પરિચય

પદ્મશ્રીથી અલંકૃત ડૉ.કુમારપાળ દેસાઈના બ્લૉગમાં આપનું સ્વાગત…

સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ અને માનવકલ્યાણના ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર અને ‘પદ્મશ્રી’થી સન્માનિત

ડૉ. કુમારપાળ દેસાઈ

સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ડૉ. કુમારપાળ દેસાઈને ૨૦૦૪માં એમની યશસ્વી કામગીરીના સંદર્ભમાં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજવામાં આવ્યા. ગુજરાતી સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં વિરલ વ્યક્તિઓને જ આ સન્માન પ્રાપ્ત થયું છે. કુમારપાળ દેસાઈનો જન્મ રાણપુરમાં ૩૦ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ થયો હતો. તેમનું વતન સાયલા.  એમનાં માતાનું નામ જયાબહેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ. પિતાનું ઉપનામ ‘જયભિખ્ખુ’. એમના પિતા ‘જયભિખ્ખુ’ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક તરીકે પ્રસિદ્ધ છે.

કુમારપાળના જીવનઘડતરમાં માતાપિતાનો મોટો ફાળો છે. તેમની લેખક તરીકેની સફળતામાં પિતાનું તો તેમના વ્યક્તિત્વ-વિકાસમાં માતાનું યોગદાન મહત્ત્વનું છે. જયાબહેન આદર્શ ભારતીય નારી હતાં. રાણપુરમાં એમણે ૧૯૩૦ના અસહકારના આંદોલનમાં ભાગ લીધેલો. એમણે કુમારપાળને ગાંધીજી વિશેનાં ઘણાં કાવ્યો સંભળાવેલાં.

શૈક્ષણિક કારકિર્દી

કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદમાંથી ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. થઈ અમદાવાદની નવગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અધ્યયન’ વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૮૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં જોડાયા. એ પછી  ૨૦૦૧ના નવેમ્બરથી તેઓએ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ઉપરાંત ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ તરીકે સેવા આપી અને ૨૦૦૪માં નિવૃત્ત થયા. ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફૅકલ્ટીના ડીન તરીકે અનેક નવા નવા અભ્યાસક્રમોનું એમણે આયોજન કર્યું હતું. તેઓ જૈન વિશ્વભારતી યુનિવર્સિટી, લાડનૂના પ્રોફેસર એમરીટ્સ તથા ગૂજરાત વિદ્યાપીઠમાં ઍડજંક્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે.

ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન, ગાંધીસંશોધન અને શાંતિસંશોધન –એમ પાંચ વિષયમાં પીએચ.ડીની પદવી માટેના માર્ગદર્શક (ગાઇડ) તરીકે તેઓ કાર્યરત હતા. આ એક મહત્ત્વની બાબત ગણાય. એમના માર્ગદર્શન હેઠળ ૨૨થી વધુ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ૨૦૨૨માં તેમના માર્ગદર્શન હેઠળ ચાર સાધ્વીજીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી અભ્યાસ સમિતિના અધ્યક્ષ અને એકૅડેમિક કાઉન્સિલના સભ્ય ડૉ. કુમારપાળ દેસાઈએ સિંગાપોરની ૫૦ વર્ષની પરંપરા ધરાવતી ગુજરાતી સ્કૂલમાં અભ્યાસક્રમ અંગે વર્કશૉપ કર્યા છે. કેનિયા અને એન્ટવર્પમાં ગુજરાતી શીખવા અંગેના પ્રયત્નોમાં સક્રિય સહયોગ આપવા સાથે તેમણે બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી અને અમેરિકાની ગુજરાતી લિટરરી એકૅડેમી તરફથી વક્તવ્યો આપ્યાં છે. તેમના સમગ્ર સાહિત્યસર્જનને લક્ષમાં રાખીને ગુજરાતી સાહિત્યનો નોબેલ પુરસ્કાર ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક ૨૦૧૫માં તેમને એનાયત થયો છે.

પત્રકારત્વમાં પ્રવેશ

કુમારપાળ દેસાઈએ અગિયાર વર્ષની વયે ‘ઝગમગ’ નામના બાળસાપ્તાહિકમાં દેશ માટે જીવનનું બલિદાન આપનાર એક ક્રાંતિવીરની કાલ્પનિક કથાથી લેખનના શ્રીગણેશ કરેલા. બાળપણથી જ તેમને ત્યાગ-શૌર્યની વાતોનું આકર્ષણ હતું; કેમ કે – વીરોની ભૂમિ સૌરાષ્ટ્ર એમનું જન્મસ્થાન-વતન છે તેમજ શૈશવથી જ ‘કુરબાનીની કથાના રચયિતા ઝવેરચંદ મેઘાણી, સાગરકથાઓના સર્જક ગુણવંતરાય આચાર્ય, વિખ્યાત નવલિકાકાર ધૂમકેતુ, કવિ દુલા કાગ જેવા સમર્થ સાહિત્યસ્વામીઓનું સાન્નિધ્ય તેમને સાંપડ્યું હતું.

પિતા જેવાં જ ખમીર અને ખુમારી તેમનામાં છે. પોતાનું લખાણ પિતાના કારણે ન છપાય એ માટે જ તેમણે પોતાનું પ્રથમ લખાણ ‘કુ. બા. દેસાઈ’ એવા નામથી મોકલ્યું હતું ! એમનું પ્રથમ પુસ્તક ‘વતન, તારાં રતન’ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન પ્રગટ થયું. અખબારોમાં લખવાની શરૂઆત તો એમણે પ્રથમ વર્ષ બી.એ.માં ભણતા હતા ત્યારથી કરી દીધેલી.

