મનોહર મુખાકૃતિ, મૃદુ સ્વર અને સદાયેસ્મિતનું જાણે ઝરણું વહેતું હોય તેવા ચહેરાથી દીપ્ત વ્યક્તિ બહુ ઓછી જોવા મળે છે. મારા છએક દાયકાના સાર્વજનિક કાર્યક્ષેત્રમાં આવી એક વ્યક્તિ જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તે વ્યક્તિ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. સિદ્ધિવંત, કીર્તિવંત, યશસ્વી અને તેજસ્વી સાહિત્યકાર-વિદ્વાન હોવા સાથે નમ્ર, વિવેકી અને પ્રેમાળ હોય તેવા પણ ઝાઝા અનુભવો થયા નથી. વૃક્ષને ફળો આવે છે ત્યારે એ વધુ નીચુ નમે છે તેમ, જેમ જેમ એક પછી એક અનેક ઍવૉર્ડો, ચંદ્રકો, સન્માનો મળતાં ગયાં તેમ તેમ ડૉ. કુમારપાળ જાણે વધુ ને વધુ નમ્ર અને સૌજન્યપૂર્ણ બનતા ગયા. આ ગુણ-વિશેષના મૂળમાં એમનો ઉછે૨, માતા-પિતાની જીવનદૃષ્ટિ અને શૈશવથી મળેલું સાહિત્યિક અને શૈક્ષણિક વાતાવરણ છે.
ડૉ. કુમારપાળ અમદાવાદમાં રહે પણ ધર્મપ્રચાર, ધર્મશિક્ષણ અને તેને આનુષંગિક વિદ્યાનાં, સાહિત્યનાં અનેક કાર્યો માટે, વિવિધ પ્રવૃત્તિઓ માટે, મને લાગે છે, તેઓ વધુ સમય અમદાવાદની બહાર જ ફરતા રહેતા હશે. તેઓ સાચા અર્થમાં પરિવ્રાજક અને જગતપ્રવાસી છે.
મારી એમની સાથેની પ્રથમ મુલાકાત ઘાટકોપ૨(મુંબઈ)માં આશરે ચારેક દાયકા પહેલાં થઈ. ઘાટકોપરના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના આશ્રયે યોજાયેલી વ્યાખ્યાનમાળામાં તેઓનું એક પ્રવચન યોજાયેલું. તે વેળા તે સભાના પ્રમુખસ્થાને મને નિમંત્રવામાં આવેલ. હું જૈનેતર માણસ. જૈન ધર્મનો વિશેષ અભ્યાસ નહિ અને આવા પર્વાધિરાજ પર્યુષણના પવિત્ર પ્રસંગે, વિશાળ જનસમૂહ સામે, વિદ્વાન વક્તા સાથે પ્રમુખ તરીકે બેસતાં મને ત્યારે ખરેખર સંકોચ થતો હતો. આવા વિદ્વાન મારી સાથે કેવી રીતે વર્તશે, કેમ વાત ક૨શે તેનો થોડો ભય પણ હતો. વિદ્વત્તાના ઘમંડધારી વક્તાઓ વિશે હું જાણતો હતો, પરંતુ મારો સંદેહ, સંકોચ, ભય વગેરે તેમને મળતાવેંત જ ચંદ ક્ષણોમાં જાણે વરાળ બની ઊડી ગયાં. એવું મધુરું સ્મિત, મિત્રભાવે વાત ક૨વાની તેમની શૈલી અને નમ્ર વર્તને મને જીતી લીધો. ત્યારથી, હું જાણે એમને વર્ષોથી ઓળખતો હોઉં તેવા અને અવારનવાર જેને મળતા હોઈએ એવા નિકટના મિત્ર જેવો સ્નેહભાવ, મૈત્રીભાવ મારા હૃદયમાં તેમને માટે રહ્યો છે.
આમ તો તેમનું નામ ‘નવચેતન’ માસિકમાં ક્રિકેટ વિશેના તેમના લેખો દ્વારા જાણીતું થયેલું. ખરું કહું તો, મને ક્રિકેટમાં જરા પણ રસ નહિ એટલે એ લેખો હું વાંચતો નહિ. મને નવલિકાઓમાં ૨સ એટલે ‘નવચેતન’માં વાર્તાઓ વાંચું અને પછી તો તેમાં મારી અનેક ટૂંકીવાર્તાઓ પ્રગટ પણ થઈ. પરંતુ સમય જતાં શ્રી કુમારપાળના વ્યક્તિત્વના પુષ્પની પાંખડીઓ એક પછી એક ઊઘડતી ગઈ. તેઓ પ્રાધ્યાપક થયા, ડૉક્ટરેટ કરી, ભાષાસાહિત્યભવનમાં નિમાયા, સાહિત્ય પરિષદના મંત્રી થયા, પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓના ‘ગાઇડ’ બન્યા વગેરે સિદ્ધિઓની યશકલગીઓ ઉમેરાતી ગઈ.
ડૉ. કુમારપાળ દેસાઈનાં પ્રવચનો મુંબઈમાં યોજાય અને પરદેશોમાં પણ યોજાય. તેના અહેવાલો વાંચીને રાજી થઉં. કોઈ અદૃશ્ય તંતુ જાણે તેમના પ્રતિ મને આકર્ષ્યા કરે. એમનું ગૌ૨વ થાય તેમાં દૂ૨ ૨હ્યે પણ જાણે હું સહભાગી થતો હોઉં તેવી અનુભૂતિ થાય.
