અનેકવિધ ક્ષેત્રોમાં અધિકારપૂર્વક વિહરતું એક પ્રસન્ન વ્યક્તિત્વ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. અનેક લોકો જેમની સાથેના વ્યવહારમાં સાક્ષાત્ સુજનતા અને શાલીનતા અનુભવે છે એ ડૉ. કુમારપાળ દેસાઈ. એક તરફ સાહિત્યસર્જન, સંશોધન, મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ, સ્પોર્ટ્સ તથા જૈનદર્શનના વિશ્વવ્યાપક પ્રસારમાં પ્રગટ થતી એમની સક્ષમ કલમ અને સચોટ વાણી, તો બીજી બાજુ અનેકસંસ્થાઓનાં કાર્યોમાં પ્રાણસિંચન અને સામાજિક કાર્યોમાં પણ એટલી સક્રિયતા – આ કુમારપાળ દેસાઈના બહુઆયામી વ્યક્તિત્વની ખૂબીઓ છે.
ડૉ. કુમારપાળ દેસાઈને 2004માં ‘પદ્મશ્રી’ મળ્યો ત્યારે કે પછી હમણાં 2022માં બ્રિટનની પાર્લમેન્ટના વિલ્સન હૉલમાં બ્રિટનના મિનિસ્ટર બેરોનેસ સ્કોટ દ્વારા એમને ‘અહિંસા ઍવૉર્ડ’અર્પણ થયો ત્યારે – કે જે ઍવૉર્ડ અગાઉ નેલ્સન મંડેલા, દલાઈ લામા અને આચાર્ય મહાપ્રજ્ઞ જેવી વ્યક્તિઓને અપાયેલો છે – મારા અભિનંદનના પ્રત્યુત્તરમાં એમના મુખ પર ફરક્યું હળવું સ્મિત – મૃદુ, મધુર અને માપસરનું. હા,ચહેરા પર લીંપાયેલો નરવો સંતોષ એમના ઊંડા આનંદની સાખ પૂરતો હતો. પણ પછી એ વિશે વધારે કોઈ વાત/ચર્ચા નહીં. પ્રશંસાના બદલામાં હળવું સ્મિત આપી તરત બીજી વાત પર આવી જાય,“મેં જિંદગીમાં એક મિનિટનોય સમય ન બગડે એની હંમેશાં કાળજી રાખી છે.” એ વાત ફરી યાદ કરાવે!કહી શકાય કે ‘સમતા’ એમના જીવનનું એક નોંધપાત્ર પાસું છે.
ડૉ. કુમારપાળને બાળપણથી જ આ સંસ્કાર મળ્યા છે. એક તરફ સંસ્કારી માતા જયાબહેને ‘તું જે ધારીશ એ કરીશ' જેવી અદ્ભુત જીવનશીખ એમનામાં રેડ્યા કરી અને સાહિત્યકાર પિતા જયભિખ્ખુએ ‘અગરબત્તી સમ જીવન જીવવાની’ સંદેશસુવાસ પ્રસરાવી. પોતાનાં માતા પ્રત્યેનો એમનો અહોભાવ એમની વાતોમાં અનેકવાર પ્રગટ થાય છે. આમાંથી અનેક દિશાઓમાં છવાઈ જતું, આકાશને આંબવાનું પોતાનું સપનું એમને જડ્યું, પોતાના સાહિત્ય દ્વારા સતત જીવનમૂલ્યોની સમીપ રહેવાની ધખના એમનામાં પ્રગટી. એમના સતત અને સખત પરિશ્રમભર્યા આકરા પથ પર પત્ની પ્રતિમાબહેન શીળો-હૂંફાળો સથવારો બની રહ્યાં છે.
આવા ઉમદા સંસ્કારના પાયા પર ઇમારત રચી આપી છે એમની કલમે, એમની મૂલ્યલક્ષી જીવનદૃષ્ટિએ અને આ બધાં સાથે જડાયેલા તેમના અખૂટ પુરુષાર્થે. મૂલ્યો સાથેની નિસબતને કારણે એમને સતત એવાં પાત્રો જડતાં ગયાં કે જેનું જીવન જનમાનસ પર અસરકારક સાબિત થાય. એમની રસભરી શૈલીમાં કંડારાયેલાં હજારો પાત્રો-ચરિત્રોના જીવનપ્રસંગ ઘણા મર્મીલા અને ઊજળા છે. એમના પરિચય સંદર્ભે યાદ કરું તો વર્ષ 1997-98ની વાત.
