દોસ્તીની ઈંટ અને ઇમારત

‘માનવીએ જીવનમાં વાંચવા યોગ્ય કાંઈક લખવું જોઈએ અથવા લખવા યોગ્ય જીવન જીવવું જોઈએ.’

કુમારપાળ દેસાઈના જીવનમાં આ બંને બાબતો સાર્થક થયેલી જણાય છે. કુમારપાળભાઈ સાથે સંબંધ વર્ષો જૂનો છે.
થાનગઢની સાંસ્કૃતિક પહેચાનરૂપ બે પ્રવૃત્તિઓ ગણી શકાય. પરશુરામ પોટરીને લીધે થાનગઢમાં મહારાષ્ટ્રિયનોની નવી વસ્તી ખરી. એમની સંસ્કારિતા, સાહિત્યપ્રેમ અને લલિતકલાઓ પ્રત્યેની અભિરુચિના ફળ સ્વરૂપ ગણેશોત્સવની સંસ્કારસરિતા અવિરતપણે વહેતી રહી.

થાનગઢમાં ગણેશોત્સવ 62 વર્ષ સુધી ચાલ્યો અને તેમાંથી પ્રેરણા લઈ શરૂ થયેલો નવરાત્રિ મહોત્સવ 55 વર્ષ સુધી ચાલ્યો. ડૉ. રાણાસાહેબ, મહંતસાહેબ, લાલજીભાઈ જેવા મહાનુભાવો તેના પ્રણેતા રહ્યા હતા.

વાસુકી સંસ્કાર મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં તેના આયોજનમાં, સંકલનમાં અને કાર્યક્રમોના સંચાલનમાં સેવા આપવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું.

અમારા ગામનો નવરાત્રિ મહોત્સવ અનોખા ઢંગથી ઊજવાતો. તેમાં રાત્રે 9થી 10 રામચરિત માનસ – રામકથાનું રસપાન થતું અને 10 વાગ્યા પછી કલાકારોના કાર્યક્રમો, વિદ્વાનોનાં પ્રવચનો, ભજનિકોનાં ભજનો અને સંતોની સંતવાણીનો સમાવેશ થતો.

વયોવૃદ્ધ કથાકાર શ્રી ભગવાનજી શર્માજીએ રામકથાનું રસપાન થાનગઢની જનતાને 25 વર્ષ સુધી કરાવ્યું ત્યારે તેમની સાથે તબલા પર સંગત કરતા હતા સમરદાસજી ખારાવાળા અને પગપેટી પર સાથ આપતા મણિરામજી શર્માજી, પછી 1981થી તેમનું સ્થાન તેમના પૌત્ર શ્રી જનકભાઈ શર્માએ સંભાળ્યું – આ પ્રવૃત્તિ 2004માં પૂરી થઈ ત્યાં સુધી.

આ નવરાત્રિ મહોત્સવમાં એક વર્ષ અમે ‘સર્વધર્મ સમન્વય’ રૂપે એક કાર્યક્રમનું આયોજન કર્યું અને એમાં જૈન ધર્મ પર પ્રવચન આપવા માટે કુમારપાળ દેસાઈની પસંદગી થઈ.

મેં તેમને પત્ર લખ્યો. તેમણે આમંત્રણનો સ્વીકાર કર્યો. કુમારપાળભાઈ થાન આવ્યા. રાણાસાહેબના મહેમાન બન્યા, ત્યારે નવરાત્રિ મહોત્સવમાં જે મહેમાનો આવતા તેમની ભોજન અને ઉતારાની વ્યવસ્થા ડૉ. રાણાસાહેબને ત્યાં થતી. તેમને ત્યાં રાત્રે જમી અમે સમયસર વાસુકી મંદિરના સ્ટેજ પર પહોંચ્યા. 9થી 10 શ્રોતાઓએ રામકથાનું રસપાન કર્યું. ત્યાર પછી મેં માઇક સંભાળ્યું અને સંક્ષિપ્તમાં તેમના પરિચયમાં તેમની શૈક્ષણિક લાયકાત, શિક્ષણક્ષેત્રે સેવા, જૈન ધર્મનું ઊંડું અધ્યયન વગેરે વિગતોને આવરી લીધી અને તેમને તેમના પ્રવચન માટે વિનંતી કરી.

