પ્રસન્નવદન, અનાકુલ, અનેકાન્તવાદી ઝવેરી

“વારંવાર દરિયાપારના દેશોમાં આંટાફેરા કરવાના થાય ત્યારે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ કે જેથી આંટાફેરા કરતાં કરતાં ‘ફેરા’ના કે એવાં બીજાં કોઈ ભળતાં જ કૂંડાળાંમાં પગ પડી ન જાય ? ‘૧૯૮૩થી ૧૯૯૦ના ગાળામાં વારંવાર દરિયાપારના દેશોમાં જવાની તક મળી હતી, ત્યારે હું વારંવાર દરિયાપારના દેશોમાં આવતા-જતા ડૉ. કુમારપાળ દેસાઈની સલાહ ચાહી ચેતીને લેવા ગયેલો. ત્યારે મેં ઉપરોક્ત સવાલ કરેલો. એમણે સાવ સહજ સરળતાથી કહેલું : “જે કોઈ દેશમાંથી જે વ્યક્તિ કે સંસ્થા નિમંત્રણ આપે તે પોતે જ આવવા-જવાની ટિકિટ મોકલે એવો આગ્રહ રાખવો. આપણે સહજ ભાવે જવું અને એટલી જ સાહજિકતાપૂર્વક પાછા વતનભેગા થઈ જવું. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે વસ્તુઓની લેવડદેવડ કરવા કરતાં વિચારો, ભાવભાવનાઓના આદાન- પ્રદાનમાં રચ્યાપચ્યા રહેવું. એટલે બહુધા કોઈ તકલીફ નહીં થાય.’’ ત્રુટક છુટક ડાયરી લખવાની મારી ટેવ – એટલે વર્ષો પહેલાંનો અમારી વચ્ચેનો આટલો સંવાદ ડાયરીના પાને સચવાયેલો છે.

ડૉ. કુમારપાળ દેસાઈનાં વેશ-પહેરવેશમાં, ઉપયોગની ચીજવસ્તુઓમાં કે ઘરમાં વિદેશી વસ્તુઓની ભરમાર કે ઝાકમઝોળ જોવા નહિ મળે, કારણ કે વસ્તુમાં નહિ તેટલો વિચારોમાં એમને ૨સ રહ્યો છે. એઓ અંદરથી આરત અને સમૃદ્ધિના માણસ છે, બહારના દેખાડા કે વૈભવના નહિ. આટઆટલું ફર્યા હશે, કોને કોને મળ્યા હશે – એમણે કદીય એવાં ફોટો-આલબમો એકત્ર નહિ કર્યાં હોય, કદાચ વસ્તુની કાળજી રાખવાની ટેવના કારણે એકત્ર કર્યાં હોય તોય જે કોઈ ઘરે આવે એને એ આલબમો જોવાનું ‘લેસન’ એઓ આપતા નથી ! વસ્તુમાં નહિ, વ્યક્તિઓમાં નહિ તેટલાં વિચાર, ભાવ, આદર્શમાં રસ-રુચિ રાખવાં એવું એમનું ચિત્ત-બંધારણ છે – અલબત્ત વસ્તુ અને વ્યક્તિનો અનાદર કર્યા સિવાય.

ત્રુટક છુટક ડાયરી લખવાની સાથે સાથે એક બીજી કુટેવ પણ મેં કેળવી છે : ‘સ૨સ્વતીચંદ્ર’ વાંચતાં વાંચતાં એ ટેવ ગોવર્ધનરામ ત્રિપાઠીના કારણે કેળવી. મિત્રોનાં અને સ્વજનોનાં અનેક નામો (ઉપનામો) પાડ્યે જવાનું, એમના નામ પ્રમાણેના ગુણો નોંધ્યે જવાનું અને જો કંઈ શીખી શકાય તો શીખવાનું. કુમા૨પાળ દેસાઈને પહેલી વાર મળીને આવ્યો ત્યારે એમનું પ્રથમ (ઉપ)નામ નોંધેલું : પ્રસન્નવદન દેસાઈ. ફરી મળવાનું થયેલું ત્યારે બીજું (ઉપ)નામ ટપકાવેલું – અનાકુલ દેસાઈ. અમારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા આવ્યા હતા ત્યારે અને અનેક વિષય ૫૨ એમને લખતાં-વાંચતાં જોયા ત્યારે મનમાં ત્રીજું ઉપનામ સ્થિર થયેલું અનેકાન્ત ઝવેરી. ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ એનાયત થયાની (ખુશ)ખબર વાંચી ત્યારે મનોમન ફરી એક નામ પાડ્યું : ‘સદાનંદ પદ્મશ્રી’.

