દર્શના ધોળકિયાએ લીધેલી મુલાકાત

લેખક, વિવેચક, સંપાદક અને સંશોધક, શ્રી દર્શના ધોળકિયાએ લીધેલી મુલાકાત

પ્રશ્ન  : આપનું બાળપણ કેવી રીતે વીત્યું ?

ઉત્તર : બાળપણમાં શબ્દ, સાહિત્ય, સંતોનો સહયોગ પ્રાપ્ત થયો. મારા પિતા જયભિખ્ખુ લેખક હોવાથી મારે ઘેર લેખકોનો ડાયરો જામતો. તેઓ ભોજન માટે આવતા. વિખ્યાત નવલિકાકાર ‘ધૂમકેતુ’ પાસેથી કેટલીયે ચૉકલેટ ખાવા મળી છે. કનુ દેસાઈ આવે એટલે મારી ચિત્રપોથી લઈ આવતો અને તેમાં ચિત્ર બનાવવાનું કહેતો અને તેઓ સરસ ચિત્ર બનાવી આપતા. ક્યારેક કવિ દુલાભાયા કાગ આવે અને પછી મહેફિલ જામે. મારાં માતા રાણપુરમાં રહેતાં, જ્યાં ઝવેરચંદ મેઘાણી આવતા અને એમની પાસે ઝવેરચંદ મેઘાણીનાં ખૂબ જ સ્મરણો હતાં. મને સાહિત્યથી મઘમઘતું વાતાવરણ મળ્યું. એથી પણ વિશેષ સાહિત્યકારો વચ્ચેની ખેલદિલી જોવા મળી. ધૂમકેતુ સાહેબની ષષ્ઠિપૂર્તિ હોય તો એમને ખ્યાલ ના આવે એમ છાનામાના સૌ ભેગાં મળી અમદાવાદના પ્રેમાનંદ હૉલમાં આયોજન કરે. આવી દોસ્તી, આવી
દિલાવરી !

પ્રશ્ન  : આપનાં ઘડતરબળો જણાવશો ?

ઉત્તર : એના વિશે વાત કરું તો એક વાતાવરણ જ એવું મળ્યું, જેમાંથી ઘડતર થવા લાગ્યું, સાહિત્યનું વાતાવરણ મળ્યું, માટે જ ૧૧મા વર્ષે મેં પહેલો લેખ લખ્યો. ગુજરાત સમાચારના ઝગમગમાં એ લેખ પ્રકાશિત થયો, જે `કુ. બા. દેસાઈ’ના નામે લખ્યો હતો. એ માટે કે કોઈને ખ્યાલ ન આવે. તંત્રીને પણ એમ ન થવું જોઈએ કે આ જયભિખ્ખુનો પુત્ર છે માટે, મારા પિતાજીનું નામ બાલાભાઈ એટલે કુ. બા. દેસાઈના નામે પહેલો લેખ લખ્યો. ૧૧મે વર્ષે એ અનામી શહીદ વિશેનો લેખ પ્રગટ થયો પછી તંત્રીને હું મળ્યો, પહેલો લેખ પ્રગટ થાય એટલે થાય કે કેટલી મોટી ઘટના બની છે ! બીજી કૉપી લેવા માટે મળ્યો, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ગુજરાત સમાચાર સાથે જોડાયેલા સાહિત્યકાર જયભિખ્ખુનો આ પુત્ર છે.

પ્રશ્ન  : આપની સાહિત્યપ્રીતિ કેવી રીતે ઉદ્ભવી ને વિસ્તરતી રહી ?

ઉત્તર : બહુ આપોઆપ બનેલી પ્રક્રિયા છે. સાહિત્યસર્જનની શરૂઆત બાળસાહિત્યથી કરી, પણ સતત બાળસાહિત્યનાં પુસ્તકો લખાયાં એવું નહીં. કોઈ ધક્કો વાગે, કોઈ ઘટનામાંથી વિચાર જાગે અને પછી એ પ્રકારની બાળવાર્તાઓ શોધવા લાગુ અને પછી એ લખવા માંડું. અમદાવાદમાં કોમી રમખાણ ચાલતાં, ત્યારે એમ થયું કે `બિરાદરી’ના નામનું એક પુસ્તક લખી શકાય. બિરાદરી એટલે હિન્દુ-મુસ્લિમ નહીં, પણ એથી આગળ વધીને સિંધી લોકો હોય કે જેમની બિરાદરી એટલે પરસ્પર ધર્મ વચ્ચેનો સ્નેહ, એની કથાઓ લખી.

