રખડુ, દરિદ્ર, મનમોજી યુવક નિષ્ઠુરદુનિયાની આપખુદી સામે માનુષી તાકાતથી ઝઝૂમે છે !

મારા હૃદયની વેદનાની મારા હોઠને ખબર નથી !

‘હું નાગરિક નથી, મારે નાગરિકતાના પેપર્સની જરૂ૨ નથી, એ અર્થમાં હું કોઈ એક દેશનો દેશભક્ત નથી, પરંતુ હું સમગ્ર માનવતાનો પૂરેપૂરો પ્રેમી છું, હું એક વિશ્વનાગરિક છું.’

1942માં ફાસીવાદ વિરોધી કલાકારોના સંમેલનમાં ચાર્લી ચૅપ્લિનનાં આ કથનોએ વિશ્વભરમાં વિવાદનો પ્રચંડ વંટોળ જગાવ્યો હતો.

હકીકત એ પણ છે કે કોઈ પણ માનવદ્રોહી વ્યવસ્થાની વિરુદ્ધની લડાઈનો પ્રારંભ કલાના ક્ષેત્રમાં થતો હોય છે. કલા એ માનવીના અંતરાત્માની અભિવ્યક્તિ છે. એ મુક્ત અભિવ્યક્તિનું ગળું ટૂંપવામાં આવે, તો કલા દ્વારા એ અભિવ્યક્તિ પામે છે. એ રીતે ચાર્લી ચૅપ્લિને એક બાજુ મૂડીવાદી વ્યવસ્થાનો વિરોધ કર્યો, તો બીજી બાજુ હિટલરના ફાસીવાદના પાયા હચમચાવી મૂક્યા.

એમ કહેવાય છે કે હિટલર અને એના મિત્રદેશોની સેના અથવા તો સમાજવાદી સોવિયેટ યુનિયન વિશ્વયુદ્ધના અંતે પરાજિત થયું, તે પૂર્વે એને ચાર્લ્સ સ્પેન્સર ચાર્લીએ પોતાના કલા-કસબથી પરાજિત કર્યું હતું. એણે હિટલર પર ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ નામની ફિલ્મ બનાવી. અગાઉ મૂંગી ફિલ્મોથી વૈશ્વિક ખ્યાતિ મેળવનાર ચાર્લી ચૅપ્લિને આ ફિલ્મમાં આ જગતના સૌથી તાકાતવાન સરમુખત્યારનું આલેખન કર્યું અને તેને પરિણામે એ સમયે નાઝીવાદથી પરેશાન અને નાઝીવાદને નફરત કરનારા લોકોની પીડાને ચાર્લી ચૅપ્લિને પોતાની આ બોલતી ફિલ્મ દ્વારા ‘અવાજ’ આપ્યો હતો ! અનેક દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એમ કહેવાય છે કે હિટલરે કેટલીયે વાર એકલા બેસીને આ ફિલ્મ જોઈ હતી, પરંતુ એ જોઈને એ હસી શક્યો નહોતો અને અંતે વિશ્વયુદ્ધના મેદાનમાં પણ એ હારી ગયો.

ચાર્લી ચૅપ્લિને પોતાની ફિલ્મમાં કૉમેડીને એક નવી ઊંચાઈ આપી. એનું ટ્રેમ્પનું પાત્ર ભૂખ્યા, બેકાર, આમ- આદમીની જિંદગીને બતાવે છે. ચાર્લી ચૅપ્લિન સામાન્ય માણસની ટ્રૅજેડીને કોમેડીમાં બદલવાની અદ્વિતીય કુશળતા દર્શાવે છે. ટ્રૅજેડીને કૉમેડીમાં પરિવર્તિત કરવી એ આસાન કામ નથી, પણ એક નિર્મમ યુદ્ધ છે અને એ યુદ્ધ એ જ લડી શકે છે કે, જે ચૅપ્લિનની જેમ મૂડીવાદી નિયતિની સામે અવાજ ઉઠાવે. એનો ટ્રેમ્પ ઠીંગણો, લાંબા રસ્તા પર કઢંગી રીતે ચાલતો, એકલવાયો આદમી છે. આ વાંકોચૂકો રસ્તો ક્યાં પહોંચશે એનો કોઈ ખ્યાલ નથી. આમેય જિંદગીની રફતાર તો આવી જ છે ને ? એ ઠીંગણો માણસ વાંકાચૂકા, ખરબચડા રસ્તા પર ઉત્સાહથી જીવનનો ડ્રાફ્ટ દોરતો જાય છે. એનાં ચિત્રોમાં વૃદ્ધ કે વિકલાંગની મજાક પણ આવે છે, પરંતુ અગાઉની ફિલ્મની રીતરસમો સામે વિદ્રોહ કરનાર ચૅપ્લિને એના એક ચલચિત્રના પ્રારંભમાં એક રમકડાંની દુકાનમાં પક્ષઘાતને કારણે જેનાં આંગળાં ધ્રૂજી રહ્યાં છે એવા વૃદ્ધને દુકાનમાં બેઠેલો દર્શાવ્યો છે. ચૅપ્લિન આ દુકાનમાંથી નાનું ‘ડ્રમ’ લઈને વૃદ્ધ દુકાનદારના ધ્રૂજતા આંગળા નીચે મૂકે છે અને ડ્રમ વાગવા લાગે છે.

આ દૃશ્ય સમયે દર્શકો સહેજે ક્ષોભ વિના મુક્ત હાસ્ય કરે છે, કારણ કે ચૅપ્લિન તર્કબદ્ધ રીતે ઘટનાને સાંકળે છે તેમાં પ્રેક્ષક તલ્લીન થઈ જાય છે. એ કહે છે કે જે બને છે તે બનતા બનાવોને લીધે બને છે. એ ક્ષણે એ જ બનવું જોઈએ, એવી બનાવની સાંકળ રચાય છે. આથી પ્રેક્ષકો માને છે કે આ વામન આદમી પ્રેક્ષકની લાગણી દૂભવવા અશક્ત છે અને એ જ રીતે એ અન્ય પ્રત્યે ક્રૂરતા દાખવવા અસમર્થ છે. એ જે કાંઈ કરે છે, તે સ્વયં બુદ્ધિથી કરતો નથી. ક૨વાનું હોય છે એટલે કરે છે, આથી બનાવો એને જેમ દોરી જાય છે, એમ એ દોરાતો રહે છે, એથી એ સારા-નરસાથી પર છે.

ચાર્લી ચૅપ્લિનની ચાલવાની રીત અનેક અદાકારો માટે તાલીમશાળા બની ગઈ. એમાં કેટકેટલા ધ્વનિ અને કેટકેટલી શૈલી જોવા મળે છે ! એ ચાલતા ચાલતા ખભા ઉછાળે છે ત્યારે, નસીબની વાગતી હોકો પ્રત્યેની એની લાપરવાહી સૂચવે છે. પ્રારબ્ધ ફળે કે ન ફળે, એની ઝાઝી પરવા કરતો નથી. સ્વતંત્ર મિજાજે મસ્ત આ આદમી ભયને નમવાનું શીખ્યો નથી એને તેથી જ ‘ડરવું નહીં અને યુદ્ધ કરવું સર્વદા’ એ એનો મુદ્રાલેખ લાગે છે. હાથમાં વીંઝાતી સોટી અને પગનું ચાપલ્ય લહેરીલાલાના મિજાજને દર્શાવે છે. આ બધી બાબતો ચૅપ્લિનના વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરે છે અને એ જ એના હાસ્યરસનું ઉપાદાન કારણ છે.