ડૉ. કુમારપાળ પ્રસન્નવદન છે. જ્યારે જ્યારે મળવાનું થયું છે ત્યારે ત્યારે એમના ચહેરા પર એક હળવું સ્મિત પ્રસરતું જોયું છે. દિવેલિયાં ડાચાં સાથે એમને દૂરનોય સંબંધ નહિ ! અહંથી અકબંધ રહેવાની એમની ખેવના નહિ. આ હળવું સ્મિત કેવું છે ? કોઈ સુકન્યા પૂજા કરવા મંદિરદ્વારે જતી હોય ને છાબડીમાં ભરેલાં ફૂલ છલકાઈને નીચે પડી ન જાય તેની સતત કાળજી રાખે તેમ સ્મિત અટ્ટહાસ્ય સુધી છલકાઈ ન જાય તેની અનાયાસપૂર્વકની કાળજી (સુ)કુમારપાળભાઈ રાખે ! સ્મિત પછીનું એક આગલું ડગલું ભરે ત્યારે ક્યારેક હસે ખરા – પણ ખડખડાટ નહિ. (પત્રકારત્વનું એમનું ક્ષેત્ર પણ વ્યાપક – છતાંય ત્યાં ‘હું’નો કોઈ ખડખડાટ પણ નહિ !) સતત મલક્યા કરે, પણ છલકાયા વિના.

શેમાંથી આવિર્ભાવ પામતી હશે આ પ્રસન્નતા ? ૧૯૬૯માં એમના લેખક પિતાજીનું અવસાન થયું ત્યારે વા૨સામાં સાડા ત્રણસો રૂપિયા મળવા પામ્યા હતા. (અલબત્ત કશાનીય તોલે ન આવે તેવું લેખકત્વ પણ વા૨સામાં મળ્યું હશે જ !) આર્થિક ભીંસના દિવસો એમણે ખાસ્સા અનુભવેલા. હવે આજે આર્થિક રૂપે હળવાશભરી સ્થિતિ સરજાવા પામી છે તેમાં પણ એમની પ્રસન્નતાની વેલનું એકાદ મૂળ સ્વાભાવિક જ પ્રસર્યું હશે ! વિદ્યાપ્રીતિ–સર્જકતાના કેટલાક અંશો વારસામાં સહજ સાંપડ્યા હશે તેને પોતીકા શ્રમ અને શ્રમથી કેળવેલી સૂઝના પરિણામે સવાયા કરી લીધા – એમાં પણ એમની પ્રસન્નતાનાં મૂળ હશે ! અંદર ઊંડે ને ઊંડે જવાની ટેવ સ્વાધ્યાય,લેખન, વક્તવ્ય-પ્રવચનની પૂર્વતૈયારી રૂપે પડી હશે ને બહાર વ્યક્તિઓ, સંસ્થાઓ, વિવિધ દેશો વચ્ચે ભ્રમણ કરી વ્યસ્ત થઈ વિસ્તરવાની સાતત્યભરી તકો મળતી જ ગઈ – આ એક પ્રકારની આંતરિક બાહ્ય સ્વરૂપની વિકાસપ્રક્રિયાના પરિણામે સાંપડેલી પરિતૃપ્તિમાંથી આ પ્રસન્નતા અવિર્ભાવ પામતી હશે ! તો શું, એમને કદીય વેદના, પીડા, સંતાપ, અનુભવવાનાં આવ્યાં જ નહિ હોય, એમ ? ના, છેક એવું નથી. પણ વેદના, પીડા, સંતાપ વેગળાં મૂકી સ્વીકારેલાં કે આપદ્ધર્મમાં ગૂંથાઈ જવાથી થોડા ગંભીર થઈ જતાં છેલ્લી વાર મળ્યા ત્યારે જોયા : બૅક પેઇન’ ‘ફ્રંટ’માં નહિવત્ દેખાઈ આવતું હતું પણ એ બંનેને વિસારે પાડી વેગળાં કરી અટવાઈ પડેલા પીએચ.ડી.ના સંશોધકને આંગળી પકડી દોરી જવાની ક્રિયામાં સમય નિરર્થક વેડફાતો અનુભવ્યો નથી ! શ્રમ અને સૂઝથી ડગલે ને પગલે જીવનમાં સફળતાઓ સાંપડી છે. તેમાં પણ આ પ્રસન્નતાનાં મૂળ પડ્યાં હશે !

