શ્રી કુમારપાળ દેસાઈ મારી ગમતી વ્યક્તિઓમાંના અને ગમતા લેખકોમાંના એક છે. વ્યક્તિ તરીકે મારા ઉપર પડેલી તેમની છાપની વાત કરું તો આટલી સરળ, આટલી સ્નેહાળ, આટલી સૌજન્યશીલ અને આત્મીય, સાધુચરિત વ્યક્તિઓ મેં બહુ ઓછી જોઈ છે. સાહિત્ય, શિક્ષણ, ધર્મ, કલા, અધ્યાત્મ, સંસ્કૃતિ, સમાજસેવા – એમ વિવિધ ક્ષેત્રોમાં તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી સાથે પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરીને ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે તેમ જ ભાષાભવનના અધ્યક્ષ તરીકે તેમણે વર્ષો સુધી યશસ્વી સેવાઓ આપેલી છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. સાહિત્યક્ષેત્રે બાલસાહિત્ય, કિશોરસાહિત્ય, નવલકથા-નવલિકા-નાટ્યસર્જન, ચરિત્રગ્રંથો, સંશોધન-સંપાદનના ગ્રંથો, વિવેચનગ્રંથો, અનુવાદગ્રંથો, જૈનશાસન અને ધર્મતત્વદર્શનના ગ્રંથોનું વિપુલ ખેડાણ કરેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેનું પદ પણ તેમણે શોભાવેલું છે. અનેકવિધ ઍવૉર્ડ અને સન્માનોથી તેઓ પોંખાયેલા છે. ભારત સરકારના પદ્મશ્રી ઍવૉર્ડથી તેઓ શોભા વધારી રહ્યા છે. નર્મદ પારિતોષિકથી માંડી આચાર્ય તુલસી સન્માન, હરિ ૐ આશ્રમ તથા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના ઍવૉર્ડ, જૈનરત્ન ઍવૉર્ડ, ગુજરાત સરકારનો સાહિત્યગૌરવ ઍવૉર્ડ, ગુજરાત પ્રતિભા ઍવૉર્ડ, ઇંગ્લૅન્ડમાં ભારતીય સંસ્થાઓ દ્વારા હેમચંદ્ર ઍવૉર્ડ, સાહિત્ય ફેડરેશન ઑફ જૈન ઍસોસિયેશન ઑફ નૉર્થ અમેરિકા દ્વારા પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ એમ અનેકવિધ, અગણિત ઍવૉર્ડથી તેઓ વિભૂષિત છે. 2022માં બ્રિટનની પાર્લમેન્ટના વિલ્સન હૉલમાં તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના ગૌરવવંતા અહિંસા ઍવૉર્ડથી સન્માનિત થયા છે. તેઓ આપણા રાજ્યનું અને સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે. તેમનામાં રહેલો નૈષ્ઠિક શિક્ષક-અધ્યાપક અને તેમના ચિત્તમાં નિરંતર સેવાતી રહેલ ધર્મ ભાવનાએ તેમને સતત ઉદ્યમી, જાગૃત અને જીવંત રાખ્યા છે. વિદેશોમાં અનેક સંસ્થાઓમાં તેમના વ્યાખ્યાનો ગોઠવાતાં રહ્યાં છે. આ ઉપક્રમ દ્વારા તેઓ આપણા સાહિત્યનું, આપણી ધર્મસંસ્કૃતિનું, વિશેષતઃ જૈન ધર્મ સાધના-સંસ્કારનું પ્રતિનિધિત્વ દીપાવી રહ્યા છે. એમના વિશે વાત કરવા કે લખવા વિચારીએ ત્યારે આટલા મોટા ફલકને ફાંટમાં લેવાનું સહેલું નથી. આ અભિવાદન ગ્રંથનો પ્રકલ્પ, સરવાળે આપણને કુમારપાળભાઈના સમગ્ર જીવનકાર્યને, તેમના વાઙમય-વ્યક્તિત્વને સંપડાવી આપશે એ નિઃસંશય છે. મારે અહીં મારી રીતે એમના વિશે થોડીક વાતો કરવી છે.