          એક વખત વિચાર આવ્યો કે આપણે આ બાળકોને શિવાજી અને રાણા પ્રતાપની વાત કરીએ છીએ, ત્યારે બાળકો પ્રશ્ન કરે કે રાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો અને શિવાજી બખ્તર પહેરી શકતા હતા, જ્યારે અમે તો હજી નાના છીએ. આ પ્રસંગમાંથી એવી વાર્તાઓ શોધી કે નાની ઉંમરનાં બાળકોએ કરેલું સાહસ કે જેવું સાહસ એ બાળક પોતે પણ કરી શકે. ભાવનગર ગયો હતો, ત્યાં કૉંગ્રેસનું અધિવેશન હતું. જેમને ત્યાં ઊતર્યો હતો, ત્યાં લાલબહાદુર શાસ્ત્રી પણ ઊતર્યા હતા. સવારથી પોતાનાં કામે બેસી ગયા. પાંચ-છ કલાકનું કામ કર્યા પછી હું ત્યાં ધીમા પગલે તેમને પૂછવા ગયો કે કાંઈ લેશો ? ત્યારે એમને કહ્યું કે મને બે ખાખરા અને ઉકાળો આપો. મેં જોયું કે આ દેશને આવી વ્યક્તિઓ મળવી જોઈએ અને ત્યારે મેં લાલબહાદુર શાસ્ત્રીનું ચરિત્ર લખ્યું. તેમાંથી આગળ જઈને ‘મહામાનવ શાસ્ત્રી’ નામે વિસ્તૃત ચરિત્ર લખ્યું. લલિતાદેવી શાસ્ત્રીને મળ્યો. એ રીતે કોઈ ઘટના બને, કોઈ મૌલિક વિચાર જાગે, એમ થાય કે આ ક્ષેત્રમાં લખવું જોઈએ અને ત્યારે મને યાદ આવ્યું કે મારા ગુરુ પંડિત સુખલાલજી, જેઓ પ્રજ્ઞાચક્ષુ હતા, પણ એમની પ્રજ્ઞાનું તેજ એવું કે કલ્પના ન આવે. એ પ્રજ્ઞાચક્ષુ પંડિતજી પાસે એક પુસ્તક વાંચ્યું. એક વર્ષ પછી એ પુસ્તકના લેખકે એમ કહ્યું કે તમે આની પ્રસ્તાવના લખી આપો અને પ્રજ્ઞાવાન પંડિતજીની પ્રજ્ઞા કેવી એની કલ્પના કરો કે એક વર્ષ પહેલાં વાંચેલા પુસ્તકની પ્રસ્તાવના પંડિતજીએ પ્રકરણ અનુસાર લખી આપી. એ સમયે એક વિચાર આવ્યો કે આ પ્રજ્ઞાચક્ષુ છે છતાં એમની આ ક્ષમતા ! ૮૦-૮પના ગાળામાં વિકલાંગને આપણે અહીં સેકન્ડરી સિટીઝન માનતા હતા. એમની ઘોર ઉપેક્ષા થતી. એમને હાડમારીભર્યું જીવન ગાળવું પડતું. લોકોનાં અપમાનો સહન કરવાં પડતાં, ત્યારે મને થયું કે આ વિષય પર લખવું જોઈએ. પછી વિચાર થયો કે કોઈ વ્યક્તિ દિવ્યાંગ હોય, અંધ હોય તો એ વ્યક્તિ વિદ્વાન થઈ શકે, પંડિત થઈ શકે, શિક્ષક થઈ શકે, પણ એ અંધ વ્યક્તિ પોતે પોતાની શારીરિક મર્યાદાને પાર કરીને શરીરની જેમાં સૌથી વધારે તાકાત જરૂરી છે એવા ક્ષેત્રમાં કામયાબી મેળવે એ રીતે દુનિયાના રમતવીરો જે હૅન્ડિકૅપ હોય, જે સમગ્ર જીવન દરમિયાન ચાલી શકશે નહીં તેવું ડોક્ટરોએ કહ્યું હોય, એની માએ હિંમત આપી હોય અને તે ઊંચા કૂદકામાં ઑલિમ્પિકમાં વિજેતા બન્યો હોય. હૅન્ડીકૅપના જીવનમાંથી ‘અપંગનાં ઓજસ’ પુસ્તકની રચના થઈ. એની આઠેક ગુજરાતી આવૃત્તિ થઈ. હિન્દી અને અંગ્રેજી ચાર આવૃત્તિ થઈ. તેની પાછળનો આશય એ માણસની ભીતરી તાકાત બહાર આવવી જોઈએ. આવું કંઈ મનમાં આવે ત્યારે જે કાંઈ સર્જન કર્યું તેની પાછળ મૂળ કારણ એવું કે કોઈક એક વિચાર જાગે. માત્ર લખ્યા કરવું કે લખી નાખવું એવું નહીં કોઈક વિચાર જાગે, એની  આસપાસ સરસ મજાની વાર્તાઓ લખું. દાખલા તરીકે, મેં ‘વતન, તારાં રતન’ પુસ્તક લખ્યું ત્યારબાદ મેં ‘કેડે કટારી ખભે ઢાલ’ લખ્યું. સામાન્ય રીતે આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે હકાલપટ્ટી પામેલા લોકો રાજ્યદ્રોહી બને છે. શત્રુ બને છે. તો મેં કચ્છના ઇતિહાસની એવી વાર્તા શોધી કે જ્યારે રાજ્યએ તેમને કાઢી મૂક્યા હોય અને છતાં જ્યારે દુશ્મનનું લશ્કર સામે આવતું જુએ ત્યારે કહે, ‘વલો અસાંજો વતન’ અને વતનને માટે પ્રાણ આપે. એક વખત એવું બન્યું કે અમારે ત્યાં ધૂમકેતુસાહેબ આવ્યા અને ધૂમકેતુએ ‘જયભિખ્ખુ’ની મજાક કરતાં કહ્યું કે, ‘જુઓ, જયભિખ્ખુ, મીરાં અમારી હતી. હિન્દુઓની હતી અને સમગ્ર વિશ્વની કવયિત્રી બની અને તમારા ‘આનંદઘન’ એટલું જ સત્ત્વ આનંદઘનનાં પદો અને સ્તવન ઉત્તમ, છતાં તમારા સંપ્રદાયમાં પુરાઈ રહ્યા.’ આ સાંભળીને મેં વિચાર કર્યો કે યોગી આનંદઘન ઉપર થીસિસ કરવો. ૪૦૦ જેટલી હસ્તપ્રતોની શોધ કરી. એ ૪૦૦ હસ્તપ્રતો વાંચીને ક્યાં ક્યાં કેવા શબ્દફેર છે એ બતાવીને ‘આનંદઘન એક અધ્યયન’ વિષય પર પીએચ.ડી.નો થીસિસ કર્યો, પણ મને સૌથી વધારે આનંદ એ આવ્યો કે આનંદઘન પાસે જતાં જતાં હું જૈન ફિલૉસૉફી એને એની વ્યાપકતાને ઓળખતો થયો કે જે આજના જગતને પણ આપી શકાય. એટલે ધર્મ એટલે માત્ર ક્રિયાકાંડ નહીં. ક્રિયાકાંડનું મહત્ત્વ ખરું, પણ વિશેષ તો ધર્મ ભાવનાની વાત છે અને એ ઉર્ધ્વ ભાવનાનો વિશ્વમાં પ્રસાર થાય એના પ્રયાસ શરૂ કર્યા. પછી વિદેશયાત્રાઓ કરી. આ બધું બન્યું પણ મૂળ વાત આ કે આનંદઘનનાં પદોની મસ્તી એની એક વિશેષતા. તે એમ કહે કે, ‘રામ કહો રહેમાન કહો’. એટલી સંપ્રદાયને પાર જતી વ્યાપકતા.

