એ સમયે જાણીતા ભાષાવિજ્ઞાની ડૉ. પ્રભાશંકર તેરૈયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ હતા. પહેલેથી આંખો નબળી. એમાં કાળા મોતિયાનો આરંભ થયો. ડૉ. કિશોર દોશીની નિયમિત તપાસ ચાલતી, પણ ભાયાણીસાહેબે રેટિના ખૂબ નબળી હોવાથી અમૃતસર-પંજાબના ડૉ. દલજિતસિંઘની મુલાકાત લેવાનું સૂચવેલું. મહિને એક વખત ગુજરાતમાં દહેગામની હૉસ્પિટલમાં તેઓ પધારતા. એમની ઍપોઇન્ટમેન્ટ મેળવવી, ત્યાં પહોંચવું એ બધું અમારે માટે એ દિવસોમાં કપરું હતું. એ દિવસોમાં ડૉ. કુમારપાળ દેસાઈ મારા એક વિદ્યાર્થીની પીએચ.ડી.ની મૌખિક પરીક્ષા લેવા માટે આવેલા. અમારી મૂંઝવણનો તેમને વાતવાતમાં જ ખ્યાલ આવી ગયો હશે. પછીના બેચાર દિવસમાં જ પત્ર આવ્યો કે ડૉ. દલજિતસિંઘ સાથેની મુલાકાત, તારીખ, સમય નિશ્ચિત થઈ ગયાં છે. તમે આગલે દિવસે સાંજના મારા મહેમાન અને બીજા દિવસે જવાનું ગોઠવ્યું છે. અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ડૉ. કિશોર દોશી કે અન્ય મિત્રો સાથેના વાર્તાલાપમાંથી અમારી મૂંઝવણ એમણે કળી લીધેલી. માત્ર મુલાકાત જ નહીં પણ અમારા માટે છેક દહેગામ સુધી જવા-આવવા માટે ગાડીની વ્યવસ્થા પણ કરી રાખી. આવું તો કોને સૂઝે ?
આજે પણ અમે તેરૈયાસાહેબને ત્યાં બેઠા હોઈએ ત્યારે વાતચીતમાં કુમારપાળનાવ્યક્તિત્વની આ ગરવાઈ અને ગરિમા અમને એમના માટે અહોભાવ જગાવે છે. એમની સાથેના છેલ્લા બે-અઢી દાયકાનાં આવાં તો અનેક સંભારણાં છે. મારે કંઈ પણ સંદર્ભસામગ્રી જોઈતી હોય, એટલે એમને જણાવીને નિશ્ચિંત થઈ જવાનું. આપણે ધાર્યા કરતાં વહેલા આપણને સામગ્રી મળી જાય અને પાછું કામ કેટલે પહોંચ્યું એની ખબર પણ કાઢતા રહે. એમ થાય કે આપણે સદ્ભાગી છીએ કે કુમારપાળ જેવા આપણી ખેવના રાખે છે, કાળજી રાખે છે. અકારણ સ્નેહ, પ્રીતિ કે સદ્ભાવ મને જે થોડા મિત્રો-વડીલોનાં મળ્યાં એમાં કુમા૨પાળ પણ છે.
એમના ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અર્પણવિધિ વખતના એક કાર્યક્રમમાં મેં કહેલું કે, ‘આ કાર્યક્રમ કુમારપાળ માટે છે એની પ્રતીતિ અહીંયાં એક પણ ખુરશી ખાલી નથી તે છે. વળી, કનુભાઈ જાનીથી માંડી કુલીનચંદ્ર યાજ્ઞિક સુધીના અનેક વડીલો, સાહિત્યકારો, કુલપતિઓ, ઉપકુલપતિઓ અને કેટલા બધા સાથી મિત્રો અને શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત છે. આ ઉપસ્થિતિ જ આપણને કુમા૨પાળના વ્યક્તિત્વનો પરિચય કરાવવા માટે પૂરતી છે. વ્યવહારજગતના સમાજના વિવિધ પ્રકારના અનેક વર્ગના લોકોને એકસાથે જોવાનો અને મળવાનો પણ આ પ્રસંગ છે અને એ કારણે પણ આ પ્રસંગ વિરલ છે.’ મારી આ વાતને સભાગૃહે તાળીઓથી વધાવેલી.