કુમારપાળભાઈએ માઇક સંભાળ્યું. તેમના જૈન ધર્મના ઉમદા પ્રવચનમાં ભગવાન ઋષભદેવજીથી ભગવાન મહાવીરસ્વામી સુધીના તીર્થંકરોની વાતો વણી લીધી. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યની સમીક્ષા કરી. અનેકાંતવાદનો ઉલ્લેખ કર્યો અને વિશ્વ સંસ્કૃતિમાં જૈન ધર્મનું પ્રદાન – આવાં તમામ પાસાંઓને આવરી લઈ તેમણે જે વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપ્યું તે સાંભળી શ્રોતાવર્ગ ખુશ થયો અને ખાસ કરીને થાનગઢનો જૈન સમાજ અત્યંત પ્રભાવિત થયો.

લગભગ ત્રીસેક વર્ષ પહેલાંની આ વાત છે. હું ત્યારે મ્યુનિસિપલ હાઈસ્કૂલ, થાનગઢમાં પ્રિન્સિપાલ હતો. મેં કુમારપાળભાઈને હાઈસ્કૂલમાં ક્રિકેટ પર એક પ્રવચન આપવા વિનંતી કરી. તેમણે મારું આમંત્રણ સ્વીકાર્યું. અમારા ગામના ક્રિકેટરસિકો એકત્રિત થયા અને તેમની સમક્ષ કુમારપાળભાઈએ ઇંગ્લૅન્ડમાં ક્રિકેટની રમતની શરૂઆત થઈ, કઈ રીતે લોકપ્રિય બની જ્યાં જ્યાં બ્રિટિશ સામ્રાજ્ય પ્રસર્યું ત્યાં ત્યાં કઈ રીતે વિકાસ પામી. વિશ્વપ્રસિદ્ધ ક્રિકેટરો, તેમના પ્રસંગો ટેસ્ટમૅચમાં પ્રથમ બૉલમાં આઉટ થનાર, 99 રને આઉટ થનાર, પ્રથમ જ ટેસ્ટમાં સદી નોંધાવનાર, ટેસ્ટમૅચમાં બેવડી સદી કરનાર, છેલ્લો બૉલ, છેલ્લી મિનિટ અને છેલ્લો રન, બંને ટીમનો સરખો સ્કોર – આવી ઘણી વાતો તેમણે કરી, એટલું જ નહિ; ક્રિકેટરસિકોએ જે પ્રશ્નો પૂછ્યા તેના પણ જવાબો આપ્યા, ત્યાર પછી તો અમારા સંબંધો ગાઢ થતા ગયા, અવારનવાર સમારંભોમાં અમે મળતા રહ્યા.
મુંબઈના કલાકાર ટ્રસ્ટ તરફથી ‘હાસ્યસમ્રાટ’ ઍવૉર્ડથી મારું સન્માન ભારતીય વિદ્યાભવનમાં થયું ત્યારે તેમણે, પુરુષોત્તમ ઉપાધ્યાયે, મનહર ઉધાસે, મનુભાઈ ગઢવીએ તેમજ સી. જે. શાહસાહેબે ખાસ હાજરી આપી હતી. કુમારપાળભાઈએ તેમાં મનનીય પ્રવચન આપ્યું હતું. તેમના પુત્રના લગ્નમાં મેં કાર્યક્રમ આપ્યો હતો. મુંબઈના ભાઈદાસ હૉલમાં મારા પુસ્તક ‘હાસ્યનો વરઘોડો’ના વિમોચન સમારંભમાં તેઓ અતિથિવિશેષ હતા. તેમના પિતાશ્રી જયભિખ્ખુની સ્મૃતિમાં યોજાયેલ વ્યાખ્યાનમાળામાં હું મારો કાર્યક્રમ આપી ચૂક્યો છું. તેમના પિતાશ્રી ગણેશોત્સવ, થાનગઢમાં કવિશ્રી કાગ બાપુની સંતવાણીમાં અન્ય મહેમાનો સાથે તેઓશ્રી પણ પધાર્યા હતા ત્યારે મેં તેમનું પ્રવચન સાંભળેલું અને તેમનાં બે પુસ્તકો પણ વાંચેલાં, ત્યાર પછી તો જેટલાં મળ્યાં તેટલાં વાંચ્યાં.