શ્રી કુમારપાળભાઈ સાથેનો મારો સીધો અને પ્રત્યક્ષ સંબંધ સાડાત્રણ દાયકાનો. પરંતુ તેમનો પરોક્ષ પરિચય તો પાંચેક દાયકા કરતાં પણ વધુ સમયનો. હું 1969માં ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતકના અભ્યાસ માટે દાખલ થયેલો. વિદ્યાપીઠના પ્રાણજીવનદાસ છાત્રાલયમાં રહેતો હતો. વિદ્યાપીઠનું ગ્રંથાલય અમારે માટે, મ.દે. મહાવિદ્યાલય ઉપરાંત, બીજા મહાવિદ્યાલય જેવું હતું. ત્યાં ‘ગુજરાત સમાચાર’ વર્તમાનપત્રમાં ‘ઈંટ અને ઇમારત’ના લેખક તરીકે કુમારપાળભાઈનો પરોક્ષ રૂપે, પ્રથમ પરિચય થયેલો. હું તેમનો ઈંટ અને ઇમારતના લોકપ્રિય લેખક તરીકે, ત્યારે પણ ચાહક હતો અને આજે પણ છું. મૂળે આ કૉલમ ‘ગુજરાત સમાચાર’માં કુમારપાળભાઈના પિતા જયભિખ્ખુની કલમે 1952થી શરૂ થયેલી. 1969માં તેમનું અવસાન થતાં, તંત્રીશ્રીએ આ કૉલમ લખવાનું કુમારપાળભાઈને સોંપ્યું. કુમારપાળભાઈએ તેમની નાની વયમાં, શરૂઆતથી જ દૃઢ નિશ્ચય અને આત્મવિશ્વાસથી એ બીડું ઝડપ્યું. તે પછી આજ સુધી તેમણે અ-વિરત રીતે તેમણે આ કૉલમને ચલાવી છે. એક લેખક તેમના વાચકોને, પાંચ પાંચ દાયકા સુધી રોકી શકે, ખેંચેલા રાખી શકે તે સાધારણ ઘટના નથી. તાજેતરના અહેવાલો મુજબ ‘ઈંટ અને ઇમારત’ કૉલમે વર્તમાનપત્રોમાં એકધારી રીતે, સૌથી વધારે લાંબા સમય સુધી ચાલનારી કૉલમ તરીકે, વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કરેલો છે. એક કૉલમ આટલાં વર્ષ સુધી જીવંત વહેતી રહે તે તેના લેખકની આંતરિક સત્વતત્વ-સમૃદ્ધિની, લગની અને અંદરના નિદિધ્યાસન વિના સંભવ નથી.
‘ઈંટ અને ઇમારત’ કૉલમ-શીર્ષકના સંદર્ભમાં અને કુમારપાળભાઈના જીવન-સંદર્ભમાં અહીં મને પૂ. રવિશંકર મહારાજ સાંભર્યા. દાદાને હું મારી દસ-અગિયાર વર્ષની ઉંમરથી જાણું. વલ્લભ વિદ્યાલય, બોચાસણ બુનિયાદી સંસ્થામાં મને ધોરણ પાંચથી ભણવા મૂકેલો. ત્યાં હું ધોરણ અગિયાર સુધી જૂની એસ.એસ.સી. ભણેલો. દાદા ત્યાં ખૂબ આવતા. અમને ખૂબ ગમતા. અમારી સાથે વાત્સલ્યભરી વાતો કરતા. તેમની નાની નાની, પણ સરવાળે બહુ મોટી, વાતો મને ઘણી યાદ છે. એમનાં ગ્રામીણ, તળપદી ભાષા-બોલીનાં કેટલાંક વાક્યો તો વેદ-ઉપનિષદનાં સૂત્રો જેવાં છે. અહીં કુમારપાળભાઈના સંદર્ભમાં દાદાનું સૂત્ર અનાયાસ ઝબકી આવ્યું છે. માણસે કેવા થવું, સર્વાંગીણ શિક્ષણ એટલે શું એવી કોઈક વાતના સંદર્ભમાં દાદાએ કહેલું : ‘આપણે આખી ઈંટ થવું.’ આખી ઈંટ થવું એટલે શું તે અંગેનો ફોડ પાડતાં તેમણે કહેલું : ‘આખી ઈંટને કોઈ રસ્તા ઉપર પડી રહેવા દે ? જુએ કે તરત ઉપાડી લે. ઢેખાળા અને રોડાં જ રસ્તા ઉપર રઝળ્યા કરે !’ જીવનની સર્વાંગીણ કેળવણી વિશેનું, સાદી ભાષા અને ગામઠી દૃષ્ટાંતમાં કેવું ઊંચું અને ઊંડું દર્શન આમાં પ્રગટી રહ્યું છે ! કુમારપાળભાઈ, દાદાએ પ્રબોધેલી ‘આંખી ઈંટ’ના અને અ-ખંડ જીવન-ઇમારતની આગવી ઓળખના માણસ છે.