એમનાં કૉલમો વાંચતો રહ્યો છું. વચ્ચે સિંગાપોર કે લંડન પ્રવાસવૃત્તોની શૃંખલા આવી ત્યારે કહેલું કે ઈંટ અને ઇમારત’માંથી કંઈ નહીં તો આ પ્રવાસવૃત્તનું પુસ્તક તો પ્રકાશિત કરો. કહે કે ખરેખર ક૨વું છે પણ જોઈએ ક્યારે કરવું. ‘ઈંટ અને ઇમારત’ના તમામ નિબંધોને જો વિભાગીકરણ, વર્ગીકરણ અને ગ્રંથસ્થ કરીએ તો ઓછામાં ઓછા સોએક ગ્રંથો થાય. એમાંથી ચરિત્રો અને માનવતાવાદી દૃષ્ટિબિંદુવાળા પ્રસંગો અને પ્રવાસની સામગ્રી તો મને ખૂબ જ હૃદયસ્પર્શી જણાય છે. પણ એમના દ્વારા જે પ્રકાશન થયું છે એ કાંઈ ઓછું નથી.
એમના ચરિત્રનિબંધોના સંચય અને ચરિત્રગ્રંથો આપણે ત્યાં ચરિત્રસાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનો હિસ્સો બની રહેશે. સી. કે. નાયડુ કે લાલબહાદુર શાસ્ત્રીનાં ચરિત્રો આરંભે લખેલાં પણ પછી સતત પ્રવાહ ચાલુ રહ્યો તે આ ચરિત્રલેખનનો.
એમણે જે કાંઈ ચરિત્રો લખ્યાં છે એમાં યુ. એન. મહેતાનું ચરિત્ર એક ઉત્તમ ચરિત્રગ્રંથ છે. આવી મોટી દવાની કંપનીના માલિક બન્યા એમની પૂર્વાવસ્થા કેવી વિચિત્ર હતી. ડ્રગ ઍડિક્શન હોય એવી વ્યક્તિના પલટાયેલા વ્યક્તિત્વની ઓળખ સમાજ સમક્ષ કરાવવા માટે એમણે જે શૈલી સ્વીકારી છે એ શૈલી સાચે જ ચરિત્રગ્રંથ કઈ રીતે લખવા અને પોતાના સમયની વ્યક્તિનું અધિકૃત ચરિત્ર કઈ રીતે મૂકવું એનું ઉત્તમ ઉદાહરણ છે. યુ. એન. મહેતાવિષયક ચરિત્ર ઉપરાંત બીજું પ્રેમચંદ વ્રજપાળ શાહ વિશે પણ લખ્યું છે. એમણે લખેલાં તમામ ચરિત્રો ખરા અર્થમાં વિશિષ્ટ છે,પછી એ ફિરાક ગોરખપુરી વિશે હોય, કે લાલા અમરનાથ વિશે હોય – એ બધા મહાનુભાવોની સંખ્યા પચાસથી વધુ છે. હું એમ કહીશ કે કુમા૨પાળ ચરિત્રનિબંધોના લેખક છે. એમણે એવાં ચરિત્રો પસંદ કર્યાં છે કે જેમનાં વ્યક્તિત્વ ખરેખર અનુકરણીય બની ૨હે. એવા ભવ્ય વ્યક્તિત્વવાળા, ઉદાત્ત ભાવનાવાળા અને દેશ માટે કશુંક કરી ગયેલા આ સમાજના મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે એવા લોકોને પસંદ કરીને એમણે ચરિત્રો લખ્યાં છે. એ ચરિત્રગ્રંથોવિષયક એમનું પ્રદાન પણ ખરા અર્થમાં અત્યંત મહત્ત્વનું છે.