જયભિખ્ખુ સ્વમાનશીલ, સ્પષ્ટવક્તા અને પ્રખર સાહિત્યકાર હતા. સ્વભાવે ઉદાર હોવાથી મહેમાનો અવારનવાર આવ્યા કરતા. તા. 24-12-1969માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમણે લખેલાં 300 પુસ્તકોના જુદા જુદા પાનામાંથી નોટો મળી આવી. મૂડી રૂપે જેનો સરવાળો થયો હતો રૂપિયા 350/-.

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું ત્યારે તેમની સંપત્તિમાં એક પતરાનો ટ્રંક હતો અને તેમાં રૂપિયા 261/-ની મૂડી હતી.

પિતાના અવસાન વખતે કુમારપાળભાઈની વય હતી 27 વર્ષ. જયભિખ્ખુએ ‘ગુજરાત સમાચાર’માં 1952થી ‘ઈંટ અને ઇમારત’ કૉલમ લખવાની શરૂઆત કરી. આ કૉલમ ખૂબ લોકપ્રિય બની. તેમના અવસાન પછી ‘ગુજરાત સમાચાર’ના તંત્રીશ્રી શાંતિલાલ શાહે કુમારપાળભાઈને આ કૉલમ ચાલુ રાખવાનો અતિ આગ્રહ કર્યો અને અતિ સંકોચ સાથે શ્રી કુમારપાળે લખવાનું સ્વીકાર્યું અને આજ સુધી એ લખતા આવ્યા છે. પિતા-પુત્ર દ્વારા છેલ્લાં 67 વર્ષથી વધુ સમય એક કૉલમ લખાઈ હોય એવું આ ઉદાહરણ પત્રકારત્વના ક્ષેત્રમાં બીજે ક્યાંય જોવા નહિ મળે.

એક વાર મને કુમારપાળભાઈનો ફોન આવ્યો કે તમારે તા. 19-1-2007ના રોજ કૉલકાતા અમારી સાથે આવવાનું છે. અમદાવાદથી ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટમાં રવાના થવાનું છે. તા. 20, 21, 22 ત્યાં યોજાનાર સમારંભોમાં કાર્યક્રમો આપવાના છે અને તા. 23ના રોજ બપોરની ફ્લાઇટમાં અમદાવાદ આવી જવાનું છે.

હું તા. 19-1-2007ના રોજ થાનગઢથી ઇન્ટરસિટીમાં રવાના થઈ સમયસર અમદાવાદ ઍરપૉર્ટ પર પહોંચ્યો. ધીરુભાઈ ઠાકરસાહેબને અને કુમારપાળભાઈને મળ્યો. અન્ય સાહિત્યકારશ્રીઓ – ધનવંત શાહ, નવનીત મહેતા, સી. કે. મહેતા, ચંદ્રકાન્ત શેઠ, શિલીન શુક્લ, નીતિન શુક્લ, પ્રીતિ શાહ, મનુભાઈ શાહ અને હર્ષદ દોશી આ સૌને મળી મને અત્યંત આનંદ થયો.

તા. 22-1-2007 કૉલકાતામાં સાયન્સસિટીમાં ગુજરાતી સમાજ તરફથી જાહેર કાર્યક્રમ યોજવામાં આવેલ હોવાથી મારા આમંત્રણને માન આપી હાસ્ય કલાકાર જિતુભાઈ દ્વારકાવાળા પણ સમયસર ઍરપૉર્ટ પર આવી ગયા.

અમે ઍર ઇન્ડિયાની બપોરના ત્રણ વાગ્યાની ફ્લાઇટમાં કૉલકાતા જવા રવાના થયા, ત્યાં ડમડમ હવાઈમથક પર ગુજરાતી સમાજ તરફથી અમારું શાનદાર સ્વાગત થયું. અમે ઉતારે પહોંચ્યા, દરેક પોતાના રૂમમાં ગોઠવાઈ ગયા ત્યાં ભોજનનો સમય થયો. સૌ પ્રેમથી સાથે જમ્યા અને ઉતારે આવી વિશ્રામ કર્યો. તા. 21, 22, 23 જાન્યુઆરી, 2007ના ત્રણ દિવસમાં પાંચ અનોખા સત્કાર સમારંભો યોજાયા. મને વિદ્વાનોનાં પ્રવચનો સાંભળવાનો અનેરો અવસર મળ્યો, મેં પણ હળવી શૈલીમાં મારા કાર્યક્રમો રજૂ કર્યા. તા. 22ના રોજ સાયન્સસિટીમાં મેં અને જિતુભાઈ દ્વારકાવાળાએ કાર્યક્રમ રજૂ કર્યો અને લોકો મન મૂકીને ખૂબ હસ્યા.

