આજના સંદર્ભમાં જેને ઇતિહાસ કહેવામાં આવે છે, એ અર્થમાં મહાભારત ઇતિહાસ નથી. આમેય ભારતમાં એ સમયે ઇતિહાસ શબ્દનો અર્થ કોઈ કાલબદ્ધ વૃત્તાંત નહીં, પરંતુ જે ઘટનાઓ બની છે, એને જુદાં જુદાં પાત્રો અને પુરાકલ્પનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હતી. એ ઇતિહાસ ‘મિથ’ના રૂપે હોય છે. જોકે એ જ કારણે ‘મહાભારત’માં આલેખાયેલો ઇતિહાસ માત્ર કાલબદ્ધ રહેતો નથી, માત્ર સાલવારીમાં જીવતો નથી કે દસ્તાવેજો ૫૨ આધારિત નથી. એને તારીખ કે તવારીખનું કોઈ વળગણ નહીં હોવાથી મહાભારતમાં આલેખાયેલા ઇતિહાસ સાથે પ્રત્યેક યુગની જુદી જુદી ઘટનાઓ અનુસંધાન પામી છે. વર્તમાન સમયની ઘટનાઓના મર્મને ઉજાગર કરવા માટે મહાભારતની ઇતિહાસકથાઓનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવ્યો છે. કદાચ એ જ મહાભારતની પ્રસ્તુતતા અને પ્રાસંગિકતાનો પુરાવો છે.
‘મહાભારત’માં ભલે પ્રાચીન વાત હોય, પરંતુ એ કથામાં એવાં સનાતન સત્યો છુપાયેલાં છે અને એવાં જીવનમૂલ્યોનું પ્રગટીકરણ થયું છે કે એ વર્તમાન સમયના આદર્શો, મૂલ્યો, ધ્યેયો અને છેક અનિષ્ટ સુધી સામ્ય ધરાવે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં તો આખુંય યુદ્ધશાસ્ત્ર જોવા મળે છે. દરેક મહારથીઓ કેવા વ્યૂહ અપનાવે છે ? એમનાં સૈન્યોની ગતિવિધિ કેવી છે ? વ્યૂહરચના અને વ્યૂહભેદન કઈ રીતે થતાં હોય છે ? અને યુદ્ધમાં વીરત્વની સાથોસાથ પ્રપંચના કેવા દાવ ખેલાતા હોય છે, એની રજેરજ માહિતી કુરુક્ષેત્રના રણસંગ્રામમાંથી મેળવી શકાય.
ભારત વર્ષમાં પાંગરેલી બે તદ્દન ભિન્ન સંસ્કૃતિઓનું મહાભારતમાં આલેખન મળે છે. એક બાજુ અરણ્ય સંસ્કૃતિ છે, જ્યાં ઋષિમુનિઓનો વાસ હોય છે. પ્રકૃતિનો અસબાબ હોય છે, માત્ર હરણાં જ નિર્દોષ નહીં, પણ માણસોય નિર્દોષ હોય છે તો બીજી બાજુ નગરસંસ્કૃતિ છે. હસ્તિનાપુરમાં રાજમહેલોમાં સતત પ્રપંચની ચોપાટ ખેલાતી હોય છે અને બદલાની ભાવનાથી માનવીઓ જીવતા હોય છે. રાજકીય દાવપેચભર્યો મહેલનો માહોલ સામાન્ય જનમાનસને પણ પ્રભાવિત કરે છે. ગુરુ દ્રોણે યોજેલી શસ્ત્રપરીક્ષાનો હેતુ તો રાજકુમારોના કૌશલની કસોટી કરવાનો હતો, પરંતુ નગરજનોને તો કર્ણનો પક્ષ અને અર્જુનનો પક્ષ એમ બે પક્ષમાં રસ પડ્યો. આજની પરિસ્થિતિનો આમાંથી કેવો તાદૃશ ચિતાર મળે છે !
બીજી એક બાબત એ છે કે ‘મહાભારત’નાં પાત્રોને માનવીય ગુણો કે અવગુણોના રૂપક તરીકે જોવામાં આવ્યા છે. ‘મહાભારત’ માત્ર વીર, પરાક્રમી અને રાજકુમારોની જ કથા નથી. પરંતુ ‘મહાભારત’માં સામાન્ય પાત્રો પણ અસામાન્ય મહત્ત્વ ધરાવે છે. જેમ કે હિડિમ્બાનું પાત્ર ઘણા સંકેતો આપે છે. એનો એક સંકેત એ પણ છે કે ‘મહાભારત’ અને ‘રામાયણ’ રાક્ષસોને ભિન્ન દૃષ્ટિએ જુએ છે. આ હિડિમ્બા શક્તિનું અને પ્રેમનું પ્રતીક બની રહે છે. ભીમ અને હિડિમ્બાના પ્રેમની અભિવ્યક્તિમાં પણ એક પ્રકારની મોકળાશ જોવા મળે છે. એવી જ રીતે ધૃતરાષ્ટ્ર પુત્ર યુયુત્સુ કૌરવોને બદલે પાંડવોને પક્ષે યુદ્ધ કરે છે, જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો પુત્ર વિકર્ણ એ હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીના ચીરહરણના પ્રસંગે વિરોધ કરે છે અને રાજસભા છોડીને ચાલ્યો જાય છે.