“ઊંઘ તો પૂરી લેવાની. ઉજાગરા કરવાનું નથી શીખ્યો. હા, દિવસ ઊગે પછી એકધારું કામ ચાલે.’’ એમ કહે છે ત્યારે એમ સહેજે લાગે કે પૂરી ઊંઘ લેવા જેટલી તંદુરસ્તીના એઓ માલિક છે. ઉજાગરા વગર જાગતા રહી – એકેએક ધાર્યું કામ – એકધારું કામ કર્યે જવાની મનદુરસ્તીનાય એઓ માલિક છે.

ડૉ. કુમારપાળ દેસાઈ અનાકુલ દેસાઈ છે. એમના વ્યક્તિત્વમાં જે પ્રસન્નતા અને અનાકુલ સ્વસ્થતા છે તેની પાછળ પૃષ્ઠભૂમિ રૂપે રહેલી છે – એમની ધર્મ(કર્મ)સંવેદના. એનાં મૂળ દ્રવ્યો છે જૈન ધર્મપ્રેરિત અહિંસા અને અનેકાંતવાદ. એ બંનેના એમના પ્રચારકાર્યે એમને દેશ-વિદેશની સીમાઓને વળોટી જવા પ્રેર્યા ! તેડું કે તેડાં આવે તેની તુમાખી નહિ ને ક્યાંક અવ-ગણના અનુભવાય તો તેનો કોઈ અભાવ-અણસાર પણ નહિ. અહિંસાની ભાવના સ્થિર થવા પામી તે પૂર્વે પાંગરેલો કરુણાનો ભાવ ‘અપંગનાં ઓજસ’ લખવા પ્રેરે છે. કરુણા ઊંડે ઊતરે તો અપંગનાં ઓજસ’ લખીને રહી ન શકાય– સહેજે અપંગનાં (ખૂટતાં) અંગ બની રહેવાની કર્તવ્યભાવના પણ પાંગરે. ધંધાદારી સમાજસેવક કહેવડાવવાનો જરીકે હરખ રાખ્યા વિના ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી, સુલભ હાર્ટ ઍન્ડ હેલ્થ કેર ફાઉન્ડેશન, શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર સાથે કેન્દ્રસ્થ રહી જરૂરિયાતવાળાઓ પ્રત્યે પરિઘ પર વિસ્તરતા રહ્યા છે. એક સાથે જેનાં નામ ગણાવવાનુંય જરાક મુશ્કેલ બની રહે તેટલી નાનીમોટી ૨૮ (અઠ્ઠાવીસ) જેટલી સાહિત્ય, સમાજ, ધર્મ, કલ્યાણવિષયક સંસ્થાઓ સાથે પણ સક્રિય સંલગ્નતા દાખવી રહ્યા છે – કેટલાક ‘ધનનંદની’ હૃદયઉદારતાથી હવે આ ‘વિદ્યાચતુર’ (હા, કુમારપાળ ‘વિદ્યાચતુર’ પણ ખરા !) કોઈક કલ્યાણ-કાર્યની યોજના ઘડી રહ્યા છે – નિવૃત્તિ પછી વિશેષ પ્રવૃત્ત થવા માટે જ સ્તો !

