શ્રી કુમારપાળ દેસાઈને હું કદાચ સાથે કામ કરવા મળ્યું એ પૂર્વેથી જ ઓળખું છું. એનું કારણ એમના પિતાશ્રી જયભિખ્ખુનો એમણે સાચવેલો વારસો પણ હોઈ શકે.
કુમારપાળ અને પ્રતિમાબહેનને ત્યાં એક શુભપ્રસંગે જાદુગર કે. લાલને જોઈને મને પ્રશ્ન થયેલો કે કાંતિલાલ સાથેનો જ્ઞાતિને કારણે ભાઈચારો હશે ? પછી જાણ્યું કે શ્રી કે. લાલની જાદુગર તરીકેની કારકિર્દીના આરંભે એમના મુશ્કેલ સમયમાં શ્રી જયભિખ્ખુએ હિંમત આપી સમય આપતા અને એમની હાજરીથી પ્રેક્ષકોનો પ્રતિભાવ સાનુકૂળ રહેતો. પછી તો શ્રી કે. લાલ વિશ્વવિખ્યાત બન્યા, પણ આવા ઘણા કલાકારો, પત્રકારો, સાહિત્યકારોને કારકિર્દીના આરંભે ઉપયોગી થવાનો જયભિખ્ખુનો સ્વભાવ હતો. આ સ્વભાવ કુમારપાળને વારસામાં મળેલો છે. જયભિખ્ખુ સાથે નિકટનો પરિચય કેળવવાની તક મળી ન હતી, પણ જયાબહેનના વત્સલ આતિથ્યનો લાભ મળેલો. શ્રી રમણલાલ ચી. શાહના આમંત્રણથી જૈન યુવક સંઘના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે મુંબઈ જવાનું થયું હોય અને ગુજરાતી સાહિત્ય પરિષદને મોટી સખાવત મળી હોય તે ઘટના યાદ રહે એની સાથે કુમારપાળના પિતરાઈ કુટુંબીજનોનું આતિથ્ય પણ યાદ રહી જાય. આ કુટુંબીજનો સાર્વજનિક કામે, રેડક્રૉસના કામે છેક રાણપુર આવ્યા હોય તેવા સેવા કરતા કરતા ગોષ્ઠિનો આનંદ કરવાની કળા પણ જોવા મળે છે.
કુમારપાળ અને એમના કૌટુંબિક પરિવેશનો વિચાર કરું છું ત્યારે એક સંવાદિતાનો ખ્યાલ ઊભો થાય છે. પ્રતિમાબહેનના પિતાશ્રી સંગીતકાર હોય એ ઘટના પણ આ ખ્યાલ સાથે અનાયાસ સંકળાઈ જાય. બંને દીકરાઓ – કૌશલ અને નીરવ ના શિક્ષણમાં કુમારપાળે એવી કુનેહથી રસ લીધો કે એમનું ભણતર ભાર વિનાનું નીવડ્યું અને બંને સ્વાવલંબી થયા.
કુમારપાળની કારકિર્દી વિશે વિચાર કરતાં લાગે છે કે વ્યવહારુ હોવું, સૌજન્યશીલ રીતભાતથી સામા માણસનું હૃદય જીતી લેવું એ એક ગુણ છે. એ કુમારપાળ જેવા સૌજન્યશીલ વ્યક્તિત્વને કારણે એ સર્જાય છે અને ટકી રહે છે. જેમે સંત સંસ્કૃતિ સાથે નાતો બાંધવો છે એ ક્યારેક ગુસ્સે પણ થઈ શકે, લડી પણ શકે, પરંતુ કુમારપાળે સંઘર્ષ, વિનાના સહયોગ અને શુભેચ્છા દ્વારા સર્જાતા વ્યવહારથી ભદ્ર સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કર્યું છે અને આ કારણે સાહિત્ય પરિષદના કામે શ્રેણિકભાઈ જેવા શ્રેષ્ઠીને મળવા જવામાં કુમારપાળનો અને અમારા બેઉના વડીલ ધીરુભાઈ ઠાકરનો સાથ ઉપકારક નીવડ્યો છે.
વીસેક વર્ષ પહેલાંની વાત છે. લોકભારતી – સણોસરામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્ર હતું. વ્યવસ્થા પૂરતી હતી, પણ કેટલાક છેલ્લી ઘડીએ સત્રમાં ભાગ લેવા આવ્યા. લોકભારતીના કાર્યકરો સાથે મારે અને કુમારપાળે પણ રાત્રે બે વાગ્યા સુધી જાગવાનું બનેલું. એ પછી એક નવી બનેલી ઓરડીમાં લીંપણ વિનાની ભૂમિ પર ગોદડી નાખીને અમે થોડા કલાક માટે આરામ કર્યો. મારે તો ધૂળ સાથે બાળપણનો નાતો છે, પણ સુખ-સાહેબીમાં ઊછરેલા કુમારપાળને ધૂળ સામે સૂગ નથી એ મેં તે દિવસે જોયેલું અને સૂગ હોય તો ‘ઈંટ અને ઇમારત'ની વાત ક્યાંથી સૂઝે ?