પ્રશ્ન  : આપના સાહિત્યકાર પિતા ‘જયભિખ્ખુ’નો પ્રભાવ આપના વ્યક્તિત્વ પર કઈ રીતે પ્રસરતો રહ્યો ?

ઉત્તર : સાચું કહું તો જયભિખ્ખુનો સ્વભાવ ઘણો કડક. થોડો ગુસ્સો પણ ખરો, ઘણી વાર એમ લાગે કે બીજાને વધારે પડતી મદદ કરે છે. મેં ઘણી વાર એમ જોયું કે એમના લેખનના ભોગે તેઓએ સમાજના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયાસ કર્યો, પણ એમના જીવનમાં સૌથી મોટી બાબત હું જોઈ શક્યો, તે તો અભય, અમે જે વિસ્તારમાં વસતા, એ ખૂબ દૂરનો વિસ્તાર અને ત્યાં દૂરનો વિસ્તાર હોવાના કારણે અનિષ્ટ તત્ત્વોને આશરો મળી જતો. એમની સામે પણ ડર્યા વિના લડી લેવાની એમની તાકાત હતી. એટલો એમનો પ્રભાવ ખરો, પણ મારો સ્વભાવ એવો કે મારે પોતાની રીતે આગળ વધવું હતું. જેમ કે, મારો પહેલો લેખ `કુ. બા. દેસાઈ’ના નામથી પ્રગટ થયો. પછી મેં જોયું કે એમને હૉકીમાં બહુ રસ છે. ધ્યાનચંદને હૉકી ખેલતા તેમણે જોયેલા, એ સિવાયના એટલે કે ક્રિકેટના ક્ષેત્રમાં મેં લખવાનું શરૂ કર્યું તદ્દન જુદી દિશા. ક્રિકેટના લેખક તરીકે, સમીક્ષક તરીકે, કૉમેન્ટ્રેટર તરીકે જીવન જીવવાનું બન્યું એટલે એમ કહી શકાય કે પિતા તરીકે જે ધ્યાન રાખે, ચિંતા કરે એ પ્રભાવ ચોક્કસ. વળી સમય જતાં અમારો સંબંધ મિત્ર જેવો બની રહ્યો.