એકાદ-બે કે પાંચ-સાત સંસ્થા સાથે સંકળાયેલા રહેવાના અનુભવે શીખવ્યું છે કે મુંડકે મુંડકેમતિ ભિન્ન ! કૂતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી એવી torn between two extremesની સ્થિતિ તો જાતે પોતે પંડે અમેય અનુભવી છે આ તો અઠ્ઠાવીસ સંસ્થા સાથેની સંલગ્નતા ! અનેકાંતવાદી હોઈએ તો જ આ ચતુર્વિધ દિશાની સંલગ્નતામાં સમતુલા સચવાય ! નહીંતર ઊંઘ વેચીને ઉજાગરા ને કોર્ટના ચક્કરમાં જ આયખું ખર્ચાઈ જાય ! જૈન તત્ત્વાચાર્યોનું વિશ્વની તાત્ત્વિક વિચારધારામાં સૌથી મહત્ત્વનું પ્રદાન છે – અનેકાંતવાદ. શ્રી કુમા૨પાળ દેસાઈ અનેકાંત દેસાઈ છે. અનેકાંતવાદી હોવું એટલે પરમતસહિષ્ણુ હોવું, સ્વમતનો આગ્રહ છોડ્યા વિના દૃઢ રહીને જડ ન થવું. અંગ્રેજી અક્ષરના ‘I’માં રહેલી, ઊભા ઠોયા જેવી અકડાઈ અને ગુજરાતી અક્ષર ‘હું’માં રહેલા વળાંકોથી મુક્ત થતા જઈ, ‘સ્વ’માંથી ‘સર્વ’ તરફ સરતાં સરકતાં લપસી ન પડવું. ડૉ. કુમારપાળ દેસાઈ ‘કોશ’ (ધનનંદના નાણાકોશ અને ગુજરાતીના વિશ્વકોશ) સાથે સંકળાયેલા રહીને પોતાના હોશકોશ સાચવી શક્યા છે – વિદ્યા, શિક્ષણ, સાહિત્ય, સંસ્કાર, સમાજસેવા અને પ્રકૃતિના જતન સાથે, સંસ્કૃતિના પ્રસાર-પ્રચાર સાથે એ ક્ષેત્રોમાં અનેકાંતવાદનું આચરણ યથાશક્તિમતિ કરતા રહ્યા હશે જ. અન્યથા કરતાં જાળ કરોળિયો – કરોળિયા જાળામાં જ ગૂંચવાઈ જાય ! જાળ સાથે સંબંધ રાખવો – તે કોઈને બચાવવા–ફસાવવા નહિ – એટલું તો આ અનેકાંત દેસાઈને બરાબર સમજાયું છે. હું મારા દૃષ્ટિકોણથી મારી ભૂમિકા પર સાચો છું, તો સામેવાળો પણ એની ભૂમિકા પરથી એના પોતાના દૃષ્ટિકોણથી સાચો હોવાની સંભાવના છે. વ્યક્તિ, વસ્તુ અને પ્રસંગ object, individual and phenomena એવાં તો અનેકસ્તરીય, અનેકપાર્થી છે કે મારું એનું દર્શન એક સાવધાની ને પૂરી કુશળતા પછી પણ ખંડદર્શન જ રહેવાનું. મને પ્રાપ્ત સત્ય તે સમગ્ર સત્યનો એક અંશ છે – સમગ્રનું સત્ય નથી, સત્યસમગ્ર નથી. અન્ય—the other—ને પણ એની ભૂમિકા ૫૨થી એના દૃષ્ટિકોણ પ્રમાણે સત્યાંશ સાંપડવાની સંભાવના છે જ.’’

