प्रकाशमेष्यति कदा प्रतिमा पारमेश्वरी ।।
શ્રીમદ-હેમચન્દ્રાચાર્યવિરચિત-ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતાન્તર્ગત-મહાવીરચરિતસ્થં કુમારપાલચરિતવર્ણનમ્ દ્વાદશસર્ગના શ્લોકમાંથી લીધેલી આ અડધી લીટી મેં ફક્ત પર્સેપ્શન કે કૉગ્નિશન(ગ્રહણશક્તિ)ના અર્થમાં લીધી છે. લૂમિનસ(પ્રકાશ આલોક)થી આપણી વ્યક્તિ વિશેની સમજ વધે છે. કુમારપાળભાઈનું વ્યક્તિત્વ અગાધ છે, સરળ છતાં ગહન, ઋજુ છતાં ઋષિ જેવું, રમૂજી છતાં ગંભીર, એ બધામાં ઐક્ય છે, ઐક્યઅલંકાર ઑક્સિમોરોનિક ન થઈ શકે. અહીં પ્રસ્તુત કરાયેલાં પાંચ સ્થળ-સમયાકાશના પ્રકાશોમાં હું વિદ્વાન કુમારપાળ દેસાઈની બહુશ્રુત અગાધતામાં ડોકિયું કરીને મારા તેમની સાથેના કેટલાક આત્મીય સંબંધો તેમજ તેઓશ્રીના વ્યક્તિત્વ વિશેના નિજી અનુભવોને મારા ગજા પ્રમાણે ઉજાગર કરવાનો યત્ન કરીશ.
પ્રથમ પ્રકાશ
મુ. પોસ્ટ : છસરા, તા. મુન્દ્રા, જિ. કછ, 1950-60નો દાયકો.
છ પાળિયા(સરા)ના મારા ગામનું કેન્દ્ર : મહાત્મા ગાંધી ચોક. ચોકમાં એક માળનું અગાસીવાળું ભવ્ય મકાન, મકાનની ટોચ પર એક મોટું ઘડિયાળ. છસરા સુધારક સંઘના આ આગવા વાચનાલય અને પુસ્તકાલયમાં એક મર્ફી રેડિયો વસે ને વસે ત્રણેક હજાર ગ્રંથો ને પુસ્તકો, લાકડાના મોટા ગોળ ટેબલ પર પથરાયેલાં ચોપાનિયાં અને દૈનિકોને જોતાં. મારા ગામની વસ્તી માંડ એક હજારની પણ પુસ્તકાલયમાં વસતાં નાનાંમોટાં, જાડાંપાતળાં અંગ્રેજી-હિન્દી-ગુજરાતી ગ્રંથોની વસ્તી તેનાથી ત્રણગણી. આવા હૃષ્ટપુષ્ટ 1:3ના ગુણોત્તર (રેશિયો) માટે હું મારા પોતાના અને ગામના દીર્ઘદૃષ્ટિ ધરાવતા વડીલોનો સદા ઋણી રહીશ, કારણ કે –
કારણ કે, મારા બાળપણના એ કાળના ગુણોત્તરમાં એક બાળવાર્તાકાર વસે જેની દીવા-વાર્તાઓ મારી બાલ્યાવસ્થાની બખોલમાં અને હજી વીજળી આવી નહીં હોય એવા છસરા ગામમાં પ્રકાશ પાથરતી થઈ ગયેલી. દિલના દીવા, દેવના દીવા, દેરીના દીવા ને દીવે દીવા જેવી વાર્તાઓએ તો મારા પારમેશ્વરીની પ્રતિમાને ઝગમગતી કરી દીધી હતી. મારા આઠનવ વર્ષીય પર્સેપ્શનની ત્રિજ્યાને વિસ્તારિત કરતી. અનેક દીવાઓના તેજસ્વી પ્રકાશ પાથરનારા વાર્તાકારનું નામ હતું – જયભિખ્ખુ. એમણે જ મારા બાળમનના ખેતરમાં તેર હાથનું બી વાવ્યું હતું જેમાંથી નીપજ્યું હતું બાર હાથનું ચીભડું! આજથી પાંસઠ વર્ષ પહેલાં કોને ખબર હતી કે હું મારા વહાલા વાર્તાકાર જયભિખ્ખુના સુપુત્ર કુમારપાળને મારી બાલ્યાવસ્થાના ભદ્રેશ્વરના વસહી જૈન તીર્થધામથી બહુ છેટે નહીં એવા માનવ-પુસ્તકના 1:3 રેશિયોવાળા છસરા ગામમાં પરોક્ષ રીતે મૂળી ચૂક્યો હતો!