‘સંસ્કારભારતી’ સંસ્થા સાથે હું જોડાઈ. સાહિત્યના નામે હજી હું ક્યારેક કશુંક લખતી અને એઅખંડ આનંદ’માં આવતું, એટલું જ. સાહિત્યના કામને, લેખનના કામને કેટલી ઝીણવટથીઅને કેટલા ઊંડાણથી લેવું એ હું એમની પાસેથી શીખી. સંદર્ભો શોધવામાં એમની દૃષ્ટિ અને ખાંખત મારા માટે દીવાદાંડીરૂપ બની ગયા.
માતા-પિતા તરફથી સંસ્કાર અને સંસ્કૃતિનાં જે જે તત્ત્વો એમને પ્રાપ્ત થયાં એ બધાંને એમણે આત્મસાત્ કર્યાં. પોતાની કુનેહથી એમાં વધારો કર્યો. એમના સ્વભાવમાં રહેલું સૌજન્ય એમના સંપર્કમાં આવનારને સ્પર્શ્યું ન હોય એવું ન બને. મતમતાંતર હોય તોપણ એમની વાત કરવાની રીતમાં કોઈ બદલાવ ન આવે.
એમનો એક બીજો ગુણ છે, લોકોને માફ કરી દેવાનો. ભૂલ થઈ હોય તો કહે ખરા, પણ પછી મનમાં કાંઈ નહીં. બીજીવાર મળીએ ત્યારે કરવાનાં કામોની આલબેલ લઈને જ મળે. આગલી ભૂલ વિશે ઇશારો સુધ્ધાં નહીં. તો એમની લોકોને મદદ કરવાની વૃત્તિ પણ નોંધનીય. કોઈ વ્યક્તિ કોઈ કામ લઈને જાય અને એ નિરાશ થઈને પાછી આવી હોય એવું કદાચ નહીં બન્યું હોય. એટલે જ એમને ‘સેવાકાર્યો’માં ખૂબ રસ છે. વળી એમની પાસે અનેક નવા વિચારો હોય, એને અમલમાં મૂકવાના સંદર્ભો પણ તેઓ જ આપે.
તેઓ બાહ્યદેખાવ માટે એટલા જ સભાન. વાત ચાહે કપડાંની હોય કે માથાના વાળની. વ્યવસ્થા એમના વ્યક્તિત્વનો ભાગ. એટલે જ આટલું અઢળક કામ કરવા છતાંય એમને કદી ઉજાગરા નથી કરવા પડ્યા. એમના મુખે જ સાંભળ્યું છે,‘ઊંઘ તો પૂરી લેવાની જ.’
બાંધો મધ્યમ અને ઊંચાઈ સરસ. ક્યારેય શરીર વધેલું કે ઘટેલું ન જોવા મળે. એમાંયે સુચારુતા. એમની તબિયત સદાય ચકાચક રહી છે અને એ એમ જ રહે એ માટે તેઓ લૅબોરેટરી અને ડૉક્ટરો પાસે નિરીક્ષણ- પરીક્ષણ થતું રહે જેથી ક્યાંય કશુંય એના નિયમમાંથી ખસ્યું કે એને વ્યવસ્થિત કરી દેવાય. કોરોનામાં સપડાયા પછી એના પરિણામરૂપે ડાયાબિટીસે દેખા દીધી પણ એમણે એને ન જ સ્વીકાર્યો અને ઉપેક્ષા પામેલો મહેમાન ભાગી ગયો! આનેય એક સિદ્ધિ માનવી જ પડે!
સંગીતનો એમને જરાય શોખ નહીં હોય એમ હું માનતી હતી, પણ સૂફી સંગીતમાં એમનું ડોલતું માથું અને તાલ આપતી આંગળીઓ જોઈને લાગ્યું કે આ પાસું પણ સાવ ખાલી નથી.
ડૉ. કુમારપાળ દેસાઈએ ચરિત્રલેખન, પત્રકારત્વ,નવલિકા, નવલકથા,વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદન, બાળસાહિત્ય જેવાં જુદાં જુદાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. એમનાં પ્રકાશિત થયેલાં પુસ્તકોની સંખ્યા લગભગ 150થી વધુ. ગુજરાતીમાં જ નહિ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ એમનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયાં છે.