લાલ ગુલાબની સફળતા

તેમણે ૧૧ વર્ષની વયે ‘ઝગમગ’માં અને ૧૯૬૨માં ‘ગુજરાત સમાચાર’માં કૉલમલેખનનો અને ૧૯૬૫માં ગ્રંથલેખનનો પ્રારંભ કરેલો. ૧૯૬૫માં લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ’ નામે લખીને બાળસાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું. એ પુસ્તકની ૬૦ હજાર નકલો વેચાઈ અને ગુજરાતભરમાં જાણીતી શિષ્ટવાચન-પરીક્ષામાં એ પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામ્યું. ગુજરાત સરકારની ઉચ્ચ ગુણવત્તાવાળા બાળસાહિત્યની સ્પર્ધામાં એ પુસ્તકને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અણધાર્યું અવસાન થતાં કુમારપાળે એમના જીવનની વિશેષ વિગતો પ્રાપ્ત કરી લગભગ ત્રણસો પૃષ્ઠનું ‘મહામાનવ શાસ્ત્રી’ નામક વિસ્તૃત ચરિત્ર તૈયાર કર્યું, જેનો પ્રકાશન-સમારોહ ‘ધૂમકેતુ’કૃત ‘ધ્રુવદેવી’ નવલકથાના પ્રકાશન સાથે સંલગ્ન હતો (૨૦-૪-૧૯૬૬).

‘લાલ ગુલાબ’ની સફળતા પછી કુમારપાળે બાળસાહિત્યસર્જનમાં સક્રિયતા દાખવી. પોતાનાં પુસ્તકોની સંખ્યામાં સતત વૃદ્ધિ કરવી એ એમનું લક્ષ્ય ન હતું; પ્રત્યેક પુસ્તકના લેખન પાછળ એક આગવી દૃષ્ટિ રાખીને તેઓ લખતા. અકબર અને બીરબલની ચાતુરીની વાતો સાંભળનારા ગુજરાતને ચતુર તથા વિચક્ષણ ગુજરાતીની ઓળખ કરાવવી જોઈએ એ દૃષ્ટિએ ‘ડાહ્યો ડમરો’ જેવી કહેવતની પાછળ રહેલા દામોદર મહેતાની કથા તથા ચાતુરીની વાત આપી. આ રીતે કચ્છની વીરતા દર્શાવતું ‘કેડે કટારી ખભે ઢાલ’, કોમી એખલાસના વિષય પર ‘બિરાદરી’, નાનાં બાળકોનાં સાહસો દર્શાવતાં ‘હૈયું નાનું, હિંમત મોટી’, ‘નાની ઉંમર, મોટું કામ’, ‘ઝબક દીવડી’, ‘મોતને હાથતાળી’ તથા ‘મોતીની માળા’, ‘મોતીની ખેતી’ જેવાં પ્રેરક પ્રસંગો આપતાં પુસ્તકો લખ્યાં. જીવનચરિત્રક્ષેત્રે કુમારપાળે ‘વીર રામમૂર્તિ’, ‘સી. કે. નાયડુ’, ‘લાલા અમરનાથ’, ‘બાળકોના બુદ્ધિસાગરસૂરિજી’, ‘ભગવાન ઋષભદેવ’, ‘ફિરાક ગોરખપુરી’, ‘ભગવાન મલ્લિનાથ’, ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે’, ‘ભગવાન મહાવીર’, ‘અંગૂઠે અમૃત વસે’, ‘શ્રી મહાવીર જીવનદર્શન’, ‘માનવતાની મહેક’ (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર), ‘આફતોની આંધી’ વચ્ચે સમૃદ્ધિનું શિખર (યુ. એન. મહેતાનું ચરિત્ર), ‘મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર’ (શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર) અને ‘જીવતરની વાટે, અક્ષરનો દીવો’ (પિતા જયભિખ્ખુનું જીવનચરિત્ર) જેવાં અનેક ચરિત્રો આપ્યાં છે. એ ચરિત્રોમાં તેમણે મુખ્યત્વે જે તે ચરિત્રનાયકના જીવનના મહત્ત્વના પ્રસંગોને રસપ્રદ રીતે ગૂંથી તેમની વાસ્તવિક જીવનછબી પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે, તેથી તે ચરિત્રો રસાવહ અને સુવાચ્ય બન્યાં છે. કુમારપાળ દેસાઈને તેમના બાળસાહિત્ય સર્જન માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી(૨૦૧૯)નો ઍવૉર્ડ પણ એનાયત થયો છે.

વિશેષ સાહિત્યિક ગતિવિધિ

ચરિત્રસાહિત્યમાં મૂકી શકાય એવું એક પ્રેરક પુસ્તક ‘અપંગનાં ઓજસ (કુલ આઠ આવૃત્તિ) એમણે લખ્યું છે. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં રૂપાંતર પામ્યું તથા ‘अपाहिज तन, अडिग मन’ને નામે હિંદીમાં (ત્રણ આવૃત્તિ) અને ‘The Brave Hearts’ (ચાર આવૃત્તિ)ને નામે અંગ્રેજીમાં એનો અનુવાદ કર્યો. આ પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના સમર્થ સંત પૂજ્ય શ્રી મોટાએ તથા પ્રસિદ્ધ ક્રિકેટર વિજય મર્ચન્ટે લખી છે.

બાળસાહિત્યક્ષેત્રે મબલક અને સત્ત્વશીલ અર્પણ કર્યા પછી એમણે પ્રૌઢસાહિત્યક્ષેત્રે પણ કલમ ચલાવી. વાસ્તવમાં બાળસાહિત્યની સાથે સાથે તેમનું પ્રૌઢસાહિત્યનું સર્જન, વિવેચન-સંશોધન પણ ચાલતું રહ્યું છે.

બાળકથાઓ ઉપરાંત કુમારપાળે લખેલો નવલિકાસંગ્રહ ‘એકાંતે કોલાહલ’ લોકપ્રિય થયો છે. ‘જયભિખ્ખુ’ અને ‘ધૂમકેતુ’ જેવા સમર્થ વાર્તાકારોનો પ્રભાવ તેમની વાર્તાઓ ઉપર દૃષ્ટિગોચર થાય છે.