એમને રૂબરૂ મળવાનું બહુ બન્યું નથી. બીજી વખત મળ્યા આશરે છએક વર્ષ પહેલાં. ઘણુંખરું શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની રજતજયંતી નિમિત્તે, મુંબઈમાં પ્રેમપુરી આશ્રમમાં કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે મને વિશેષ અતિથિ તરીકે પ્રેમપૂર્વક નિમંત્રેલો. તે વખતના મારે આપવાના પ્રવચનને મેં મારી ‘મુંબઈ સમાચાર’ની કટાર ‘કલરવ અને કોલાહલ’માં પ્રગટ કરવા મોકલેલું અને તે પ્રગટ થયેલું. ત્યાર પછી એકાદબે વખત ફોન પર અને પત્રવ્યવહાર દ્વારા મળવાનું બન્યું.
ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે મારી કટાર ‘કલરવ અને કોલાહલ’માં મેં એક લેખ લખેલો જેનું શીર્ષક આવું હતું : અંધારામાં પડેલી જ્ઞાનની પેટીઓ’. મને ઘણા વખતથી લાગતું કે સાહિત્યના, ધર્મના અને તેના અનુષંગી વિષયો પર દર વર્ષે ઉત્સાહી અભ્યાસીઓ રિસર્ચ કરે છે. પીએચ.ડી. થવા માટે શોધનિબંધ–થીસિસ તૈયા૨ કરે છે. તે કાર્યમાં કેટલો બધો શ્રમ તેઓ લે છે અને એમનો કેટલો કીમતી સમય તેની પાછળ આપે છે. તેઓ ‘ડૉક્ટર’ તો થાય. એટલા પૂરતી તેમની મહેનત લેખે લાગે, પરંતુ જ્ઞાનની એ પેટીઓ – થીસિસ – શોધનિબંધો લોકોસુધીપહોંચતા નથી. જ્યાં લોકપ્રિય વાચન, મનોરંજક વાચનના સર્જકોને પણ પ્રકાશકો મળતા નથી ત્યાં આવા ગંભીર વિષયના નિબંધોનાં પુસ્તકો કોણ છાપે ? એટલું ન થાય તો છેવટે કયા કયા વિષયો પર સંશોધન થયું છે તેની રૂપરેખા, કોણે કર્યું, તેનો પરિચય વગેરે પ્રગટ કરવાં જોઈએ. આ તો કીમતી ધન કબાટમાં – અંધારામાં સંઘરાઈને પડ્યું રહે છે. આ લેખ વાંચી, જાણીતા ચંદરયા પરિવારના મુરબ્બી શ્રી રતિભાઈ ચંદરયાએ મને પત્ર લખ્યો અને ફોન પણ કર્યો – ‘તમે લખો છો પણ એવું કોઈ કામ કરવા તૈયાર હોય તો હું નાણાકીય મદદ કરવા તૈયાર છું.’
એ વિષયમાં નજર કોના ઉપર પડે ? મેં શ્રી કુમારપાળને પત્ર લખ્યો. તેમણે સહકાર આપવાની ખાતરી આપી. તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં જૈનદર્શનનાં વિવિધ અંગો પર થયેલ સંશોધનોની સૂચિ તૈયાર થઈ છે. મુંબઈ યુનિવર્સિટી માટે તેવી સૂચિ તૈયાર કરવી જોઈએ. તેમનામાં કાર્ય કરવાની ધગશ અને તત્પરતા હતી, પરંતુ મારી તબિયત જોઈએ તેવી સારી ન હોવાથી હું એ કાર્યમાં આગળ વધી શક્યો નહિ. કુમારપાળ માટે તો અનેક પ્રવૃત્તિઓ રાહ જોઈને પડી હોય.
આવા ઉત્સાહી, મિલનસાર, વિદ્વાન, જૈનદર્શનના જ્ઞાતાને જેટલા ચંદ્રકો, ઍવૉર્ડ્ઝ મળે એટલા ઓછા છે. ગુજરાતના ઇતિહાસમાં એક રાજવી કુમારપાળનું નામ પ્રસિદ્ધ છે તેમ વીસમી સદીના જૈન કોમ કે જૈન ધર્મના – સમાજના ઇતિહાસમાં આ કુમારપાળનું નામઅંકિત રહેશે.
જૈન સમાજમાં કેટલાક અગ્રણી વિદ્વાનો, જેઓની કીર્તિ જૈનજગતની બહાર પ્રસરેલી તેવી માનનીય વ્યક્તિઓનાં નામ આપણે જાણીએ છીએ. તેઓમાં સ્વ. મોતીચંદભાઈ કાપડિયા, સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયા, સ્વ. વા. મો. શાહ અને સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વગેરે છે. તેમની પંક્તિમાં બેસવાની યોગ્યતા ડૉ. કુમારપાળની છે, તેમણે તે સ્થાન મેળવી જ લીધું છે તેમ કહું તો તે અસ્થાને નહિ ગણાય.
ગુજરાતના આવા એક પનોતા પુત્ર માટે આથી વધુ બીજી કઈ ભાવના વ્યક્ત કરું ?
ચંદુલાલ બી. સેલારકા
નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક