આશ્ચર્ય : લેખકનો દીકરો લેખક ?

લેખકનો દીકરો લેખક થાય એ ઘટના જ નવાઈ ભરેલી ગણાય. અત્યાર સુધીના સાહિત્યકારોના ઇતિહાસનું વિશ્લેષણ કરવામાં આવે તો માંડ પાંચ-સાત ઉદાહરણ મળે. એમાંના એક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ છે, એમ કહી શકાય.

આમ તો બાપ કરતાં બેટો સવાયો છે. તેમની લેખક તરીકેની યાત્રા અગિયાર-બાર વરસની ઉંમરથી આરંભીને આજ સુધી અવિરત રહી છે. એ તો ઠીક છે, પણ છેક ભારત સરકારના પદ્મશ્રી ઍવૉર્ડ સુધી પોતે પહોંચ્યા છે. આ ઉત્કૃષ્ટ ઍવૉર્ડ મેળવ્યો એની પહેલાં એમણે બીજા સંખ્યાબંધ ઍવૉર્ડ મેળવ્યા છે.

વણિકજ્ઞાતિનો કુળદીપક હોય એટલે સ્વાભાવિક રીતે ધનનો સંચય કરતો હોય, પણ આ તો મેડલ અને ઍવૉર્ડોનો સંચય કર્યા કર્યો છે !

સૌથી અગત્યની વાત તો એ કે પિતાની કૉલમને એમણે જાળવી રાખી. ‘ઈંટ અને ઇમારત’ સિત્તેર વર્ષથી ‘ગુજરાત સમાચાર’માં નિયમિત પ્રગટ થાય છે અને એનું આકર્ષણ આજે પણ એટલું જ છે. એક સમય એવો હતો કે દીક્ષા પછી અમને પેપર વાંચવા મળતું નહીં, પણ ‘ઈંટ અને ઇમારત’ જેવી બે-ત્રણ કૉલમો વાંચવા મળતી હતી.

કુમારપાળભાઈ જ્યારે પણ મળે, ત્યારે એમની સાથે થયેલા વાર્તાલાપનો ‘ચેપ’ હંમેશાં લાગે. એમની વાતો જ એવી હોય, આપણે વાગોળવી જ પડે. વારંવાર આપણા મગજમાં ચકરાયા કરતી રહે ! એમને વિદેશપ્રવાસ ખાસ્સા કરવાના હોય છે. કદાચ અગાઉ બાર મહિનામાં ચાર-છ મહિના તો વિદેશમાં ગાળતા હશે, પણ હા, વિદેશમાં કંઈ એ ફરવા માટે જતા નથી કે બિઝનેસ ટૂર માટે પણ જતા નથી.

એમને વિદેશમાં જવાનું મુખ્ય કાર્ય એ છે કે વિદેશમાં ત્યાંના માણસોને ધર્મ સમજાવવાનો હોય છે. મારી એક વિચારધારા એવી છે કે વિદેશમાં પણ જે ધાર્મિક છે, એની ધાર્મિકતાનું પ્રમાણ એટલે કે એની ધાર્મિક માન્યતા વિશેષ દૃઢ હોય છે. કેટલાંક એવાં ઉદાહરણોએ આવો નિશ્ચય કરાવેલો છે, પણ એ લોકોની ધાર્મિક દૃઢતાના પાયામાં આવા સુજ્ઞ વિદ્વાનોનાં પ્રવચનો પણ કામ કરતાં હોય છે.

વરસો પહેલાં પાલિતાણામાં પૂ. ગુરુદેવ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા બિરાજમાન હતા. એમને વંદન કરવા માટે તેઓશ્રી આવ્યા હતા. પૂ. ગુરુદેવે એમને પૂછેલું, ‘હમણાં વિશેષ પ્રવૃત્તિ શી ચાલે છે ?’ અને પછી એમની પ્રવૃત્તિની વાતો ચાલુ થાય. આપણે જાણે સાંભળ્યા જ કરીએ. આમાં બે કારણો ભેગાં ભળતાં હોય છે. એક તો રસિકતા અને બીજી વાત હોય છે ભાવુકતાની !

