કિશોરાવસ્થામાં સાહિત્યકારો વાંચવા મળ્યા હતા, તેમાં એક હતા ‘જયભિખ્ખુ'. એમની ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’ જેમ ગમી ગઈ હતી, તેમ પછી 'પ્રેમભક્ત કવિ જયદેવ' પણ ગમી ગઈ. અમારી પાડોશમાં મુખ્યત્વે જૈન ઘર હતાં, એટલે ‘જયભિખ્ખુ’ની જૈન ધર્મવિષયક પુસ્તિકાઓની ગ્રંથમાળાના કેટલાક મણકા વાંચવા મળતા. ગુજરાત સમાચાર’માં પછી ‘જયભિખ્ખુ’એ શરૂ કરેલી કૉલમ ‘ઈંટ અને ઇમારત' વાંચવાની ટેવ પડેલી.
જ્યારે 'જયભિખ્ખુ’નું કરુણ અવસાન થયું ત્યારે હવે આ કૉલમ કોણ લખશે એવો મનોમન પ્રશ્ન થયેલો. કદાચ આ કૉલમ બંધ પણ થાય એવુંય થયેલું, પરંતુ કૉલમ ચાલુ રહી અને એના લેખક તરીકે પિતાના લેખનવારસાના ઉત્તરાધિકારી તરુણ કુમારપાળ દેસાઈની ‘ગુજરાત સમાચાર' જેવા પ્રતિષ્ઠિત અખબારે વરણી કરી, ત્યારે જરા આશ્ચર્ય થયેલું. સદ્ગત 'જયભિખ્ખુ’ની લેખનશૈલીથી ટેવાયેલા વિશાળ વાચકવર્ગને આ તરુણ લેખક સંતોષી શકશે ખરા ? – એવો પ્રશ્ન પણ થયેલો. ત્યારે કુમારપાળનું નામ વિશેષ તો રમતની કૉલમ લખતા લેખક તરીકે અને અલબત્ત ગુજરાતી ભાષાના અભ્યાસી અધ્યાપક તરીકે જાણ્યું હતું. એ કૉલમ કુમારપાળે દાયકાઓથી ઉત્તમ રીતે સંભાળી અને હજી પણ વિવિધ વિષયોથી એકવિધતાનો કશોય કંટાળો ઉપજાવ્યા વિના એ લખી રહ્યા છે.
સ્વનામથી કે અન્ય ઉપનામોથી બીજી કૉલમો પણ એ લખે છે, પણ ‘ઈંટ અને ઇમારત' ગુજરાત સમાચારની જેમ કુમારપાળના નામ સાથે અભિન્ન બની ગઈ છે.
કુમારપાળ ગુજરાતીના અધ્યાપક અને હું હિંદીનો અધ્યાપક, પણ અમારો આછો આછો શરૂઆતનો પરિચય સાહિત્યના સંબંધે થતો રહેલો. પછી તો ભાષાસાહિત્યભવનમાં એ અમારા સાથી બન્યા. દરરોજ મળવાનું બને એ સહજ હતું, પરંતુ એ સમયે પણ અધ્યયન-અધ્યાપન ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓથી તે લગાતાર જોડાયેલા રહેતા. તેમાં મુખ્યત્વે શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ કેન્દ્રમાં રહેતી. જૈન ધર્મના અભ્યાસનો વારસો, જે પિતાજી પાસેથી મળેલો, તે એમણે પોતાના અનુશીલનથી અધિક સમૃદ્ધ અને કંઈક અંશે સમાજલક્ષી પણ બનાવ્યો અને એ રીતે ધર્મની વ્યાખ્યાને વ્યાપક અર્થમાં સ્વીકારી. એ રીતે એમના મિત્રમંડળમાં માત્ર સાહિત્યકારો ન રહેતાં, સમાજના અને ધર્મક્ષેત્રમાં કામ કરતા અનેક મહાનુભાવો ઉમેરાતા ગયા છે. દેશમાં અને વિદેશમાં સૌને ઉપકારક થવાની એમની તત્પરતા અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી એ લગભગ સર્વમિત્ર જેવા બની ગયા છે, તેમ છતાં કહેવાનો પ્રસંગ આવે ત્યારે ખરી વાત કહેવામાં ખચકાતા નહિ.
કુમારપાળ સાહિત્ય પરિષદના મંત્રી બન્યા અને એ અને શ્રી રઘુવીર ચૌધરી પરિષદની ઇમારતથી લઈ અનેકમુખી પ્રવૃત્તિઓનું આયોજન કરતા હતા ત્યારે ‘પરબ’નો હું સંપાદક હતો. પરિષદનાં જ્ઞાનસત્રો અને અધિવેશનો અમને નિકટ લાવતાં ગયાં.