અખિલ ભારતીય ઉર્દૂ સંમેલન સાહિત્ય પરિષદે યોજ્યું ત્યારે તોફાનોને કારણે અમદાવાદમાં કરફ્યૂ હતો. શહેરમાં શાંતિ થઈ એમાં એ સંમેલનનો ફાળો પણ હતો. એ આયોજનમાં કુમારપાળે ઘણો સમય આપેલો અને સાહિત્ય પરિષદના ભવન અને એની પ્રવૃત્તિના વિકાસના એ દાયકાઓમાં શ્રી ભગવતીકુમાર શર્મા અને કુમારપાળનો જે સ્નેહભર્યો સાથ મળેલો તે સંસ્મરણો વિધાયક મૂડીરૂપ લાગતાં રહ્યાં છે. કુમારપાળે જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિકસાવી એમાં મારી સતત શુભેચ્છાઓ રહી છે.
અમે ભાષાભવનમાં સાથે અધ્યાપનકાર્ય કર્યું તો વ્યાખ્યાન આપવા માટે ગુજરાતમાં અલગ અલગ સ્થળે ગયા ત્યારે વિદ્યાર્થીઓથી માંડીને વ્યાપક શ્રોતાવર્ગ સુધી કુમારપાળ માટેની ચાહના મેં જોઈ છે. એમને શ્રી ગુણવંત શાહની જેમ દૃષ્ટાંતો અને અવતરણોનો ઉપયોગ કરીને વક્તવ્યને રસપ્રદ બનાવવાની ફાવટ છે. એ જરૂર પડ્યે હિંદી અને અંગ્રેજીમાં પણ વક્તવ્ય રજૂ કરી શકે છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓ વિસ્તારવામાં શ્રી ભોળાભાઈ પટેલને એમનો ઉષ્માભર્યો સાથ મળ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ ફૅકલ્ટીના એ ડીન થયા એમાં સામસામે લડતાં જૂથોએ પણ એમને સ્વીકાર્યા તે નોંધપાત્ર છે. આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે મધ્યકાલીન સાહિત્યના ભાષાસંશોધનનું કામ એ ચાલુ રાખી શકે એ માટે મારી એમને શુભેચ્છા છે. એ સાથે જ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનને જગતનાં વિવિધ નગરોના શ્રોતાઓ સમક્ષ અદ્યતન જીવંત પ્રણાલીને ઉપકારક નીવડે એ રીતે વ્યાખ્યાન આપી શકે છે અને સંવાદ સાધી શકે છે એ એમની સૌથી મોટી સિદ્ધિ છે. ગઝલના લોકપ્રિય શેર અને અનંકાંતવાદના બે ધ્રુવો વચ્ચે કેટકેટલા સહૃદયોની સંવેદના સેતુરૂપ બની હશે એ જ ઉપલબ્ધિ.
આચાર્ય તુલસી અને મહાપ્રજ્ઞ જેવા વિદ્વાન સંતોનો લાભ મળ્યો. નીતિનભાઈ શુક્લ અને હિનાબહેનનો પરિચય વધ્યો. કવિ ચંદ્રકાન્ત શેઠનો વિશ્વકોશમાં ઇષ્ટ ઉપયોગ કર્યો. અઠવાડિયે એક-બે કાર્યક્રમની શોભા વધારી, સતત લખતા રહ્યા. પુરસ્કૃત થતા રહ્યા. આરંભિક પુસ્તક ‘અપંગનાં ઓજસ’ની અનેક આવૃત્તિઓ થઈ. પિતાજીનું બૃહદ જીવનચરિત્ર, આનંદઘન વિશેનો પીએચ.ડી.નો મહાનિબંધ, કુંતી વિશેની બૃહદ નવલકથા ‘અનાહતા’ અને વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતો અહિંસા ઍવૉર્ડ આ ક્ષણે યાદ આવે છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કુમારપાળે યાદગાર સત્રો અને ગોષ્ઠિઓનું આયોજન કર્યું. મુંબઈ, ધરમપુર, સાયલા – બધે એમની આણ પ્રવર્તે. વિજાપુર પાસેનું વરસોડા પણ એમની સાથે ઐતિહાસિક સંબંધ ધરાવે. સાયલામાં જયભિખ્ખુના નામે માર્ગ કે પુસ્તકાલય છે. રાજસૌભાગ આશ્રમના સાધકો એમને સ્વજન માને. એમનું અભ્યાસપૂર્ણ પ્રવચન પણ લોકપ્રિય નીવડે. પર્યુષણ વ્યાખ્યાનો માટે એ દુનિયાભરમાં ગયા છે, જૈન ધર્મ અને એના તત્ત્વજ્ઞાન વિશે એમને પૂછીને સમાધાન મેળવી શકાય.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના વિકાસમાં એમનો સિંહફાળો છે. અઘરા વિષયો વિશે વ્યાખ્યાન યોજવા માટે એમની પાસે પૂરતી જાણકારી હોય છે. ધીરુબહેન પટેલ અતિથિ તરીકે વિશ્વકોશમાં આવ્યાં અને પછી વડીલ બનીને રહ્યાં. `વિશ્વા’ નામે એક કલગી ઉમેરી. કોણ કોને વધુ માન આપે છે એ ન સમજાય. દાતા હોય કે લેખક વિશ્વકોશના ભગવતી સભાગૃહમાં માનભેર બેસે. કર્મચારીઓ સહુને માન આપે, પરિવારની ભાવના જગવે. અમદાવાદમાં વિશ્વકોશ એક જોવા જેવું સ્થળ છે અને એના સંવાહક મળવા જેવા માણસ છે.
રઘુવીર ચૌધરી
જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા, નવલકથાકાર, પ્રાધ્યાપક અને ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટી