રામકથાનાં કેટકેટલાં રૂપ ! મૌખિક રૂપે ગવાતી ગાથાઓ રૂપે મળે, એ મહાકવિ વાલ્મીકિએ રચેલા મહાકાવ્ય રૂપે મળે, એ સાહિત્ય ગ્રંથોમાં અને શિલ્પ- સ્થાપત્યમાં મળે, ચિત્રો અને સિક્કાઓમાં મળે.
રામકથાની વ્યાપકતા એ રીતે અનોખી છે કે એમાંનાં માનવીય સ્પંદનો સહુ કોઈને સ્પર્શતાં રહ્યાં છે. એની ઘટનાઓ જાણે આપણા પરિવારની ઘટનાઓ હોય એવું સહુને લાગ્યું છે. એમાં સંસારની ઊર્ધ્વતા અને જીવનની પવિત્રતાનો મધુર સંદેશ ગૂંથી લેવામાં આવ્યો છે.
ગુજરાતને તો રામકથાના મહિમાની વાત કરવાની જ ન હોય, વિશ્વવંદ્ય સંત મોરારિબાપુએ રામકથાને જગતના જન-જનની કથા બનાવી છે. આ કથાએ કેટલાય લોકોનાં હૈયાંનું પરિવર્તન કર્યું છે. જમાને જમાને ‘રામાયણ’ના કથાઘટકોમાં રસ, ભાવ કે ભક્તિનો ઉમેરો થતો રહ્યો છે. એકેય યુગ એવો નહીં હોય કે જ્યાં ભારતમાં કોઈ ને કોઈ સંત-મહાત્મા કે કથાકાર દ્વારા રામકથા કહેવાઈ ન હોય !
સોળમા-સત્તરમા સૈકામાં રામાયણના અનુવાદો અરબી-ફારસી-માં પણ થયા છે. બગદાદના હારુન-અલ-રશીદે ભારતીય પંડિતોને રોકીને રામાયણનો અરબી ભાષામાં અનુવાદ કરાવ્યો. શહેનશાહ અકબરે અબ્દુલ કાદર બૌની પાસે રામાયણનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો.
અંગ્રેજી, લૅટિન, ઇટાલિયન, ફ્રેન્ચ, જર્મન અને રશિયન જેવી ભાષાઓમાં પણ એના અનુવાદો અને અભ્યાસો થયા છે. જૈન પરંપરામાં પણ આચાર્ય વિમલસૂરિકૃત ‘પઉમચરિય’ અને ગુણભદ્રકૃત ‘ઉત્તરપુરાણ’માં વિસ્તારથી આ કથા મળે છે. આ કથાની અદ્ભુતતા અને અદ્વિતીયતાના મહાપ્રભાવને કારણે સંસ્કૃત અને બીજી ભાષાઓમાં વિવિધ રામાયણો લખાયાં છે. ગુજરાતીમાં વડોદરાના સુલતાનપુરમાં ૧૯મા શતકમાં લખાયેલી ગિરધરકૃત ‘ગિરધર રામાયણ’ અતિ પ્રસિદ્ધ છે અને ઘેર ઘેર ગવાય છે.
આ રામકથા ભારતની બહારના દેશોમાં પ્રાચીન કાળથી પ્રસરેલી છે. એની વિસ્તૃત છણાવટ તો ફાધર ડૉ. બુલ્કેએ કરી છે અને એમણે બતાવ્યું છે કે રામકથા સમગ્ર ભારત દેશના લોકોનાં હૈયાંમાં તો હજારો વર્ષોથી ગુંજે છે, પરંતુ ભારતની બહાર તિબેટ, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, શ્રીલંકા, બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં પણ વ્યાપી વળી છે. એના પર દૃષ્ટિપાત કરીએ.
વર્તમાન સમયમાં તિબેટમાં પ્રચલિત એવી રામકથાનો પ્રારંભ રાવણના જીવનથી થાય છે અને એનો અંત રામ અને સીતાના પુનર્મિલનમાં આવે છે. આની નોંધપાત્ર વાત એ છે કે તિબેટની રામકથા પર વાલ્મીકિ રામાયણ કરતાં જૈન પરંપરાના રામાયણનો પ્રભાવ સવિશેષ જણાય છે.
તિબેટમાં પ્રચલિત રામકથા પ્રમાણે દશરથ રાજાને માત્ર બે જ રાણી હતી (1) જ્યેષ્ઠા અને (2) કનિષ્ઠા. એમાં ભગવાન વિષ્ણુ કનિષ્ઠા રાણીના કુંવર ‘રામન’ તરીકે અવતાર ધારણ કરે છે. ‘રામન’ના જન્મ પછી જ્યેષ્ઠાની કૂખે લક્ષ્મણ ત્રણ દિવસ પછી જન્મે છે. તિબેટના રામાયણ પ્રમાણે સીતા તે રાવણની દીકરી છે, પરંતુ પોતાને ત્યાં જન્મેલી આ દીકરી ભવિષ્યમાં પોતાના વધનું કારણ બનશે, એવી આગાહી સાંભળતાં રાવણ એનો ત્યાગ કરાવે છે. એ બાળકી ભારતના ખેડૂતોના હાથમાં આવે છે. તેઓ એ તેજસ્વી બાલિકાને ઉછેરે છે અને એનું નામ લીલાવતી રાખવામાં આવે છે. એનું અપર નામ ‘જીતા’ (સીતા) પાડવામાં આવે છે.
તિબેટી રામાયણ મુજબ સરખી ઉંમરના બે ભાઈઓ રામ અને લક્ષ્મણમાંથી કોને રાજ્ય સોંપવું એની સમસ્યા દશરથ આગળ ઉપસ્થિત થાય છે, કારણ કે લક્ષ્મણ જ્યેષ્ઠા રાણીનો પુત્ર છે. આ કલહને કારણે રામ સ્વેચ્છાએ ગાદીનો અસ્વીકાર કરી વનવાસ સ્વીકારે છે. વનવાસમાં જતાં પહેલાં સીતાના પાલક પિતાના અનુરોધથી રામ સીતા સાથે લગ્ન કરે છે, પરંતુ તેઓ જ્યાં રાજધાની અયોધ્યાને છોડીને નગરમાં બહાર અશોકવાટિકામાં આવે છે, ત્યાં જ રાવણ સીતાનું અપહરણ કરી જાય છે.
તિબેટના રામાયણ પ્રમાણે વાલી અને સુગ્રીવ વચ્ચે થયેલા દ્વંદ્વ યુદ્ધ વખતે બંને ભાઈઓ એકસરખા દેખાતા હોવાથી સુગ્રીવને ઓળખવા માટે એના પૂંછડે દર્પણ બાંધવામાં આવે છે અને લવ અને કુશનો જન્મ થયા પછી રામ સીતાનો ત્યાગ કરે છે.
તુર્કસ્તાનમાં રામાયણ મળે છે. પ્રાચીન કાળમાં હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે પરંપરાના ધર્મપ્રવાહો, ઇસ્લામ ધર્મ હજુ ઉદયમાં આવ્યો નહોતો, ત્યારે જમીનમાર્ગે આગળ વધતાં વધતાં ઠેઠ અફઘાનિસ્તાન, તુર્કસ્તાન સુધી પહોંયા હતા. અફઘાનિસ્તાનમાં વિશાળ બૌદ્ધ ગુફા છે એ એનો પુરાવો છે. જૈન પુરાણોમાં પણ એ પ્રદેશમાં મુનિઓ વિચરતા હોવાનો ઉલ્લેખ મળે છે. રામકથા એ રીતે તુર્કસ્તાન સુધી પહોંચેલી છે. તુર્કસ્તાનનું રામાયણ ‘ખોતેની રામાયણ’ તરીકે જાણીતું છે. એની કથા ઉપર તિબેટના રામાયણનો તથા ભારતના બૌદ્ધ ધર્મનો વિશેષ પ્રભાવ પડેલો છે.
આ રામાયણમાં રામકથાનો પ્રારંભ કંઈક જુદી જ રીતે થાય છે ધર્મપ્રચારાર્થે નીકળેલા શાક્યમુનિ ભગવાન બુદ્ધ પોતાનાં વ્યાખ્યાનમાં રામની કથા કહે છે. આ રીતે રામકથાની શરૂઆત થાય છે. આ રામાયણમાં કેટલીક ઘટના વાલ્મીકિ રામાયણ પ્રમાણે છે અને કેટલીક ઘટનામાં રામ અને પરશુરામની કથાની સેળભેળ થયેલી જણાય છે.