સૌથી વધારે નજીક આવવાનું બન્યું, તે તો ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઈ. સ. ૧૯૯૯થી ૨૦૦૩ સુધી અમે સાથે કામ કર્યું, તે સમયગાળામાં – નવી ચૂંટાયેલી ગુજરાત સાહિત્ય અકાદમીમાં અનુક્રમે અમે અધ્યક્ષ-ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા. ચૂંટણીમાં સારી એવી સ્પર્ધા હતી – પણ અમારા સહયોગે અમને આ પદો પર સાથે કામ કરવાનો અવસર આપ્યો. કારોબારીના સભ્યોનો પણ સારો એવો સહયોગ મેળવી શકાયો. અમે અનેક પરિસંવાદો, પ્રકાશનોનું આયોજન કર્યું અને ગુજરાત સાહિત્ય અકાદમીને પ્રવૃત્તિઓથી એક રીતે ધમધમતી કરી. આ સમગ્ર કાર્યવ્યાપારમાં અમે સાથે ને સાથે રહ્યા અને એમને અત્યંત નિકટ રીતે જાણવાની પ્રત્યક્ષ અભિજ્ઞતા મળતી ગઈ.
કુમારપાળભાઈને અકાદમી ઉપરાંત અન્ય સંસ્થાઓનો કાર્યભાર પણ સંભાળવાનો હતો, ઉપરાંત ભાષાસાહિત્યભવનનું અધ્યાપનકાર્ય તો ખરું જ. છતાં જેટલો જોઈએ એટલો અને જ્યારે જોઈએ ત્યારે અકાદમી માટે સમય એ ખર્ચી શકતા, તેથી ગુજરાત સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓની સારી રીતે નોંધ લેવાઈ.
તેમનામાં કાર્ય કરવાની અને અન્ય પાસેથી કામ લેવાની એક કુનેહ છે. એથી કદાચ એક અવતારમાં બે-ત્રણ અવતારની કામગીરી કરવાનો સંકલ્પ લઈને ચાલતા લાગે છે. આ પ્રવૃત્તિ-પરાયણતામાં એમના અધ્યયન-લેખનનું કામ સતત ચાલતું રહ્યું છે. કોઈ પણ પરિસંવાદમાં તૈયારી વગર એમને જોયા નથી. બની શકે તો એમનું વક્તવ્ય લેખિત રૂપે લઈ આવ્યા હોય. વક્તા તો પહેલેથી જ સારા અને પ્રભાવી. એ કારણે પરિસંવાદોમાં એમની ઉપસ્થિતિ રેખાંકિત થતી રહી છે.
પર્યુષણના દિવસોમાં તો તે લગભગ વિદેશોમાં ધર્મવિષયક વ્યાખ્યાનો આપવા વર્ષોવર્ષ જાય છે. ત્યાં પણ એમણે નામના કાઢી છે. અહિંસા વિશેનાં એમનાં પ્રવચનો માત્ર જૈનધર્મીઓ વચ્ચે જ નહીં, વિદ્ધત્ મંડળીમાં પણ વ્યાપક સ્વીકૃતિ પામ્યાં છે.
મારા જેવા માત્ર સાહિત્યવિષયક અને અધ્યાપનની સીમિત પ્રવૃત્તિમાં રહેનારને આ ક્ષેત્રમાં મળતી મિત્રતાનું મૂલ્ય વધારે હોય. એ રીતે કુમારપાળના અધ્યયનના ફાલ રૂપે જ્યારે પુસ્તકો પ્રગટ થાય ત્યારે મારો આનંદ બેવડાય. સાહિત્ય અકાદમીએ અલભ્ય પણ પ્રશિષ્ટ પુસ્તકોનાં સંપાદન કરાવી પ્રગટ કર્યાં છે. તેમાં એમણે નારાયણ હેમચંદ્રની આત્મકથા ‘હું પોતે'નું સંપાદન કરી, જે અભ્યાસલેખ જોડ્યો છે, તે એમની વિવેચનાત્મક દૃષ્ટિનો પરિચાયક છે. મધ્યકાલીન જૈન કવિ આનંદઘન પરનું એમનું સંશોધનકાર્ય તો જાણીતું થયેલું છે, પરંતુ એમને જ્યારે ધનજી કાનજી સુવર્ણચંદ્રક એનાયત થયો એ પ્રસંગે પ્રગટ થયેલ અભ્યાસલેખોનું સંકલન ‘શબ્દસમીપ’નું મને વિશેષ પરિશીલન કરવાનો અવસર મળ્યો હતો. મારે એ પુસ્તકનું વિમોચન કરવાનું હતું. એ પ્રસંગે આપેલ વક્તવ્યનો થોડોક અંશ અહીં આપવાના લોભનું સંવરણ કરી શકતો નથી.
