સુરદ્રુમ તો માત્ર માંગેલી વસ્તુ જ આપે…
કિન્તુ ‘કુમારપાળ દેસાઈ’ નામે કલ્પતરુ તો આપણા બધા કોડ પૂરા કરે !
કોણ કહે છે કે હવે કલ્પવૃક્ષો અદૃશ્ય થયાં છે ?
અરે… આપણી સમીપે જ તો છે એક એવું કલ્પતરુ કે જેની પાસેથી સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, રમતજગત, માનવકલ્યાણ, સંશોધન, વિવેચન, સંપાદન, અનુવાદ, ઇતર ભાષોમાં સર્જન, ધર્મદર્શન, સમીક્ષા, સેવાસંસ્કરણ, પ્રકાશન, સમાજોપયોગી વિભાવન, મૂલ્યલક્ષી ગ્રંથલેખન, સંચાલન, વ્યાખ્યાનપ્રસારણ, કલાવીથિકા દ્વારા કેફિયતકથન, હસ્તપ્રતવિદ્યા – રોબૉટિક્સ – પ્રૂફવાચન સમી કાર્યશિબિરોનું આયોજન, નવલકથાલેખન, દૃશ્ય-શ્રાવ્ય અધ્યાપન, સાંસ્કૃતિક ઉત્થાનનું ઊંડું સંવેદન, કથાપ્રસારણ, અધ્યાત્મચિંતન, વિવિધભાષી કૃતિઓનું આસ્વાદન, જૈન દર્શન, ગાંધીસંશોધન, શાંતિસંશોધન, કટારલેખન, ચરિત્રલેખન, પરિસંવાદન જેવાં અ…ઢ…ળ…ક માંગ્યાં ફળ મળે, એવા સાયલા વતનના રતન શ્રી કુમારપાળભાઈ દેસાઈ !
જંગમ સુરતરુ બાગ, છે જીવંત ચિંતામણિ,
છે કલંક વિનાના શશી ને તાપ વિનાના રવિ,
ગ્રંથોપજીવી, જ્ઞાનકૂંચી, સુકર્મે છે અતિરુચિ!
ધૂણી ધખાવી જેમણે વિદ્યા અને વાગયજ્ઞની.
એમના જીવનબાગમાં 5 પ્રકારનાં કલ્પવૃક્ષો ઊગે છે :
(1) જ્ઞાનની સાથે વિનય (2) સત્તાની સાથે નીતિ (3) રૂપની સાથે શીલ (4) બળની સાથે પ્રશમ અને (5) વિદ્યાની સાથે દાન.
ગઈ કાલે જ મને સ્વપ્નમાં આવ્યો શ્રેષ્ઠ યશસ્વી કામગીરી સંદર્ભે ભારત સરકાર તરફથી અપાતો ‘પદ્મશ્રી’ ખિતાબ પોતે તેની આગેવાની નીચે શ્રી કુમારપાળભાઈની વયથીયે અધિક ચંદ્રકો, પારિતોષિકો, સુવર્ણચંદ્રકો, સ્મૃતિચિહ્નો, ઍવૉર્ડ્ઝ ને ગૌરવ પુરસ્કારોની લાં…બી ફોજ !
સૌપ્રથમ તો ‘પદ્મશ્રી’ ખિતાબે આંખમાં આશ્રુસહ કહ્યું : ‘અરે… આ વિશ્વકલ્યાણના ટૉર્ચ-બેરર અને વિશ્વકોશના રાહબર શ્રી કુમારપાળભાઈ દેસાઈ સમીપે જઈને તો હું સ્વયં પુરસ્કૃત થયો છું. તેમણે માનવીય સંપદાને ઉજાગર કરવા જે અગણ્ય સર્જનો જગતને ભેટ ધર્યાં છે, તે માટે સ્વયં ગૌરવાન્વિત બન્યો છું. વિશ્વને આ વાત અવશ્ય પહોંચાડજો હોં.’ ખિતાબ કંઈ આગળ બોલે, તે પહેલાં જ તેને અનુસરતી મસમોટી ઍવૉર્ડ્ઝની ફોજમાં થયો હલ્લાબોલ ! સૌ કહેવા લાગ્યાં : ‘અમે સહુ પણ અસ્મિતાની અનુભૂતિ કરીએ છીએ, તેઓના ગૃહમંગલે પહોંચવા માટે !’ હું હજુ કંઈ સમજું-વિચારું-બોલું, તે પૂર્વે મને જે vision આવેલું, તે શનૈઃ શનૈઃ થયું અદૃશ્ય !
ઈશ્વરનેય આપણા ચૈતન્યનાં સાતે પડને રંગે, તેવા કોઈ ઇન્દ્રધનુષી માનવરત્નનું સર્જન કરવાનું મન થયું હશે, ત્યારે જ તેમણે આ ઋજુતા અને દૃઢતાની જુગલબંદી સમી પ્રતિમા રચી હશે ને શ્રી કુમારપાળભાઈની ! જેઓની ટૂંકી ને ટચ પરિચય પુસ્તિકા પણ જો મુદ્રિત થયેલાં 16 પાનાંની સર્જાઈ હોય, તો તેવા વરદાયિની સર્જકની ચારુશ્રી પ્રતિભાનું અભિવાદન કરવા માત્ર 1200 શબ્દો કઈ રીતે પર્યાપ્ત થાય ? એમ વિચારતાં એક કલ્પન આવે છે મનમાં કે :
‘વર્ણમાળામાંથી જન્મી શકે તેટલા સઘળાયે શબ્દો, જેઓ વિશેના આ લેખમાં સમાવિષ્ટ થવા દેવી શારદાને પ્રાર્થના કરી રહ્યા છે, તેઓ છે આ એકવીસમી સદીના સાહિત્યકાર શ્રી કુમારપાળભાઈ દેસાઈ !’
જેઓની સંનિધિ પ્રશસ્ત સંપદારૂપ છે, ઊર્જાતેજ પરમ ઇપ્સિત છે અને જેમની કલ્યાણમૈત્રી પામવા નવનિધિ પણ વરદાન ઝંખે છે, એવા વડીલ (છતાં આત્મીય) શ્રી કુમારપાળભાઈને જોવા-મળવા-વાંચવા-સુણવા-પામવા માટેય અભરે ભરાય, તેટલી પુણ્યરાશિ જોઈએ, એવું મને લાગ્યું છે તેઓની પ્રત્યેક મુલાકાત મધ્યે !
…ત્યારે હું પ્રાયઃ નવમા ધોરણમાં હોઈશ. ‘મે મહિનો મામાનો’ એ ન્યાયે વૅકેશનમાં મામા શ્રી સી. કે. મહેતાના ઘરે રહેવા ગઈ હતી. તેઓના ઘરે જ હું શ્રી કુમારપાળભાઈને સૌપ્રથમ વાર મળેલ. મારી પર જવાબદારી હતી, જમવા બેસે ત્યારે પીરસવાની ! મામા અને શ્રી કુમારપાળભાઈ જમવા બેઠા પણ બે કલાક પછી સમજાયું કે જમવાનું તો એક બહાનું હતું, સાચી વાનગી તેઓ વચ્ચે થતી ગોષ્ઠિ હતી ! ઓહો વિશ્વભરના વિષયોએ તે દિવસે ત્યાં બેઠક જમાવેલી. સમ્યગજ્ઞાનનું અજવાળું કેવું રૂપાળું હોય, તે પ્રથમ મને ત્યાં સમજાયેલ ! મારામાં ઊગી રહેલ સાહિત્યપ્રીતિનેય એ સંવાદો થકી નીર સીંચાયેલ !
એ સાંજે ઢળી રહેલો સૂરજ વધુ સોનેરી અને ઊગી રહેલ ચંદ્ર પણ મને વધુ ઉજ્જ્વળ લાગેલ ! દસકાઓની એ કલ્યાણમૈત્રીએ એ પછી તો અનેકાનેક પ્રકલ્પોને જન્મ આપ્યો છે, જેમાં ‘વિશ્વકોશ’નો એક ભાગ પણ તે મૈત્રીથી અભિમંત્રિત થયો છે.
સૌને જ્ઞાત છે કે તમે માત્ર ભારત કે જૈન કુળના જ નહીં, પરંતુ સમગ્ર મનુજકુળ માટે જ્ઞાનાનંદી કુમારપાળભાઈ વિદ્યા-વરદાનરૂપ બન્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, દિલ્હી સાહિત્ય અકાદમી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જેવી અગ્રગણ્ય સંસ્થાએ તેઓનો સાથ સદૈવ ચાહ્યો છે. પ્રશસ્ત એવી તેઓની સાહિત્ય સંપદાથી વૈશ્વિક પરિષદો પણ ગરિમાવંત બની છે.
‘न हि ज्ञानेन सर्दशम पवित्रम् इह विद्यते ।।’
આ સંસારમાં જ્ઞાન સમ પવિત્ર બાબત અન્ય કોઈ નથી, એ સત્યમાં શ્રદ્ધા રાખી વિદ્યાતપ આદરનાર એવા તેઓ સાથેનો એક દીર્ઘ સમયખંડ એવો આવેલો કે જ્યારે દર મહિનાના બે બુધવારની સાંજે ‘શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી’ અન્વયે હું રાજકોટથી ખાસ અમદાવાદ-વિશ્વકોશભવન પહોંચું અને સૌપ્રથમ તેઓની ચેમ્બરમાં તેમને જોઉં અને મારા હૃદય ઉપર સ્વસ્તિકનું અંકન થાય !
