દરેક ટીકાનો જવાબ આપશો, તો એમાં જ તમારી આખી જિંદગી પૂરી થઈ જશે !
ટીકાઓનો વરસાદ એ આજના સમયની વિશેષતા છે. રાજકારણમાં તો પરસ્પરની ટીકાઓ માઝા મૂકી જતી હોય છે. સમાજજીવનની શાંતિને આવી ટીકાઓ સળગાવી મૂકતી હોય છે. સોશિયલ મીડિયા પરની આક્રમક ટીકાઓ પ્રજાના દિમાગને હિંસક બનાવે છે અને ટ્રોલને કારણે તો જાણે ટીકાઓનો મહાસાગર ઊછળવા લાગ્યો છે. આજે તો એટલી બધી ટીકાઓ ચાલ્યા કરે છે કે જો વ્યક્તિ પોતાના વિશે થયેલી એકેએક ટીકા સાંભળે તો એમાંથી બચવા માટે એને ડેનિયલ ડીફોની નવલકથાના પાત્ર રોબિન્સન ક્રૂઝોની માફક દૂરના ટાપુ પર એકાંતવાસ વેઠવો પડે.
આ ટીકાના વૃક્ષને જેટલું ઈર્ષાનું વધુ ખાતર મળે, એટલું એ વૃક્ષ વિશાળ થાય અને એનાં કટુ ફળ આપતું જાય. કેટલીક વ્યક્તિઓને તો વાત કરતાં આવડતી નથી, માત્ર નિંદા કરતાં ફાવે છે.
કોઈ પણ ઘટના બને, પછી તે ગમે તેટલી યોગ્ય, ઉપયોગી કે લાભદાયી હોય, તેમ છતાં કેટલાક દરેક ઘટનાની ટીકા કરવાના એમના જન્મસિદ્ધ અધિકારને આંચ આવવા દેતા નથી. આપણે ત્યાં પ્રત્યેક વ્યક્તિ રાજકારણ અને ક્રિકેટના સમીક્ષક હોય છે. મનની હતાશા અને દૃષ્ટિની નકારાત્મકતા ટીકાનો આધાર છે. વળી આપણે ત્યાં તો ટીકા કરવાના ઘણા માર્ગો અને ઉપાયો મળી રહે છે. વ્યક્તિની જ્ઞાતિને અનુલક્ષીને ટીકા થાય છે તો એની જાતિને અનુલક્ષીને પણ ટીકા થઈ શકે. એનો પહેરવેશ અને એની જીવનરીતિને ધ્યાનમાં રાખીને પણ ટીકા થઈ શકે. ક્યારેક કોઈ ભ્રાન્ત ધારણા કે સ્વરચિત કલ્પનાના માધ્યમથી પણ ટીકા થતી હોય છે.
ભગવાન બુદ્ધે પુત્ર ગુમાવનારી માતાને કહ્યું કે ‘તું કોઈ ઘરમાંથી ચોખાનો દાણો લઈ આવ કે જ્યાં કોઈ મૃત્યુ પામ્યું ન હોય’. જેવી વાત ભગવાન બુદ્ધે મૃત્યુની નિશ્ચિતતા અને સાર્વત્રિકતાની કરી, એવી જ વાસ્તવિકતા નિંદાની છે. જગતમાં ક્યાં કોઈ માનવી, મહાત્મા કે ઈશ્વર નિંદામુક્ત રહી શક્યા છે. બૌદ્ધ ધર્મગ્રંથ ‘ધમ્મપદ’માં કહ્યું છે કે લોકો વાચાળની નિંદા કરે છે, થોડું બોલનારાની નિંદા કરે છે અને મૌન રહેનારાની પણ નિંદા કરે છે. અને પછી નોંધે છે કે ‘જગતમાં એવો કોઈ પણ નથી કે જેની નિંદા કે ટીકા કરવામાં આવી ન હોય.’
લોકમાન્ય ટિળક સવારે ચાના સમયે અખબાર વાંચતા હતા અને કહેતા કે ‘ચાની સાથોસાથ હું મારી ટીકાઓને પણ પી રહ્યો છું.’