એમની વાત આપણને ભાવુક બનાવી જ દે. એમાં માત્ર શબ્દાલંકાર જ ના હોય, પણ ભાવ-સંવેદના પણ હોય.
એનો સૌથી સરસ અનુભવ તો અમને ત્યારે થયેલો કે જ્યારે કલિકુંડ તીર્થમાં અખિલ જૈન પત્રકારપરિષદ મળેલી.

એના પાયામાં શ્રેયાંસભાઈ (ગુજરાત સમાચાર), રાજેન્દ્રભાઈ શેઠ વગેરે હતા. એમણે પૂજ્ય ગુરુદેવ કલિકુંડ તીર્થોદ્ધારક શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજને વાત કરી કે અખિલ જૈન પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ અને એનું વ્યવસ્થિત સંગઠન થાય તો સારું. ગુરુદેવે વાત કરેલી કે પત્રકાર પરિષદ કરી શકાય, પણ બુદ્ધિશાળી માણસોનાં સંગઠનો જામતાં નથી, છતાં પ્રયાસ કરવામાં વાંધો ન હોઈ શકે.

કલિકુંડ તીર્થમાં ત્રણ દિવસની પત્રકાર પરિષદ બોલાવવાનું આયોજન થયું. ગુજરાત, રાજસ્થાન, એમ.પી., મહારાષ્ટ્ર વગેરે અલગ અલગ પ્રાંતમાંથી સમગ્ર ભારતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

એ સમયે એમણે હિંદી ભાષામાં સૌપ્રથમવાર પ્રવચન કરેલું. (એ પહેલાં એમણે ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ પ્રવચનો કરેલાં એ સમયે એ પોતે બોલેલા કે આ મારું હિંદી ભાષામાં પહેલું પ્રવચન છે.) એ પ્રવચનનો ઘણો સારો પ્રતિભાવ મળેલો. એમનાં વિશિષ્ટ પ્રવચનોમાં આ પ્રવચનની નોંધ લેવાવી જોઈએ.

જૈન ધર્મનો અને બૌદ્ધ ધર્મનો એમનો ઊંડો અભ્યાસ છે અને એ અભ્યાસ માત્ર જ્ઞાન એટલે માત્ર માહિતી પૂરતો સીમિત નથી રહેતો, પણ ક્રિયામાં પરિણત થતો હોય છે. ઘણીવાર આવું જોવા મળે કે જ્ઞાની હોય પણ આચરણમાં સાવ શૂન્ય હોય, તો આપણા કુમારપાળભાઈ દેસાઈમાં એવું નથી.

આટલા વિશિષ્ટ ઍવૉર્ડોના અધિકારી હોવા છતાં જ્યારે પણ એ કોઈ આચાર્ય ભગવંતાદિ મુનિવરોને મળે, ત્યારે એમનો વિનય અને નમ્રતા આપણને ગદગદિત કર્યા વગર રહે નહીં.

સાહિત્યનાં વિભિન્ન પાસાંઓને એકધારા સમર્પિત રહી શકે છે. જેમકે લખાણ તો આપણે જોઈએ જ છીએ કે ‘ઈંટ અને ઇમારત’ કૉલમ દ્વારા લગભગ પચાસથી વધારે વર્ષોથી એ આપણને વિશેષ બોધ આપે જ છે. કોઈ પણ મહાપુરુષોનાં જીવનચરિત્ર વગેરે સંખ્યાબંધ વિષયોમાં આપણને એ બોધ આપી શકે છે.

સાહિત્યના વિવેચનમાં પણ એમનું યોગદાન એવું જ સમૃદ્ધ આપણને મળે છે તો વક્તા તરીકે એમને સાંભળવાનો લાભ પણ અનન્ય છે.

છેલ્લે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમની આ સાહિત્યયાત્રા અનવરત આગળ વધતી રહે, પરમાત્મા એમને એવું સામર્થ્ય અને આરોગ્ય આપે કે એમની સાહિત્યયાત્રા આપણને જ્ઞાનથી સભર બનાવે…

આ. વિજયરાજશેખરસૂરિ

ગચ્છાધિપતિ આચાર્યશ્રી (કલિકુંડ તીર્થ)

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