‘ખોતેની રામાયણ’માં પણ દશરથ રાજાને બે જ પુત્રો રામ અને લક્ષ્મણ બતાવાયા છે. સીતા તે રાવણની દીકરી છે. રામ અને લક્ષ્મણ વનવાસ માટે નીકળે છે, તે દરમિયાન બંનેના સીતા સાથે વિવાહ થાય છે. એ આ રામાયણની એક વિચિત્રતા છે.
પ્રાચીન કાળથી ભારત અને ચીન વચ્ચે દરિયાઈ માર્ગે પરસ્પર સંપર્ક ચાલતો હતો. બૌદ્ધ ધર્મના પ્રચાર પછી, વિશેષતઃ રાજા કનિષ્કના સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર ચીન, કોરિયા, જાપાન સુધી પહોંચ્યો હતો. ‘મહાવિભાષા’ નામના એક બૌદ્ધ ધર્મગ્રંથમાં વાલ્મીકિ રામાયણની કથા વર્ણવાઈ છે. એ રીતે એ ગ્રંથ દ્વારા ચીનમાં પણ રામકથા પ્રચલિત બની હતી. વળી પ્રાચીન કાળના પ્રખ્યાત ચીની મુસાફર હ્યુ એન સાંગ ભારતની યાત્રા કરીને ચીન પાછા ફર્યા ત્યારે સાથે વાલ્મીકિ રામાયણની નકલ પણ લઈ ગયા હતા અને ત્યાં એમણે એનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો.
રામકથાનો ઘણો મોટો પ્રભાવ પ્રાચીનકાળથી સિયામમાં પડેલો છે. સિયામમાં જૂના સમયમાં અયોધ્યા નામની નગરી હતી અને એના રાજાઓ રામ પહેલો, રામ બીજો એમ રામના નામધારી હતા. સિયામમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થયા પછી બંધાયેલાં કેટલાંક બૌદ્ધ મંદિરોમાં પણ બહારના ભાગમાં દીવાલોમાં રામકથા ચિત્રાંકિત કરવામાં આવી છે.
સિયામાં મુખ્યત્વે બે રામકથા પ્રચલિત છે. (1) રામકિયેન અને (2) રામજાતક. રામકિયેન વાલ્મીકિ રામાયણને અનુસરે છે, એમ છતાં એના ઉપર કંબોડિયાના ‘રામ-કૈઅર’ની તથા જાવાના ‘સેરિ-રામ’ની કેટલીક અસર જોવા મળે છે. ‘રામ-કિયનમાં કેટલાક પ્રસંગો ભિન્ન છે અને કેટલાક નવા છે, જેમ કે વિભીષણની પુત્રી બેંજકાયા, રામને ભ્રમમાં નાખવા માટે સીતાનું રૂપ ધારણ કરી નદીમાં મૃતદેહની જેમ તરે છે. સેતુબંધનું કામ ચાલુ થાય છે તે સમયે રાવણ રામ પાસે જઈ યુદ્ધ ન કરવા વિનંતી કરે છે. રાવણ બ્રહ્મા પાસે જઈને રામની વિરુદ્ધ ફરિયાદ કરે છે, ત્યારે બ્રહ્મા રામ-સીતાને બોલાવી સાચી વાત જાણે છે અને તે પછી બ્રહ્મા રાવણને આજ્ઞા કરે છે કે એણે રામને સીતા પાછી સોંપી દેવી, પરંતુ રાવણ સીતા રામને સોંપતો નથી એટલે પોતાની આજ્ઞાનો ભંગ થતાં બ્રહ્મા રાવણને શાપ આપે છે.
‘રામકિયેન’નું ભારતીય દૃષ્ટિએ એક નબળું પાસું એ છે કે એમાં હનુમાનજીના પાત્રને ઊતરતી કક્ષાનું આલેખાયું છે.