શ્રી કુમારપાળભાઈ, ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક અને ભાષાભવનના વડા હતા તે વખતે તેમની સાથેની એક મુલાકાત આજે પણ યાદ છે. હું અને મારાં પત્ની સત્યા એમને મળવા ગયાં હતાં. સત્યાએ ગૂજરાત વિદ્યાપીઠમાં, શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ પાસે એમ.એ. કક્ષાએ ‘મહાપંથી પાટપરંપરા અને વાણી’ વિષય ઉપર સંશોધન-નિબંધ તૈયાર કરેલો. આ પછી સત્યાને આગળ, ગુજરાત યુનિવર્સિટીમાં કુમારપાળભાઈ પાસે પીએચ.ડી. કરવું હતું. અમે ગયાં. મળ્યાં. એક યા બીજા પ્રસંગોએ તેમને મળવાનું ઘણી વાર બનેલું પણ તેમની સાથે સન્મુખ બેસીને, કશી ઉતાવળ વિના, નિરાંતે વાત કરવાનો આ પ્રથમ પ્રસંગ. પીએચ.ડી.નો વિષય શું રાખવો તે સંદર્ભે ચર્ચા થઈ. એમ.એ. કક્ષાએ લખેલા સ્વાધ્યાય-નિબંધના અનુસંધાને એ ક્ષેત્રે આગળના ઊંડા સંશોધન-સ્વાધ્યાયની રીતે ‘મહાપંથી પાટ પરંપરાનાં નારી-સંતો : એક અધ્યયન’ એ વિષય ઉપર અમારો પ્રસ્તાવ હતો. ભારતીય સાધનાધારાના અભ્યાસી અને અનુરાગી એવા કુમારપાળભાઈને બહુજન સમાજ માટે, બહુધા અજાણી રહેવા પામેલી આ લોકસાધના ઉપર સંશોધનકાર્ય થાય તે વાત ગમી. તેમણે હા ભણી. પછી રજિસ્ટ્રેશન આદિ કાર્યવાહી પણ પતી. એક્સટર્નલ અભ્યાસની રીતે કામ કરવાનું હતું. કામ શરૂ થયું. શરૂઆતમાં વિષયનું પ્રારૂપ ઘડવાનું, પ્રકરણો પાડવાનું, લખવાનું માર્ગદર્શન મેળવવાનું, સુધારવાનું વગેરે કામ બરાબર ચાલ્યું. પણ પછી એક એવો તબક્કો આવ્યો કે આખા કામનો લય કથળ્યો. મારી સરકારી નોકરીને લઈને હું તો વ્યસ્ત હતો જ. સત્યા પણ પી.ટી.સી. કૉલેજમાં અધ્યાપિકા હતી. બે પુત્ર-સંતાનો નાનાં હતાં. ઘરમાં રખરખાવટ માટે બીજું કોઈ હતું નહીં. નોકરી, ઘરસંભાળ, બાળકોના ઉછેર અને તેમની સારસંભાળમાં અમે એવાં અટવાયાં કે પેલું પીએચ.ડી.નું કામ કિનારા ઉપર રહી ગયું. એટલું જ નહીં પછી એ કામ ન થયું તે ન જ થયું. આ કામ પાર ન પડ્યાનો સત્યાને તો વસવસો હોય જ મને પણ ઓછો નથી. કુમારપાળભાઈએ તો તેમના તરફથી આ કામ આગળ વધારવા માટે સતત પ્રોત્સાહન આપ્યા કરેલું. કોઈ વાતે ક્યારેય અકળાયેલા નહીં. કાર્ય પૂરું કરાવવાના પ્રયત્નોમાં