કુમારપાળ દેસાઈ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી છે. તેમણે ચિંતનલેખોના અનેક સંગ્રહો આપ્યા છે. ‘ઝાકળભીનાં મોતી’ના ત્રણ ભાગ, ‘મોતીની ખેતી’, ‘મહેક માનવતાની’, ‘તૃષા અને તૃપ્તિ’, ‘ક્ષમાપના’, ‘શ્રદ્ધાંજલિ’, ‘જીવનનું અમૃત’, ‘દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો’, ‘ઝાકળ બન્યું મોતી’ વગેરે સંગ્રહોમાં પ્રેરક પ્રસંગો મળે છે. આ સંગ્રહોના કેટલાક લેખો વ્યાખ્યાન નિમિત્તે લખાયા હતા. તેમનાં ચિંતનાત્મક પુસ્તકોમાં ‘પરમનો સ્પર્શ’, ‘ક્ષણનો વૈભવ’, ‘કેસર અને કુમકુમ’, ‘કેસરની ક્યારી’, ‘ભાવમંજૂષા’, ‘કથામંજૂષા’ છે. ‘મનની મિરાત’, ‘જીવનનું જવાહિર’, ‘શીલની સંપદા’, ‘હારું તે હું નહીં’ વગેરે પ્રેરણાત્મક પુસ્તકો તેમની પાસેથી ઉપલબ્ધ થયાં છે.

સાત વર્ષના મહાભારતના અભ્યાસને અંતે એમણે ‘અનાહતા’ નામની ૬૩૪ પૃષ્ઠની બૃહદ નવલકથા લખી. એમાં કુમારિકા તરીકે, પત્ની તરીકે, માતા તરીકે કુંતીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં છે. કુંતી જીવનની વિવિધ સમસ્યાઓમાં આવતી આપત્તિ કેવી સ્વસ્થતાથી અને ગરિમાથી સહન કરે છે. એ આઘાતોથી અભિભૂત થવાને બદલે ‘અનાહતા’ રહીને તેનો સ્વીકાર કરે છે. આ નવલકથાને સૂરતના નર્મદ સાહિત્ય સભા તરફથી આપણા પ્રથમ નવલકથાકાર નંદશંકર મહેતાની સ્મૃતિમાં ૨૦૧૯-૨૦ની શ્રેષ્ઠ નવલકથા તરીકે કુમારપાળ દેસાઈને સ્મૃતિચિહ્ન અને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યાં.

સંશોધક

કુમારપાળ દેસાઈએ પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે મધ્યકાળના મરમી સંતકવિ આનંદઘનના જીવન અને કવન વિશે ઊંડાણથી અભ્યાસ કરી, તેમનાં પદો અને સ્તવનોની હસ્તપ્રતોનું સંશોધન કરી તેમના કવિત્વને પ્રકાશમાં આણ્યું છે. તેમણે ગુજરાતના જુદા જુદા હસ્તપ્રતભંડારોમાંથી ૪૦૦ જેટલી હસ્તપ્રતોનો અભ્યાસ કરી તેના આધારે શાસ્ત્રીય સંપાદન કર્યું છે. પં. બેચરદાસ દોશી, ડૉ. ભોગીલાલ સાંડેસરા અને પં. દલસુખભાઈ માલવણિયા જેવા વિદ્વાનોએ એમના સંશોધનકાર્યની પ્રશંસા કરી છે. મધ્યકાલીન સાહિત્યના સંશોધનક્ષેત્રે ડૉ. કુમારપાળ દેસાઈએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે સંશોધન કરી ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ’, ‘જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક’ અને ‘મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિસ્તવનનો બાલાવબોધ’ જેવાં પુસ્તકો પ્રગટ કર્યાં છે. ‘ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ’, ‘અબ હમ અમર ભયે’ અને ‘અબોલની આતમવાણી’ તેમનાં સંશોધનમૂલક પુસ્તકો છે. રાજસ્થાનના લોકસંસ્કૃતિ શોધ સંસ્થાન તરફથી આનંદઘન વિશેના ઉત્કૃષ્ટ સંશોધન માટે તેમને ‘હનુમાનપ્રસાદ પોદ્દાર’ પારિતોષિક મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખામાં ૧૯૮૦ અને ૧૯૮૫માં સંશોધન અંગેનાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે તેમને ડૉ. કે. જી. નાયક ચંદ્રક એનાયત થયો હતો. આ ઉપરાંત તેમણે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં ‘તીર્થંકર ભગવાન મહાવીર’ વિશે ગ્રંથરચના કરી છે.

વિવેચક

કુમારપાળ દેસાઈ સર્જક હોવાની સાથે વિવેચક પણ છે. ‘હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના’, ‘શબ્દસંનિધિ’, ‘ભાવન-વિભાવન’, ‘શબ્દસમીપ’, ‘આનંદઘન : જીવન અને કવન’ વગેરે તેમનાં વિવેચનનાં પુસ્તકો છે. મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી કુમારપાળ અર્વાચીન સાહિત્યના પણ મર્મજ્ઞ છે એની પ્રતીતિ અર્વાચીન કૃતિઓ વિશેના એમના વિવેચનલેખો કરાવે છે. મધ્યકાળના ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓમાં તેમની ગણના કરવી પડે.

સૂઝવાળા સંપાદક

તેઓ સૂઝવાળા સંપાદક પણ છે. તેમણે સંખ્યાબંધ સંપાદનો કર્યાં છે, જેમાં મહત્ત્વનાં છે : ‘જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ’, ‘શબ્દશ્રી’, ‘કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ’, ‘હૈમસ્મૃતિ’, ‘જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ’ ભાગ ૧-૨, ‘નર્મદ : આજના સંદર્ભમાં’, ‘નવલિકા અંક’ (‘ગુજરાત ટાઇમ્સ), ‘ઓજસ દીઠાં આત્મબળનાં’, ‘રત્નત્રયીનાં અજવાળાં’, ‘સામાયિક સૂત્ર’ (અર્થ સાથે), ‘શંખેશ્વર મહાતીર્થ’, ‘યશોભારતી’, ‘ધન્ય છે ધર્મ તને’ (આચાર્ય વિજયવલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન), ‘આત્મવલ્લભ સ્મરણિકા’ (ગુજરાતી વિભાગનું સંપાદન), ‘બાળસાહિત્ય સંગોષ્ઠિ’, ‘પરિવર્તનનું પ્રભાત’ (‘ગુજરાત ટાઇમ્સ) ‘એકવીસમી સદીનું વિશ્વ’ (‘ગુજરાત ટાઇમ્સ), ‘એકવીસમી સદીનું બાળસાહિત્ય’, ‘અદાવત વિનાની અદાલત’ (ચં. ચી. મહેતાનાં રેડિયો-રૂપકોનું સંપાદન), ‘એક દિવસની મહારાણી’ (ડેમોન રનિયનની વાર્તાઓનો ચં. ચી. મહેતાએ કરેલો અનુવાદ). સમગ્ર જૈન ધર્મના મહત્ત્વના વિષયોને આવરી લેતો ‘જૈન વિશ્વકોશ’ જેના પાંચ ભાગ પ્રગટ થઈ ગયા છે અને બીજા ત્રણ ભાગ પ્રગટ થશે –તેના તેઓ સંપાદક છે. તેમના દ્વારા સંપાદિત પુસ્તકોનો વ્યાપ જોતાં તેમનું રસક્ષેત્ર કેટલું વિશાળ છે એનો અંદાજ આવે છે. પ્રત્યેક સંપાદનમાં તેમની સૂઝ, સમજ અને ચીવટ જોવા મળે છે.