દ્વિતીય પ્રકાશ
સ્મૃતિનું ઝાંખું થવું અને દૃષ્ટિનું પાંખું થવું : પર્યુષણપર્વ વ્યાખ્યાનમાળા, મુંબઈ, આશરે બે દાયકા અગાઉ :
કદાચ સ્મૃતિ અને દૃષ્ટિ(આંખે જોવાની શક્તિ)નો સીધેસીધો સંબંધ હોવો જોઈએ. એટલે જ કુમારપાળભાઈ સાથેની મારી પ્રથમ મુલાકાતની મારી સ્મૃતિ થોડી ધૂંધળી છે પણ જે ધૂંધળો નથી તે એમનો ઋજુ કંઠ, ધ્વનિ. સ્મૃતિ અને કર્ણના સંબંધનાં સમીકરણો કદાચ વેગળાં છે. હું જ્યારે જૈન દર્શનના અનેકાંતના વિચારની અનોખી વ્યાપકતાને ફિલ્મ થિયરી સાથે જોડવા માટે મથી રહ્યો હતો ત્યારે કુમારપાળભાઈને સાંભળ્યા હતા અને થયો, તો સ્ફોટ ધ્વનિપ્રકાશનો! દીવે દીવા! એ વખતે મેં કુમારપાળભાઈને મારા ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયાના એડિટ પેજ પર છપાતી કૉલમ ‘ધ સ્પીકિન્ગ ટ્રી’માં પ્રગટ થયેલા મારા ચાળીસેક લેખોનું સ્પાઇરલ બાઇન્ડ કરેલું A4 કદનું પાતળું વૉલ્યુમ તેમને વાંચવા તેમજ અભિપ્રાય જાણવા માટે આપ્યું હતું, કારણ કે તેમાં સ્યાદ્ વાદ (અનેકાંત) સહિત જૈન દર્શનને સ્પર્શતા કેટલાક લેખો હતા.
તૃતીય પ્રકાશ
મુંબઈ : રૉયલ ઓપેરા હાઉસ થિયેટર, એક સાંજ
આ વાતને પણ આઠેક વર્ષ તો થઈ ગયાં હશે. 2015 બી.સી.નો સમય હશે. (બી.સી. એટલે બીફોર કોરોના – અ.) ઈ. સ. 1912ના વર્ષમાં ખુલ્લા મુકાયેલા મુંબઈના રૉયલ ઓપેરા હાઉસનો ઇતિહાસ જ્વલંત છે જે તેના જીર્ણોદ્ધારમાં ડોકિયાં કરે છે. અહીં જ 15 જૂન, 1934ના દિવસે ગાંધીજીએ એક મહિલાસભાને સંબોધી હતી. 16 જૂન, 1934નો દિવસ કદાચ થોડો વધારે અગત્યનો હતો. એ દિવસે રૉયલ ઑપેરા હાઉસમાં ભરાયેલી મહિલાઓની હાઉસફુલ સભામાં ગાંધીજીએ હરિજન ફાળા માટે 35,000 રૂપિયાનું માતબર ભંડોળ એકઠું કર્યું હતું.
નૂતન ભવ્યતા ને સક્રિયતાને પામેલા ઑપેરા હાઉસમાં હું કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા પ્રવેશી રહ્યો હતો ત્યારે મારા મોબાઇલ ફોનની ઘંટડી રણકવા માંડે છે. સામેથી આવતો અવાજ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનો હતો. મારા સ્પીકિન્ગ ટ્રી-ના લેખો એમને ખૂબ ગમ્યા હતા એ કહેવા માટે ફોન કર્યો હતો. એમના મૃદુ સ્વરે મને અત્યંત પ્રોત્સાહિત કર્યો હતો પ્રફુલ્લિત પણ. રૉયલ ઓપેરા હાઉસની સામે જ કછ કાશલનું ઐતિહાસિક મકાન અને ઢૂંકડે રૉક્સી સિનેમા જ્યાં બૉમ્બે ટૉકીઝ નિર્મિત ફિલ્મો પ્રીમિયર થતી અને તેમાં 1936ની ‘અછૂત કન્યા’ પણ હતી. કુમારપાળભાઈના ફોને ઇતિહાસનાં દ્વાર ખોલી દીધાં હતાં. કુમારપાળભાઈમાં કોઈ પણ સામાન્ય લાગતી વાતને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકવાની જબરી કુનેહ. તેનો પરચો મને અવારનવાર થતો રહ્યો છે.