કુમારપાળે ચરિત્રલેખન પછી વિપુલ માત્રામાં સાહિત્યક્ષેત્રે કામ કર્યું હોય તો એ બીજું ક્ષેત્ર છે બાળસાહિત્યનું. છેલ્લા પાંચ દાયકાથી બાળસાહિત્યક્ષેત્રે તેઓ સતત ક્રિયાશીલ રહ્યા છે – સર્જન કર્યું છે. એટલું જ નહીં, બાળસાહિત્ય વિષયે શાસ્ત્રીય ચર્ચાઓ અને પરિસંવાદોનું પણ આયોજન કરીને ‘૨૧મી સદીનું બાળસાહિત્ય’ તથા ‘બાલસાહિત્યસંગોષ્ઠિ’ જેવા ગ્રંથોનું પ્રકાશન પણ કર્યું છે. આપણે ત્યાં સર્જકો દ્વારા બાળસાહિત્યની ઉપેક્ષા પણ ખૂબ થઈ છે તો લાભશંકર ઠાકર કે ૨મેશ પારેખ જેવાએ ઉચ્ચકોટિનું અને દૃષ્ટિપૂત સર્જન પણ કર્યું છે. પણ કુમારપાળે બાળસાહિત્યમાં જુદી રીતે કામ કર્યું છે. આપણે ત્યાં ચતુરાઈ માટે અકબર-બીરબલનું ચરિત્ર જ સ્થિર થઈ ગયેલું. ભૂતકાળમાં અને વર્તમાનમાં આપણે ત્યાં પણ આવા ડહાપણનાં ભંડારરૂપ ચરિત્રો સમાજમાં હતાં એ ઓઠાં અને એમની સાથે જોડાયેલા ચતુરાઈના પ્રસંગો કુમા૨પાળે શોધી કાઢ્યાં એમાંથી ‘ડમરો’ નામના દામોદર આપણા પરિચયનું પાત્ર બન્યું. જે માટે આપણી ભાષામાં ‘ડાહ્યોડમરો’ એવો શબ્દ પણ રૂઢ થયેલો. આપણા ભારતીય ચરિત્રની ચતુરાઈ-કથાઓ આલેખીને કુમા૨પાળે ખરા અર્થમાં સંસ્કૃતિ-સેવા કરી છે.
એમણે બાળસાહિત્યવિષયક જે કંઈ પુસ્તકો પ્રકાશિત કર્યાં એ બધાંમાંથી બાળકોના જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરે છે, એમની માહિતીનું જગત વધુ વ્યાપક બને છે અને ખરા અર્થમાં એ કલ્પનાશીલ બાળક એવી કલ્પનાઓની સૃષ્ટિમાં, એવી સ્વપ્નાંઓની સૃષ્ટિમાં દોડે છે કે આ દેશની ધરતી માટે પોતાની જાનની કુરબાની આપવા માટે સ્વપ્નાં સેવવા લાગે છે. આ મોટી વસ્તુ છે. બાળકોને એવું સાહિત્ય આપવું કે જે દ્વારા એનામાં દેશપ્રેમ પ્રગટે, આ માટે એમણે ક્રાંતિકારીઓ કે જેમણે આ દેશને માટે પોતાના જાનને કુરબાન કરી દીધા છે એવાં ચરિત્રોની બલિદાનની કથાઓ, એવી બિરાદરીની કથાઓ આપી કે એ દ્વારા દેશપ્રેમ અને ખરા ભારતીય જીવનમૂલ્યના ગુણો બાળકોમાં સહજ રીતે પ્રસરે છે. ખરા અર્થમાં બાળકોનું ઘડતર થાય અને ઘડતર થયેલા બાળક ઉપર જ રાષ્ટ્રનું ચણતર થઈ શકે. આવી એક વિભાવના-દૃષ્ટિ લઈને બાળસાહિત્યક્ષેત્રોમાં ક્રિયાશીલ બહુ ઓછા લેખકો છે. લખવું, દૃષ્ટિ સામે લખવું, તર્કબદ્ધ રીતે લખવું; માત્ર કલ્પનાઓના ઘોડા દોડાવીને, કલ્પનાઓનાં વાદળ ઉમટાવીને એ બેસી રહેતા નથી. બાળકોની