પ્રશ્ન  : આપે ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં અધ્યાપન કરતાં વિભિન્ન ભૂમિકાઓ ભજવી. તેનાં વિશેષ સંભારણાં ?

ઉત્તર : ભાષાભવનમાં હું ગયો, ત્યારે લેક્ચરર તરીકે ગયો. ધીરે ધીરે અધ્યક્ષ થયો અને હું અધ્યક્ષ થયો ત્યારે મારા ગુરુ ઉમાશંકર જોશી જે ખુરશી ઉપર બેસતા હતા, અધ્યક્ષની એ ખુરશી મેં મારી બાજુમાં રાખી અને અધ્યક્ષનું કામ કર્યું, અનેક જુદા જુદા પ્રકારનાં આયોજનો કરાવ્યાં. ઉર્દૂ ભાષાનો અને પ્રાકૃત ભાષાનો કોર્સ તથા અનુવાદનો કોર્સ જેવા નવા અભ્યાસક્રમો શરૂ કર્યા. એ પછી ડીન થયો તો એમાં પણ જુદા જુદા પ્રકારનાં આયોજન કરાવ્યાં. મારા પ્રસંગોમાં એમ કહી શકાય કે વિદાય સમારંભ સમયે મેં બ્લડ ડૉનેશનનો એક કૅમ્પ થયો, એટલે જેમાં વિદ્યાર્થીઓની શક્તિ બહાર આવે તેવા પ્રયોગો સતત કરતા રહ્યા.

પ્રશ્ન  : આપની લેખનપ્રક્રિયા પર પ્રકાશ પાડશો ?

 ઉત્તર  :         મોટે ભાગે હું જાતે લખી શકતો નથી. કમ્પ્યૂટર પર લખાવું છું, પણ મારી લેખનપ્રક્રિયાના બે પ્રકાર છે : એક, પત્રકારત્વ અને બીજું સાહિત્ય. પત્રકારત્વમાં પુષ્કળ લખું છું, પણ જ્યારે તેને સાહિત્યનું રૂપ આપું ત્યારે એનો ઊંડો અભ્યાસ કરીને તથા માહિતી અને વિગતો મેળવીને તેને સાહિત્યરૂપે પ્રગટ કરું છું. પત્રકારની આંખ જુદી હોય છે અને સાહિત્યકારની આંખ જુદી હોય છે. એ સાચું છે કે પત્રકારત્વ પાસેથી આપણને કેટલીક સરસ તાલીમ મળે, પત્રકારત્વથી મને જો કોઈ લાભ થયો હોય તો એ છે કે આખા વિશ્વ સાથે એક તાર બાંધી શક્યો. પત્રકારત્વથી વિશાળ ઉઘાડ મળ્યો. સાહિત્ય એ જુદી બાબત છે. માટે જ ‘ઈંટ અને ઇમારત’ મેં ૧૯૭૦થી શરૂ કર્યું. દર વર્ષના બાવન હપતા કરીએ, તો કેટલા થાય? પણ એનાં પુસ્તકો ખૂબ ઓછાં પ્રગટ થયાં છે. એટલે મારે મન બે વાત તદ્દન જુદી છે. મેં એક પુસ્તક લખેલું છે ‘અખબારી લેખન’, જેમાં આ વિશે વિગતે ચર્ચા કરી છે. પત્રકારનો ધર્મ જુદો છે અને સાહિત્યકારનો ધર્મ જુદો છે. સમાજને બંનેની જરૂર છે.

 પ્રશ્ન : આપે તત્ત્વજ્ઞાન પત્રકારત્વ, જૈનધર્મનું પરિશીલન, અનુવાદ, સંશોધન, સંપાદન જેવાં અનેક ક્ષેત્રો ખેડ્યાં – આટલું વૈવિધ્ય આપ કેવી રીતે સંપાદિત કરી શક્યા ?

ઉત્તર : સૌથી પહેલું તો મને આકાશ જોવું સૌથી વધારે ગમે, એટલે મને જેટલો આનંદ ફૂટબોલર મેસીના ગોલમાં મળે એટલો જ આનંદ રાજેન્દ્ર શાહની કવિતામાંથી પણ મળે, વળી એટલો જ આનંદ મને કોઈ આફ્રિકાના લેખક જે જેલમાં રહ્યો હોય, તેની ડાયરીમાંથી પણ મળે. પહેલાં હું એમ માનતો કે માણસ એક ક્ષેત્રમાં રહે એ આમ તો સારૂં કહેવાય. વિશિષ્ટ ખેડાણ કરી શકે પણ મુશ્કેલી એ વાતની હતી કે ઘણી વાર એ બીજાં ક્ષેત્રોથી દૂર નીકળી જાય, જીવનનાં આવા આનંદનાં ક્ષેત્રોમાં અધ્યાત્મ પણ આવે. એમાં રમતગમત પણ આવે, સાહિત્ય પણ આવે, તો એ બધાં ક્ષેત્રોનો સર્વાંગી અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે, માટે જુદાં જુદાં વિવિધ ક્ષેત્રોમાં રસ લેવાનું શરૂ કર્યું. મારી પ્રકૃતિ એવી કે જેમાં રસ લો, તેમાં તલસ્પર્શી અભ્યાસ સુધી પહોંચી જવું. જેમ કે, હું કૉલેજમાં પહેલાં થોડું ઘણું ક્રિકેટ રમતો. પછી ક્રિકેટ વિશે લખવાનું થયું. પછી માત્ર સામાન્ય બનવું એમ નહીં, કૉમેન્ટેટર તરીકે ક્રિકેટનો માત્ર અહેવાલ આપવો એમ નહીં, પરંતુ ક્રિકેટરના આંતરસંઘર્ષો, એમની પરિસ્થિતિ આ બધાંનો અભ્યાસ કર્યો. બીજી બાજુ એવું પણ થાય કે માટે મારા વાંચકોને પ્રમાણભૂત માહિતી આપવી હતી, તેથી મેં ૫૦૦૦ કવર્સ બનાવ્યાં. જેમાં એક ક્વર તમે ખોલો, જે નરીમાન કૉન્ટ્રાક્ટરનું કવર હોય. તેમાં તેમના જીવનની આખી વાત તમને મળી જાય. હવે આવું કર્યું એ માટે કે એ જમાનામાં લોકો લખે ત્યારે એમ લખે કે એક વાર નરીમાન કૉન્ટ્રાક્ટરને અકસ્માત થયો, ત્યારે એની સામે આ કવરની માહિતી દ્વારા હું કરી શકું કે ૧૯૬૨ની ૧૭મી માર્ચે લંચ પછીની બીજી ઓવરના ચાર્લી ગ્રીફિથનો ત્રીજો દડો નરીમાન કૉન્ટ્રાક્ટરના જમણા કાનથી એક ઇંચ ઊંચો વાગ્યો અને તેને તાત્કાલિક ઑપરેશન કરવાની જરૂર પડી. તેના માટે ખાસ બારબોડસની બાજુમાં આવેલા ગિનિડાડ ટાપુ પરથી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને એ દિવસે વિરોધી ટીમનો સુકાની ફ્રેન્ક વૉરેલે ટીવી ઉપર અપીલ કરી કે આપણા દેશમાં આવેલો અતિથિ આજે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. આજે સૌ એનાં જીવનનું પ્રભુ રક્ષણ કરે તેવી પ્રાર્થના કરજો. એમ જૈન ફિલૉસૉફીમાં પણ એવું જ બન્યું કે જેમ જેમ તેનો અભ્યાસ કરતો ગયો, તેમ ખ્યાલ આવ્યો કે આ સૂકતો છે, તેમાં તો ઘણો મર્મ છે, ઘણું જ્ઞાન છે. માણસનાં જીવનને ઘડવાની ઘણી શક્તિ અને તાકાત છે. ત્યારબાદ ફિલૉસૉફીનો અભ્યાસ કર્યો. વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ગયો. તેને પરિણામે વેટિકનમાં પૉપ જ્હૉન પૉલ(દ્વિતીય)ને મળવાનું બન્યું. એ ઉપરાંત, કેટલાય પર્યુષણ પર્વ વિશ્વના દેશોમાં ઊજવ્યાં ઑનલાઇન મુલાકાતોના કારણે વિશ્વમાં ધર્મની વ્યાપકતા જોઈ અને જાણ્યું કે ધર્મ કોઈ અલગ વસ્તુ નથી. આપણા જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. દુકાનનો માણસ અને દેરાસરનો માણસ આજે જુદો થઈ ગયો છે, માટે આ જુદા જુદા વિષયોમાં જવાને કારણે જ્ઞાનની ભૂખ સતત જાગૃત રહે છે, તમારો વ્યાપ ખૂબ વિકસે છે. મારી સમગ્ર આકાશ જોવાની ઇચ્છા ફળીભૂત થાય છે.