જરા પણ કસર છોડેલી નહીં. તેના વ્યક્તિત્વનો આ બહુ મોટો અનુકરણીય અને આદર્શ ગુણવિશેષ છે. હું મારી જાતને પૂછું છું કે તેમની જગ્યાએ અધ્યાપક તરીકે હું હોઉં તો મારા વિદ્યાર્થી પ્રત્યે હું કુમારપાળભાઈ જેટલો ઉદાર અને આટલો મોટો થઈ શકું ? આજે પણ કોઈ કોઈ વાર, મારી સાથે સત્યાને એમને મળવાનું થાય છે ત્યારે નરી આત્મીયતા સાથે સત્યાને કહેતા હોય છે : ‘પીએચ.ડી.ની બાબત ભૂલી જઈને પણ પેલું કામ કરવા જેવું છે. આવા વિષય ઉપરનાં કામ બહુ ઓછાને માથે લખ્યાં હોય છે.’ મને અહોભાવ સાથે અચરજ છે કે આટલી સહિષ્ણુતા, આવી સમતા, આવી ધૃતિ ક્યાંથી આવતી હશે ? કઈ રીતે આવતી હશે ?
આમ તો વિશ્વકોશ સાથેનો મારો નાતો જૂનો. છેક આદરણીય ધીરુભાઈ ઠાકરના સમયનો. પણ આ સંબંધ વધારે ઘનિષ્ઠ, સક્રિય અને અંતરંગ બનાવ્યો શ્રી કુમારપાળભાઈએ. વિશ્વકોશ સંસ્થાનના મૂળ દ્રષ્ટા અને પ્રણેતા આદરણીય ધીરુભાઈ ઠાકર. વિશ્વકોશ એ આ સમર્થ વિદ્યાપુરુષે, સંસ્કારપુરુષે સેવેલું સપનું છે. તેમની દૃષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આકાર પામેલા વિશ્વકોશના પચીસ ગ્રંથો એ આપણા સાહિત્યની શકવર્તી ઘટના સમાન છે. વિશ્વકોશ સાથેના મારા સૂચક જોગસંજોગની અને ઋણાનુબંધની એક વાત કરું તો વિશ્વકોશનાં પ્રારંભનાં વર્ષોમાં, એક દિવસ શ્રી ધીરુભાઈ અમારી માહિતી ખાતાની કચેરીમાં આવેલા. હું માહિતી ખાતામાં ત્યારે અધિકારી હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકેનો, વધારાનો ચાર્જ સંભાળતો હતો. મારું સદભાગ્ય છે કે આ સમય દરમિયાન ઘણા સાહિત્યકારો અને વિદ્યાપુરુષોએ, મારા પ્રત્યેના પ્રેમને લઈને, ત્યાં આવીને વાત્સલ્ય ઢોળ્યું છે. વિશ્વકોશ ગ્રંથપ્રકાશનના સંદર્ભમાં રાજ્ય સરકારના સહયોગનો મુદ્દો હતો. અમારા વહીવટી વડા, મુખ્ય સચિવશ્રી લહેરીસાહેબે એમાં નિર્ણયાત્મક કામગીરી કરેલી. આ ઉપક્રમ પછી ધીરુભાઈ સાથેનું અમારું અનુસંધાન વધારે જીવંત બન્યું. એક દિવસ તેમનો મને ફોન આવ્યો. વિશ્વકોશના ગ્રંથો તૈયાર થઈ રહ્યા હતા તેમાં એક ગ્રંથ માટે શ્રી રવિભાણ સંપ્રદાય અને તેના સંતો એ વિષય ઉપર વિસ્તૃત અધિકરણ લેખ તૈયાર કરવાનું કામ મને સોંપ્યું છે. મારો લેખ વિશ્વકોશ ગ્રંથમાં છપાયેલો છે તે વિગતના હવાલા તરીકે આ મુદ્દાનો ઉલ્લેખ હું નથી કરતો પરંતુ એક વિદ્યાપુરુષ તરીકે, સજ્જ અને સાબદા સાહિત્યકાર તરીકે, ગુજરાતી સાહિત્યના જાગૃત ઇતિહાસ-લેખક તરીકે ધીરુભાઈને ખ્યાલ હતો કે આપણા ગુજરાતી સાહિત્યના ઇતિહાસોમાં સંતો અને સંતસાહિત્યના અર્પણને જોઈએ તેવું સ્થાન મળેલું નથી. આ ખોટને પૂરવાના કામનું તેમણે અહીં મંગલાચરણ કરી આપ્યું. એક શુભ કાર્યના તેમણે જે ગણેશ માંડી આપ્યા તેનો વધાવો ગાવાના હેતુથી ઉલ્લેખ કર્યો છે.
શ્રી ધીરુભાઈના 24 જાન્યુઆરી, 2014ના અવસાન બાદ વિશ્વકોશનું સમગ્ર સુકાન શ્રી કુમારપાળભાઈ સંભાળી રહ્યા છે. કુમારપાળભાઈ જેવા સંસ્થાસંચાલન, કાર્ય-વ્યવસ્થાપન અને સર્વગ્રાહી વિકાસદૃષ્ટિવાળા, કુશળ સૂત્રધાર ક્યાંથી મળે ? તેમના નેતૃત્વ હેઠળ અત્યારે વિશ્વકોશ સંસ્થા એક સાંસ્કૃતિક સંસ્થા તરીકે અનેકવિધ પ્રવત્તિઓ અને અદ્યતન ઉપક્રમો, અભિગમોથી ધમધમે છે. તેઓ પોતે ઘડી નવરા બેસતા નથી અને બીજાને નવરા બેસવા દેતા નથી. એમને કંઈનું કંઈ નવું સૂઝ્યા કરતું હોય છે. આશ્ચર્ય સાથે મને મીઠો પ્રશ્ન થાય છે કે, વિશ્વકોશની ગ્રંથશ્રેણીમાં, તેમને સંતકોશ કરવાની સ્ફુરણા ક્યાંથી થઈ હશે ? જે હો તે, આ કામ માટે તેમણે મને નોતર્યો અને એમાં જોડ્યો તેને હું મારું પુણ્ય ગણું છું. અત્યારે, અમે સંતસાહિત્યના કેટલાક અગ્રણી અને અનુરાગી પ્રતિનિધિઓનું એક પરામર્શન મંડળ રચીને સંતકોશનો પ્રકલ્પ હાથ ધર્યો છે. કહો કે એક પ્રકારનું પાવન અનુષ્ઠાન આદર્યું છે. સંતો અને સંતસાહિત્યના સ્વાધ્યાય સંવર્ધન માટે, પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈએ વાવેલું બીજ આજે પદ્મશ્રી કુમારપાળભાઈના કાર્યકાળમાં સંતકોશ રૂપી વૃક્ષની રીતે આકારિત થઈ રહ્યું છે તે સૂચક છે. હું આ અનુષ્ઠાનમાં જોડાવાનું સુખ પામ્યો છું તેનું સઘળું શ્રેય કુમારપાળભાઈને ભાગે જાય છે.
કુમારપાળભાઈ વિશે લખવાનું ઘણું ઘણું છે, પણ અહીં વિરામને ઉચિત ગણું છું.
દલપત પઢિયાર
ગીત કવિ, વિવેચક અને લોકસાહિત્યના મર્મજ્ઞ, વિશ્વકોશ દ્વારા તૈયાર થતા સંતકોશના સંપાદક