આંખમાં એવાં સ્વપ્નો આંજે છે, બાળકોને એવાં મૂલ્યોનાં પીયૂષનાં પાન કરાવે છે કે જેથી બાળકોભવિષ્યમાં દયાનંદ સરસ્વતી જેવા કે મહાન શ્રીમદ્ રાજચંદ્ર જેવા ગુણવાન, શીલવાન, ચારિત્ર્યશીલ અને જ્ઞાનશીલ બને. એમના નિર્માણ માટે એમણે આવા સાહિત્યનું સર્જન કર્યું જણાય છે. બાળસાહિત્યક્ષેત્રની એમની સામગ્રીનું કોઈ ખરું અને પૂરું મૂલ્યાંકન કરે તો આ ઉપરાંતની પણ ઘણી બધી બાબતો વિગતે ચીંધી શકે.
પોતાની પાસે કોઈ શક્તિ નથી, કોઈ ક્ષમતા નથી એમ માનીને વિકલાંગો લઘુતાગ્રંથિથી ન પીડાય; એ પણ કેટલાં મોટાં કાર્યો કરી શકે એનાં કેવાં અને કેટલાં બધાં ભવ્ય ઉદાહરણો એમણે શોધ્યાં ? શોધ્યાં એટલું જ નહીં પણ એ એટલી સરસ રીતે લખ્યાં કે એ લખેલા લેખો પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યા, એટલું જ નહીં, પણ બ્રેઇલ લિપિમાં પણ મુકાયાં અને વળી વિવિધ ભાષામાં અનુવાદ પણ થયા અને જુદી જુદી ભાષામાં એ પહોંચ્યાં. ક્રિકેટ વિશે એમણે લખેલા ગ્રંથોની નકલો લાખોની સંખ્યામાં છપાય છે. વર્તમાન સાહિત્યક્ષેત્રમાં મારી સામે કોઈ એવો સર્જક નથી કે જેમના ગ્રંથની સવાલાખ જેટલી નકલો વેચાઈ હોય. ‘ક્રિકેટ રમતાં શીખો, ભાગ ૧-૨’ મેં મારા દીકરા પુલકેશી પાસે પણ જોયું. એણે ખરીદ્યું હશે ક્યારે એ મને ખબર નહીં. ૨મત વિશે જે નિષ્ણાત લોકો છે એને મેં કુમારપાળ પાસે ચર્ચા કરતા જોયા છે.
ક્રિકેટ વિશે એમણે લખેલાં પુસ્તકો પૈકી સી. કે. નાયડુ વિશે લખેલું ચરિત્ર તો અત્યંત અધિકૃત ચરિત્ર મનાયું છે. એમનાં આ બધાં સાહિત્યેતર લાગતાં પુસ્તકો પણ ખરા અર્થમાં સાહિત્યક્ષેત્રની સીમામાં જેનો પ્રવેશ કરાવવો પડે એવા પ્રકારની અભિવ્યક્તિનું સ્વરૂપ આ ગ્રંથોને સાંપડ્યું છે. એ પ્રકારની વિષયસામગ્રી છે કે જેને કારણે ભવિષ્યમાં કોઈએ એમની આ ક્ષેત્રની પણ વિગતે મીમાંસા કરવી પડશે તો એ લોકોને ખ્યાલ આવશે કે બાળસાહિત્ય કેવા પ્રકારનું લખાય, પ્રૌઢ સાહિત્ય કેવા પ્રકારનું લખાય, રમતગમતની માહિતી આપતું સાહિત્ય પણ અધિકૃત રીતે કેવી રીતે રચાય. હું એમ કહીશ માત્ર બાળકો માટેનું સાહિત્ય નથી, પ્રૌઢો માટેનું સાહિત્ય નથી, ૨મતગમતના રસિયાઓ માટેનું સાહિત્ય નથી. ગુજરાતી ભાષકોને ગુજરાતી ભાષાની ગરિમા અને ગુજરાતી ભાષાનું ગૌરવ સમજાવતું એ સાહિત્ય છે. કુમારપાળનું આ એક બહુ મોટું પ્રદાન મને લાગ્યું છે.