એના પાત્રમાં વિરોધી ગુણોની કેવી વિલક્ષણતા પ્રગટે છે ! એ ઠીંગણો આદમી વિચારે છે કે આમ કરવાથી બીજાને હરાવીને પોતે ફાયદો મેળવી શકશે. એ આને માટે પ્રયાસ કરે છે, પણ જો એમાં નિષ્ફળ થાય તો એની ઉદ્ધતાઈ નિર્માલ્યતામાં પરિવર્તિત થઈ જાય છે. આ રીતે એનું પાત્ર કાં તો મસ્ત હોય છે અથવા તો સાવ રાંક હોય છે. કાં તો શાહોનો શાહ હોય છે, નહીં તો બદતમીઝ ગુલામ હોય છે, પરંતુ એ બરોબરિયો તો ક્યારેય હોતો નથી. આ રીતે એના પાત્રમાં ક્યાંય મધ્યમ સ્થિતિ હોતી નથી. આ પાત્ર પોતાની વેદના, પોતાને પડેલ ઘા, સફળતા અને નિષ્ફળતા અદ્ભુત સફાઈથી વ્યક્ત કરે છે. નિષ્ફળતાના વિપુલ ઢગ વચ્ચે એ સફળ થવા માટે સતત પ્રયત્નો કર્યે જ જાય છે.

આમ ચાર્લી ચૅપ્લિનનું પાત્ર દુનિયાના માનવીઓથી અનોખું છે. આ જગતમાં એને માટે કોઈ સ્થાન નથી અને તેને કોઈ સ્થાન જોઈતું પણ નથી. આમ છતાં આવું સ્થાન પ્રાપ્ત કરવા એ મરણિયો પ્રયાસ કરે છે અને આ જ વિધિની વિચિત્રતા તરફનું માનવીનું હાસ્ય છે ! એનો આ આશાવાદ જડતામાંથી આવ્યો નથી, પરંતુ એને બનાવોની વિચિત્રતામાં શ્રદ્ધા છે તેથી જ પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ જાય, તોય એ હતાશ થઈને બેસી રહેતો નથી. એની એક ફિલ્મમાં એને સૂવા માટે આરામદાયક જગા મળી જતાં એ ઉત્સાહ અનુભવે છે. એ જગ્યા છે બગીચાનો બાંકડો. આ બાંકડા પર ગુલાબી મિજાજથી પગ લંબાવી અખબારનું પાનું ઓઢી લઈ, નિરાંતે સૂવા જાય છે. ત્યાં પોલીસ એને ઉઠાડીને હાંકી કાઢે છે. ત્યાંથી એ ભાંગેલા તૂટેલા કચરા તરીકે ફેંકાયેલા પાટિયાના ઢગલામાં અડ્ડો જમાવે છે – વસ્લની રાત્રે માશૂક સાથે આશિક સૂતો હોય એવી છટાથી ! અહીં સૂતો હોય છે, ત્યાં પોલીસ આવી એને હટાવે છે. વિના વાંકે જેલના સળિયા પાછળ ધકેલી દે છે. આ રીતે ચાર્લી ચૅપ્લિનની ફિલ્મમાં વિધિની વક્રતા સાથે કરુણાની છાંટ પણ અનુભવાય છે. રખડુ, દરિદ્ર, બેઘર, દુ:ખી પણ મનમોજી યુવક નિષ્ઠુર દુનિયાની આપખુદી સામે માનુષી તાકાતથી લડતો રહે છે અને તે જ ચાર્લી ચૅપ્લિનની ઘણી કથાઓનું કેન્દ્રબિંદુ છે.

ચાર્લી ચૅપ્લિનના જીવનમાં પણ આવી કેટલીય ઘટનાઓ બની હતી. એનાં વિધાનોએ વિવાદ સર્જ્યો હતો. એનાં સાહજિક દૃશ્યોમાંથી કેટલાયે ગેરસમજ ઊભી કરી હતી. ઇટાલી અને જર્મનીમાં એની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને એના ૫૨ સામ્યવાદી હોવાનો આરોપ પણ મુકાયો હતો, આમ છતાં આ કલાસ્વામી આજે પણ અ-દ્વિતીય છે.