તા. 23-1-2007ના રોજ અમે સૌની ભાવભરી વિદાય લીધી. ઍરપૉર્ટ પર લાગણીસભર દૃશ્યો સર્જાંયાં. ઇન્ડિયન ઍરલાઇન્સની બપોરની ફ્લાઇટમાં અમે અમદાવાદ જવા રવાના થયા.

હું અમદાવાદથી થાન જવા રવાના થયો. વિશ્વકોશ ખંડ 22ના વિમોચનમાં હું થોડો પણ સહભાગી બની શક્યો એનો મને આનંદ છે.

મને કુમારપાળભાઈનું આમંત્રણ મળ્યું ત્યારે માત્ર જિજ્ઞાસા ખાતર મેં વિશ્વકોશ વિશે આવી એક નોંધ કરેલી.
સિદ્ધરાજ જયસિંહના માળવાના વિજય પછી ત્યાંના ગ્રંથાલયમાંથી મેળવેલ અનેક અણમોલ ગ્રંથોમાં એક ગ્રંથ હતો ‘સરસ્વતી કંઠાભરણ’.

‘આવા ગ્રંથનું નિર્માણ પાટણમાં ન થઈ શકે ?’ આવું નિવેદન સિદ્ધરાજ જયસિંહે કવિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યને કર્યું અને તરત જ આ શુભકાર્યનો પ્રારંભ થયો. એક જ વર્ષમાં ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ ગ્રંથનું નિર્માણકાર્ય પૂર્ણ થયું.

આ ગ્રંથની અતિભવ્ય શોભાયાત્રા નીકળી. પાટણના શ્રેષ્ઠીઓ, નગરજનો, શ્રીમંતો, મહારાજશ્રીઓ, સિદ્ધરાજ જયસિંહ અને આચાર્ય હેમચંદ્રાચાર્ય પગપાળા ચાલતા હતા ત્યારે અણમોલ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ ગજરાજ પર બિરાજમાન હતો.
લગભગ એક હજાર વર્ષ પછી આજ રીતે તા. 5 જાન્યુઆરી, 2019ના રોજ અમદાવાદના નગરજનો, સાહિત્યકારો, સર્જકો, સાક્ષરો, આચાર્યો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ સૌ પગપાળા ચાલતા હતા જ્યારે ગુજરાતના અણમોલ સાંસ્કૃતિક વારસા સમા વિશ્વકોશના છવ્વીસ ખંડો શણગારેલા હાથી પર બિરાજમાન હતા.

બરાબર 9 વાગ્યે વિશ્વકોશભવનના પ્રાંગણમાંથી આ ગ્રંથગૌરવ યાત્રા શરૂ થઈ અને પૂરી થઈ સાબરમતી આશ્રમમાં.
શ્રી કુમારપાળભાઈ દેસાઈની અનેકવિધ પ્રવૃત્તિઓ, તેમનું સાહિત્યસર્જન, તેમના વિદેશ પ્રવાસો, તેમની વિશ્વની પ્રસિદ્ધ પ્રતિભાઓ સાથેની મુલાકાતો અને ‘પદ્મશ્રી’ સુધીના તેમને મળેલા અનેક ઍવૉર્ડો. આ બધું જાણીને મને એમ થાય છે કે એક માનવી એક જ જિંદગીમાં કેટલું પ્રદાન કરી શકે છે !

કુમારપાળભાઈ પ્રથમ પોતે જિંદગી જીવવા માટે ઊભા થયા છે અને પછી લખવા માટે બેઠા છે.

‘How vain it is to sit down to write ? When you have not stood up to live.’
Henry Devid Thoreau

શાહબુદ્દીન રાઠોડ

પ્રસિદ્ધ હાસ્યકાર, નિબંધકાર અને ચિંતક, `પદ્મશ્રી’થી અલંકૃત

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