કુમારપાળે જૈન સાહિત્ય અને જૈનદર્શન વિશે જે ગ્રંથો લખ્યા છે કે એ અત્યંત અધિકૃત છે. એ તમામ ગ્રંથો મેં કાળજીપૂર્વક વાંચ્યા છે. એમના સંદર્ભો ચકાસ્યા છે અને અનેક સંદર્ભમાં એમની સાથે ચર્ચા પણ કરી છે. શ્રીમદ્ રાજચંદ્ર વિશે હોય કે મહાવીર વિશે હોય કે મહાવીરના અહિંસા સંદેશ વિશે હોય– અનેક આગમોનાં વિષય, સૂત્રો એકત્રિત કરવાં, એ સૂત્રોનું વિષય તરીકે વિભાજન કરીને એનું વિભાગીકરણ કરીને યોગ્ય સ્થાને ઉદાહરણ તરીકે મૂકવાં, દૃષ્ટાંતરૂપે મૂકવાં અને એથી સરસ રીતે આખી વસ્તુ સમજાવવી કે જૈનેતર લોકો પણ અત્યંત સરળતાથી, સહજતાથી જૈન ધર્મના જ્ઞાનવારસાને સમજી શકે – પચાવી શકે અને કોઈને સમજાવી શકે. અધિકૃત રીતે જૈન સિદ્ધાંતોને સમજાવવામાં જૈનમુનિ – મહારાજસાહેબોને પણ પ્રશ્નો થતા હોય છે કારણ કે અનેક ફિરકાઓના અનેક પ્રશ્નો છે, અનેક મતો છે, પણ કુમા૨પાળ તો સમન્વયવાદી છે. દરેક ફિ૨કાના સમન્વયનાં સૂત્રોને લઈને બિનવિવાદાસ્પદ બાબતને પકડીને ચાલતા હોય છે. શ્રીમદ્ રાજચંદ્ર વિશેના એમના ગ્રંથને શ્રીમદ્ના અનુયાયીઓ પણ અધિકૃત માને છે. એમાં જે દૃષ્ટાંતો પસંદ કર્યાં છે અને અધ્યાત્મભાવ વિષયને સરળ રીતે સમજાવવા માટે શ્રીમદના વિચારો અને હસ્તાક્ષરો મૂકવા કે શ્રીમદના પ્રસંગો મૂકવા એ બધામાંથી એમની ઊંડી સૂઝ પ્રગટે છે.