હિન્દી : અંગ્રેજી ભાષામાં સર્જન

ગુજરાતીના સમર્થ લેખક કુમારપાળ દેસાઈએ હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં પણ લેખન કર્યું છે. ગુજરાતીમાં તેમણે ‘જિનશાસનની કીર્તિગાથા’, હિંદીમાં તેમણે ‘जिनशासन की कीर्तिगाथा’, તેમજ અંગ્રેજીમાં ‘Glory of Jainism’ પુસ્તક લખ્યાં છે. અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલાં અન્ય પુસ્તકો આ મુજબ છે : ‘Stories from Jainism’, ‘Essence of Jainism’, ‘The Value and Heritage of Jain Religion’, ‘Kshamapana’, ‘Role of Women in Jain Religion’, ‘Non-Violence : A Way of Life (Bhagwan Mahavir)’, ‘A Pinnacle of Spirituality’, ‘The Timeless Message of Bhagwan Mahavir’, ‘Vegetarianism’, ‘Tirthankara Mahavira’, ‘Jainism : The Cosmic Vision’, ‘Shrimad Rajchandra & Mahatma Gandhi’. જોઈ શકાશે કે હિન્દી-અંગ્રેજીમાં તેમનાં પુસ્તકો મુખ્યત્વે જૈન ધર્મ અને તેની સાથે સંકળાયેલ વિષયો પૂરતાં મર્યાદિત છે. આ પુસ્તકોમાં તેમણે જૈન ધર્મના સિદ્ધાંતો તથા જૈન ધર્મનાં વિભિન્ન પાસાં પર પ્રકાશ પાડ્યો છે.

અનુવાદક

કુમારપાળે આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની પ્રમાણમાં ઓછી જાણીતી પણ સાહિત્યિક દૃષ્ટિએ સંતર્પક નાટ્યકૃતિનો ગુજરાતી અનુવાદ ‘નવવધૂ’ નામથી કર્યો છે. આરંભે મૂકેલા અભ્યાસલેખમાં તેમણે આ લેખકનો અને તેમની કૃતિનો સાહિત્યિક પરિચય કરાવી તેનો આસ્વાદ કરાવ્યો છે. એના સર્જકની મુલાકાત લઈને તેમણે સાંપ્રત આફ્રિકન નાટકની પશ્ર્ચાદ્ભૂ પણ પ્રગટ કરી છે.

ઈંટ અને ઇમારત

ઈ.સ. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે ‘જયભિખ્ખુ’નું અવસાન થયું ત્યારે કુમારપાળ ૨૭ વર્ષના હતા. પરિવારની સ્થિતિ સામાન્ય હતી. પિતાના ઉદાર, સ્વમાની અને ખમીરવંતા સ્વભાવને કારણે એમના અવસાન સમયે ઘરમાં કોઈ ઝાઝી મૂડી નહોતી. માત્ર પુસ્તકોમાંથી કેટલીક ચલણી નોટો મળી, તેની કુલ રકમ ૩૫૦ રૂપિયા થઈ. આથી વિનોદમાં એમ પણ કહેવાતું કે ત્રણસો પુસ્તકના લેખક પાસે મૂડી રૂપે માત્ર સાડા ત્રણસો રૂપિયા હતા. એ વખતે ‘જયભિખ્ખુ’ ‘ગુજરાત સમાચાર’માં ‘ઈંટ અને ઇમારત’ કૉલમ લખતા. તેમણે ૧૯૫૨થી આ કૉલમ લખવી શરૂ કરેલી અને ખૂબ લોકપ્રિય હતી. અખબારના તંત્રીએ કુમારપાળને બોલાવી એમના પિતાની આ કૉલમ ચાલુ રાખવા સૂચવ્યું. પહેલાં તો કુમારપાળ ખચકાયા, પણ તંત્રીએ બહુ આગ્રહ કરતાં તેઓ સંકોચ સાથે તૈયાર થયા. શરૂઆતના ચાર-પાંચ હપતા નામ વગર આપ્યા. એને આવકાર મળ્યો. પછી તંત્રી શ્રી શાંતિલાલ શાહે નામ મૂકી કૉલમ પ્રગટ કરી. ત્યારથી આજ સુધી તેઓ નિયમિત એ કૉલમ લખતા રહ્યા છે. પિતા-પુત્ર દ્વારા છેલ્લાં ૬૭ વર્ષથી પણ વધુ સમય નિયમિત રીતે એક કૉલમ લખાઈ હોય એવો ગુજરાતી પત્રકારત્વક્ષેત્રમાં બીજો કોઈ દાખલો જોવા નહીં મળે. વળી એક જ અખબારમાં પ્રત્યેક ગુરુવારે એડિટોરિયલ પેજ પર એક જ સ્થાને આ કૉલમ પ્રગટ થઈ રહી છે. ‘ગુજરાત સમાચાર’માં તેઓ ઉપર્યુક્ત કૉલમ ઉપરાંત ‘આકાશની ઓળખ’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘જાણ્યું છતાં અજાણ્યું’, ‘પારિજાતનો પરિસંવાદ’ જેવી અનેક કૉલમો નિયમિત લખે છે. અત્યારે ‘ગુજરાત સમાચાર’માં સૌથી વધુ કૉલમો લખનાર તેઓ એકમાત્ર પત્રકાર છે. ‘દિવ્યધ્વનિ’માં દર મહિને ‘પરમનો સ્પર્શ’ નામે આધ્યાત્મિક ચિંતનની લેખમાળા આલેખે છે.