‘મહાભારત’માં એક ટિટોડીનું પણ મહત્ત્વ છે. જેને કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ રક્ષણ આપે છે. એક નોળિયાનો પણ મહિમા છે, જે નોળિયાનું બાકીનું અડધું અંગ સોનાનું ક૨વા માટે એ રાજસૂય યજ્ઞમાં આવે છે, પણ થતું નથી. એ કહે છે કે ચાર રોટલા ધરાવતા અને ઘણા દિવસોના ભૂખ્યા બ્રાહ્મણે આપેલા અન્નથી એનું અર્ધું અંગ સુવર્ણનું બન્યું હતું, જ્યારે પાંડવોએ કરેલા અતિભવ્ય રાજસૂય યજ્ઞમાંના એઠવાડમાં આળોટવા છતાં એનું બાકીનું અંગ સુવર્ણનું બન્યું નહીં. આથી એ આ યજ્ઞભૂમિ પરથી નિરાશ થઈને પાછો જાય છે. શ્રીકૃષ્ણ કડવી તુંબડી દ્વારા બાહ્ય ક્રિયાઓમાં સાચો ધર્મ નથી એવો સંદેશ મળે છે.
કુરુક્ષેત્રના રણમેદાન પર ખેલાતા યુદ્ધ સમયે કુંતી અને ગાંધારી એ બંને માતાઓ આ રણક્ષેત્રની નજીક એક સાથે છાવણીમાં રહે છે અને એકબીજાના દુઃખ વહેંચે છે. ઘટોત્કચ કે અભિમન્યુ યુદ્ધમાં હણાયા ત્યારે કુંતીને ગાંધારી આશ્વાસન આપે છે અને 99 કૌરવો રણભૂમિમાં હણાય છે, ત્યારે કુંતી ગાંધારીને આશ્વાસન આપે છે. ભીષ્મ બાણશય્યા પર સૂતા છે, ત્યારે ગાંધારી અને કુંતી બંને સાથે મળીને એમનો ઉપદેશ મેળવવા જાય છે. પુરુષો વચ્ચે પરસ્પર સતત વેર-ઝેરની આગ પ્રજ્વલિત હોય અને નારીહૃદયો આવા કાળઝાળ સમયમાં પણ પરસ્પર પ્રત્યે સ્નેહ, સંવાદ અને સમભાવ ધરાવતા હોય, તે વિરલ વાત મહાભારતે બતાવી છે.
અર્જુન એ મહાભારતનો ‘હીરો’ છે અને એના વ્યક્તિત્વનાં અનેક પાસાંઓ છે. આજ્ઞાંકિત લઘુબંધુથી માંડીને કુશળ બાણાવળી તરીકે એની પ્રતિભા જોવા મળે છે. પોતાના ગુરુ દ્રોણનો એ પૂર્ણ વિશ્વાસ ધરાવે છે. આ અર્જુનનાં કુંતીનો પુત્ર હોવાથી કૌન્તેય, પૃથાનો પુત્ર હોવાથી પાર્થ જેવાં નામો તો મળે છે, પરંતુ એ સિવાય એના વ્યક્તિત્વને પ્રગટ કરતાં બીજાં નામો પણ છે. શત્રુઓનો નાશ કરનારો હોવાથી એ ‘જિષ્ણુ’ કહેવાયો, ઇન્દ્રએ આપેલા મણિમુગટને કારણે ‘કિરીટ’ કહેવાયો, સફેદ અશ્વનો રથ ધરાવતો હોવાથી ‘શ્વેતવાહન’ કહેવાયો, યુદ્ધમાં શત્રુદળમાં ભય ફેલાવતો હોવાથી ‘વિભાસ્સુ’ કહેવાયો, ઉત્તરાફાલ્ગુન નક્ષત્રમાં જન્મેલો હોવાથી ‘ફાલ્ગુન’ કહેવાયો, બંને હાથે બાણ ફેંકી શકતો હોવાથી ‘સવ્યસાચી’ કહેવાયો, એને કારણે સિદ્ધિ અને સંપત્તિ આવતી હોવાથી ‘ધનંજય’ કહેવાયો, જાડા સુંદર વાળ ધરાવતો હોવાથી અર્જુન ‘ગુડાકેશ’ કહેવાયો, જેમ શ્રીકૃષ્ણ ‘ઋષિકેશ’ કહેવાતા હતા. અર્જુન યુદ્ધમાં કદી હાર્યો નહીં હોવાથી ‘વિજય’ કહેવાયો, ગાંડિવધારી હોવાથી ‘ગાંડિવી’ કહેવાયો, એના ધ્વજ પર હનુમાન બિરાજમાન હોવાથી એ ‘કપિધ્વજ’ કહેવાયો. અર્જુનનાં આ વિશેષણો એના વ્યક્તિત્વનાં જુદાં જુદાં પાસાંઓને ઉજાગર કરે છે.