ગુજરાતી સાહિત્ય, જૈનદર્શનની સાથે સાથે ૨મતગમત, ખાસ કરીને ક્રિકેટ એમનું અધિકૃત ક્ષેત્ર છે. પોતાના લેખનના વિષયો પર એમણે એક સમૃદ્ધ લાઇબ્રેરી વસાવી છે. એમને વિગતની પ્રમાણભૂતતા કે ટૅકનિકલ બાબતમાં કોઈ પડકારી ન શકે એવું માહિતી-સામ્રાજ્ય એમણે ઊભું કર્યું છે. સાહિત્યના પલ્લા કરતાં જ્ઞાનના પલ્લાને નમતું રાખનાર કુમારપાળ દેસાઈ પોતાના કૉલમ ‘ઈંટ અને ઇમારતમાં’ચરિત્રોને શબ્દોના ભરપૂર લાડ લડાવે છે. ‘ક્ષણોનો સાક્ષાત્કાર’ કૉલમ લખનારા કુમારપાળ દેસાઈક્ષણોને મોતીની જેમ સાચવે.
તેઓ અતિ કુશળ વહીવટી છે એ જગજાહેર છે. આટઆટલી સંસ્થાઓ સંભાળવી એ બહુ કપરું છે. પરંતુ તેઓ દરેક ક્ષેત્રે સફળતાથી આગળ ધપ્યે જાય છે. લોકો કહે છે,‘માથા પર બરફ રાખીને કામ કરવું’ એનું તાદૃશ્ય ઉદાહરણ ડૉ. કુમારપાળ દેસાઈ. એટલે જ કેટકેટલી સાહિત્યસેવી અને સેવાકાર્યો કરતી સંસ્થાઓમાં એમની નિસબતનું ઊજળું પરિણામ દેખાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું ઉપાધ્યક્ષપદ એમણે સંભાળ્યું અને સંસ્થાને અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમતી કરી દીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફૅકલ્ટીના ડીન તરીકે એમણે સંસ્થાના અનેક કાર્યકરો ઉપરાંત જુદી જુદી ભાષાઓના શિક્ષણ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા હતા.
અઢળક ક્ષેત્રોમાં એમણે કામ કર્યું છે, અઢળક પુસ્તકો લખ્યાં છે અને અસંખ્ય પ્રવચનો…. તેઓ યાદ રહેશે વિશ્વકોશથી…. વિશ્વકોશ શ્રી ધીરુભાઈ ઠાકરનું સ્વપ્ન અને સર્જન પણ. એમણે એ સુકાન ડૉ. કુમારપાળ દેસાઈને સોંપ્યું અને એમણે વિશ્વકોશ સંસ્થાને આકાશી ઊંચાઈએ મૂકી દીધી. માત્ર તેર લાખની મૂડીના સહારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રોજેક્ટના શ્રીગણેશ કરવા અને સંસ્થાને એક નવા વિશાળ ભવનમાં લઈ જવી તથા આટલાગ્રંથોના પ્રકાશન ઉપરાંત એને પ્રવૃત્તિઓનું પાટનગર બનાવવી; એ આખીય યાત્રાની વાત સંસ્થા ચલાવતા અને એને વેગવાન બનાવવા મથતા લોકોએ કુમારપાળ દેસાઈના શબ્દોમાં સાંભળવી પડે. અનેકાનેક કોશો, પુસ્તકો અને પ્રવૃત્તિઓની પરંપરાએ આજે ગુજરાતમાં વિશ્વકોશને સાહિત્યની નંબર વન સંસ્થા બનાવી દીધી છે. કાર્યક્રમોની વણઝાર છતાં દરેક કાર્યક્રમનું આયોજન અત્યંત સફાઈદાર અને ચીવટવાળું !