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ-વિભાગમાં તેઓએ વર્ષો સુધી સેવા આપી છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પત્રકારત્વના અભ્યાસક્રમ સાથે સંકળાયેલા છે. ‘અખબારી લેખન’ વિશે તેમણે એક પુસ્તક લખ્યું છે તથા ‘સાહિત્ય અને પત્રકારત્વ’ નામક ગ્રંથનું સંપાદન કર્યું છે. પત્રકારત્વક્ષેત્રે બહુવિધ કામગીરી બજાવવા માટે તેમને ‘નવચેતન’ માસિક દ્વારા નવચેતન રૌપ્યચંદ્રક, પત્રકારત્વમાં વિશિષ્ટ પ્રદાન માટે શ્રી યજ્ઞેશ હ. શુક્લ પારિતોષિક, પત્રકારત્વમાં ઉત્તમ પ્રદાન માટે રાષ્ટ્ર કક્ષાએ અપાતો આચાર્ય તુલસી અનેકાંત ઍવૉર્ડ એનાયત થયો છે. સ્પૉર્ટ્સ વિશે પત્રકારત્વમાં મહત્ત્વનું પ્રદાન કરવા માટે નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિ ગૌરવ પુરસ્કાર, ગુજરાત દૈનિક અખબાર સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે હરિૐ આશ્રમ ઍવૉર્ડ તેમજ શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી લેખન માટે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી સંસ્કૃતિ સંવર્ધન ઍવૉર્ડ એનાયત થયાં છે.

ધર્મદર્શનમાં આગવી ઓળખ

કુમારપાળ દેસાઈ કુશળ વક્તા પણ છે. ગુજરાત અને ભારતમાં સાહિત્ય, શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશે ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા, દુબાઈ વગેરે દેશોમાં પર્યુષણ તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ઈ. સ. ૧૯૯૦માં બિંકગહામ પૅલેસમાં ડ્યૂક ઑવ એડિનબરો પ્રિન્સ ફિલિપને ‘જૈન સ્ટેટમેન્ટ ઑન નેચર’ અર્પણ કરવા ગયેલા પાંચ ખંડના જૈન પ્રતિનિધિમંડળમાં તેઓ એક હતા. વળી ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કૅપટાઉન શહેરમાં યોજાયેલી ‘વર્લ્ડ પાર્લમેન્ટ ઑવ રિલિજિયન્સ’માં એમણે વક્તવ્ય આપ્યાં. ૧૯૯૪માં વેટિકનમાં પોપ જ્હૉન પૉલ(દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળમાં ધર્મદર્શન વિશે તેમણે સાર્થક ચર્ચા કરી હતી. ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલૉજી’ નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના મેનેજિંગ ટ્રસ્ટી છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી

૧૯૯૭થી IOJમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કલા, ધર્મદર્શન અને શિક્ષણનું કાર્ય કરતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીનો એમના નેતૃત્વ હેઠળ ભારતમાં પ્રારંભ કરવામાં આવ્યો. એના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે વિદેશની લાઇબ્રેરીમાં આવેલ હસ્તપ્રતના કૅટલૉગનું મહત્ત્વનું કાર્ય કર્યું. વળી હસ્તપ્રતવિદ્યાના અભ્યાસીઓ તૈયાર થાય તે માટે ત્રણ દિવસનો હસ્તપ્રતવિદ્યાનો સેમિનાર કર્યો. એ પછી ગુજરાત યુનિવર્સિટી માન્ય છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પણ દર મહિને ત્રણ વખત યોજાયો. અવારનવાર પરિસંવાદનું આયોજન કરીને જૈનદર્શનના વિદ્વાનોને નિમંત્રવામાં આવે છે. પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ તથા માનવકલ્યાણલક્ષી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. આ બધાં કાર્ય કુમારપાળ દેસાઈની ધગશ, સતત પરિશ્રમના પરિણામે શક્ય બન્યાં છે. તેમના માર્ગદર્શન હેઠળ અત્યારે નિયમિત વ્યાખ્યાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના યૂ-ટ્યૂબ ઉપરથી પ્રસારિત થાય છે.

૧૮૯૩ના શિકાગોની ‘વર્લ્ડ પાર્લમેન્ટ ઑવ રિલિજિયન્સ’માં વક્તવ્ય આપનારા અને અમેરિકા-ઇંગ્લૅન્ડમાં અનેક પ્રવચનો આપનારા વીરચંદ રાઘવજી ગાંધી વિશેના ગ્રંથો અન્ય સંસ્થાઓના સહયોગથી પ્રકાશિત થયા. ‘Yoga Philosophy’, ‘Jain Philosophy’ અને ‘Unknown lif of Jesus Christ’ વગેરે પુસ્તકોનું સંપાદન કુમારપાળ દેસાઈએ કર્યું. વીરચંદ રાઘવજી ગાંધીના સમગ્ર જીવનકાર્યને દર્શાવતું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા’ નામનું પુસ્તક લખ્યું. વીરચંદ રાઘવજી ગાંધીની જન્મજયંતીના દિવસે ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન પણ થયું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલૉજી દ્વારા અમદાવાદના નવરંગપુરા છ રસ્તા પર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ચોકનું નામાભિધાન કર્યું અને શિકાગો તેમજ વીરચંદ ગાંધીના જન્મસ્થળ મહુવામાં મુકાયેલી વીરચંદ ગાંધીની અર્ધપ્રતિમાનું નિર્માણ કરવામાં સક્રિય સહયોગ આપ્યો.