“શબ્દની સાધનાના પરિણામરૂપ છે આ ‘શબ્દસમીપ’ ગ્રંથ – અને એનું વિવેચન કરતાં હું આનંદ અનુભવું છું, એનું વિમોચન મારે હાથે થાય છે એથી હું એક પ્રકારનું ગૌરવ અનુભવું છું. આ પુસ્તકનું શીર્ષક ‘શબ્દસમીપ' એ શ્રી કુમારપાળભાઈની વાઙ્મય ઉપાસનાનું દ્યોતક છે. શબ્દ એમનો નિત્યનો સાથી રહ્યો છે, પછી ભલે એ શબ્દ લાખો વાચકો સુધી પહોંચતો, વર્તમાનપત્રના કૉલમ રૂપે પ્રગટ અને એથી સહજ રીતે સુબોધ એવો શબ્દ હોય; કે પછી અનેક દિવસના અભ્યાસ, વાચન-લેખન-મનન પછી લખાતો અને વિશેષજ્ઞો સુધી પહોંચતો એવો શબ્દ હોય, પણ ઉપાસના મુખ્યત્વે તો. શબ્દની.”
સર્જક શબ્દનો વિનિયોગ કરે છે, વિવેચકનું કામ એ શબ્દોના રહસ્યને ખોલી આપવાનું છે. કુમારપાળે એક સર્જક તરીકે કથાઓનું, જીવનચરિત્રોનું, બાળસાહિત્યની રચનાઓનું નિર્માણ કર્યું છે, પણ ‘શબ્દસમીપ’માં તેઓ વિવેચક છે, જે સન્નિષ્ઠ અધ્યાપક પણ છે. આધુનિક વિવેચન કે વિવેચનાત્મક અભ્યાસનું ઉગમસ્થાન સાહિત્યના વર્ગની ચાર દીવાલો છે, એવા અર્થનું એલિયટનું વિધાન શબ્દસમીપ'ના અભ્યાસનિષ્ઠ વિવેચક સંદર્ભે યોજી શકાય એમ છે. શબ્દસમીપ’માં ગુજરાતી અસ્મિતાના આદિ ઉદ્ગાતા હેમચંદ્રાચાર્યના સઘન અભ્યાસલેખથી માંડી ગુજરાતના, દેશના અને વિદેશના (અલ્પખ્યાત પણ) મહત્ત્વના સાહિત્યકારો વિશે સાધિકાર કહેવામાં આવ્યું છે.
આ સંગ્રહના પ્રથમ બે લેખ ‘હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા' તથા ‘જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન’ કુમારપાળની ગુજરાતના જૈન સાહિત્યના વિશિષ્ટ અધ્યયનના નિર્દેશક છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા ભાષાતત્ત્વવિદ્ હેમચંદ્રાચાર્યને મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશના અને નહિ કે ગુજરાતીના સાહિત્યકાર માને – પણ એ સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યના પરોક્ષ ઉગમસ્થાન રૂપે તો એમની પ્રથમ પંક્તિમાં ગણના કરે. કુમારપાળે લેખના આરંભમાં જ નોંધ્યું છે :
‘ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતી અસ્મિતાના એ પ્રથમ છડીદાર.’
તેઓ અન્ય વિદ્વાનોનો હવાલો આપીને પોતાના કથનની પ્રામાણિકતા અધ્યાપકીય દષ્ટિથી સિદ્ધ કરે, તેમાં એમના આચાર્ય હેમચંદ્રાચાર્ય વિશેના પરિશીલનનું દર્શન થાય છે.
વિવેચન એટલે એલિયટના શબ્દોને રૂપાંતરિત કરી ઉમાશંકર જેને ‘આસ્વાદમૂલક અવબોધકથા’ કહે છે. સાહિત્યના આસ્વાદ માટે અવબોધની જરૂર છે, પણ જો તે અવબોધમાં આસ્વાદનો અભાવ હોય, તો તે વિશેની વાત નીરસ બની જાય છે. આ લેખ ગંભીર પર્યેષણામૂલક હોવા છતાં આસ્વાદ્ય પણ બની રહે છે – એમાં આપેલાં અવતરણોની વ્યાખ્યા અને વિશ્લેષણથી. ‘દ્વાશ્રય’ અને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ’ જેવા આચાર્ય હેમચંદ્રના મહાકાવ્યોપમ ગ્રંથોનું વિવેચન- વિશ્લેષણ એ રીતે નોંધપાત્ર છે.