સમય સાથે તાલ મિલાવવા ગુજરાત વિશ્વકોશના તમામ ખંડો હવે આંગળીના ટેરવે આવી ગયા છે. 24000 લેખો ધરાવતાં 26000 પૃષ્ઠો આંખના પલકારે મોબાઇલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન પર ઉપલબ્ધ છે. વિશ્વભરમાંથી દર મહિને દોઢ લાખથી વધુ લોકો એનો લાભ લે છે. વિશ્વકોશ સંસ્થા દ્વારા બાર જેટલાઍવૉર્ડ્ઝ, દસ જેટલી વ્યાખ્યાનશ્રેણી, છ જેટલી ગ્રંથશ્રેણી અને સંતકોશ, બૃહદ નાટ્યકોશ જેવા નવા કોશો તૈયાર થઈ રહ્યા છે. બાળવિશ્વકોશ બ્રેઇલ લિપિમાં પણ ઉપલબ્ધ છે ! નિયમિત રીતે યોજાતી રહેતી અનેક કાર્યશિબિરો આ સંસ્થાને તારકની જેમ ઝળહળાવે છે. આજે વિશ્વકોશભવન કલાવીથિકા, અદ્યતન સાધનોથી સજ્જ સ્ટુડિયો અને કાર્યક્રમો માટે વિશાળ ત્રણ ત્રણ હૉલથી સજ્જ છે. આ ઉપરાંત એક નવા રિસર્ચ સેન્ટરની તૈયારી થઈ રહી છે.
ડૉ. કુમારપાળ દેસાઈની આગેવાની હેઠળ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની ક્ષિતિજો વિસ્તરતી જ જાય છે. વિખ્યાત સંસ્થા ગુજરાતી લૅક્સિકને વિશ્વકોશ સાથે હાથ મિલાવી લીધા છે. વિશ્વકોશ તરફથી ત્રણ સામયિકો પ્રકાશિત થાય છે. ‘વિશ્વવિહાર’ નામે સામયિક વર્ષોથી નિયમિત પ્રગટ થાય છે,જે હવે ઓડિયો સ્વરૂપે પણ ઉપલબ્ધ છે.‘ગુર્જરી ડાયજેસ્ટ’નું સુકાન પણ ડૉ. કુમારપાળ દેસાઈના હાથમાં છે અને શ્રી ધીરુબહેન પટેલના સ્વપ્નને પૂરું કરવા માત્ર સ્ત્રીસર્જકો દ્વારા જ તૈયાર થતું સામયિક ‘વિશ્વા’ પણ હવે વિશ્વકોશ દ્વારા પ્રકાશિત થાય છે. આ ઉપરાંત ‘બુદ્ધિપ્રકાશ’ના તેઓ તંત્રી છે.
આટઆટલી સંસ્થાઓના વહીવટ, આટઆટલાંકૉલમોનું લેખન, વિશાળ સંખ્યામાં પુસ્તકોનું લેખન, જૈનદર્શનનાં આધ્યાત્મિક પ્રવચનો, પ્રવાસો અને છતાંય એક સુચારુરૂપે બધું ચાલ્યા કરે. એમના મુખ પર અકળામણ, ઉચાટ કે ચિંતાની રેખા ક્યારેય કોઈને જોવા મળી નહીં હોય! આટલી સ્વસ્થતા ક્યાંથી આવે છે, એવા સવાલના જવાબમાં મળે બસ એક શાંત સ્મિત અને માતા જયાબહેનનું સ્મરણ. ‘મારી મા કહેતી હતી….’ એમની સફળતાનાં ને સ્વસ્થતાનાં તમામ રહસ્યોની ચાવી જાણે અહીં સંતાયેલી મળે!
એમની પાસે નવા વિચારની ખોટ નહીં. કોઈપણ કામ લઈને વાત કરો તો એને કેમ વધારે વિકસાવવું એના વિચાર એ આપે જ. માતૃભાષા યુનિવર્સિટી હોવી જોઈએ એવો ઉત્તમ વિચાર એમણે આપ્યો એવું શ્રી રતિલાલભાઈ બોરીસાગરે એક કાર્યક્રમમાં કહેલું. મારી વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’ને વધારે સારી કેમ બનાવવી એ વિશે એમણે સલાહ આપેલી. એકલહાથે હું કામ કરતી હોવાથી એમાં પહોંચાયું નથી એ જુદી વાત.
તેઓ ઉત્તમ વક્તા છે. એ મુદ્દો ચૂકી ન શકાય. કદીયે તૈયારી વગર માઇક પાસે જાય નહીં અને વિશ્વકોશના કાર્યક્રમોમાં વિષયોનું વૈવિધ્ય બહોળું. વિશ્વકોશ જ નહીં, અનેક જગ્યાએ એમને જવાનું હોય અને જ્યાં જાય ત્યાં વક્તવ્ય આપવાનું જ હોય. એમના દરેક વકતવ્યમાં જબરું ઊંડાણ અને માહિતીનો ભંડાર. આટઆટલાં કામો વચ્ચે તેઓ ક્યારે પ્રવચનોની આટલી ઊંડી તૈયારી કરતાહશે,એ વિશે અચંબિત થઈ જવાય, કેમ કે એમનાં પ્રવચનોમાં ક્યાંય ઉપરછલ્લી વાત ન હોય !