આવી અનેકાંતવાદની પ્રાથમિક સમજ પણ સ્થિર થવા પામી હોય તો અહંનો ગાંગડો ઓગળતો જાય અને સામેવાળા હોય તે સાથે-વાળા લાગવા માંડે, સંવાદ રચાતો આવે ને સંઘર્ષની ગ૨મી વિના સમ-અન્વય સિદ્ધ થતો આવે. એટલે જ અનેકાંત દેસાઈ અનાયાસે જ સ્વસ્થ રહી શકે છે. નાના-મોટા ૩૩ ઍવૉર્ડો મેળવ્યા પછી એના ભારથી ઝૂકી ન જતાં એના દ્વારા પાંખ ફૂટે તો ઉડ્ડયન માટે આકાશો સાંપડતાં જાય. સામાજિક કાર્ય કરતી સંસ્થા સાથેનો અને અન્ય શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક સંસ્થાઓ સાથેનો સંબંધ સંવાદી રહી શકે તે પણ એમની આ અનેકાંતવાદી ભૂમિકા અને દૃષ્ટિને આભારી છે.
૧૯૪૨ની ૩૦મી ઑગસ્ટ ડૉ. કુમા૨પાળ દેસાઈનો જન્મદિન. આજે આ અંતઃકરણનો અભિનંદન-ઉદ્ગાર અંકિત કરું છું તે ૨૦૦૪ની ૩૦મી ઑગસ્ટે ૬૩મું વર્ષ શરૂ થતાં અધ્યાપનક્ષેત્રમાંથી વ્યાવસાયિક નિવૃત્તિ નિયમાનુસા૨ લેવાની રહેશે – તો પછીના શેષ દિવસોમાંવિશેષ પ્રવૃત્તિ માટેની ક્ષિતિજો ખુલ્લી જ છે. સાહિત્ય-સર્જન, આસ્વાદ અને વિવેચનનાં સંસ્કારબીજ વારસામાં મળેલાં તે, તદનુરૂપ અધ્યયન-અધ્યાપનક્ષેત્રમાં પૂરા ચાર દાયક્રા સુધી વૃક્ષ ફૂલ્યાં-ફાલ્યાં. ગુજરાતી, પત્રકારત્વ અને જૈન ફિલૉસૉફી જેવા ત્રણ વિષયક્ષેત્રના પીએચ.ડી.ના માર્ગદર્શક શિક્ષક તરીકેના માર્ગદર્શન હેઠળ પંદર વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. સાત સાત વિદ્યાર્થીઓ સંશોધનક્ષેત્રે વ્યસ્ત છે.

સાહિત્યનાં અધ્યયન-અધ્યાપન સાથે સર્જનના ક્ષેત્રે નાનાં-મોટાં એકસોથી વધુ પ્રકાશનો થયાં છે. કલ્પનોત્ય લલિત સાહિત્ય કરતાં સત્યનિષ્ઠ ચરિત્રસાહિત્યમાં કલમ વિશેષ પ્રવૃત્ત રહી. ૨મત-ગમતનું ક્ષેત્ર પણ ડૉ. કુમારપાળની કલમે નિયમિત કટારનું સ્થિર સ્થાન પામ્યું ! કલ્પના અને વિવેકબુદ્ધિ દાખવતું સર્જનાત્મક સાહિત્ય અને ચિંતનાત્મક લેખન પોતાના આંતરિક વિકાસ માટે પણ ઉપકારક નીવડ્યું છે. નહિતર અનાયાસે જ અનાકુલ કેવી રીતે રહેવાય ? બાળસાહિત્યનાં નાનાં-મોટાં અઢાર પુસ્તકો, જીવનચરિત્રવિષયક આઠ ઉપરાંત પત્રકારત્વ, વાર્તા, વિવેચન, અનુવાદ ને સંપાદિત પુસ્તકો – સાતત્યભર્યું લેખન, પ્રવાસો ને અધ્યાપન સાથે પણ સચવાયું. પંદર જેટલાં સાહિત્યિક પારિતોષિક એનાયત થયાં. પ્રભાવક ને પોષક સામગ્રી ૨જૂ કરનારા વક્તા તરીકે દેશમાં અને વિદેશમાં સંખ્યાબંધ સત્ત્વશીલ વ્યાખ્યાનો આપ્યાં. અહિંસા, શાકાહાર, જૈન તત્ત્વદર્શન, સાહિત્ય, સંસ્કૃતિ ને શિક્ષણ – એવા અનેક વિષયોનાં વ્યાખ્યાનો યથોચિત અનિવાર્ય સજ્જતા દાખવી આપ્યાં.

ડૉ. કુમારપાળ દેસાઈએ પોતાના જ વ્યક્તિત્વની અનેક પાંદડીઓને સંવાદી રૂપે વિકસાવી. સમજને વિશાળ બનાવતાં બનાવતાં જ્ઞાનને સ્પષ્ટ ને સુરેખ કરતા જવું, પ્રેમને વધુ પ્રભાવક બનાવતા જવું, લાગણીને અહં ને અજ્ઞાનની ૨જકણથી મુક્ત કરતા જવું – આ આખી પ્રક્રિયાથી, નિવૃત્તિ પછીની વિશેષ પ્રવૃત્તિથી પુષ્ટિ પામતા રહ્યા છે.

અશ્વિન દેસાઈ

તુલનાત્મક સાહિત્યના અભ્યાસી, વિવેચક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