આ પ્રકારનો જ અભ્યાસલેખ છે જ્ઞાનવિમલસૂરિ વિશે. ગુજરાતીના સામાન્ય ભાવકોને હેમચંદ્રાચાર્ય જેટલા એ પરિચિત નથી, અને એથી એક જૈન કવિ તરીકેનું તેમનું મૂલ્યાંકન અધિકૃત રીતે થાય તે ઇષ્ટ છે, કુમારપાળ એમના વિપુલ સર્જનને જૈન ધર્મના સિદ્ધાંતો અને આચારોની ભૂમિકામાં બિરદાવે છે.
ગુજરાતી સાહિત્ય વિશેના અધ્યયનલેખોમાં ‘હું પોતે'ના લેખક નારાયણ હેમચંદ્રની એ નામની આત્મકથાના સુવિસ્તૃત સંપાદકીય દ્વારા 'વિચિત્રમૂર્તિ’ ગણાતા, અનેક ગ્રંથોના લેખકનો સર્વસ્પર્શી પરિચય પ્રાપ્ત થાય છે. ગુજરાતી ભાષાની એ પ્રથમ ‘પ્રકાશિત’ આત્મકથા છે, એ લેખક સુપેરે વિગતો આપીને સ્થાપિત કરે છે. ‘નારાયણ હેમચંદ્રના જાહેરજીવનની આંગળીએ અંગત જીવન ચાલે છે.' – એમ કહી લેખક કૃતિમાં નિરૂપિત અધિક તો બાહ્ય, પણ અંગત રીતે ઓછા અનુભવો ચિત્રિત છે, એમ કહી આ આત્મકથાની મર્યાદાઓ પણ ચીંધે છે.
ગુજરાતી ગદ્યના પ્રભાત’માં લેખકની એવી સ્થાપના છે કે ભલે નર્મદ પહેલાં થોડુંક ગદ્યલેખન થયું હોય, પણ ગુજરાતી ગદ્યનો ખરો પ્રારંભ તો નર્મદથી થયો ગણાય.' પોતાના આ વિધાન સંદર્ભે નર્મદના ગદ્યલેખનમાંથી અવતરણો આપી બતાવે છે કે નર્મદના ગદ્યનું બળ ક્યાં રહેલું છે. સાહિત્યવિવેચનમાં કાવ્યવિવેચન એટલા માટે સુકર હોય છે કે તેની ચાવીઓ પરંપરાગત રીતે ઉપલબ્ધ છે, પરંતુ ગદ્ય વિવેચન એ રીતે વિવેચક માટે પડકારરૂપ હોય છે. નર્મદના ગદ્યની મર્યાદાઓ ચીંધીને પણ ગુજરાતી ગદ્યના પ્રારંભકાળે એને ઉપલબ્ધ શબ્દભંડોળ કે ભાષાનો ખજાનો હતો, એનો જ ઉપયોગ કરવાનો હતો’ એમ કહી એ રક્ષાકવચ પણ ધરે છે.
