ધીમા દબાતા પગલે એ રૂમમાં હું પ્રવેશ્યો. ભાવનગરના એ પરિચિત સ્વજનના ઘેર ભારત વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીનો ઉતારો હતો. ઘણા લાંબા સમયથી એ ખંડમાં મંત્રીશ્રી એકલા બેસીને સરકારી ફાઈલોનો અભ્યાસ કરતા અને એના પર પોતાની નોંધ કરે જતા હતા. ઘણો સમય વીતી ગયો હોવાથી મને એમ થયું કે, ‘લાવો, એમને કંઈ નાસ્તાની જરૂ૨ હોય તો પૂછી આવું.’
એમણે પ્રશ્નની સામે વળતો પ્રશ્ન કર્યો. ‘કોઈ મીઠાઈ કે ફરસાણ નહીં, કિંતુ સાવ સાદો હોય તે નાસ્તો આપો.’
‘એ તો ઉકાળો અને ખાખરા હોઈ શકે.’
એમણે કહ્યું કે, ‘બસ, તો ઉકાળો અને ત્રણેક ખાખરા આપશો તો આનંદ થશે.’ વળી પાછા એ મંત્રીશ્રી ફાઈલોના ઢગલા વચ્ચે ગૂંથાઈ ગયા.
1961ની બીજીથી છઠ્ઠી જાન્યુઆરી સુધી ભાવનગરમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું છાસઠમું અધિવેશન યોજાયું હતું. ગુજરાતમાં યોજાયેલા આ પાંચમા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ તરીકે શ્રી નીલમ સંજીવ રેડ્ડી હતા અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે દેશના ઘણા અગ્રણી નેતાઓ આમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના કૃષ્ણનગરની સામે આવેલા એકસો એકરના ખુલ્લા મેદાનમાં આ વિશાળ અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં દેશના નેતાઓને નીરખવા અને સાંભળવા ભાવનગરના ‘જયભિખ્ખુ’ના કુટુંબીજનો અને સ્નેહીજનોને ખાસ નિમંત્રણ આપ્યું હતું, તેથી હું પણ પિતા ‘જયભિખ્ખુ’ની સાથે રાષ્ટ્રનેતાઓને નિહાળવા ઉમંગભેર ભાવનગર ગયો હતો અને એમાં જે સ્વજનને ત્યાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીનો ઉતારો હતો, ત્યાં જ હું ઊતર્યો હતો અને તેથી એ મંત્રીશ્રીને નાસ્તા-પાણીનું પૂછવાની આવી ગુસ્તાખી કરી હતી. એમણે ઉકાળા અને ત્રણ ખાખરાને ન્યાય આપ્યો અને પાછા હસતા મુખે અમને ખંડમાંથી વિદાય આપીને પોતાના કામમાં ડૂબી ગયા.
લાલબહાદુર શાસ્ત્રીની સાદાઈ, નમ્રતા અને સહજતા સ્પર્શી ગયાં અને ભીત૨માં એક એવી અનુભૂતિ થઈ કે આ કોઈ દેશની સરકારમાં ઉચ્ચસ્થાને બિરાજેલા મંત્રીશ્રી નથી, પરંતુ આપણા સહુની વચ્ચે હરતાં-ફરતા અને હસતા એક આમઆદમી છે. કેટલાક સમર્થ નેતાઓમાં આમઆદમી હોવાની અનુભૂતિ થતી હોય છે. એ મહાત્મા ગાંધીજી અને અબ્રાહમ લિંકનમાં હતી. નેલ્સન મંડેલા કે લાલબહાદુર શાસ્ત્રીમાં એ પ્રત્યક્ષ જોવા મળે.
બસ, પછી તો આ ઉકાળા અને ત્રણ ખાખરાની ઘટનાએ મન પર એવું કામણ કહો તો કામણ અને પ્રભુત્વ માનો તો પ્રભુત્વ જમાવ્યું કે એ આ લોકનેતા વિશે વિચારવા લાગ્યું. એમ થયું કે જાણે ગાંધીજીની સાદાઈ, સચ્ચાઈ, પુરુષાર્થ અને પ્રજાપ્રેમની નાની આવૃત્તિ ન હોય ! અને એ દિવસથી લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિભાએ જાણે ચિત્ત પર એવું કામણ કર્યું કે એમના પૂર્વજીવનની અને એમના વર્તમાન જીવનની નાનામાં નાની વિગતો એકત્રિત કરવાના મહાપુરુષાર્થનો પ્રારંભ કર્યો.
