વિરલને સહજ સિદ્ધ કરનાર

ડૉ. કુમારપાળની અન્યો માટે ઘસાઈ છૂટવાની ઉદારતા અને ઉદાત્તતાની એક ઘટનાનું સ્મરણ થાય છે. જોકે મારે માટે આ ઘટનાનું વિસ્મરણ શક્ય નથી !

ગુજરાતી સાહિત્ય પરિષદના નેજા હેઠળ તા. 9-12-2006ના રોજ એક પરિસંવાદમાં મારે ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓનાં વિષયવૈવિધ્ય વિષય પર અભ્યાસલેખ રજૂ કરવાનો હતો. હું આગલી સાંજે સૂરતથી અમદાવાદ પરિષદ ગેસ્ટહાઉસ પર પહોંચી ગયો. થોડુંક લેખનકાર્ય બાકી હતું તે શરૂ કર્યું ત્યાં જ વીજળી ગુલ! કડકડતી ઠંડી હતી અને હું ઓઢોપોઢો કરી સૂવાની તૈયારીમાં જ હતો ત્યાં જ રૂમના બારણે ટકોરા પડ્યા. અંધારામાં ખાસ્સા ગભરાટ સાથે બારણું ખોલ્યું તો એક અજાણી વ્યક્તિ! ‘બોલો’ મેં પૂછ્યું. ‘ચાલો’, એમણે કહ્યું.

ઠંડી ખૂબ હતી એટલે મંકી કૅપ, મફલરમાં ઢંકાયેલા ચહેરાવાળી વ્યક્તિ હતી પ્રસિદ્ધ સાહિત્યકાર રાજેન્દ્ર પટેલ. એમને ડૉ. કુમારપાળે મને લેવા પરિષદ ગેસ્ટહાઉસ પર મોકલ્યા હતા. હું અમદાવાદમાં આ જગ્યાએ ઊતર્યો છું એની ખબર એમને કઈ રીતે પડી તે આજદિન સુધી મારે માટે રહસ્ય જ રહ્યું છે. શિયાળાની સૂમસામ રાત્રે, કડકડતી ઠંડીમાં ફોરવ્હિલર મોકલીને મને એમના બંગલે બોલાવી લીધો. ત્યાં સુધી એ જાગતા રહ્યા. બીજે દિવસે દિનચર્યા પતાવી એમના જ વાહનમાં મને પરિસંવાદના સ્થળે (પરિષદ સભાગૃહ) લઈને આવ્યા ત્યારે ડૉ. કુમારપાળ પરિષદના પ્રમુખપદનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. એક અદના માણસ માટે આટલી ચિંતા કરવી એ તો તેમના સ્વભાવની ઉદારતા છે જ પણ વધુ તો વાહન મોકલી સક્રિયતા દાખવવી એને હું એમના ચારિયની વિરલ લાક્ષણિકતા ગણું છું.

એમના અને રાજેન્દ્રભાઈ પ્રત્યેના મારા કૃતજ્ઞતાભાવને વ્યક્ત કરવા મેં મારો 2011માં ગૂર્જર સાહિત્યભવન, અમદાવાદ દ્વારા પ્રગટ થયેલો વિવેચનસંગ્રહ ‘સાહિત્યિક વાચનાઓ વિશે’ ડૉ. કુમારપાળ અને શ્રી રાજેન્દ્ર પટેલને અર્પણ કર્યો છે તેનો ઉલ્લેખ કરતાં ગૌરવ અનુભવું છું. એટલું જ નહિ; આ ગ્રંથના મુખપૃષ્ઠ પર રાજેન્દ્રભાઈનાં પુત્રી શિવાની પટેલનું ચિત્ર સુધ્ધાં મુદ્રિત કર્યું છે. આ જ પુસ્તકમાં કુમારપાળભાઈના પિતાશ્રી જયભિખ્ખુની પ્રશિષ્ટ નવલકથા ‘વિક્રમાદિત્ય હેમુ’ વિશે અભ્યાસલેખ પણ સામેલ કર્યો છે એનો ઉલ્લેખ અસ્થાને ન ગણાશે.

2004ના વર્ષારંભે ડૉ. કુમારપાળ દેસાઈને સૂરતના પત્રકારસંઘ તરફથી રમતગમતના પત્રકારત્વ બદલ સન્માન ઍવૉર્ડ પ્રાપ્ત થયો તેના સ્વીકાર માટે તેઓ સૂરત આવ્યા હતા. અન્ય અનિવાર્ય રોકાણોને લીધે હું તીવ્ર ઇચ્છા હોવા છતાં, સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યો નહોતો એટલે ફોન પર સંપર્ક કરી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યાં.

‘હું એ સ્વીકારતો નથી’ એમણે ફોન પર જવાબ આપ્યો. જે સાંભળી હું ડઘાઈ ગયો.

‘હું એ રૂબરૂ જ સ્વીકારીશ.’ તેઓ આગળ વધ્યા.

‘પણ મારાથી રૂબરૂ અવાય એમ નથી.’ મેં સંકોચપૂર્વક જણાવ્યું.