ચાર્લી ચૅપ્લિને માત્ર પાંચ વર્ષની ઉંમરથી સ્ટેજ પર અદાકારી દાખવી હતી. એની પાછળ એના જીવનની એક ઊંડી પીડા છુપાયેલી છે. એ પાંચ વર્ષનો હતો, ત્યારે તોફાની સૈનિકોની ભીડની સામે એની માતાનો અવાજ ચાલ્યો ગયો, ત્યારે આયોજકોએ ચૅપ્લિનને એની માતાની જગાએ ગાવા માટે મોકલ્યો હતો. પાંચ વર્ષના ચાર્લીએ ‘જેક જ્હોન્સ’ નામનું એક લોકપ્રિય ગીત પ્રસ્તુત કર્યું અને દર્શકોએ ખૂબ પસંદ કર્યું. એના પર નાણાંનો વરસાદ વરસ્યો. આ ચાર્લી ચૅપ્લિન સામ્યવાદી વિચારધારા ધરાવતો હોવાની શંકાથી અમેરિકાએ એને નાગરિકત્વ આપ્યું નહોતું. અમેરિકામાં ચાલીસ વર્ષ રહ્યો, છતાં એને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું નહીં. બલ્કે તેને દેશ છોડવાનું કહેવામાં આવ્યું હતું. આ ચાર્લી ચૅપ્લિન મૂક ફિલ્મોનો બાદશાહ હતો. હાસ્ય-અભિનેતા, દિગ્દર્શક, લેખક, નિર્માતા અને સંગીતકાર જેવી અનેક જુદી જુદી જવાબદારીઓ એણે કુશળતાથી બજાવી હતી, પણ એ સહુમાં એણે ૨મૂજી પાત્ર તરીકેની એની અદાકારીએ આ ક્ષેત્રને એક નવી ઊંચાઈ આપી. કૉમિક ઍક્ટિંગમાં આજ સુધી કોઈ એની બરાબરી કરી શક્યું નથી. એની અદાકારીની ઘણી નકલ કરવામાં આવી. રાજ કપૂરની અદાકારીમાં એની ઝલક જોવા મળતી હતી.

ચાર્લી ચૅપ્લિનને જ્યારે ઑસ્કાર ઍવૉર્ડ એનાયત થયો, ત્યારે દર્શકોએ સતત બાર મિનિટ સુધી ઊભા રહીને તાળીઓથી એને વધાવ્યો હતો અને ઑસ્કાર ઍવૉર્ડમાં આ સૌથી મોટું સ્ટૅન્ડિંગ ઑડિશન માનવામાં આવે છે. ચાર્લી ચૅપ્લિન એમ કહેતો કે, ‘મારી જિંદગીમાં પારાવાર મુશ્કેલીઓ આવી છે, પરંતુ મારા હોઠને એની ખબર નથી. એ તો માત્ર હસી-મજાક જ જાણે છે.’ એ કહે છે : ‘તમે જો માત્ર જમીન ૫૨ જ જોતા રહેશો, તો ક્યારેય ઇન્દ્રધનુષ જોઈ શકશો નહીં.’ ચાર્લી ચૅપ્લિનનું બાળપણ ગરીબીમાં વીત્યું. અનેક સ્ત્રીઓ સાથેના સંબંધને કારણે એના જીવનમાં ઘણા ચડઉતાર આવ્યા. જિંદગીમાં ઘણી સંપત્તિ અને કીર્તિ પામ્યો હોવા છતાં જીવનભર એકલવાયો અને બેચેન કલાકાર રહ્યો અને વિધિની વક્રતા તો એવી કે 1977ની 25મી ડિસેમ્બરે અવસાન પામેલા ચાર્લી ચૅપ્લિનને દફનાવ્યા પછી ત્રણ મહિના બાદ એની કબરમાંથી એના શબની ચોરી કરવામાં આવી. ચોરી કરનારાઓએ એના પરિવાર પાસે ચાર કરોડ રૂપિયાની માગણી કરી હતી. પોલીસે બલ્ગેરિયાના બે મિકૅનિકની શબચોરી માટે ધરપકડ કરી. આવી ઘટના પુનઃ સર્જાય નહીં, તે માટે ચાર્લી ચૅપ્લિનના શરીરને એના ઘરથી નજીક દોઢ કિલોમીટ૨ દૂર કૉંક્રીટની નીચે દફનાવવામાં આવ્યું. અજોડ હાસ્યકારના જીવનની કેવી ટ્રૅજેડી.

ઈંટ અને ઈમારત

16-5-2024

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