વળી, એમની સમય પાળવાની અને સામેવાળા માણસનું માન રાખવાની શિસ્ત પણ આગવી.. ફોન કરીએ અને ત્યારે જો તેઓ ન ઉપાડે તો પાછો તેમનો ફોન અચૂક આવે, મૅસેજનો ઉત્તર તરત ન આપી શક્યા હોય તો તમારે એમ માનીને નિશ્ચિંત રહેવાનું કે એમનો વળતો જવાબ આવશે જ. તેમાં કોઈ વયભેદ નડે નહીં કે નહીં આડે આવે કોઈ અહમ્. એંસી વર્ષની ઉંમરે પણ ખૂબ સતર્ક ને સંયમી. દૃષ્ટાંત આપીને શીખવે, ઉપદેશ આપીને નહીં. એમને ગુસ્સે થતાં મેં કદી નથી જોયા.
ચતુર્થ પ્રકાશ
બુધવાર, 3 ઑક્ટોબર 2018, ગુજરાત વિશ્વકોશ સભાગૃહ, અમદાવાદ
ટાગોર, સિનેમા ને આકાશ પર કાન માંડવાની વાત
ખાસ કરીને સત્યજિત રાય અને ઋત્વિક ઘટકની ફિલ્મકૃતિઓમાં આવતા ટાગોરના સાંગીતિક અને અન્ય સંદર્ભોને લઈને ખાસ બનાવેલી ઓડિયો-વિઝુઅવ-ટેક્સ્ચ્યૂઅલ અને સિનેમેટોગ્રાફી સંબંધી મારા પોતાના વિચારોને રજૂ કરતી પ્રસ્તુતિ પ્રેક્ષકોને ખૂબ ગમી હતી. કાર્યક્રમનાં સંચાલક પ્રીતિ શાહના કહેવા મુજબ પ્રસ્તુતિના અંતે પ્રેક્ષકો જાણે ટ્રાન્સમાં આવી ગયા હતા. ગુજરાત વિશ્વકોશના સભાગૃહમાં રજૂ કરેલો આ મારો પ્રથમ કાર્યક્રમ હતો. છલ્લોછલ ભરાયેલા ખંડમાં અમદાવાદના ટાગોર-વિદ્વાનો હાજર, ટાગોર તો જાણે આ શહેરના પોતીકા. કાર્યક્રમની ઉત્કૃષ્ટતા સિવાય કુમારપાળભાઈની પ્રેક્ષકો માટેની ઉષ્માભરી નિસબત મને સ્પર્શી ગયેલી. સામેવાળા માણસને કોઈ માનસિક દબાણ કે ખેંચતાણ વિના નિરાંતનો અનુભવ કરાવે પણ કોઈ સમાધાન કર્યા વિના, કોઈ પણ પ્રકારની ‘ચાલશે’ની વૃત્તિ સેવ્યા વિના. કુમારપાળભાઈ માટે ભલે આમ કરવું સ્વાભાવિક હશે પણ તેમનો આ આગવો કસબ શીખવા જેવો છે. સાંભળો છો આઈઆઈએમના વિદ્યાર્થીઓ?