એ સમયે ‘નવચેતન’ના ભેખધારી તંત્રી અને મારા મુરબ્બી ચાંપશીભાઈ ઉદેશીને મારા મન પર છવાઈ ગયેલી લાલબહાદુરની છબીની વાત કરી તો એમણે કહ્યું કે જો આટલો બધો રસ છે, તો એક સરસ લેખ લખી આપો અને લાલબહાદુર શાસ્ત્રી વિશેનો એક વિસ્તૃત લેખ એમણે પ્રગટ કર્યો અને એથીયે વિશેષ તો ‘નવચેતન’ સામયિકના મુખપૃષ્ઠ પર લાલબહાદુર શાસ્ત્રીની તસવીર પણ પ્રગટ કરી. જેમ જેમ લાલબહાદુર શાસ્ત્રીના પૂર્વ-જીવનની માહિતી એકત્ર કરતો ગયો, તેમ તેમ સતત એક પછી એક આશ્ચર્ય પ્રગટતાં રહ્યાં. બસ, મનમાં એક જ ભાવ જાગે કે જે દેશને મહાત્મા ગાંધીજીએ આઝાદી અપાવી, એ દેશની વિશાળ જનતાને આવો જ નેતા જોઈએ અને પછી તો જેમ જેમ બધા સ્રોતમાંથી એમની ચરિત્રવિષયક સામગ્રી એકત્ર કરતો ગયો, તેમ તેમ એમના પ્રત્યેની આદરભાવનામાં સતત વૃદ્ધિ થતી રહી.
લાલબહાદુર શાસ્ત્રીમાં કોઈ આડંબર નહીં, કોઈ છટા નહીં, કૃત્રિમ રીતે ભપકો ખડો કરવાની કોઈ ચાહના નહીં, જેવો છું તે આ છું. જે છે તે આ છે. લાલબહાદુર શાસ્ત્રી એમની ગાંધી ટોપી સાથે પાંચ ફૂટથી સહેજ જ ઊંચા લાગતા અને બાળપણના એમના સહાધ્યાયી મિત્ર આનંદીલાલ અગ્રવાલે તો કહ્યું કે અમે એમને એમની ગેરહાજરીમાં ‘ગટ્ટી’ કહેતા હતા. જેમ એમનું કદ ટૂંકું, એમ એમની વાત પણ મુદ્દાસરની. જે કંઈ બોલતા તે પૂરેપૂરું વિચારીને બોલે. મિત્રો પાસેથી માહિતી મળતી હોય કે વિરોધીઓ વિરોધ કરતા હોય, તે સહુને બરાબર સાંભળીને સચોટ અને તર્કયુક્ત જવાબ આપે. આ નાના કદ અને નમ્રતાની પાછળ એક વજ્ર સમી દૃઢતા અનુભવાતી હતી.
1956માં અરિયાલુરમાં થયેલા અકસ્માતની ચર્ચા વખતે એમણે કહ્યું હતું, ‘મારા નાના કદને લીધે અને મારી નમ્રતાને લીધે કેટલાક એમ માની બેસશે કે હું મક્કમ નથી. ભલે શરીરથી બળવાન ન હોઉં, પણ આત્માથી બળવાન છું જ.’ અને પછી લાલબહાદુર શાસ્ત્રીને મળનારા દેશ કે વિદેશના પત્રકારો એમને વિશે એક જ વાત કરતા કે આ ચાલીસ કરોડ પ્રજાનો પ્રતિનિધિ એ ખુરશીમાં પણ ન દેખાય તેવો છે, પણ એમના નાના કદની પાછળ એક પ્રભાવક વ્યક્તિત્વ છુપાયેલું છે. હું પણ જેમ જેમ એમને વિશેની વિગતો મેળવતો ગયો, તેમ તેમ એ કથનની સચ્ચાઈ અનુભવતો રહ્યો.
