જમાનો જેમ રામને પૂજે છે, પણ એમને પૂજવા સાથે રાવણને યાદ કરે છે. જગત જેમ મહાત્મા ગાંધીજીને યાદ કરે છે, તે રીતે સરમુખત્યાર હિટલરને પણ વારંવાર યાદ કરે છે. યુરોપમાં તો આજે સૌથી વધુ પુસ્તકો હિટલર વિશે બહાર પડે છે અને એને કારણે એના જીવનની ઘણી ઘટનાઓનું દરેક લેખક પોતાની રીતે અર્થઘટન કરે છે. તાજેતરમાં હિટલરની સાથે એની પ્રેમિકા અને પછી પત્ની એવી ઇવા બ્રુનને જર્મન પ્રજાએ એક અનોખી અંજિલ આપી છે અને તે એ કે એક કઠોર માનવીને જો એક સ્ત્રી પ્રેમ કરે તો એનો કેવો અંજામ આવે છે. કોઈ એના અતૂટ પ્રેમને યાદ કરે છે, તો કોઈ એના કરુણ અંજામને જોઈને આંસુ સારે છે.
ઍડૉલ્ફ હિટલરની જીવનભરની પ્રેમિકા અને લગ્ન પછી માત્ર ચાલીસ કલાકનું દામ્પત્યજીવન પામનારી, સાઇનાઇડ લઈને આત્મહત્યા કરનારી પત્ની ઇવા બ્રુનને જર્મનીનો મહિલાસમાજ એક અનોખી પાગલ પ્રેમિકા તરીકે ઓળખે છે. એક સરમુખત્યારના કઠોર જીવનથી માંડીને એના અંતિમ સમય સુધી ઇવા બ્રુને હિટલરને સાથ આપ્યો.
ઇવા બ્રુનને એના જીવનથી અંત સુધી જીવનમાં સખ્તાઈભર્યા પુરુષો સાથે જ પનારો પડ્યો. નિશાળના શિક્ષક એવા એના પિતા ઘરમાં પણ સોટી અને સખ્તાઈ સાથે વર્તતા હતા. એની માતાએ છૂટાછેડા લીધા હતા, પરંતુ યુદ્ધમાં સપડાયેલા જર્મનીના ફુગાવાને કારણે આર્થિક અવલંબન માટે દોઢેક વર્ષ અલગ રહ્યા પછી સાથે રહેવા લાગ્યાં હતાં. એ જ સખ્તાઈનો અનુભવ ઇવા બ્રુનને જર્મનીના સરમુખત્યાર ઍડૉલ્ફ હિટલર સાથેના પ્રેમસબંધોમાં થયો. કૉન્વેન્ટની વિદ્યાર્થિની ઇવા બ્રુને સત્તરમા વર્ષે મ્યુનિકમાં હેન્રિચ હૉફમનને ત્યાં મૉડલ અને મદદનીશ તરીકે કામગીરી શરૂ કરી. આ હૉફમન હિટલરના નાઝી પક્ષનો સત્તાવાર તસવીરકાર હતો.
ઇવા બ્રુન અને ઍડૉલ્ફ હિટલરની પહેલી મુલાકાત સ્ટુડિયોમાં થઈ. ઇવા બ્રુન શૉપ આસિસ્ટન્ટ અને સેલ્સ ક્લાર્ક તરીકે જોડાઈ હતી, પણ થોડા જ સમયમાં એ કૅમેરાનો કસબ અને ફોટા ડેવલપ કરવાનું શીખી ગઈ હતી. એ સમયે હિટલર ચાલીસ વર્ષનો હતો. પણ ઇવા એને જોઈને પ્રથમ નજરે જ એના પ્રેમમાં દીવાની બની ગઈ. હિટલર એની ઉપેક્ષા કરતો, પણ ઇવાએ એને એકધારો પ્રેમ આપવાનું ચાલુ રાખ્યું. 23 વર્ષની ઇવાએ 1935ની છઠ્ઠી ફેબ્રુઆરીએ લખેલી બાવીસ પૃષ્ઠોની ડાયરી મળી છે. વિશ્વયુદ્ધ પછી મળેલી ઇવાની આ ડાયરીમાં એમના પ્રેમસંબંધના પ્રારંભે ઍડૉલ્ફ હિટલરના વર્તાવ અંગેની ઘણી કઠોર અને થોડી કમનીય ઘટનાઓનું આલેખન મળે છે.