ડૉ. કુમારપાળ દેસાઈએ એક નવતર પ્રયોગ રૂપે વિવિધ વિષયો પર ત્રિદિવસીય કથા પ્રસ્તુત કરી છે. તેમણે મહાવીરકથા, ગૌતમકથા, પાર્શ્વ-પદ્માવતીકથા, નેમરાજુલકથા, વૃષભકથા, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યકથા, શ્રીમદ્ રાજચંદ્રકથા, આ. બુદ્ધિસાગરસૂરિજીકથા, આચાર્ય હીરવિજયસૂરિકથા વગેરે વિષયો પરની કથાઓ મુંબઈ, અમદાવાદ, ધરમપુર, લંડન, લોસ એન્જલિસ જેવા શહેરોમાં કથાત્મક રીતે ચિંતનસભર રજૂઆત કરી છે.

વિવિધ સન્માનો

ઈ. સ. ૧૯૮૪થી પ્રતિવર્ષ પરદેશમાં કુમારપાળ દેસાઈનાં વ્યાખ્યાનો યોજાય છે. આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદન રૂપે ઇંગ્લૅન્ડમાં ૧૪ ભારતીય સંસ્થાઓએ મળીને તેમને ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ’ આપ્યો હતો. આ ઉપરાંત તેમને ઉત્તર કૅલિફૉર્નિયાના જૈન સેન્ટર દ્વારા ગૌરવ પુરસ્કાર, જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ, ગુજરાત રત્ન ઍવૉર્ડ તથા ૧૯૮૦માં જુનિયર ચેમ્બર્સ તરફથી ભારતની દસ યુવાન પ્રતિભા અંગેનો ઍવૉર્ડ (Ten Outstanding Personality of India) પણ એનાયત થયો હતો. અમેરિકા અને કૅનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતા ફેડરેશન ઑફ જૈન ઍસોસિયેશન ઑવ નૉર્થ અમેરિકા (જૈના) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્યના સંશોધન અને દર્શન અંગે અગત્યની કામગીરી કરનારને અપાતો પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ કૅનેડાના ટોરન્ટોમાં ૧૯૯૭ના જુલાઈમાં યોજાયેલા દ્વિવાર્ષિક અધિવેશનમાં કુમારપાળ દેસાઈને એનાયત થયો હતો.

મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે દિલ્હીની અહિંસા ઇન્ટરનેશનલ સંસ્થાએ તથા દિવાળીબહેન મોહનલાલ મહેતા ટ્રસ્ટે વિશિષ્ટ ઍવૉર્ડ એનાયત કર્યો છે. ઈ. સ. ૨૦૦૧માં ભગવાન મહાવીર જન્મકલ્યાણક સમિતિ તરફથી જૈનદર્શન અને જૈનભાવનાઓમાં પ્રસાર માટે ઉત્તમ યોગદાન કરનાર ૨૬ વ્યક્તિઓને વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીના હસ્તે અપાયેલા ‘જૈનરત્ન ઍવૉર્ડ’ માટે પણ તેમની પસંદગી થઈ હતી. કુમારપાળ દેસાઈને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્યકારને અપાતું કવિ નર્મદ પારિતોષિક ૨૦૧૪માં એનાયત થયું હતું.

ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત વિભાગ અંતર્ગત ૨૦૧૧નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમને એનાયત થયો છે. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા અપાતો કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા ઍવૉર્ડ કુમારપાળ દેસાઈને ૨૦૧૫માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત થયો છે.

રમત સમીક્ષક તરીકે

રમતગમતક્ષેત્રે પણ કુમારપાળ દેસાઈનું પ્રદાન ઉલ્લેખનીય છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રગટ થયેલા ‘ભારતીય ક્રિકેટ’ અને ‘ક્રિકેટના વિશ્વવિક્રમો’ તેમજ ‘ક્રિકેટ રમતાં શીખો’ ભાગ ૧-૨ની દોઢ લાખ નકલો રમતપ્રેમીઓએ ખરીદી હતી. ઇંગ્લૅન્ડની પ્રસિદ્ધ ‘ક્રિકેટર મૅગેઝિન ક્લબ’નું માનાર્હ સભ્યપદ તેમને સાંપડ્યું હતું. તેમના એક પુસ્તકને ‘ધ ક્રિકેટર ઇન્ટરનેશનલ સામયિક’ દ્વારા આયોજિત જ્યૂબિલી લિટરરી ઍવૉર્ડ માટેની સ્પર્ધામાં સ્થાન સાંપડ્યું હતું. ૧૯૬૨થી અખબાર, રેડિયો અને ટેલિવિઝન પરની તેમની વિગતખચિત પ્રમાણભૂત રમતગમતની સમીક્ષાએ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી હતી. તેમણે વિવિધ ક્લબો અને સંસ્થાઓમાં રમતગમત વિશે ૩૦૦થી વધુ વક્તવ્યો આપ્યાં છે. ૨૦૦૪ના જાન્યુઆરી મહિનામાં સૂરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ દ્વારા ‘બેસ્ટ સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટનો ઍવૉર્ડ’ એનાયત થયો છે. આ પ્રસંગે ઍવૉર્ડ અર્પણ કરતી વખતે ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડે જણાવ્યું કે તેઓ છેક બાર વર્ષની વયથી ડૉ. કુમારપાળ દેસાઈના રમતગમતવિષયક લેખો વાંચતા રહ્યા છે અને તેમનું સન્માન કરવાની તકને શ્રી અંશુમાન ગાયકવાડે જીવનની એક યાદગાર ક્ષણ તરીકે ઓળખાવી હતી.

સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યો

કર્મવીર કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ પ્રમુખ અને મંત્રી તરીકે કામ કરી ચૂકેલા તેઓ અત્યારે તેની મધ્યસ્થ સમિતિના સભ્ય છે. કુમારપાળ છેલ્લાં ઘણાં વર્ષોથી શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના તેઓ પ્રમુખ છે. ગુજરાતની અસ્મિતાના મહાપુરુષાર્થ સમાન ‘ગુજરાતી વિશ્વકોશ’ના પ્રારંભથી જ તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવારત છે. હાલ તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. અનુકંપા ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી (બોટાદ બ્રાન્ચ), વિદ્યાવિકાસ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ દ્વારા તેઓ આપત્તિગ્રસ્ત લોકોને અને વિદ્યાવિકાસનાં કાર્યોમાં મદદરૂપ બને છે. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં થયેલ ભીષણ ધરતીકંપ વેળા તેમણે ભૂકંપગ્રસ્તો માટે પંદર લાખ રૂપિયા જેટલી રકમ વિદેશથી મેળવી હતી. ગળથૂથીમાંથી જ સાહિત્ય, સંસ્કૃતિ અને સેવાના સંસ્કાર મેળવનાર કુમારપાળ દેસાઈના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે.