ક્યારેક તો નજીકની વ્યક્તિએ એવી આકરી ટીકા કરી હોય કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ પડે. ચાર્લ્સ ડાર્વિનના પિતા રોબર્ટને સ્વપ્નેય કલ્પના નહોતી કે પોતાનો પુત્ર જગતમાં પરિવર્તન લાવનારો બનશે. આથી એમણે એક પત્રમાં પુત્રને લખ્યું, ‘તું આખો દિવસ નિશાનબાજી પાછળ તથા કૂતરાઓ અને ઉંદરો પકડવામાં ગાળે છે. બીજી કોઈ બાબતની તને કશી દરકાર નથી. તું તારી જાત માટે અને તારા કુટુંબને માટે કલંકરૂપ છે.’
ચાર્લ્સ ડાર્વિને એના ડૉક્ટર પિતાની ઉજ્જ્વળ કારકિર્દીની ઇચ્છાને બદલે પોતાના અંતરના અવાજને અનુસરીને અવલોકનની કળાને વિકસાવી અને ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા બન્યો. પાંચ પાંચ વર્ષ સુધી ડાર્વિને પ્રકૃતિનો અભ્યાસ કર્યો. સાહસભરી સફરો ખેડી, વેરાન ટાપુઓની મુલાકાત લીધી. ખડક, જીવજંતુ, પ્રાણીઓ અને અશ્મીઓનો સંગ્રહ કર્યો. આ બધું કરતી વખતે ડાર્વિનને ટીકાનો સામનો કરવો પડ્યો, પરંતુ એ પછી એ જ ડાર્વિનને પિતાની ચાહના પણ મળી.
ટીકા સ્વપ્રશંસાનો ‘શૉર્ટકટ’ છે. અન્ય વ્યક્તિથી પોતાની સરસાઈ કે ઊંચાઈ સિદ્ધ કરવા માટે આવો માર્ગ અપનાવનારા મળે છે. અહીં એ ટીકાનો ઉપયોગ પોતાની અશક્તિના ઢાંકપિછોડા માટે કરે છે. બહાઈ ધર્મમાં તો મનુષ્યના મોટામાં મોટા અવગુણ અને સૌથી મોટા પાપ તરીકે પરાયી નિંદાને ગણવામાં આવી છે. અન્યની સિદ્ધિને ભૂંસવા માટે ઘણા સતત ટીકાનું રબર લઈને ભૂંસતા જ રહેતા હોય છે. પુરુષાર્થી ઉદ્યોગસાહસિકે વિકાસ સાધ્યો હોય, તો એના વિકાસને બિરદાવવાને બદલે તાતા કે અંબાણી સામે બિચારો કશી વિસાતમાં નથી એવો ખરખરો કરે છે.
નિંદાખોરની દૃષ્ટિ કેવી હોય ? આ માટે મહાકવિ કાલિદાસને જ યાદ કરવા પડે. ‘રઘુવંશ’ મહાકાવ્યમાં-
छायाहि भूमेः शशिनो मलत्वे,
नारोपिता शुद्धिमतः प्रजाभिः ।।
“નિર્મળ ચંદ્રમા પર પડેલી પૃથ્વીની છાયાને ચંદ્રમાનું કલંક કહીને એને લોકો બદનામ કરે છે.”
આવી ટીકાનો ઉત્તર કઈ રીતે આપી શકાય ? કેટલાક લોકોએ આવા ટીકાપત્રોને પોતાના ટેબલ પર કે અભ્યાસખંડની દીવાલ પર રાખ્યા હતા.
જનરલ મૅકઆર્થરે એમની ટીકા કરનારો એક પત્ર યુદ્ધ દરમિયાન એમની મુખ્ય છાવણીના ટેબલની નજીક દીવાલ પર ટાંગ્યો હતો. વિન્સ્ટન ચર્ચિલે તો નોંધ્યું કે જો હું મારી દરેક ટીકાનો જવાબ આપું, તો જિંદગીમાં બીજું કંઈ જ કામ કરી શકું નહીં. એણે કહ્યું, ‘મારો હેતુ તો એટલો જ છે કે હું મારી દૃષ્ટિએ જે યોગ્ય લાગે તે કામ કરી રહ્યો છું. મારા મૃત્યુ સુધી સારી રીતે કરતો રહું.’