સિયામમાં સોળમા સૈકામાં ‘રામજાતક’ નામનો રામકથા વિશે સમર્થ ગ્રંથ લખાયો છે. એમાં રામ અને રાવણ તે કાકા-કાકાના દીકરા છે. લક્ષ્મણ અને શાન્તા એક જ માતાનાં સંતાનો છે. એમાં રામને બહુ પત્નીવાળા બતાવ્યા છે. વનવાસ દરમિયાન સીતાની શોધ કરવા નીકળે છે ત્યારે રામ સુગ્રીવની બહેન સાથે તથા વાલીની વિધવા સાથે લગ્ન કરે છે. વળી સીતા સાથે રામનાં લગ્ન થયાં તે પહેલાંની પત્નીથી રામને ચાર પુત્રો હતા. એ પુત્રો પણ રાવણ સામેના યુદ્ધમાં રામ સાથે જોડાય છે.
‘રામજાતક’ નામ સૂચવે છે તેમ બૌદ્ધ જાતકકથા અનુસાર આ ગ્રંથ લખાયો છે. એટલે એમાં રામ તે બુદ્ધ, લક્ષ્મણ તે આનંદ, દશરથ તે શુદ્ધોદન, સીતા તે ભિક્ષુણી ઉપ્પલવણ્ણા અને રાવણ તે દેવદત્ત તરીકે બતાવાયા છે. એ રીતે હિંદુ રામકથાને બૌદ્ધ રામકથા તરીકે વર્ણવાઈ છે.
રાવણની ભૂમિ શ્રીલંકામાં રામકથા ન હોય એમ બને જ નહીં. સિંહલદ્વીપ શ્રીલંકામાં ‘સિંહલી રામાયણ’ પ્રચલિત હતું. એમાં રાવણ વિશે પ્રમાણમાં અલ્પ ઉલ્લેખ આવે છે. એમાં લંકાદહન હનુમાનજી દ્વારા નહીં, પણ વાલી દ્વારા બતાવાયું છે અને વાલી સીતાને રામ પાસે લઈ આવે છે. જ્યારે બ્રહ્મદેશમાં રામાયણની કથા સીધી ભારતમાંથી જવાને બદલે સિયામ દ્વારા પહોંચી છે, કારણ કે ડુંગરો અને ગાઢ જંગલોમાંથી બ્રહ્મદેશ સીધા પહોંચવાનો માર્ગ ત્યારે નહોતો, દરિયાઈ માર્ગે શ્રીલંકા અને વિશેષતઃ દ્વારા સિયામ પહોંચવાનું જેટલું સહેલું હતું તેટલું જમીનમાર્ગે બ્રહ્મદેશ પહોંચવાનું સરળ નહોતું. અઢારમા સૈકામાં બ્રહ્મદેશના રાજાએ સિયામના રાજ્ય ઉપર ચડાઈ કરીને જે કેટલાક યુદ્ધકેદીઓ બ્રહ્મદેશમાં લઈ આવેલો, તે યુદ્ધકેદીઓએ રામાયણની કથા ઉપરથી નાટકના પ્રયોગો કર્યા હતા.
એ રીતે બ્રહ્મદેશમાં રામકથા પ્રચલિત બની હતી.
બ્રહ્મદેશના યૂતો નામના કવિએ એ વખતે ‘રામયાગન’ નામના સરસ કાવ્યની રચના કરી હતી. ત્યારથી રામકથા ત્યાં વધુ પ્રચલિત બની હતી. રામકથા પરથી તૈયાર થયેલાં નાટકો અહીં ‘યામ-ગ્વે’ નામથી ઓળખાય છે, જે અતિ લોકપ્રિય છે. અભિનેતાઓ રામ, રાવણ વગેરે રામાયણનાં પાત્રોનાં મહોરાં નાટક કરતી વખતે પહેરતા, પરંતુ તે મહોરાં પહેરતાં પહેલાં એની પૂજાવિધિ કરતા. બ્રહ્મદેશની રામકથા ઉપર સિયામની રામકથા ‘રામ-કે૨’નો ઘણો બધો પ્રભાવ હોવાથી તે એને જ અનુસરે છે. જાવા અને કંબોડિયામાં અને એવા તે અનેક દેશોમાં રામકથા મળે છે. રામકથા એ માત્ર ભારતનો સાંસ્કૃતિક વારસો નથી, પરંતુ વિશ્વસમસ્તની મોંઘી મૂડી છે.
ઈંટ અને ઇમારત
11-1-2024