પ્રસન્નતાની સાધના

કુમારપાળભાઈનું આગવું વ્યક્તિત્વ સૌને આકર્ષે તેવુ છે.

શ્રી કુમારપાળભાઈને રાષ્ટ્રીયતા અને આધ્યાત્મિકભૂમિનો વારસો મળ્યો છે જે તેમણે દીપાવ્યો છે.

માત-પિતાનો વારસો પણ તેમણે દીપાવ્યો. તેમના પિતાની શીખ બરાબર ધ્યાનપૂર્વક અમલમાં મૂકવા પ્રયાસ કર્યો છે.

પિતાનો સાહિત્ય-વારસો પણ આગળ ધપાવ્યો છે. પિતા કરતાં પુત્ર આગળ વધે એવી દરેકની ઇચ્છા હોય છે અને એ રીતે જોઈએ તો સાહિત્યના ક્ષેત્રે તેઓએ ઘણી પ્રગતિ સાધી છે.

તેમને મિત્ર તરીકે માણવા એ એક લહાવો છે. તેમની વિચારધારામાં તેમનું હકારાત્મક વલણ એ નોંધનીય પાસું છે. તેમના એ અભિગમથી દરેકને સંતોષ મળે છે. જ્યારે કોઈ પણ કામ માટે બોલાવીએ ત્યારે આવવા માટેની અનુકૂળતા કરવાનું જ તેમનું વલણ રહે છે. બીજા કાર્યક્રમમાં રોકાયેલા હોય તોપણ આપણી અનુકૂળતાનો વિચાર કરી તેનો રસ્તોકાઢવા પ્રયત્ન કરે છે. મને અંગત રીતે એવો અનુભવ છે કે સી.એન.ના છાત્રાલયના નાના કાર્યક્રમમાં પણ હંમેશાંં સમય ફાળવવાનો તેમનો અભિગમ રહ્યો છે. ઇન્દુબહેનની સંસ્થા પ્રત્યેના આદરના કારણે કે મારા પ્રત્યેના અંગત સ્નેહના કારણે હું જરૂર પડે ત્યારે તેમને મેળવી શકું છું તેનો આનંદ છે. મારા પ્રત્યે આદર રાખે છે તેનું મને ગૌરવ છે.

‘આકાશની ઓળખ’, ‘ઈંટ અને ઇમારત’, ‘પારિજાતનો પરિસંવાદ’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘પાંદડું અને પિરામિડ’ વગેરે કૉલમ દૈનિક પત્રોમાં નિયમિત લખે છે. ભાગ્યે જ કોઈ લેખક આટલી બધી કૉલમ લખતું હશે. તેમનાં આટલાં બધાં રોકાણ – ભાષાસાહિત્ય ભવન, આર્ટ્ સ ફૅકલ્ટી, વિશ્વકોશ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી વગેરે અનેક જવાબદારીઓ વચ્ચે નિયમિત આટલી બધી કૉલમ માટે તે ક્યાંથી સમય મેળવી શકતા હશે તે પ્રશ્ન થાય તેમ છે.

તેમને જ્યારે જોઈએ ત્યારે પ્રસન્ન ચિત્ત સાથે હસતા દેખાય, કદાચ પ્રસન્ન રહેવાની કળા સાધ્ય કરવાને કારણે જ તે આટલું બધું કામ કરી શકતા હશે.

સમાજોપયોગી કામો અને સૌને શક્ય તેટલા ઉપયોગી થવાનું તેમનું વલણ તેમના વ્યક્તિત્વને સમૃદ્ધ બનાવતું રહે છે. હજુ ઉંમર નાની છે, ઘણું લખતા રહેશે, વક્તવ્યો દ્વારા કહેતા રહેશે અને નવી પેઢીને સંસ્કાર અને આધ્યાત્મિકતાના સુંદર વિચારો મળતા રહેશે.

તેમને પદ્મશ્રીનો ઍવૉર્ડ યથાર્થ રીતે ભારત સરકાર દ્વારા મળ્યો છે. પદ્મવિભૂષણનો ભવિષ્યમાં મળે તેવી શુભેચ્છા.

સૌભાગ્યચંદ શાહ

પૂર્વ નિયામક, સી.એન. વિદ્યાવિહાર, અમદાવાદ, જાણીતા શિક્ષણવિદ્

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