સંત કબીરે તો નિંદકનો ઘણો મહિમા કર્યો છે અને કહ્યું છે કે એને ઘરના આંગણામાં કુટિર બાંધીને રાખવો જોઈએ, કારણ કે સાબુ અને પાણી વિના એ તમને નિર્મળ કરે છે. અને ગાલિબ જેવા તો,
ન સૂનો, ગ૨ બૂરા કહે કોઈ,
ન કહો, ગર બૂરા કરે કોઈ.’
આવી નિંદામાંથી પ્રશંસા પણ શોધી શકાય. જેમ જેમ નિંદકના વ્યક્તિત્વને ઓળખો છો, તેમ તેમ એમાંથી તમારી પ્રશંસાના અંશો પણ મળે. બાકી તો તમે ‘હૅમ્લેટ’માં શેક્સપિયરે કહ્યું છે તેમ ‘બરફ જેવા નિર્મળ હો અને હિમ સમાન પવિત્ર હો તોપણ લોકનિંદાથી બચશો નહીં.’
મહાત્મા ગાંધીજીએ અપશબ્દો ભરીને અપાયેલા ટીકાખોરનો પત્ર ફેંકી દીધો હતો અને માત્ર એની ટાંકણી ઉપયોગમાં લીધી હતી.
સારી કે ખોટી થતી ટીકામાંથી સચ્ચાઈની નાનીશી ટાંકણી મળી જાય, તોપણ લઈ લેવી જોઈએ. અબ્રાહમ લિંકનની માનવતાને સૌથી મહાન અંજલિ એના યુદ્ધમંત્રી સ્ટેન્ટને આપતાં કહ્યું હતું કે, ‘દુનિયાએ ક્યારેય જોયો ન હોય એવો માનવીઓનો સૌથી પરિપૂર્ણ શાસક અહીં સૂતો છે. હવે તે અમર થઈ ગયો છે.’
અબ્રાહમ લિંકનનો યુદ્ધમંત્રી સ્ટેન્ટન એનો સૌથી કઠોર અને ઉદ્ધત ટીકાકાર હતો. અબ્રાહમ લિંકન વકીલાત કરતા ત્યારે એમને અમેરિકાના અગ્રણી વકીલ સ્ટેન્ટનના મદદનીશ તરીકે રહેવાની વાત થઈ, ત્યારે સ્ટેન્ટને તોછડાઈથી કહ્યું હતું કે, ‘લાંબા હાથવાળા આવા અણઘડ અને વાંદરા જેવા દેખાતા માણસ સાથે હું જોડાવા માગતો નથી.’
એ પછી અબ્રાહમ લિંકન પ્રમુખ બન્યા, ત્યારે “આ અતિશય મૂઢ માણસ રાજવહીવટ ચલાવવાને બિલકુલ નાલાયક છે” એવા શબ્દો વાપર્યા હતા અને પછી હાંસી ઉડાવતાં કહ્યું હતું કે, ‘અસલ ગોરીલાને જોવા માટે આફ્રિકા સુધી જવાની કશી જરૂ૨ નથી. લાંબા પગ કરીને તે વ્હાઇટ હાઉસમાં જ બેઠો છે.’
તુમાખી, ઉદ્ધતાઈ અને જોહુકમી ધરાવતા સ્ટેન્ટન પાસે અદ્ભુત કાર્યશક્તિ હતી. લશ્કર અને વહીવટમાં પેસી ગયેલી શિથિલતા દૂર કરવા માટે પ્રમુખ અબ્રાહમ લિંકનને સ્ટેન્ટનની શિસ્ત અને પુરુષાર્થની જરૂર હતી. તેથી એમને યુદ્ધમંત્રીનો મહત્ત્વનો કાર્યભાર સોંપ્યો, છતાં એ ક્યારેક અકળાતો તો લિંકનને ‘મૂરખનો સરદાર’ કહેતો હતો. પણ સમય જતાં સ્ટેન્ટન લિંકનની મહાનતાનો ખ્યાલ આવતાં એના પ્રત્યે આદર અને સન્માનની નજરે જોવા લાગ્યો અને તેને જગતના એક પરિપૂર્ણ શાસક તરીકે ઓળખવા લાગ્યો છે. પોતાના સૌથી મોટા ટીકાકારના હૃદયમાં પણ કઈ રીતે પરિવર્તન સાધી શકાય, એનો ઉપાય ગાંધીજી કે લિંકન પાસેથી મળી રહે.
ઈંટ અને ઇમારત
પ્ર.તા. 27-6-2024