સમુદ્રના પાણીનો પરિચય કરાવવો હોય તો પહેલી નજરે લાગે કે તેમાં શું, પરિચય કરાવી જ શકાય ને ! પછી પણ દુનિયાના જુદા જુદા મહાસાગરો, જુદા જુદા કિનારા, જુદા જુદા વાતાવરણમાં રહેતા સમુદ્રના પાણીને સમજવાં અઘરાં પડે. કુમારપાળભાઈનું પણ એવું જ છે. વ્યક્તિનો પરિચય આપવો સહેલો નથી. કુમારપાળભાઈ જેમને મળે તેમને હંમેશાં તે તેમના જ લાગે.
તેમનું સાંનિધ્ય હંમેશાં પ્રેરણારૂપ રહ્યું છે. જેટલી વાર મળો તેમની પાસેથી ઊર્જા મેળવીને મુલાકાત પૂરી થાય. એક વખત અમે વાતો કરતા હતા તો મને પૂછ્યું, ‘તમને રાત્રે ઊંઘો તો સપનાં આવે ?’ મેં કહ્યું, ‘હા, બધાને જ આવતાં હોય.’ તો કહે, ‘મને નથી આવતાં.’ ત્યારે તો તે વાત પૂરી થઈ પણ હું હંમેશાં તેમની આ વાત યાદ કર્યા કરું. કુમારપાળભાઈને સપનાં નથી આવતાં આવું કેમ હશે ? મને લાગે છે કે સાધુપુરુષ હોય તેમની એક એવી અવસ્થા હોય જ્યારે તેમની દૈનિક ક્રિયાઓ ચાલ્યા કરતી હોય બહુ ચિવટથી બધી જ ક્રિયા થતી હોય. પણ તેમનો આત્મા આ બધાથી નિસ્પૃહ હોય તો જ આવું થતું હશે. તેઓ સંસારી સાધુપુરુષ છે. સાધુપુરુષમાં પણ મઠાધિપતિ નથી, નખશિખ સાધુ.
તેમની પાસે કેટલા લોકો આશા સાથે તેમના પ્રશ્નો લઈને આવતા હશે ! હંમેશાં હસતા હસતા ક્યારે તે પ્રશ્નનું નિરાકરણ મળી જાય તેની ખબર મુલાકાત પૂરી થાય ત્યારે ખબર પડે કે કેટલી સાહજિકતાથી મુશ્કેલી સમજ્યા અને રાહ બતાવી દીધો. કુમારપાળભાઈનું સરળ વ્યક્તિત્વ તેમની મૂડી છે. આ મૂડી તેમણે બધાને વહેંચવા (વેચવા નહીં) પ્રયત્ન કર્યો છે.
તેમની વહીવટી વિશેષતા અનેક છે. પણ મને જે સ્પર્શી ગઈ છે તે એ કે, બેઠકો(મિટિંગ)માં ચર્ચા ચાલતી હોય. બેઠકોમાં વિષયાંતર તો થતું જ હોય, પણ તેને ફરી વિષય પર લાવવાનું તો કુમારપાળભાઈ પાસેથી જ શીખવું પડે. તેમણે બેઠકના વિષયમાં નિર્ણય લેવા માટેના નિર્ધારિત સમયમાં તે પૂરું કરી જ શકે તે તેમની વહીવટી કુશળતા.
વિશ્વકોશમાં કોઈ પણ કાર્યક્રમમાં ગયા હોઈએ ત્યારે સમયસર શરૂ થાય જ. આપણામાંના ઘણાને અનુભવ હશે. કાર્યક્રમ પૂરો થાય અને ચા-નાસ્તો પૂરો થાય તે પહેલાં તો કાર્યક્રમની ઓડિયો સીડી તૈયાર થઈને તમને મળી જ ગઈ હોય. આ વહીવટ એટલે કેટલી કાળજીપૂર્વકનું આયોજન હોય તે સમજી શકાય છે.
કુમારપાળભાઈને અનેક પારિતોષિકોથી નવાજવામાં આવ્યા છે. જો સમાજ ન નવાજે તો સમાજ નગુણો કહેવાય. અનેક પારિતોષિકો મળ્યા પછી પણ આપણા કુમારપાળભાઈ તો આપણા જ રહ્યાનો હરખ વ્યક્ત કરું છું. આવી વ્યક્તિને વંદન.
રાજેન્દ્ર ખીમાણી
ગ્રામોત્થાન કરતી સંસ્થાઓમાં અગ્રણી, પૂર્વ વાઇસ ચાન્સેલર- ગૂજરાત વિદ્યાપીઠ