વક્તાને સાંભળવા જેટલી જ ઉત્કંઠા હોય સ્હેજ વ્હેલા પહોંચી તેઓના દાતૃત્વનાં ઓવારણાં લેવાનું – તેમનાં દર્શન પામવાનું અને તેમનું પ્રથમ વાક્ય સાંભળવાનું : ‘આવી ગયાં બહેન ? જરા વારમાં ઉપર જઈએ હં !’
હું એ ‘જરા વાર’માં આંખ ઊભરાય તેટલું તેમને કાર્ય કરતાં જોતી રહું, કાન છલકાઈ જાય, તેટલું તેમને સાંભળું અને પરત ફરવાના ચાર કલાકમાં ભીતર પલાંઠી વાળી તેઓની સૌમ્યતાને માણું અને પુરુષાર્થ નામના રથમાં તેમણે ક્યારેય નસીબને સારથિ નથી બનાવ્યો, એમ વિચારું !
પૂર્ણ સફળતા પામવાની પૂર્વશરત એક જ હોય છે : નિરહંકારી નેતૃત્વ.
ચોતરફની સિમેન્ટ-કૉંક્રીટની ગીચ ઝાડીઓ વચ્ચેય તેમને સ્નેહ કઈ રીતે કરવો, તેની નાનકડી કેડી મળી ગઈ છે : ‘કોઈના પ્રત્યે દ્વેષ નહીં ને આપણા પૂરતો પ્રેમ નહીં.’ એ જ કેડી ઉપર તેઓનાં સહધર્મચારિણી પ્રતિમાબહેન પણ જીવનરાહમાં આવતાં પ્રત્યેક ફૂલ સાથેની દોસ્તી પાક્કી કરી લીધી છે! તેમને મળીએ ને કાંચળી ઊતરી જાય, તેવા દર્પણ સમાં !
મને ઘણી વાર થાય કે શું તેઓનાં ફૈબા કદાચ અવધિજ્ઞાની હશે કે વય ગમે તેવી પાળ બાંધવાનું વિચારે પણ આ વાઙમયી બાળ સદાકાળ કુમાર જ રહેનાર છે, એવી તેઓને પહેલેથી જ ક્વચિત્ જાણ થઈ ગઈ હશે ? પ્રકૃતિથી સાત્વિક અને ક્યારેય સ્વસ્થતા કે સૌજન્ય ન ગુમાવનાર તેમને એક વધુ કલા સુલભ છે – વિરોધીઓનેય મિત્ર બનાવવાની ! નહીંતર અંગ્રેજીનાં 13, હિન્દી તથા ગુજરાતી ભાષાનાં અગણ્ય ગ્રંથોના આલેખક, પત્રકાર, કેળવણીકાર, અદભુત વાકછટા ધરાવનાર વક્તા, ગઝલકાર વગેરે તરીકે કઈ રીતે તેઓ દરેકના માનીતા બની શકે ?
આપણને સૌને રોજ 24 કલાક મળે છે, પરંતુ સરસ્વતીદેવી એમને તો તેની સોનામહોરો બનાવીને આપે છે.
તત્વચિંતક શ્રી શશીકાંતભાઈ મહેતાએ એકદા શ્રી કુમારપાળભાઈને મળ્યા પછી કહ્યું હતું :
‘I just need such 100 saints in safari. બસ, તે પછી જૈનશાસનની કોઈ ફિકર નથી ! હવે ફકત 99 શોધવાના રહ્યા. ગુજરાતની અસ્મિતામાં વૃદ્ધિ કરનાર 18 દેશોના રાજા કુમારપાળની જેમ જ આ બીજા કુમારપાળનાં જ્ઞાનરત્નોથી ગુજરાત આજે ફરીથી સમૃદ્ધ ને ધન્ય બન્યું છે, કેમ કે તેઓ સ્વયં જાણે એક શ્રુતપ્રસાર કેન્દ્ર સમા છે !’
મારાં પૂજ્ય મમ્મીજીની 85 વર્ષની પૂર્ણાહુતિએ અમોએ ‘માતૃપર્વ’ ઊજવેલ. તે માટે અમારાં પરમપ્રિય શ્રી પ્રતિમાબહેન સંગે પોતાની જ કારમાં તેઓ અમદાવાદથી વડોદરા આવ્યા, ઉત્તમ શૈલીમાં અદભુત વ્યાખ્યાનવાણી પીરસી, તદઉપરાંત થોડા જ દિવસ પશ્ચાત્ ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં તે વિષયક બૃહદ્ લેખ લખીને અમને આનંદાશ્ચર્યભરી ગરિમામાં તરબોળ પણ કરી દીધાં ! આટલા મોટા ગજાના સાહિત્યકારની આ લાઘવતાએ અમ સૌનું મન મોહી લીધું !