શ્રીમદ્ રાજચંદ્રની અહિંસાની પરાકોટિ શેમાંથી પ્રગટે છે એ માટે એક ઉત્તમ દ્દષ્ટાંત મૂક્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર શાક સમારતા હતા અને એમની આંખોમાંથી આંસુ જતાં હતાં. શ્રીમદ્ રાજચંદ્રનો અદૃશ્ય પ્રતિની અહિંસાનો સૂક્ષ્મ ભાવ અનુભવાય અને કોઈને કહી શકતા નથી એટલે ૨ડે છે. આ વાત કુમારપાળે માર્મિક રીતે બતાવી આપી. ક્યાંક ખૂણેખાંચરે પડેલી અત્યંત હૃદયસ્પર્શી બાબત પકડવી, એની આજુબાજુ આખી વસ્તુને વણવી અને વ્યક્તિત્વને એવી રીતે વળોટ આપીને આપણી સમક્ષ ૨જૂ ક૨વી કે શ્રીમદ્નું ખરું વ્યક્તિત્વ આપણા ચિત્તમાં પ્રવેશે. આપણે પણ એના અનુયાયી થઈ જઈએ. આપણે પણ એમના સાહિત્યના અભ્યાસી થઈ શકીએ એ પ્રકારની વૃત્તિ આપણામાં જગાવે એ રીતે વિષયને નિરૂપવાનું કૌશલ્ય કે આવડત મને અત્યંત સરાહનીય લાગ્યાં છે. એ પ્રકારના તો અનેક ગ્રંથો છે. એ ગ્રંથો પણ કુમા૨પાળનું ખરા અર્થમાં જૈન સાહિત્યમાં સૌથી મોટું પ્રદાન બની રહેશે.
કુમારપાળે સાહિત્યક્ષેત્રમાં સત્ત્વશીલ અને અધિકૃત પ્રકારનું કામ કર્યું છે અને એ ખૂબ જ મહત્ત્વનું પણ છે. એ કારણે કે આ વિષયનાં કામો ખૂબ ઓછાં થાય છે. બાલાવબોધ કે ટબા સંપાદન કરવાનું કામ ભોગીલાલ સાંડેસરા અને કે. કા. શાસ્ત્રી પછી લગભગ કોઈ અધ્યાપકને આજ સુધી સૂઝ્યું નથી. એમાં જે ગદ્ય છે, એની ભાષા છે – એનો બહુ અભ્યાસ થયો નથી – અમે અને ભાયાણીસાહેબ મારા ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ના સંપાદનની ચર્ચા કરતા હતા ત્યારે તેમની પાસે કુમારપાળનો સંપાદિત ‘જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક’ નામનું સંપાદન અને ‘અજિતશાંતિ સ્તવનનો બાલાવબોધ’ એ ગ્રંથો હતા. મેં કહ્યું કે, “કેમ સાહેબ, આ ગ્રંથો લીધા છે ?’ તો કહે “એટલા માટે કે માત્ર પદ્યનાં રૂપોને આધારે ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ સમજવું કે રચવું બરાબર નથી. બધું નહીં કહી શકીએ. ખરી રીતે તો વ્યાકરણનો પૂરો પરિચય ગદ્ય દ્વારા થાય છે. કવિતામાં તો કોઈક કારણોસર છંદને કારણે. અમુક પ્રકારના વાક્યપ્રયોગ કર્યા હોય પરંતુ ગદ્યમાં ખરું રૂપ હોય છે. આ બાલાવબોધમાંથી કે ટબામાંથી એવાં ઘણાં રૂપો મળે છે એટલે જોઉં છું.’’ આવા મોટા ગજાના વિશ્વવિખ્યાત વિદ્વાનો જેમના ગ્રંથને હાથપોથી તરીકેરાખે, એ જ રીતે અનેક મહારાજસાહેબો પાસે મેં આનંદઘનવિષયક ગ્રંથો એમની પાસે હાથપોથી તરીકે જોયા છે. જેઓ અધિકૃત છે કે આ વિષયની અંદર ઊંડા ઊતરેલા છે તેઓ પણ જેમના પ્રદાનને સંદર્ભ તરીકે ખપમાં લે એવું એમનું પ્રદાન છે.