‘પણ હું આવીશને તમારે ત્યાં !’ તેમણે ઘટસ્ફોટ કર્યો. હું રાજી રાજી થઈ ગયો.

પછી સાંજે તેઓ સજોડે આવ્યા. ટ્રેનના સમય આડે ઝાઝો સમય રહ્યો નહોતો એટલે મેં એમ માની લીધું કે હવે (સમય થઈ ગયો હોઈ) નહીં આવે, પણ એ જ સમયે ડૉરબેલ વાગ્યો ને તેઓ આવ્યા.

‘મેં તો માનેલું કે હવે નહીં આવો.’

‘અરે, એમ તે કંઈ હોય ! સૂરત આવું અને વિજય શાસ્ત્રીને મળ્યા વગર જવાય જ નહીં !’

તેમના આ શબ્દો હૃદયમાં કોતરાઈ ગયા છે. એટલા માટે કે હું આમ જોવા જઈએ તો એમને કોઈ કરતાં કોઈ કામમાં આવું તેમ નહોતો. ભૂતકાળમાં કોઈ વ્યાવહારિક કામ, મારા થકી એમનું સંપન્ન થયું હોય એવું બન્યું નથી. ભવિષ્યમાં થાય એવી, મારા પ્રમાદી સ્વભાવને લીધે, કોઈ શક્યતા દેખાતી નથી. ઊલટું મારાં એકથી વધુ કામો એમના થકી સંપન્ન થયાં જ છે. એક નમૂનો ગણાવું તેનો મર્મ એ જ છે કે આટલી વ્યસ્તતા વચ્ચે પણ મિત્રનું સાવ ફોતરાં જેવું કામ, કેટલા સક્રિય થઈને, રસપૂર્વક પાર પાડે છે આ માણસ ! વાત એમ.ફિલ.ના બિલની હતી. ગુજરાત યુનિવર્સિટીના એમ.ફિલ. (ગુજરાતી) માટેના લઘુશોધપ્રબંધોના પરીક્ષણની કામગીરી પૂરી કર્યા બાદ તેના વેતનના ચેક આવતા નહોતા. ડૉ. કુમારપાળ ત્યારે ભાષાભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા. તેમને મેં ફોન વત્તા પત્રથી આ વિલંબિત પેમેન્ટ અંગે ફરિયાદ કરી અને ઉદાસીનભાવે ફરિયાદપત્ર પોસ્ટ કર્યો. ‘ઉદાસીનભાવે’ એ હું સાભિપ્રાયપણે લખું છું કેમ કે મારા મોટાભાગના અનુભવો મુજબ ‘આવા’ પત્રોની સામો પક્ષ નોંધ સુધ્ધાં લેતો નથી અને મોટેભાગે તે કચરાટોપલીને હવાલે થાય છે.

થોડા જ (રિપીટ : ‘થોડા જ’) દિવસોમાં યુનિવર્સિટી તરફથી એક પરબીડિયું મળ્યું અને હા, તેમાં વેતનના ચેક પણ હતા ! ઉપર, આંખે ઊડીને વળગે એવા ખાદીના કાગળ પર, છાપેલા પેડ પર, એથીયે સુંદર અક્ષરોમાં કુમારપાળનો પત્ર હતો કે ‘વિલંબ’ થયો છે તો દરગુજર કરશો !

આ ‘સંસ્કારવિશેષ’ એમનામાં સ્વ. પિતાશ્રી, ગયા જમાનાના સુપ્રસિદ્ધ લેખક જયભિખ્ખુના વારસામાં મળ્યો છે તો બીજી તરફ જૈન-અનુશાસનના મનન-અધ્યયનમાંથી પણ મળ્યો અને જળવાયો છે.

એમના અનેક વિદેશ પ્રવાસોએ એમની દૃષ્ટિને વિશાળતા અર્પી છે. ભાતભાતના સમાજોમાં રહેવા-ફરવાના પ્રભાવે આપણી વૈચારિક અને દૃષ્ટિગત સંકીર્ણતાઓ લોપ પામે છે. તળપદી વાણીમાં કહીએ તો ‘તેમણે દુનિયા જોઈ છે.’ જોકે દુનિયા જોયા પછી ઓર સંકીર્ણ બનનારા પણ ઓછા નથી ! મૂળ વાત આભિજાત્યની છે. મોટા મોટા વિદ્વાનો, અધિકારીઓ, સાધુસંતોની સાથે જેટલા રસપૂર્વક વાત-વ્યવહાર કરે એટલા જ પ્રેમરસપૂર્વક નાના, સામાન્ય માણસ, અદના આદમી સાથે પણ કરે એમાં પ્રગટતું સંતુલન આજના હળહળતા કળિયુગમાં વિરલ છે. કુમારપાળને એ ‘વિરલ’ને ‘સહજ’ કરતાં આવડ્યું છે. શુભેચ્છાઓ.

વિજય શાસ્ત્રી

અધ્યાપક, વિવેચક, વાર્તાકાર, હાસ્યલેખક, અનુવાદક અને સંપાદક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