉ. કુમારપાળ દેસાઈને અર્પિત કરવાનું સુયોગ્ય લાગે છે :

Woods are Lovely Dark and deep
but I have the promises to keep
Miles to go before I sleep
And Miles to go before I Sleep.

ડૉ. ચંદ્રકાન્ત મહેતા

પૂર્વ કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી, ‘પદ્મશ્રી’થી અંલકૃત, સાહિત્યકાર તથા કૉલમલેખક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