મહાભારતના મહાસંહાર પછી ધર્મરાજ યુધિષ્ઠિરને અત્યંત શોક થયો. આ યુદ્ધ પૂરું થયું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરની ઉંમર એકાણુ વર્ષ, બે મહિના અને સત્તાવીસ દિવસની હતી. એ પછી કુરુક્ષેત્રમાં મૃતાત્માઓ માટે બાર દિવસનો શોક પાળવામાં આવ્યો. ચૌદમા દિવસે મોટી સંખ્યામાં યુદ્ધમાં હણાયેલાઓની ઉત્તરક્રિયા ક૨વામાં આવી અને એ દિવસે સાંજે જ પાંડવો હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુરમાં 91 વર્ષ 3 મહિના અને દસ દિવસની વયે યુધિષ્ઠિરે રાજગાદી સંભાળી.
એ પછી પંદર દિવસ બાદ પાંડવો બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પાસે ગયા. પાંડવો હસ્તિનાપુરમાં આવ્યા, તે અગાઉ એમણે ભીષ્મનાં ઉપદેશ વચનો સાંભળ્યાં હતાં. પછી હસ્તિનાપુરમાં પંદર દિવસ રહ્યા બાદ ફરી ભીષ્મની પાસે ગયા. એના આઠમા, નવમા, દસમા અને અગિયારમે દિવસે ભીષ્મે મૌનવ્રત ધારણ કર્યું હતું અને બારમા દિવસે પિતામહ ભીષ્મે નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. આમ પિતામહ ભીષ્મ દસ દિવસ યુદ્ધક્ષેત્રમાં તેઓ રહ્યા અને ત્યારબાદ 48 દિવસ બાણશય્યા પર રહ્યા.
આ વિજય પછી પાંડવોએ અશ્વમેધ યજ્ઞ કર્યો. એ પૂર્વે ઉત્તરાએ પરીક્ષિતને જન્મ આપ્યો, પરંતુ એ મૃત હતો, જેને શ્રીકૃષ્ણએ સજીવન કર્યો હતો. એ પછી પંદર વર્ષ બાદ ધૃતરાષ્ટ્ર જંગલમાં આવેલા શતરૂપ આશ્રમમાં તપશ્ચર્યા માટે જાય છે. એમની સાથે ગાંધારી, કુંતી, વિદુર અને સંજય પણ જાય છે. ત્રણ વર્ષ બાદ પાંડવો જંગલમાં એમના વડીલજનોને મળવા આવે છે અને એ પછી એક જ મહિના બાદ જંગલમાં જાગેલા દાવાનળમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી ભસ્મીભૂત થઈ જાય છે.
મહાભારતના યુદ્ધ પછી કોઈ બીજી સંહારક ઘટના હોય તો તે યાદવાસ્થળીની છે. પાંડવોના દિગંતવ્યાપી મહાન વિજય પછી યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન પર બિરાજમાન થયા. એ પછીના છત્રીસમે વર્ષે યુધિષ્ઠિરને વિપરીત શુકન અને અનર્થકારી સંકેત જોવા મળ્યા. ચોમેર ઉત્પાત મચ્યો હોય તે રીતે રાત્રી સમયે આકાશમાં વિચિત્ર પ્રકારના અવાજો સંભળાવા લાગ્યા. હસ્તિનાપુરમાં અપશુકનિયાળ પક્ષીઓ દેખાવા લાગ્યાં. આકાશમાંથી તારા ખરવા લાગ્યા. રેતીનો વરસાદ વરસાવનારો સૂકો પવન સુસવાટા મારતો હતો અને ત્યારે બેચેન યુધિષ્ઠિરે અર્જુનને પૂછ્યું. એના ઉત્તરમાં અર્જુને કહ્યું કે દ્વારિકા ઉપર વિનાશના ઓળા ઊતરતા હોય તેવાં સ્વપ્નો એને વારંવાર આવ્યા કરે છે.
એ પછી દ્વારિકા સાગરમાં ડૂબી ગઈ અને મહાભારતના યુદ્ધની લઘુઆવૃત્તિ જેવી લોહીની સગાઈ ધરાવતા યાદવ કુળમાં રક્તપાત અને શિરચ્છેદ થવા લાગ્યો અને જેમ કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવકુળનો નાશ થયો હતો તેમ અહીં યાદવકુળનો સર્વનાશ થયો. તે પછી કળિયુગની સમાપ્તિ થઈ. ઈ. સ. પૂર્વે 3102 વર્ષ, બે મહિના અને વીસમા દિવસે શ્રીકૃષ્ણનું અવતારકાર્ય પૂર્ણ થયું. આમ ‘મહાભારત’ની વાત તો ક્યારેય ખૂટે નહીં અને એટલે તો આ ‘મહાભારત’ને માનવપ્રજ્ઞાનું મહાનિર્માણ (મૉન્યુમેન્ટ ઑફ હ્યુમન ઇન્ટેલિજન્સ) કહેવામાં આવે છે.
પારિજાતનો પરિસંવાદ
12-5-2024