‘સમયસર’,‘નિયમસર’,‘વ્યવસ્થિત’ અને ‘આયોજનબદ્ધ’ – આ ચાર એમના મંત્રો હશે એમ મને લાગે. સમય જાણે એમના તાબામાં છે. નિયમ એમનો શ્વાસ છે. વ્યવસ્થા એમના લોહીમાં વહે છે અને આયોજન એમને વરેલું છે. ‘ચાલશે’ શબ્દ એમના શબ્દકોશમાં નથી. આખા વિશ્વકોશ પર એમની અસર દેખાય. એક જ મંત્ર,કામ,કામ અને કામ સિવાય બીજી કોઈ વાત નહીં. એટલે જ વિશ્વકોશના કાર્યક્રમો એક નમૂનેદાર કાર્યક્રમો બની રહે છે. એકેએક વ્યક્તિ પોતાની જવાબદારીમાંથી ક્યાંય કથળે નહીં ! એનું એક કારણ મને એય વરતાય છે કે દરેક, નાનામાં નાની વ્યક્તિની ઝીણી ઝીણી કાળજી લેતા એમને બહુ સારું આવડે છે.
મિથુન રાશિના લોકોમાં વાયુતત્ત્વ પ્રધાન હોય છે. આ એનું પરિણામ હશે ! આકાશ એમને પ્રિય છે;પોતાનાં કાર્યોમાં અને કાર્યો દ્વારા વ્યાપી જવું એમનો સ્વભાવ. આકાશનું ઊંડાણ અને વ્યાપને એમણે પોતાના વ્યક્તિત્વમાં ભરી દીધાં છે. એમના સમયપત્રકમાં નવરાશની પળો કે ‘રવિવાર’ શોધ્યાં ન જડે.
મેં એમને પૂછ્યું,‘આટલાં બધાં કામોમાંથી એવાં કયાં કામો, જેમાં તમે પૂર્ણ સંતોષની લાગણી અનુભવી હોય?” તરત જવાબ મળ્યો, “સંતોષ બધામાં. આનંદની લાગણી મનમાં ભરેલી રહે.હા, સેવાનાં કામો વધારે સંતોષ અને આનંદ આપે એ ખરું.
કોઈને મદદરૂપ થવાનું મન હંમેશાં રહે.” ફોન પર પુછાયેલા મારા સવાલના આ જવાબમાં એક સેકંડનીયે વાર નહોતી લાગી. મને એમ હતું કે જરાક વિચારીને કહેશે પણ ના,એવું ન થયું!
હંમેશાં એમ લાગે કે કુમારપાળ દેસાઈ સતત પોતાની સાથે જ સ્પર્ધામાં છે. આજે જે કર્યું અથવા જે કામ કર્યું એના કરતાં વધારે સારું કેમ કરવું એ એમની યાત્રાનો પથ.
એક ઊંચાઈએ માનવી પહોંચે પછી એના મિત્રો છૂટી જાય છે, દરેક સંબંધ એક અંતર જાળવીને જીવ્યા કરતો હોય છે. કામને લીધે સમયની શિસ્ત એને એવી જકડાઈને રહે છે કે એને ભેદીને કોઈને આવવું અઘરું બને. એના કારણે પેદા થતું એકાંત એને કામની વધુ સુવિધા તો આપે જ, એકલતા પણ બક્ષે…. એવું ડૉ. કુમારપાળ દેસાઈ સાથે થયું હોઈ શકે.
પોતાના દરેક કામને પૂરતી પ્રાથમિકતા આપી, એમાં પોતાની પૂરી શક્તિ રેડી દેવી અને એમ જ કોઈને મદદરૂપ થવામાં પળનીયે વાર ન લગાડવી એ જેમનો જીવનગુણ અને જીવનધર્મ રહ્યો છે.
લતા હિરાણી
કવયિત્રી, વાર્તાકાર અને વિશ્વા સામયિકનાં સંપાદક