વિશ્વકોશના રાહબર :

વિશ્વકોશના પ્રારંભથી વિશ્વકોશના પ્રણેતા પિતા જયભિખ્ખુના પરમ મિત્ર અને પોતાના Ph.D.ના અભ્યાસ માટેના માર્ગદર્શક ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે કુમારપાળ દેસાઈ કાર્યરત હતા અને વિશ્વકોશના જુદા જુદા વિષયોના પરામર્શક તરીકે અને એથીયે વિશેષ તો વિશ્વકોશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. સંસ્થાની સઘળી વિદ્યાકીય પ્રવૃત્તિ સરળતાથી ચાલ્યા કરે તે માટે એનું આર્થિક પાસું મજબૂત હોય તે અનિવાર્ય છે. એ માટે પણ કુમારપાળ દેસાઈએ ઘણા પ્રયત્નો કર્યા. સંસ્થાને સંતો, શ્રેષ્ઠીઓ અને વ્યાપક સમાજ સાથે જોડવાનું કાર્ય કર્યું. ૨૦૧૪ની ૨૪મી જાન્યુઆરીએ ધીરુભાઈનું અવસાન થતાં એમની અંતિમ વર્ષોની વિશ્વકોશને વિશ્વસંસ્કૃતિ કેન્દ્ર બનાવવાની ભાવનાને સાકાર કરવા માટે કુમારપાળે અપ્રતિમ પુરુષાર્થ કર્યો. એથીયે વિશેષ વર્તમાન વિશ્વને અનુલક્ષીને વિશ્વકોશના સમગ્ર જ્ઞાનસાગરને ઑનલાઇન મૂકવાનું ભગીરથ કાર્ય કર્યું. પરિણામે આજે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો ગુજરાતી આ વિશ્વકોશ જોઈ શકે છે.

સાત-સાત વર્ષની મહેનત બાદ આજે ૨૪૦૦૦ લખાણો ધરાવતા ૨૬૦૦૦ પૃષ્ઠોના વિશ્વકોશને ઑનલાઇન મૂક્યો છે. જેને દર મહિને દોઢ લાખ લોકો જુએ છે. ભારત, અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સિંગાપોર, જર્મની, ઑસ્ટ્રેલિયા અને જાપાન જેવાં દેશોમાં પણ વિશ્વકોશમાંથી માહિતી મેળવવામાં આવે છે.

આજે વિશ્વકોશ સંસ્થા દ્વારા બાર જેટલાં ઍવૉર્ડ્ઝ, દસ જેટલી વ્યાખ્યાનશ્રેણી, છ જેટલી ગ્રંથશ્રેણી અને સંતકોશ, નારીકોશ, બૃહદ્ નાટ્યકોશ જેવાં જુદા જુદા કોશ તૈયાર થઈ રહ્યાં છે.

એવી જ રીતે તાજેતરમાં ગુજરાતી વિશ્વકોશ સાથે ગુજરાતી લેક્સિકનનું જોડાણ પણ કરવામાં આવ્યું, જેથી ઉદ્યોગપતિ અને ભાષાપ્રેમી શ્રી રતિલાલ ચંદરયાના પ્રયત્નોથી પિસ્તાલીસ લાખ શબ્દો ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ ઑનલાઇન શબ્દકોશ ‘ગુજરાતી લેક્સિકન’નો પણ વિશ્વકોશની પ્રવૃત્તિમાં સમાવેશ થયો અને અત્યાર સુધીમાં ચાર કરોડ અને એંશી લાખ લોકોએ આની મુલાકાત લીધી છે.

‘વિશ્વવિહાર’ સામયિકનું પ્રકાશન, એની શ્રાવ્ય સ્વરૂપે ઉપલબ્ધિ અને તાજેતરમાં અમેરિકાથી પ્રસિદ્ધ થતું શિષ્ટ અને સંસ્કારી સાહિત્યનું ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ પણ વિશ્વકોશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. એના બાળવિશ્વકોશના દસ ગ્રંથો બ્રેઇલ લિપિમાં ઉપલબ્ધ બન્યાં છે, આ સમગ્ર બાળવિશ્વકોશ થોડા સમયમાં ઑનલાઇન પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત હસ્તપ્રતવિદ્યા, રોબોટિક્સ, પ્રૂફવાચન અને સર્જનાત્મક લેખનશિબિર જેવી કાર્યશિબિરોનું આયોજન થાય છે.

૨૦૨૦માં કોરોનાની મહામારી આવી. આ સમય દરમિયાન બે મહિના લૉકડાઉનમાં પણ યૂ-ટ્યૂબ ચૅનલ પર ઑનલાઇન નિયમિત રીતે વ્યાખ્યાનો મુકાતાં રહ્યાં. લોકોને કોરાના અંગેની સમજણ અને સાવચેતી માટેની વાચનસામગ્રી પણ ફેસબુક અને વૉટ્સએપ ઉપર વિશ્વકોશ દ્વારા પ્રસ્તુત થતી રહી.

કુમારપાળ દેસાઈ સ્વપ્નસેવી છે. સમાજની ચિંતા તેમને સતત સતાવતી હોય છે. તેમને વિચાર આવ્યો કે ‘વિશ્વવિહાર’ નામનું સામયિક દર મહિને પ્રગટ તો થાય છે, પણ પ્રજ્ઞાચક્ષુ અથવા તો જેમને વાંચવાની તકલીફ છે તેમને માટે કંઈક કરવું જોઈએ. આમ તેમણે વિશ્વવિહારના લેખો શ્રાવ્ય રૂપે (ઓડિયો સ્વરૂપે) મૂકવાનો પ્રારંભ કર્યો.