ચંદ્રવદન મહેતાની સાહિત્યસૃષ્ટિ પ્રત્યે કુમારપાળનો પક્ષપાત એમણે સંપાદિત કરેલ ચં.ચી.ના અદાલત વિનાની અદાવત' નાટક અને ચં. ચી.એ રૂપાંતરિત કરેલ ડેમોન રનિયનની વાર્તાઓના સંગ્રહ છે. આ બંનેની ભૂમિકા રૂપે લેખકે સંપાદકીયમાં પોતાનું અધ્યયન પ્રગટ કર્યું છે. એ રીતે નાટ્યકૃતિઓ વિશેના લેખો પણ આ સંગ્રહમાં ધ્યાન ખેંચે છે. તેમાં આફ્રિકાના નાટ્યકાર ઓસ્ટિન લુવાન્ગા બુકેન્યાના નાટક ‘ધ બ્રાઇડ’નું અને રવીન્દ્રનાથના રાજા' (અંગ્રેજી ‘કિંગ ઑફ ધ ડાર્ક ચેમ્બર્સ’)નું વિશ્લેષણ લેખકની નાટ્યવિવેચનાની રીતિના પરિચાયક છે. ‘ધ બ્રાઇડ'નો તો તેમણે ગુજરાતીમાં અનુવાદ પણ આપ્યો છે. ‘રાજા’ વિશે તો ગુજરાતીમાં એકાધિક વાર લખાયું છે, પણ બુકેન્યા તો અહીં પહેલી વાર પ્રસ્તુત થાય છે. એ રીતે ‘ચેખોવ'ના પ્રસિદ્ધ નાટક 'થ્રી સિસ્ટર્સ’ની સર્જકકલા – એ લેખમાં ચેખોવના નાટકની ખૂબીઓ બતાવવામાં લેખક સફળ રહ્યા છે. અહીં એક ગુજરાતી નાટક બળવંતરાય પ્રણીત ‘ઊગતી જુવાની'ની બીજી આવૃત્તિ માટે એના લેખકે તૈયાર કરેલી હસ્તપ્રતનું વિશ્લેષણ કુમારપાળની પક્વ સંશોધનકળાનું ઉદાહરણ છે. એ રીતે જોતાં લેખકના અભ્યાસનું ક્ષેત્ર પ્રમાણમાં સારો એવો વ્યાપ ધરાવે છે. એની એક વધારે પ્રતીતિ પ્રસિદ્ધ ઉર્દૂ શાયર જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા ફિરાક ગોરખપુરીની કવિતામાં અવગાહન કરાવતો લેખ: 'પ્રયોગશીલ સર્જક ફિરાક’થી થાય છે. ‘ઈંટ અને ઇમારત'ના લેખક એમની એ કટારમાં કોઈ ને કોઈ ઉર્દૂ શેર આપતા હોય છે. અવશ્ય એમાંના ઘણા સ્વરચિત પણ હશે – તેમ છતાં ઉર્દૂ કવિતા માટેનો એમનો શોખ તો પ્રગટ થાય છે. ફિરાકની કવિતાનાં ઉદાહરણ આપી તેઓ કહે છે કે ‘ફિરાક’ કલા ખાતર કલામાં માનનાર કવિ છે. ‘ફિરાક'ની જેમ ‘અબ ગિરેંગી જંજીરે’માં આઝાદી પછી પાકિસ્તાન જઈ વસેલા કવિ ફૈજ અહમદ ફૈજની સંકુલ કવિતાસૃષ્ટિના વિવેચનમાં કુમારપાળની ઉર્દૂ કવિતાના પરિશીલનની ઝાંખી થાય છે.
‘શબ્દસમીપ'ના લેખોનો ‘વ્યક્તિત્વ અને વાઙ્ મય’ નામથી એક અલગ ખંડ છે. તેમાં ૧૧ જેટલા સાહિત્યકારોનો વિશિષ્ટ શૈલીમાં પરિચય અને એમનું મૂલ્યાંકન છે. કુમારપાળની એક વિશેષતા શીર્ષકો શોધી કાઢવાની છે. આ વિભાગમાં તેઓ દરેક સાહિત્યકાર વિશે એક વિશેષણ શોધી કાઢી એ દ્વારા એના વ્યક્તિત્વના પ્રમુખ અંશનો નિર્દેશ કરી દે છે. જેમ કે, રણજિતરામ વાવાભાઈ માટે ‘ગુજરાતી અસ્મિતાના દ્રષ્ટા’, ‘મુનિ પુણ્યવિજયજી માટે પારગામી વિદ્વત્તા', મોહનલાલ દલીચંદ દેસાઈ માટે ‘ભુલાયેલો ભેખધારી’ કે પંડિત સુખલાલજી માટે 'જ્ઞાનોપાસક અને જીવનસાધક' કે ‘દર્શક’ની ચિરવિદાયને સંસ્કૃતિપુરુષની વિદાય' – આ રીતે તે તે સર્જકના વ્યક્તિત્વ કે ઉપલબ્ધિને રેખાંકિત કરી આપે છે. 'શબ્દસમીપ'ના આ ખંડમાં આત્મીયતાનો રણકો સાંભળવા મળે છે, એ સાથે તે તે સાહિત્યકારમનીષીના પ્રદાનનો પરિચય પણ.
‘શબ્દસમીપ’ના પ્રકાશન પ્રસંગે આ લેખકમિત્રને મારાં હૃદયનાં અભિનંદન આપું છું.
ભોળાભાઈ પટેલ
નિબંધ લેખક, અનુવાદક, પૂર્વ પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદ