લોકમાનસનો તાગ મેળવીને પત્રકારત્વના વિરલ વટવૃક્ષનું સર્જન કર્યું !
સ્વપ્નદ્રષ્ટા માત્ર સ્વપ્નોને સાકાર કરતા નથી, બલ્કે એ અવનવાં સર્જનો પણ કરે છે. એની પાસે માટીમાંથી માનવ સર્જવાની તાકાત હોય છે, નાનકડી ચિનગારીને મશાલ રૂપે પ્રજ્વલિત કરવાની શક્તિ હોય છે. સામાન્યને અસામાન્યમાં પરિવર્તિત કરવાની જડીબુટ્ટી હોય છે.
આ સમયે એવી અપૂર્વ શક્તિનું સ્મરણ કરતાં ‘ગુજરાત સમાચાર’ના ભીષ્મ પિતામહ મુરબ્બી શાંતિલાલ શાહની સ્મૃતિ જાગૃત થાય છે. 1969ની 24 ડિસેમ્બરે હૃદયરોગના હુમલાથી વર્ષોથી ‘ઈંટ અને ઇમારત’ ગુજરાત સમાચારમાં લખતા ‘જયભિખ્ખુ’નું અવસાન થયું. 27મી ડિસેમ્બર, ગુરુવારે એમણે લખેલું કૉલમ અંજલિ નોંધ સાથે પ્રકાશિત થયું. એ પછી આજે ‘ઈંટ અને ઇમારત’ કૉલમ મારા દ્વારા 54મા વર્ષમાં પ્રવેશે છે, ત્યારે એવો અનુભવ થાય છે કે સમય બદલાયો, વિષયો બદલાયા, લોકમાનસ પલટાયું અને એ બધું પારખીને આ કૉલમ અવિરત ગતિ કરતું રહ્યું છે. અગાઉ ‘ગુજરાત સમાચાર’ના અને ગુજરાતી સાહિત્યના પ્રખર હાસ્યલેખક શ્રી બકુલ ત્રિપાઠીએ ‘કક્કો અને બારાખડી’ કૉલમ સતત 53 વર્ષ સુધી લખીને વિક્રમ સર્જ્યો હતો. એ પરંપરામાં ‘ઈંટ અને ઇમારત’ ૫૪ વર્ષની અવિરત લેખનયાત્રામાં આગેકૂચ કરી રહ્યું છે. પરંતુ આ છથી વધુ દાયકાઓમાં ફેલાયેલા વટવૃક્ષનું બીજ રોપ્યું શ્રી શાંતિલાલ શાહની પ્રતિભા અને પ્રેરણાએ.
શ્રી શાંતિલાલ શાહ સાથે લેખક જયભિખ્ખુને ગાઢ મિત્રતા. ‘જયભિખ્ખુ’ના અવસાનના સમાચાર સાંભળતાં શાંતિભાઈ શાહ મારે ત્યાં દોડી આવ્યા. એમણે સહુને સાંત્વના આપી.
ચારેક દિવસ પછી મારા કુટુંબના વડીલો સાથે એમને મળવા ગયો ત્યારે એમણે કહ્યું, ‘બાબા, હવે ‘ઈંટ અને ઇમારત’ કૉલમ તારે લખવાની છે.’
શાંતિભાઈ ઘણી વ્યક્તિઓને એમના નામને બદલે આવી રીતે બોલાવતા. એક વિખ્યાત તસવીરકારને માત્ર ‘ગાંડો’ કહેતા, પણ એ ‘બાબા’ કે ‘ગાંડો’ શબ્દમાં એમનું નીતરતું વહાલ માણવાનું અમને સહુને ખૂબ ગમતું. મેં કહ્યું, ‘જયભિખ્ખુનો અનુભવ, વિશાળ જ્ઞાન અને રંગદર્શી શૈલી મારી પાસે ક્યાં છે ? વળી પિતાના મૃત્યુનો ઊંડો આઘાત છે.’
એમણે કહ્યું, ‘નહીં, આ કૉલમ તારે જ લખવાનું છે.’ છેવટે એવી શરત સાથે લખવાનું નક્કી કર્યું કે કૉલમ ગુરુવારે નિયમિત પ્રગટ થાય, પણ એની નીચે લેખકનું નામ ન મૂકવું. આની પાછળનો મારો આશય એવો હતો કે કદાચ કૉલમ બંધ કરવી પડે તોપણ ઉભય પક્ષે કોઈ સંકોચ ન રહે.
ત્રણેક અઠવાડિયાં સુધી કૉલમ લખ્યું, ઘણા લોકો સાંત્વના આપવા આવતા હતા હોવાથી વહેલી સવારે ઊઠીને કૉલમ લખવું પડતું. તત્ક્ષણ પિતાનું સ્મરણ થાય, મનમાં કેટલાય ભાવો અને વિચારો ઊભરાય, એમની શૈલીનું મનમાં અવતરણ કરતો હોઉં અને આ બધાને કારણે થતી વેદના અશ્રુપ્રવાહ રૂપે બહાર નીકળતી હતી.
આ જોઈને મારાં માતુશ્રી જયાબહેને કહ્યું, ‘હવે તેં આ ચોથું કૉલમ મોકલ્યું છે. આટલું બધું હૈયું દળવાની જરૂર નથી. તું જઈને શાંતિકાકાને કહે કે હવે મારાથી આ કૉલમ લખી શકાય તેમ નથી.’
આવા વડીલ સાથે આવી વાત કરવી કઈ રીતે ? સીધેસીધી ના પાડવાની મારી હિંમત ન ચાલી, તેથી મેં કહ્યું, ‘શાંતિકાકા, આ કૉલમ લખવા માટે આપણે મુરબ્બીશ્રી અમૃતલાલ યાજ્ઞિકને કહીએ તો ?’
એમણે તત્ક્ષણ કહ્યું, ‘બાબા, ગાંડો થયો છે. આવતીકાલે તારા નામ સાથે ‘ઈંટ અને ઇમારત’ પ્રગટ થશે. બકુલ ત્રિપાઠી અને બધા મને પૂછતા કે સ્વ. જયભિખ્ખુ કેટલાં કૉલમ લખીને ગયા છે ! આ વાતનો અર્થ સમજ્યો ને ! બીજું કોઈ કામ હોય તો બોલ.’ અને આ રીતે દર ગુરુવારે અખબારના એ જ લીડર પેજ પર આ કૉલમ નિયમિત પ્રગટ થતું રહ્યું.
આજે ‘ઈંટ અને ઇમારત’ એ સૌથી વધુ વર્ષો સુધી ચાલતા કૉલમનો નવો માપદંડ રચે છે, ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે મુરબ્બીશ્રી શાંતિલાલ શાહે કરેલા કેટલાય વિશિષ્ટ પ્રયોગોનું સ્મરણ થાય છે. ગુજરાતી પત્રકારત્વમાં પોતાની કર્મઠતા, દૂરંદેશી, સાધના અને સિદ્ધિથી નવા સીમાસ્તંભો રચનાર શાંતિભાઈ શાહનું જીવનકાર્ય આજે પણ વિશાળ અખબારી જગતમાં પ્રેરણાનું સ્થાન બની રહ્યું છે.
નવા વિષયોનું ખેડાણ ક૨વાની એમની સૂઝ, લેખકો અને સાહિત્યકારોની કટારો દ્વારા સંસ્કારિતાનું સંવર્ધન કરવાની ખેવના, વહેલી સવારથી મોડી રાત સુધી અખબારનાં તમામ પાસાંઓને માર્ગદર્શન આપવાનો એમનો ઉત્સાહ એ આજે પણ નવી પેઢીને રાહ ચીંધનારો બની રહ્યો છે.
શ્રી શાંતિભાઈના પ્રત્યેક શ્વાસમાં ‘ગુજરાત સમાચાર’ ધબકાર લેતું હતું. જીવનનાં 55 કરતાં પણ વધુ વર્ષો તેઓ અખબારજગત સાથે સંકળાયેલા રહ્યા અને 46 વર્ષ સુધી ‘ગુજરાત સમાચાર’ના તંત્રી તરીકે એમણે સક્રિય કામગીરી બજાવી. ‘ગુજરાત સમાચાર’ને ગુજરાતનું મોખરાનું અખબાર બનાવવા માટે એમણે રાત-દિવસ પુરુષાર્થ કર્યો.
‘ગુજરાત સમાચાર’ના ભવનમાં પ્રવેશતાં જ સામે ખુલ્લા દરવાજાવાળા ખંડમાં એ બેઠા હોય. જાણે આમ- જનતાના એક આદમી હોય એવી સાદાઈ, નિખાલસતા અને હૂંફ. જે અખબારી કચેરીમાં પ્રવેશે તેને એમનો ઉમળકાભર્યો અને વહાલસોયો આવકાર મળતો. લોકસંપર્કની અને મૅનેજમેન્ટની એમની આ આગવી પદ્ધતિ હતી.
ખમીરવંતા પત્રકાર તરીકે પત્રકારના સ્વમાન અને ખમીરની એમણે હંમેશાં આરાધના કરી. ગુજરાતનાં લોકઆંદોલનો વખતે પ્રજાહૃદયના જુવાળને કોઈનીય શેહશરમ રાખ્યા વિના વાચા આપી. મહાગુજરાતની ચળવળ, નવનિર્માણનું આંદોલન કે અનામત આંદોલન સમયે ‘ગુજરાત સમાચાર’ની મહત્ત્વની ભૂમિકા રહી. નર્મદા યોજનાને સાકાર કરવામાં એમણે ગુજરાતની પ્રજાનો બુલંદ અવાજ રાજકીય સ્તરે પ્રગટ કર્યો.
પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને છેક અટલબિહારી બાજપેયી સુધીના રાજનેતાઓ સાથે એમને ઘરોબો હતો; પરંતુ એમણે પોતાના આગવા સ્વમાનથી કોઈ રાજપુરુષ કે રાજકીય પક્ષની વિચારધારાને ટેકો આપવાને બદલે અખબારની સ્વતંત્રતા અને વ્યવસાયની પવિત્રતા જાળવી હતી.
1958ની 5મી જૂને જયભિખ્ખુની ‘ઈંટ અને ઇમારત’ કૉલમ ‘ગુજરાત સમાચાર’ના ચોથા પાના પર પ્રગટ થયું. ત્રિમૂર્તિના ચિત્ર સાથે સજાવીને જયભિખ્ખુના પ્રિય વાર એવા ગુરુવારે આ કૉલમનો પ્રારંભ થયો. એ સમયે સામાન્ય રીતે અખબારમાં લીડર-પેજ(તંત્રીલેખનું પાનું)ની બાજુમાં વર્તમાન પ્રવાહોને આલેખતી રાજકીય સમસ્યાઓની ગવેષણા કરતું કૉલમ હોય કે દેશની સમસ્યાઓના આટાપાટા આલેખતી સમીક્ષા હોય કે સામાજિક ઘટનાઓની નુક્તેચીની હોય, પરંતુ તંત્રીલેખની બાજુમાં કોઈ પ્રેરક, મૂલ્યનિષ્ઠ કે ચરિત્રાત્મક લખાણો આવતાં નહીં. ત્યારે તંત્રી શ્રી શાંતિલાલ શાહે આ એક સાહસ કર્યું. આજે પૉઝિટિવ જર્નાલિઝમનો મહિમા કરવામાં આવે છે, ત્યારે છાસઠ વર્ષ પૂર્વે એમણે જીવનને વિધાયક દૃષ્ટિકોણ આપતાં આવાં પ્રેરક કૉલમ શરૂ કરીને વર્તમાનપત્રોમાં એક નવો ચીલો પાડ્યો. એ જ રીતે પ્રસંગકથા દ્વારા ‘આ વાત અમને એટલા માટે યાદ આવી કે’ કહીને વર્તમાન પરિસ્થિતિ પર એમણે નિર્ભીક અવાજ પ્રગટ કરવાનું આયોજન કર્યું.
પારાવાર આશ્ચર્ય તો એ થાય કે એમણે એ જમાનામાં માત્ર એક રૂપિયામાં એક પુસ્તક આપવાનું આયોજન કર્યું અને એ રીતે એમણે અનેક ઐતિહાસિક અને સંસ્કારી પુસ્તકો ગુજરાતી પ્રજાને પહોંચાડ્યાં. સ્ત્રીઓ માટે ‘શ્રી’ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. ‘બુલબુલ’ અને ‘ચિત્રલોક’ જેવી પૂર્તિઓ અને સાપ્તાહિક પૂર્તિની સૌપ્રથમ શરૂઆત કરી. ક્રિકેટની પૂર્તિ ઉપરાંત એના ‘ક્રિકેટ જંગ’ નામે વિશિષ્ટ અંકોનું પ્રકાશન કર્યું. એમના દરેક નવપ્રસ્થાનની સાથે, વાચકોની નાડ પારખવાની એમની સૂક્ષ્મદૃષ્ટિ પ્રગટ થતી હતી.
શાંતિભાઈના આ અપ્રતિમ પુરુષાર્થે ‘ગુજરાત સમાચાર’ને પ્રગતિના પથ પર મૂકી દીધું; પરંતુ માત્ર એટલાથી એમને સંતોષ નહોતો અને એથી એમણે અનેક લેખકોને પ્રોત્સાહન આપ્યું. કેટલાય કટારલેખકો, પત્રકારો અને તસવીરકારોના ‘માળી’ બન્યા. પ્રતિષ્ઠિત લેખકોનાં કૉલમોને સ્થાન આપવાની સાથોસાથ એમણે કેટલાય નવા લેખકોને તૈયાર કર્યા.
એક સમયે બાળસાપ્તાહિક ‘ઝગમગ’ની લોકપ્રિયતા અને એની પચાસ હજાર નકલોનું વેચાણ આ ક્ષેત્રમાં સીમાસ્તંભરૂપ બની રહ્યું હતું. ચિત્રલોક સિને સર્કલ દ્વારા આગવા કાર્યક્રમો આપ્યા એટલું જ નહીં, પણ સ્વયં રાજ કપૂર જેવા અભિનેતા એમ કહેતા કે ‘ગુજરાત સમાચાર’ મેરા દૂસરા ઘર હૈ. આની સાથોસાથ રવિવારની પૂર્તિ અને બુધવારની ‘શતદલ’ પૂર્તિ શરૂ કરી. જેની સાથે સાહિત્ય અને સંસ્કારની સામગ્રી આપવાનો આશય રાખ્યો.
‘ગુજરાત સમાચાર’ને એમણે અનેક ક્ષેત્રોમાં વિકસાવ્યું. પત્રકારત્વની કેટલીયે નવી દિશાઓ ખોલી આપી. એમના પ્રત્યેક શ્વાસમાં ‘ગુજરાત સમાચાર’ ધબકાર લેતું હતું અને આથી તો એમની છેલ્લી માંદગી સમયે હૉસ્પિટલમાં જતાં પૂર્વે ‘ગુજરાત સમાચાર’માં આવીને એમણે દિવસભરના છેલ્લામાં છેલ્લા સમાચારોની માહિતી પ્રાપ્ત કરી હતી અને પત્રકારોને મળીને વિદાય લીધી. જીવનના પ્રત્યેક શ્વાસે એમણે કરેલી પત્રકારત્વની ઉપાસના કઈ રીતે વિસરાય ? ‘ગુજરાત સમાચાર’ના અણુએ અણુમાં આજે પણ શ્રી શાંતિભાઈ શાહનો ઉમળકાભર્યો અવાજ, એમનો ત્વરિત પગરવ, પત્રકારો સાથેની મીઠી અલપઝલપ વાતચીત ગુંજે છે. કેટલીય વ્યક્તિની વિશેષતા અને મહત્તા એમની વિદાય પછી જ રાજ્ય, સમાજ અને સ્વજનોને સમજાય છે. એ કેટલા બધા જીવંત, પથદર્શક અને પ્રેમાળ લાગે છે !
ઈંટ અને ઇમારત
પ્ર.તા. 13-6-2024