પંચમ પ્રકાશ
રવિવાર, 18 જૂન 2023, ગુજરાત વિશ્વકોશ સભાગૃહ, અમદાવાદ
કવિ કાન્ત પૂર્વાલાપ ફાઉન્ડેશન-યોજિત કવિ કાન્ત પુણ્યશતાબ્દી (1923-2023) પરિસંવાદ
મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ની પુણ્યશતાબ્દી મનાવવાનો વિચાર અમેરિકામાં રહેતા ગુજરાતી ખંડકાવ્યોના પ્રણેતા કવિ કાન્તના પ્રદોહિત્ર મુકુલ પંડ્યાને પ્રથમ આવ્યો હતો. મુકુલ મારો ચાળીસ વર્ષ જૂનો મિત્ર, મુંબઈનો. અમારો વિચાર કવિ કાન્ત પર એક ફિલ્મ બનાવવાનો હતો પણ આખરે મેં એમની સ્મૃતિમાં એકદિવસીય બૃહદ્ પરિસંવાદ યોજવાનો વિચાર મૂક્યો. મારા મનમાં તરત જ ત્રણ વાતો સ્ફુરી : અમદાવાદ, ગુજરાત વિશ્વકોશ સભાગૃહ અને કુમારપાળ દેસાઈ. મુકુલ અને તેના કુટુંબીજનોને મારી વાત ગમી ગઈ. મેં આ વાત કુમારપાળભાઈને કરી. કવિ કાન્તની એકસોમી પુણ્યતિથિ 16મી જૂને આવે, પણ કુમારપાળભાઈએ 18મી જૂન સૂચવ્યું, એ દિવસ રવિવારનો હોવાથી ઇચ્છુકો (મોટે ભાગે અમદાવાદ, વડોદરા, ભાવનગરથી આવનારા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ) માટે સગવડભર્યો રહે. ગુજરાત વિશ્વકોશનો ઑડિટોરિયમ બુક થઈ ગયો. આખી પ્રક્રિયા ત્રણ-ચાર મહિના ચાલી. દરેક વાતથી હું કુમારપાળભાઈ અને મુકુલ પંડ્યાને વાકેફ રાખતો. સાથે મારા સુરતસ્થિત સહાયક વિદ્યાર્થી જય ખોલિયાને પણ. આ આખીય પ્રક્રિયા કૉરિયોગ્રાફી પરિસંવાદના ક્યુરેટર તરીકે હું કરું. ધ્વનિ અને છાયાતંત્રના નિષ્ણાત મારા યુવાન વિદ્યાર્થીઓ (જય અને ઉત્તર ગુજરાતના ગામડાનો હિરેન) માટે કુમારપાળભાઈ સમય ફાળવે, એમની વાતો સાંભળે, જરૂર લાગે ત્યાં એમના કર્મચારીગણને પણ સાથે રાખે.
કામ કરીએ તો શીખીએ–ના મંત્રમાં માનનારા કુમારપાળભાઈ અવનવાં આહ્ વાનોને આવકારે. પણ બધું એમના સ્વભાવ પ્રમાણે ‘નિરાંતે’. બહારથી એમનો લય મંદ્ર લાગે પણ અંદરથી હોય દ્રુત. કિંતુ, ભાઈઓ ઔર બહેને (ગાંધીજી આ રીતે સભાઓને સંબોધતા. –અ.) એમાં કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં. બધું ઑર્ગેનિક, સિન્થેટિક નહીં. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાખંડમાં કવિ કાન્તની પુણ્યશતાબ્દી નિમિત્તે યોજાયેલા એકદિવસીય પરિસંવાદની તૈયારી રૂપે મારા કુમારપાળભાઈ સાથે થયેલા ત્રૈ-ચાતુર્માસિક આદાનપ્રદાનમાં તેમના વ્યક્તિત્વનું એક નવું પાસું જાણવા મળ્યું – રમૂજવૃત્તિ, સેન્સ ઑવ્ હ્યુમર, જે સામાન્ય રીતે બહુ જોવા નથી મળતી. 18મી જૂનના પરિસંવાદની ભોજનપશ્ચાદની બેઠકમાં એમણે ધર્મપરિવર્તનના સંદર્ભે ‘કવિ કાન્તના સત્યમંથન’ના વિષય પર પોતાનું વીસ મિનિટની નિર્ધારેલી સમયમર્યાદામાં રહીને વક્તવ્ય આપ્યું હતું. વિચારોની આવી ચુસ્તતા ને સ્પષ્ટતા કદાચ એમને વારસામાં જ મળી હશે. એંસી વર્ષના આ કુમારની આવી અનેરી સ્ફૂર્તિની તો ઈર્ષ્યા આવે.
એમના સાન્નિધ્યમાં લૂમિનસનો અનુભવ થાય. એટલે જ તો ગુરુવાર, 13 ઑક્ટોબરની સાંજે સત્યજિત રાયના કલાજગત વિશે મેં મારી શૈલીમાં કરેલી પ્રસ્તુતિ અંતે ગુજરાત વિશ્વકોશના ખંડમાં સંપૂર્ણ અંધારું કરીને સત્યજિત રાયની ફિલ્મકૃતિમાંથી ટાગોરનું ગીત સંભળાવેલું ત્યારે ધ્વનિ પ્રકાશમય થઈ ગયેલો. કુમારપાળભાઈના સ્વભાવને, તેમના પર્સોનાને આવા પ્રયોગોને આવકારતાં મેં જોયા છે !
(મુંબઈ-સ્થિત અમૃત ગંગર ફિલ્મથિયરિસ્ટ, ક્યુરેટર, લેખક, સમીક્ષક અને ઇતિહાસકાર છે.)
અમૃત ગંગર
ફિલ્મ થિયરિસ્ટ, લેખક, સમીક્ષક અને ઇતિહાસકાર