મજાની વાત એ છે કે 1935ની છઠ્ઠી ફેબ્રુઆરીએ પોતાના તેવીસમા જન્મદિવસે ઇવાએ આ ડાયરી લખવાનું શરૂ કર્યું અને 28મી મે સુધી પોતાના હૃદયની વાત ઇવાએ એની આ ડાયરીમાં આલેખી છે. સ્નેહસંબંધ બાદ હિટલર એને મળવા આવ્યો ત્યારે પૂછ્યું પણ નહોતું કે એના જન્મદિવસે એના માટે કઈ ભેટ લાવું ? પરિણામે ઇવાએ જાતે જ પોતાને માટે ઍરિંગ, નેકલેસ અને મૅચિંગ રિંગ ખરીદ્યાં. જેની કિંમત થઈ પચાસ માર્ક. ઇવા વિચારે છે કે હિટલરને આ પસંદ પડશે, પણ સાથે એમ પણ વિચારે છે કે એને પસંદ પડે નહીં તો શું થયું ? ઍડૉલ્ફે પોતાની પસંદગીની ભેટ લાવવી જોઈએ ને !
એ ઘણી વાર હિટલર સાથે સમય પસાર કરે છે, પણ ક્યારેક હિટલર એની સામે નજ૨ સુધ્ધાં નાખતો નથી, એટલું જ નહીં પણ ઇવાનું હૃદય એટલે આઘાત અનુભવે છે કે તે ટ્રેનમાં બેસે છે, ત્યારે હિટલર એને ગુડ- બાય પણ કહેતો નથી ! સરમુખત્યારની નિષ્ઠુરતા એના હૃદયને કોરી ખાય છે.
1935ની પહેલી એપ્રિલે હિટલર અને ઇવા ત્રણ કલાક સાથે બેસીને ભોજન લે છે, પણ હિટલર એક શબ્દ ઉચ્ચારતો નથી. ઊઠતી વખતે હિટલર એને પૈસા ભરેલું કવર આપે છે, ત્યારે ઇવા વિચારે છે કે એના કરતાં એણે થોડા પ્રેમભર્યા શબ્દો લખીને આપ્યા હોત તો સારું થાત ! ઘણી વાર હિટલર એને મળવાની મનાઈ ફરમાવે છે. જાણે હિટલરની યોજનાઓમાં ઇવાના પ્રેમનો સાવ એકડો નીકળી ગયો હોય તેમ !
1932માં ઇવાએ હિટલરને મેળવવાના ગંભીર પ્રયાસ રૂપે આત્મહત્યા ક૨વાની કોશિશ કરી. 1935ની 28મી મેએ એણે નક્કી કર્યું કે એના પત્રનો હિટલર સાંજ સુધીમાં ઉત્તર નહીં આપે, તો એ ઊંઘની પચીસ ગોળીઓ લઈને ચિરનિદ્રામાં પોઢી જશે અને સદાને માટે બીજી દુનિયામાં ચાલી જશે. એણે પચીસ સ્લિપિંગ પીલ્સ લીધી, પણ તે ઊગરી ગઈ. એથીય વધુ એનું આ આત્યંતિક ઘેલછાભર્યું પગલું સફળ થયું અને હિટલરે એના પ્રેમનો સ્વીકાર કરીને એને માટે મ્યુનિકમાં એક મકાન ખરીદ્યું.
બેવેરિયન આલ્પ્સમાં પર્વતીય ઊંચાઈએ આવેલા એક રિટ્રીટમાં હિટલરે ઇવા બ્રુનને રાખી, પરંતુ એણે સતત એ ધ્યાન રાખ્યું કે જર્મન પ્રજાને આની જાણ ન થાય. મજાની વાત એ છે કે હિટલર જ્યારે આખી દુનિયાને ધ્રુજાવતો હતો અને અનેક રાજકીય દાવપેચો ખેલતો હતો, ત્યારે સામે પક્ષે એની પ્રિયતમા ઇવા બ્રુનને રાજકારણમાં સહેજેય રસ નહોતો. વર્તમાન પરિસ્થિતિ જાણવામાં કે હિટલરના સામ્રાજ્યમાં કોઈ રસ નહોતો. રાજપુરુષો સાથેની ગોષ્ઠી સમયે એ બીજા ખંડમાં રહેતી. હિટલર પણ એને આવી બાબતોથી દૂર રાખતો હતો. એ પોતાનો મોટા ભાગનો સમય ફિલ્મ જોવામાં, રોમૅન્ટિક નવલકથાઓ વાંચવામાં અને બે સ્કોટિશ કૂતરાઓ સાથે લાંબી લટાર લગાવવામાં પસાર કરતી હતી. જોકે હિટલ૨ના બ્રોન્ડી નામના કૂતરાથી પોતાના કૂતરાઓને દૂર રાખતી હતી. હિટલરને ઇવા બ્રુનની કેટલીક બાબતો નાપસંદ પણ હતી. ઇવા બ્રુન ધૂમ્રપાન કરતી હતી તે એને સહેજે ગમતું ન હતું એ જ રીતે ઇવા મેક-અપ કરતી હતી તે પણ આ સરમુખત્યારને પસંદ ન હતું.
1944માં હિટલરનો જાન લેવાનો પ્રયત્ન થયો. જર્મન લશ્કરમાં રહેલા એના છૂપા વિરોધીઓએ કેટલાંક કાવતરાંઓ કર્યાં હતાં, પણ આ બધાંમાંથી હિટલર બચી ગયો. આ સમયે ઇવાએ એને પત્રમાં લખ્યું, ‘આપણા પ્રથમ મિલન સમયે મેં નક્કી કર્યું હતું કે હું તમને અનુસરીશ. જો મૃત્યુ આવે તો ત્યાં પણ તમને અનુસરીશ. તમે જાણો છો કે મારું આખું જીવન તમારા પ્રેમમાં સમાયેલું છે.’
ઇવાના આ શબ્દો સાચા ઠર્યા. 1945માં જ્યારે રશિયા, ફ્રાન્સ અને બ્રિટનનાં લશ્કરો બર્લિન તરફ આગળ વધતાં હતાં, ત્યારે હિટલરના એક સાથીએ ઇવાને યુદ્ધ બાદ કોઈ સ્થળે છુપાઈ જવાની સલાહ આપી, ત્યારે ઇવા બ્રુને ઉત્તર આપ્યો, ‘તમે એમ માનો છો કે હું એમને એકલા મૃત્યુ પામવા દઈશ ? છેલ્લી ઘડી સુધી એમની સાથે રહીશ.’ છેલ્લા દિવસોમાં ઇવા એની સાથે ભોંયરામાં રહેવા ગઈ. પોતાના વિશ્વાસુ સેનાપતિઓ સાથે બર્લિનના બૉમ્બપ્રૂફ ભોંયરામાં રહીને હિટલર યુદ્ધનું સંચાલન કરતો હતો.
1945ની 29મી એપ્રિલે 56 વર્ષના હિટલરે યુદ્ધના વાતાવરણ વચ્ચે 33 વર્ષની પ્રિયતમા ઇવા સાથે લગ્ન કર્યાં. તદ્દન સાદી વિધિથી આ લગ્ન થયાં. બીજે દિવસે બપોરે સાડા ત્રણ વાગે એમના બેઠકખંડમાં બહારથી દુશ્મનની બંદૂકની ગોળી આવી. હિટલર ભાંગી પડ્યો હતો. એ આત્મહત્યા કરવા ચાહતો હતો. ઇવાએ સાઇનાઇડની ગોળી લીધી. હિટલરે પણ સાઇનાઇડની ગોળી લઈને પોતાના માથામાં ગોળી મારી. બંનેના મૃતદેહોને એમના સાથીઓએ બહાર ગાર્ડનમાં લાવીને પેટ્રોલથી બાળી નાખ્યા. હિટલરના જીવનમાં સતત નાટ્યાત્મક બનાવો બનતા રહ્યા અને એનો અંત પણ એવી જ નાટ્યાત્મક રીતે આવ્યો, પણ ઇવાની દીવાનગી આ સરમુખત્યારના જીવનમાં પ્રેમની સુરખી ફેલાવી ગઈ.
પારિજાતનો પરિસંવાદ
30-6-2024