‘આનંદઘન : એક અધ્યયન’નું કામ માત્ર પીએચ.ડી. થીસિસ પૂરતું મર્યાદિત ન રહ્યું; પ્રકાશિત પણ થયું. પરંતુ એ પછી પણ આનંદઘનવિષયક એમનો સ્વાધ્યાય સતત ચાલતો રહ્યો. મેં કોઈ પ્રસંગે એક એવું વ્યાખ્યાન મારા શોધાર્થીઓ સમક્ષ આપ્યું જેમાં મેં આનંદઘન વિશે મહાનિબંધ પછી કુમારપાળે જે લેખો લખ્યા છે અને કાળક્રમ પ્રમાણે ગોઠવીને સંશોધનમૂલક સામગ્રીની પ્રાપ્તિની વિગતો કહેલી. મેં જણાવેલું કે, એક પછી એક તેઓ શું કહે છે ? છેલ્લે એમણે તુલનાત્મક રીતે મીરાં, કબી૨, અખો વગેરેની આનંદઘનના વિચારો સાથે તુલના કરી છે. કંપેરેટિવ રિલિજિયસ સ્ટડીના ફિલ્ડમાં અત્યંત ઉપયોગી થઈ પડે એવું ગુજરાતનું જો ભારતને કંઈક તાજેતરનું પ્રદાન બતાવવું હોય તો કુમારપાળના આનંદઘનવિષયક તુલનાત્મક અભિગમથી લખાયેલા આ લેખો છે. એમનું ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ’ પણ એમની સંશોધનનિષ્ઠાનું સુંદર પરિણામ છે તો ‘શબ્દસંનિધિ’, ‘ભાવન- વિભાવન’ અને ‘શબ્દસમીપ’માં એમની વિવેચક તરીકેની સજ્જતા દૃષ્ટિગોચર થાય છે. એમણે કરેલ કૃતિલક્ષી સમીક્ષાઓ વિગતે તપાસવા જેવી છે.
‘મણિલાલ નભુભાઈનું જીવનવૃત્તાંત’ વિશે લેખ હોય, ગુજરાતી, અંગ્રેજી, હિંદી, ઉર્દૂ, આફ્રિકન સાહિત્ય, રશિયન સાહિત્ય એમ કુમારપાળ પેલા એમના વ્યાપક અભિગમને કારણે સાહિત્યિક અધ્યયન માટે પણ આવા વ્યાપક વિષયો પસંદ કરે છે. એમનું વિવેચન એક અધ્યાપક કેટલો ખુલ્લો હોવો જોઈએ એનું ઉદાહરણ છે. ભલે મધ્યકાલીન સાહિત્યને પોતાનું સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડ માન્યું હોવા છતાં એમનો અભ્યાસ કેટલો વ્યાપક છે, એમના વિચારો કેટલા બહોળા છે, તેનો ખ્યાલ એ ત્રણે વિવેચનસંગ્રહમાંથી આવે છે.
સંશોધન-વિવેચન ઉપરાંત પત્રકારત્વક્ષેત્રે પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય ગણાશે. એમનું ‘અખબારી લેખન’ પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે હાથપોથી ગણાયું છે. સાહિત્ય અને પત્રકારત્વ’ નામનું સંપાદન પણ મહત્ત્વનું છે. આમ, સંશોધન, વિવેચન અને પત્રકારત્વક્ષેત્રનું તેમનું કાર્ય પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અને માન પ્રાપ્ત કરે એ કોટિનું જણાયું છે.
*
કુમારપાળના ચરિત્રસર્જન, બાળસાહિત્યસર્જન, સંશોધન-વિવેચન-પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન અને જૈન ધર્મસંસ્કૃતિમૂલક સાહિત્યના પ્રદાન ઉપરાંત અનુવાદ કે વિવિધ પ્રકારનાં સંપાદનોના ગ્રંથો પણ વિપુલ માત્રામાં છે. એમનાં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત પુસ્તકો પણ દસેક જેટલાં છે. આ સાહિત્યિક પ્રદાન ઉપરાંત એમનું બીજું મહત્ત્વનું પ્રદાન ‘ગુજરાતી વિશ્વકોશ’ છે. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શનમાં એક ટ્રસ્ટની રચના કરીને ગુજરાતી વિશ્વકોશના વિવિધ ગ્રંથોના ભાગો પ્રકાશિત કરીને ગુજરાતી ભાષકોને જ્ઞાનગંગાનું ઘેર બેઠાં આચમન કરવાની તક આપી છે. એમની આ યોજના ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું ઊજળું પ્રક૨ણ બની રહેશે. એ જ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી’ના ઉપક્રમે વિદેશમાં સ્થિત જૈન સાહિત્યની પ્રાચીન હસ્તપ્રતોનું સૂચિપત્ર તૈયાર કરવાનો એમનો ઉપક્રમ પણ આપણા પ્રાધ્યાપકોના અભ્યાસનું મહત્ત્વનુંઉદાહરણ બની રહેશે.