પ્રશ્ન  : આપે વ્યાખ્યાનો નિમિત્તે પુષ્કળ પ્રવાસો ખેડ્યા. આ પરિવ્રાજને આપને શું આપ્યું ?

ઉત્તર : એક તો અસીમ પ્રેમ મળ્યો. બીજું, જુદા જુદા માણસોની પ્રકૃતિનો ખ્યાલ આવ્યો. ત્રીજું, દાખલા તરીકે, દેશની સૌથી વધારે એઇડ્સના દર્દીઓની ઝૂંપડપટ્ટી ધરાવતી નાઇરોબીની ઝૂંપડપટ્ટીમાં ગયો. ત્યારે નવી વાત જોવા મળી. એક પાદરી ત્યાં વર્ષોથી કામ કરે છે તે વસ્ત્રવિહોણાં આફ્રિકન બાળકોને ભણાવે છે અને એઇડ્સના પીડિતોની સારસંભાળ લે છે.

પ્રશ્ન  : વિશ્વકોશ જેવી સંસ્થા સાથે આપ વર્ષોથી સંકળાયેલા છો, તો આવી સંસ્થાનું સંચાલન કરવા માટેની આપની કાર્યપદ્ધતિ કેવી રહી ?

ઉત્તર : હકીકતમાં મૅનેજમેન્ટના સિદ્ધાંતો સાવ જુદા છે. સૌથી પહેલી વાત, સંસ્થા જો સંનિષ્ઠાથી ચાલતી હોય તો તેને કોઈ મુશ્કેલી પડતી નથી. આપણે ત્યાં ઘણી વાર આર્થિક મુશ્કેલીઓની વાતો કરવામાં આવે છે, પણ જો સંસ્થા યોગ્ય રીતે ચાલે તો તેને ક્યારેય આર્થિક મુશ્કેલી આવતી નથી. મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે વિશ્વકોશના ટ્રસ્ટે આજ સુધી ક્યારેય દાનની અપીલ નથી કરી. બીજું, વિદ્વાનો અને અન્ય કર્મચારીના સુખ-દુ:ખમાં ભાગીદાર થવું. તમે પ્રેમ આપો તો સામેથી તમને પ્રેમ જ મળે છે. આપને જાણીને નવાઈ થશે કે આખો વિશ્વકોશ ૨૬,૦૦૦ પાનાંનો, જેમાં ૨૪૦૦૦ લેખ છે, એ આખો જ ઑનલાઇન છે. તમારી આંગળીના ટેરવે છે. તમારે માહિતી આપતા google પર પહેલા પાંચ રેફરન્સમાં વિશ્વકોશની વાત હોય છે. આ કાર્યને લીધે લૅક્સિકન જેવી સંસ્થાને ૩૩ વર્ષ સુધી રતિલાલ ચંદેરિયાએ જાળવી રાખી જે શબ્દકોશો સંચિત કર્યાં, ૪૫ લાખ શબ્દો ધરાવતો આ કોશ. લૅક્સિકન જેવી સંસ્થાને પણ એમ થયું કે અમે જો આ સંસ્થાને આપીશું તો એ તેનો સદુપયોગ કરશે. એવો જ દાખલો અમેરિકાથી પ્રગટ થતા ગુજરાતી ત્રૈમાસિક `ગુર્જરી ડાયજેસ્ટ’નો છે. આ બધાના કારણે વિશ્વકોશ અત્યારે ગુજરાતમાં મહત્ત્વનું કામ કરતી સંસ્થા બની રહી. આ સંસ્થા ૧૧ જેટલા ઍવૉર્ડ આપે છે. ઓનલાઇન દ્વારા ગુજરાતી ભાષા માટે પ્રયત્ન કરનારાને એવોર્ડ મળે છે. સમાજના છેવાડાના વર્ગને મદદ કરનારાને ઍવૉર્ડ મળે છે. કલાક્ષેત્રે ઉત્કૃષ્ટ કામ કરનારાને ઍવૉર્ડ મળે છે. ટૅકનૉલૉજી દ્વારા લોકજીવનમાં પરિવર્તન લાવનારાને ઍવૉર્ડ મળે છે. આવા જુદા જુદા ઍવૉર્ડ દ્વારા સમાજની પ્રતિભાને પોંખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

પ્રશ્ન  : જૈન ધર્મના આપના તલસ્પર્શી અધ્યયને આપને શું પ્રદાન કર્યું?

 ઉત્તર  :         જૈન ધર્મ પાસેથી બધું પ્રાપ્ત થયું છે. જીવનમાં અનેક ગુણો આપોઆપ આત્મસાત્ થતા જાય. એનો અનેકાંતવાદ જુઓ. એમાંથી આપણને થાય કોઈક વ્યક્તિ ક્યારેક ઉશ્કેરાઇ જતી હોય, અકળાઇ જતી હોય તો એને આપણે ઉશ્કેરાઈને વળતો જવાબ આપવાની જરૂર નથી. એ વ્યક્તિના સંજોગો એવા હોય, એની પરિસ્થિતિ એવી હોય. બીજાની દૃષ્ટિએ જગતને જોવાની ખૂબી એ અહીંથી મળે છે. જૈનદર્શનની અહિંસા છે, એ અહિંસાની સૂક્ષ્મતા છે.

 પ્રશ્ન : આપે તૈયાર કરેલા કોશ અંગેના આપના અનુભવો જણાવશો ?

ઉત્તર : ગુજરાતી વિશ્વકોશનો પ્રારંભ થયો, ત્યારે સૌથી મોટી મુશ્કેલી શબ્દકોશ અને વિશ્વકોશ વચ્ચેનો ભેદ દર્શાવવાની આવી. શબ્દકોશમાં શબ્દનો અર્થ આવે, જ્યારે વિશ્વકોશમાં જે તે શબ્દ વિશેની તમામ જાણકારી. જેમ કે, કમ્પ્યૂટર શબ્દ હોય તો એની શોધ કોણે કરી, કેટલી જનરેશન થઈ. કઈ રીતે કામ કારે છે – એ સઘળી વાતો વિશ્વકોશમાં હોય.

          વિશ્વકોશ દ્વારા ગુજરાતીભાષી પ્રજાને એક મોટો જ્ઞાનભંડાર આપવાનો ખ્યાલ. આપણે ત્યાં યુનિવર્સિટીઓમાં ગુજરાતી માધ્યમનો સ્વીકાર થયો, પણ એ માટે જે પ્રકારના સાહિત્યની આવશ્યકતા હોય, તે અપૂરતી રહી. બંગાળી પાસે બે વિશ્વકોશ, હિન્દીમાં ત્રણ વિશ્વકોશ, ઊડિયામાં પણ છે, માત્ર ગુજરાતી પાસે વિશ્વકોશ નહીં, એટલે ગુજરાતીને પોતાનો વિશ્વકોરા હોવો જોઈએ. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં જોઈને તો ગુજરાત વિશે ચાર જ લાઇન મળે છે, જ્યારે આપણા વિશ્વકોશમાં ગુજરાત વિશે સાતસો પાનાં મળે એટલે પહેલાં ગુજરાત પછી ભારત અને વિશ્વ – એ રીતે આખો ક્રમ ગોઠવ્યો.

          ગુજરાતી ભાષામાં વિશ્વકોશ આવે એ માટે ૧૯૫૫ની બીજી ડિસેમ્બરે એનો પ્રારંભ થયો. આ કોશમાં એક અધિકરણ આવે એટલે કે એક એન્ટ્રી આવે, લખાણો આવે, એ લખાણ લગભગ ચોવીસ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ એ લખાણ પ્રગટ થાય. આ વિશ્વકોશમાં કેટલાક એવા વિષયો લીધા છે, જેમ કે, કિટાણુઓથી થતા રોગો – જે બીજા કોઈ વિશ્વકોશમાં પ્રાપ્ત નથી.

          આ વિશ્વકોશના સર્જન દરમિયાન સૌથી મોટું કામ એ થયું કે વિદ્વાનોનો સહયોગ મળ્યો. પોતાના વિષયના પ્રેમને ખાતર. એ લોકોને વિશેષ ૨કમ આપી શકાય એમ ન હોવા છ્તાંય માત્ર ને માત્ર વિષયના જ પ્રેમને ખાતર વિશ્વકોશનું કામ શરૂ કર્યું. વિશ્વકોશનાં ૨૬૦૦૦ પૃષ્ઠમાં ૨૪૦૦૦ લખાણ છે. વિશ્વકોશની માહિતી તમામ લોકો સુધી પહોંચે એ માટે ઑનલાઇન પણ એ મુકાયો છે. દર મહિને જગતના બે લાખ લોકો આ વિશ્વકોશનો ઉપયોગ કરે છે. અમારો ખ્યાલ એવો છે

પ્રશ્નો : આપે જીવનમાં સતત મૂલ્યોનું  આરાધન કર્યું છે. આજની યુવાપેઢીને આ અંગે આપ શું કહેવા ઇચ્છશો ?