વળી પરમ પૂજ્ય પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજસાહેબ હસ્તલિખિત 224 રોજનીશીઓમાંથી રાજકોટમાં બની રહેલ 68 ગ્રંથોની ગ્રંથશ્રેણી ‘હસ્તાક્ષરનું અક્ષયપાત્ર’ વિશેય તેઓશ્રીએ જે રીતે ‘ગુજરાત સમાચાર’ વર્તમાનપત્રનું આખું આખું પાનું ભરીને બે બે વાર અભ્યાસપૂર્ણ લેખ મુદ્રિત કરાવ્યા, તે તો કાબિલેદાદ છે ! પ્રથમ લેખ છપાયો, ત્યારે જ ગળગળા સ્વરે પ્રભુનો આભાર માનતાં મેં કહેલુઃ ‘પ્રભો ! આ જીવનમાં અમારી મુલાકાતનો જે મણિકાંચનયોગ તમે ઉદયમાં લાવ્યા છો, તે સિલસિલો મોક્ષપર્યંત આમ જ અતૂટ રાખજો !’
ભારતના વડાપ્રધાનનાં હસ્તે પામેલ જૈનરત્ન ઍવૉર્ડ, રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે પદ્મશ્રીનો ખિતાબ તથા હાલ બ્રિટનમાં વિશ્વનો સર્વોચ્ચ એવો ‘અહિંસા ઍવૉર્ડ’ મેળવનાર આ કર્મઠ એવં બહુશ્રુત વિદ્વાનમાં વિદ્વત્તા સાથે સાયુજ્ય જળવાયું છે શાલીનતા, સુજનતા, ઋજુતા અને વિનમ્રતાનું. વળી આટલાં પદ-પ્રતિષ્ઠા પામવા છતાં તેઓ ક્ષત-વિક્ષત થયા નથી, તેના કારણરૂપ છે તેઓની પરમ સરળતા અને સાહિત્યસર્જન માટેની સંનિષ્ઠા ! શ્રી ધીરુભાઈ ઠાકરે સાચ્ચું જ કહ્યું છે કેઃ
‘વણિકજન ધન સાચવી અને પચાવી જાણે, પણ આ વરિષ્ઠ વણિકજને તો સિદ્ધિઓને પણ પચાવી જાણી છે.’
તેઓના પરિશ્રમલાધ્ય મહાપુરુષાર્થથી હવે એટલું તો આપણને સમજાઈ જ જવું રહ્યું કેઃ જેમ સુવર્ણથાળમાં ધૂળ ભરવી, અમૃતજલથી પગ ધોવા, ઐરાવણ હસ્તિ સમીપે કાષ્ઠ ઉપડાવવા અને ચિંતામણિ રત્નથી જેમ કાગડા ઉડાડવા એ મૂર્ખતા છે, તેમ મનુષ્યજન્મનો ઉપયોગ વિષયોની તૃપ્તિ માટે જ કરવો, તે નરી બાલિશતા છે.
તેઓની દીર્ઘ અને સત્વશીલ સર્જનયાત્રા એવં વ્યક્તિત્વનો અંશતઃ જ પરિચય છે આ તો ! બે સીમિત વચ્ચેનો સંબંધ એ આસક્તિ છે, કિન્તુ બે અસીમ વચ્ચેનો સંબંધ છે ભક્તિ ! પોતાના અસ્તિત્વમાં ઠરીને અસીમ અ-ક્ષર આરાધના સાથેની ભક્તિ અને શ્રી કુમારપાળભાઈના સાયુજ્ય સંબંધ અમર તપો, કેમ કે તેમની જીવન ઉપાસનાના પ્રથમથી અંતિમ પગથિયે છે માત્ર સત્ય અને સત્યની અમર્ત્યતા અંગે નિઃશંક જ છીએ !
એમ થાય છે કે શ્રી કુમારપાળભાઈની પ્રૌઢ કલમ અને યુવા બાનીભર્યા જ્ઞાનયજ્ઞમાં આપણે જીવનભર પ્રશાંત રહી સુશ્રવણનાં સમિધ અર્પતાં જ રહીએ. એક અકિંચન કલમજીવી પિતાના ગુણાનુરાગી પનોતા પુત્રને નિરામય શતાયુનું મળે વરદાન, એવી પ્રાર્થના સાથે વિરમું છું.
ભારતી દીપક મહેતા
જૈન ધર્મના ઊંડા અભ્યાસી, લેખિકા, ઉત્તમ વક્તા, સંશોધક