એમણે તો સાહિત્યની સેવાનો ભેખ ધારણ કર્યો છે અને એટલે જ એ વિશ્વકોશનું સ્વપ્ન સેવી શકે છે. વિશ્વકોશ માટે જમીન મેળવી શકે છે અને અનેક ટ્રસ્ટોને દાન અપાવી શકે છે. એટલું જ નહીં, અનેક લોકોને પોતાનું નામ ન આવે એ રીતે અનુદાનની સ૨વાણી પણ વહાવે છે. આવાં અનેક ઉદાહરણોનો હું સાક્ષી છું કે જેઓ એમની પાસેથી સહાય મેળવીને ખૂબ મોટી કારકિર્દી ૫૨ પહોંચ્યા હોય, અથવા તો અસહાય લોકોને એક પ્રકારની સાંત્વના આપીને ઘણી બધી મદદ પહોંચાડી છે. તો આમ કોઈ તકતી ઉપર પોતાનું નામ લખાય એટલા માટે નહીં, કોઈ જગ્યાએ પોતાનું નામ અમર બની જાય એટલા માટે નહીં પણ નર્યા માનવતાવાદી દૃષ્ટિબિંદુથી માનવનું ગૌરવ જળવાય એ રીતે એમની પાસે રહેલાં સ્વજનોને એમણે આ રીતે સહાય કરી છે અને નિર્ભેળ-નિઃસ્વાર્થ પ્રેમ વહાવ્યો છે. તેમનું વ્યક્તિત્વ માતા-પિતા ઉપરાંત કવિ કાગ, મેઘાણી અને ધૂમકેતુ જેવાના સહવાસમાં મહોર્યું એ દર્શન તેમનાં વાણી, વ્યવહાર અને વર્તનમાં અદ્યાપિ દૃષ્ટિગોચર થાય છે.
ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપક અને જૈનદર્શનના અનેં સાહિત્ય કે માનવીય જીવનમૂલ્યોના ઊંડા અભ્યાસી, ઉત્તમ વક્તા, સંનિષ્ઠ સાહિત્યકાર કે વિવિધ સંસ્થાઓમાં સંસ્થાપક અને એ નિમિત્તે સંસ્થાલક્ષી પ્રવૃત્તિઓના પ્રણેતા, વિશ્વપ્રવાસી અને પદ્મશ્રી, કુમારપાળ એક નખશિખ માનવપ્રેમી વ્યક્તિ છે. માણસના ઉત્તમને ચાહવું એ એમનું પાયાનું વલણ રહ્યું છે. આવા ઉમદા સાહિત્યકાર કુમારપાળની સાથે જ માત્ર વ્યક્તિગત નહીં પણ સમગ્ર પરિવાર સાથે અમારા પરિવારનો ગાઢ સ્નેહસંબંધ છે એનું મારે મન મોટું મૂલ્ય છે. એમના વ્યક્તિત્વ અને વાઙ્મયમાંની આ ગરિમા અને ગરવાઈ આપણી મોટી મૂડી છે.
બળવંત જાની
કુલાધિપતિ, ડૉ. હરિસિંહ ગૌર યુનિ.(મધ્યપ્રદેશ) તથા પ્રખર સંશોધક ને લેખક