ઉત્તર : આજની યુવાપેઢીના હાથમાં આખું બ્રહ્માંડ છે. સવાલ એ છે કે એની ઉપયોગિતા એ કઈ રીતે કરી શકે છે ? આજે વ્યક્તિના જીવનની એ બાબત; એક તે જીવનનો આનંદ અને બીજી તેનાં કાર્યોનો આનંદ. કાર્યકુશળતા વધી છે, પણ જીવનની ભીતર જઈને પોતાની જાતને જોવાની કે જગતને જોવાની દૃષ્ટિ હોવી જરૂરી બને છે. આપણે જાણીએ છીએ તેમ આજકાલના ૬૦ ટકા રોગો માનસિક રોગો છે. આવા રોગોમાંથી બહાર નીકળવાને માટે અધ્યાત્મનું અવલંબન લેવું પડશે.

પ્રશ્નો : આજે સમગ્ર દુનિયામાં વિવિધ માધ્યમોનું આક્રમણ ચાલી રહ્યું છે, ત્યારે સાહિત્ય એનું સ્થાન કઈ રીતે ટકાવી શકે ?

ઉત્તર : માધ્યમોની બાબતમાં હું એમ માનું છું કે દરેક માધ્યમ પોતાના સમયનાં પરિવર્તનને ઓળખીને પોતાનું પરિવર્તન કરે છે, અખબાર પછી રેડિયોનું માધ્યમ આવ્યું, ત્યારે લોકોએ માન્યું કે રેડિયો તો ઘટના બને ને તરત જ આપણને કહે અને અખબાર તો બીજે દિવસે સવારે આવે. આથી કેટલીક વ્યક્તિઓ કહેતી કે હવે અખબાર નહીં વંચાય,

 પ્રશ્નો : આપના સભર, સાતત્યપૂર્ણ, પ્રવાહી જીવનમાંથી આપને શું સાંપડ્યું ?

ઉત્તર : જીવનમાંથી એક જ માર્ગ સાંપડ્યો, જે છે આંતરિક પ્રસન્નતા. જીવનમાં ઘણી જ પરિસ્થિતિઓ બદલાતી રહે છે. ઘણા જ સંઘર્ષો આવતા રહે છે. કદાચ સંઘર્ષની વાત કરું તો મારા પિતા જ્યારે અવસાન પામ્યા, ત્યારે મારી પાસે રૂા. ૩૫૦ની મૂડી હતી, પણ જેવી ખુમારી એમનામાં, એવી ખુમારી મારામાં, એટલે કોઈને ખ્યાલ ના આવ્યો. પણ આવા અનેક સંઘર્ષ જીવનમાં આવતા જ રહે છે. હું એટલે જ માનું છું કે જીવન એટલે સંઘર્ષ. પછી બહુ ચિંતા કરવાની જરૂર નથી કે આ સંઘર્ષ આવ્યો. એ તો આવે જ એટલે તો એ જીવન છે માટે એ જીવનમાંથી જે મને સાંપડ્યું છે, જે જગત અને ધર્મમાંથી સાંપડ્યું છે. અધ્યાત્મમાંથી અને સંતો પાસેથી સાંપડ્યું છે, એ આંતરિક પ્રસન્નતા જ સૌથી મોટી વાત છે. 

પ્રશ્નો : આપનું પ્રિય પુસ્તક અને વ્યક્તિ ?

ઉત્તર  : એ કહેવું ઘણું મુશ્કેલ છે, પણ હું આટલું ચોક્કસ કહીશ કે મને આફ્રિકન સાહિત્ય પર વધારે ગમે છે. આફ્રિકાએ એક વખત ગોરા લોકોની ગુલામી ભોગવી અને બીજી વખત પોતાના જ લોકો સરમુખત્યાર બની ગયા. ત્યારે તો એ વધારે પસંદ છે. આવા લોકોની જે કથાઓ છે, અને જે લોહીથી લખાયેલી કથાઓ છે, એ વધારે પસંદ છે.

પ્રશ્નો : એક જ વાક્યમાં આપને જીવનનો નિષ્કર્ષ તારવવો હોય, તો આપનો ઉત્તર શો હોય ?

ઉત્તર : જીવનને આનંદપૂર્વક માણવું. હસતે મુખે આવ્યા છીએ અને હસતે મુખે શૂન્યમાં ભળી જવું.

દર્શના ધોળકિયા

અધ્યક્ષ ગુજરાતી વિભાગ,
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી;
લેખક, વિવેચક, સંપાદક અને સંશોધક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