વળી તેમને એમ પણ થયું કે ચિત્રકાર પોતાનાં ચિત્રોની વાત કરે અને પછી તરત જ તેનાં ચિત્રો પણ જોઈ શકે તો ચિત્રકારને એની વાત કરવાનો કેટલો આનંદ થાય. એટલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને પોતાનો હૉલ તો હતો જ, પણ સામે કલાવીથિકા પણ બનાવી, જ્યાં કલાકાર વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા એની કલાયાત્રાની વાત કરી શકે. પરિણામે હકુ શાહ, કે. જી. સુબ્રમણ્યમ્, જ્યોતિ ભટ્ટ, રતિલાલ કાંસોદરિયા, ધ્રુવ મિસ્ત્રી, મનહર કાપડિયા, અમિત અંબાલાલ વગેરે પ્રસિદ્ધ ચિત્રકારોએ પોતાની કેફિયત રજૂ કરીને કેટલાંક પસંદ કરેલાં ચિત્રો કલાવીથિકામાં મૂક્યાં.

વિશ્વકોશને પોતાનો એક સ્ટુડિયો હોય તો કેવું ? એવો વિચાર એમને આવ્યો. પરિણામે એક દૃશ્ય-શ્રાવ્યકેન્દ્ર પણ ઊભું થયું જેમાં ગુજરાતની અગ્રણી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ થયા, જે હવે અમારી યૂ-ટ્યૂબ ચૅનલ ઉપરથી પ્રસ્તુત થાય છે. કુમારપાળ દેસાઈની દીર્ઘષ્ટિના પરિણામે આ શક્ય બન્યું છે.

આમ વડમાંથી વડવાઈઓ ફૂટે તે રીતે વિશ્વકોશની રચનાથી પ્રારંભ કરનારી આ સંસ્થા આજે વિશ્વસંસ્કૃતિની ઓળખ બની રહી છે આ બધાં કાર્યો માટે ડૉ. કુમારપાળ દેસાઈ અને એમના વિશ્વકોશના સહુ સાથીઓ અવિરત પુરુષાર્થ કરી રહ્યાં છે. તાજેતરમાં વિશ્વકોશભવનની નજીકમાં એક બીજું રિસર્ચ સેન્ટર તૈયાર થાય તે માટે એક વિશાળ મકાન પણ લેવામાં આવ્યું છે. વિશ્વકોશના પ્રારંભથી જ ડૉ. કુમારપાળ દેસાઈ એના ટ્રસ્ટી છે અને આજે એમની રાહબરી હેઠળ આ સંસ્થા વધુને વધુ વિકાસ સાધી રહી છે.

અહિંસા ઍવૉર્ડ

૧૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ બ્રિટનની પાર્લામેન્ટના વિલ્સન હૉલમાં બ્રિટનના મિનિસ્ટર ઑફ ફૅઇથ બેરોનેસ સ્કોટ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈને અહિંસા ઍવૉર્ડ એનાયત થયો. આ સમારંભમાં પાર્લામેન્ટના સભ્ય અને સંસ્થાના ચૅરમૅન શ્રી ગેરથ થોમસ અને ડેપ્યુટી ચૅરમૅન પદ્મશ્રી અને પાર્લામેન્ટના એમ. પી. બોબ બ્લેકમનની સાથે બર્મિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર વિવિધ ફેઈથના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મિનિસ્ટર બેરોનેસ સ્કોટે કહ્યું કે, અગાઉ નેલ્સન મંડેલા, દલાઈ લામા અને આચાર્ય મહાપ્રજ્ઞ જેવી વ્યક્તિઓને અપાયેલો આ ઍવૉર્ડ વૈશ્વિક સંવેદના અને કમ્પેશન વધારવાનું કામ કરનારા ડૉ. કુમારપાળ દેસાઈને આપતાં આનંદ અનુભવું છું. શ્રી કુમાર શાહે ઍવૉર્ડના સાયટેશનનું પઠન કરતાં કહ્યું કે, પ્રત્યેક ક્ષેત્રમાં માનવીય મૂલ્યોને દૃષ્ટિમાં રાખીને કાર્ય કરનારની બહુમુખી પ્રતિભાને અમે આજે વધાવીએ છીએ. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ફિલૉસૉફી અને એન્સાયક્લોપીડિયાના કાર્ય દ્વારા એમણે મેળવેલી યશસ્વી સિદ્ધિ યાદગાર બની રહી છે.

સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, અધ્યયન-અધ્યાપન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોવા છતાં કુમારપાળ તરુણના તરવરાટથી સામાજિક સાંસ્કૃતિક ઉત્થાનના નવા નવા પ્રકલ્પો કરવા હંમેશાં તત્પર રહે છે.

‘ઊંઘ તો પૂરી લેવાની, ઉજાગરા કરવાનું નથી શીખ્યો. હા, દિવસ ઊગે પછી એકધારું કામ ચાલે.’ – હસતાં હસતાં તેઓ કહે છે.

‘પુન: જન્મ લેવાનું થાય તો તમે શું બનવાનું પસંદ કરો ?’ એવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહેલું : ‘સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચી શકું, આધ્યાત્મિક જીવન જીવી શકું, ગ્રંથોના રહસ્ય પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું તેવો માનવદેહ ફરી મળે એવી ઈશ્વરને મારી પ્રાર્થના રહી છે.’ અનેક ઍવૉર્ડો, ચંદ્રકો, પુરસ્કારો પ્રાપ્ત કરવા છતાં કુમારપાળ દેસાઈને અભિમાન સ્પર્શી શક્યું નથી. ચહેરા પર હંમેશાં સ્નેહાળ સ્મિત અને નાનામાં નાના માણસ સાથે પણ પ્રેમપૂર્વક ઉષ્માપૂર્ણ વ્યવહાર તેમના પ્રસન્ન વ્યક્તિત્વનો અને સાર્થ જીવનશૈલીનો મર્મ પ્રગટ કરે છે.

ડૉ. જનક શાહ

લેખક, સંપાદક અને પૂર્વ પ્રિન્સિપાલ

પૂર્વ વિઝિટિંગ પ્રોફેસર, ગૂજરાત વિદ્યાપીઠ

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