આજે તો કલ્પના પણ ન થાય કે કોઈ રાજ્યના ગૃહપ્રધાનને અખબારમાં એવું વિજ્ઞાપન આપવું કે ‘મારે ભાડે મકાન જોઈએ છે.’ જ્યારે રાજ્યના ગૃહપ્રધાન બનીને લાલબહાદુર શાસ્ત્રીને લખનઉ છોડીને અલ્લાહાબાદ આવવાનું થયું, ત્યારે એમને લખનઉનું ભાડાનું ઘર ખાલી કરવું પડ્યું. અલ્લાહાબાદમાં ઉત્તરપ્રદેશના ગૃહપ્રધાન તરીકે આવ્યા હોવાથી સામાન્ય રીતે સહુ કોઈ એમને મકાન આપવા આતુર હોય. એમની સાથે સંબંધ હોય, તો ઘણો લાભ મળે. પરિમટ કે લાઇસન્સ મળે અને એમની લાગવગથી ઘણાં અંગત લાભદાયી કામ થઈ જાય. પણ લાલબહાદુર શાસ્ત્રી જુદી માટીના માનવી હતા. એ કોઈની શેહમાં તણાય નહીં, કોઈને માટે કશી લાગવગ વાપરે નહીં અને એમની સાથે લાંચ-રુશવત લેવાની વાત ક૨વાનો ભાગ્યે જ કોઈ વિચાર કરી શકે. હિંમત કરવાની વાત તો દૂર રહી. તેઓ અલ્લાહાબાદમાં ઓછી કિંમતે ઘર ભાડે રાખવા ચાહતા હતા. સુવિધાવાળા વિસ્તારમાં રહેવા માટે ઘણું ભાડું આપવું પડે અને તે આ પ્રધાનને પોસાય તેમ નહોતું ! વળી જેમ લાલબહાદુર કોઈને અંગત લાભ ન કરાવે, એ રીતે કોઈની સામે વેરવૃત્તિ પણ ન રાખે. અલ્લાહાબાદના મુઠ્ઠીગંજના મજૂર વિસ્તારમાં ભાડાના નાના મકાનમાં એ રહેવા લાગ્યા. બહારના પાંચ-સાત મુલાકાતી માંડ બેસી શકે એટલું ઘર. એટલે બનતું એવું કે એમનું ઘર તો મુલાકાતીઓથી ભરાઈ જતું, પરંતુ બહાર સડક પર પણ બેસીને લોકો એમની રાહ જોતા. અહીં લાઇટ કે ટેલિફોનની વ્યવસ્થા નહોતી તેથી કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, પણ લાઇટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લાલબહાદુર ક્યારેક ફાનસથી કામ ચલાવતા હતા.
લાલબહાદુરમાં ગરીબીનું ગૌરવ હતું, આક્રંદ નહીં. ઘણી ચીજો વિના ચલાવવું પડે છે એનું એમણે કદી દુઃખ અનુભવ્યું નહોતું, બલ્કે ગરીબીમાં ફાકામસ્તીમાં મોજ માણનારા અમીરો-ગરીબ આદમી હતા. ગરીબીની લાચારી નહીં, પણ કરકસરની ખુમારી હતી. બાળપણમાં એક સમય એવો પણ હતો કે જ્યારે બે વર્ષ સુધી એમણે બૂટ-ચંપલ વગર ચલાવ્યું હતું. આ જોઈને મોટા ભાઈને દેવ સમાન માનતાં એમનાં બહેન સુંદરીદેવીનું કાળજું કપાઈ જતું. એમણે કહ્યું કે પગે કેવા ફોલ્લા પડ્યા છે. વળી બહારના લોકો આપણને ગરીબ ધારે છે, ત્યારે લાલબહાદુરે કહ્યું, ‘અરે ! એમાં શું ? ગરીબી એ કોઈ શરમ નથી. આ ગરીબીમાં પણ મસ્તી, મોજ અને અમીરી છે.’
બાળપણમાં લાલબહાદુરે પોતાને માટે બેથી વધુ શર્ટ સિવડાવ્યાં નહોતાં. ઉત્તરપ્રદેશના ગૃહપ્રધાન હતા, ત્યારે એક વાર એમના મિત્ર અને એ પછી એમને વિશે ‘વદ નન્હીં-સા આવી’ (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન) પુસ્તકના લેખક સુમંગલ પ્રકાશને લાલબહાદુરે સાંજે જમવા આવવાનું કહ્યું. લાલબહાદુરનાં પત્ની લલિતાદેવી બહારગામ ગયાં હતાં, ત્યારે એક છોકરો આવીને એમને માટે રસોઈ બનાવતો હતો. લાલબહાદુર શાસ્ત્રી અને સુમંગલ પ્રકાશ ભોજન માટે બેઠા. પરોઠા અને રસાદાર બટાટાનું શાક હતું, પણ જમતાં જમતાં શાક ખૂટી ગયું, ત્યારે શાસ્ત્રીજીએ પેલા છોકરાને પૂછ્યું, ‘ભાઈ ! બીજું શાક છે કે ?’ છોકરાએ ગભરાટ સાથે કહ્યું, ‘ના જી ! હતું એટલું પીરસી દીધું છે.’ અને શાસ્ત્રીજી તો શાક વિના બે-ત્રણ પરોઠા ખાઈ ગયા. સુમંગલ પ્રકાશ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગયા.
લાલા લજપતરાય અને રાજર્ષિ પુરુષોત્તમદાસ ટંડન જેવા સમર્થ દેશભક્તો પછી લાલબહાદુર શાસ્ત્રી ‘ભારત સેવક સંઘ’ (સર્વન્ટ્સ ઑવ ઇન્ડિયા સોસાયટી)ના પ્રમુખ બન્યા હતા. આ ભારત સેવક સંઘમાં જોડાઈને ૨૨ વર્ષની વયે લાલબહાદુરે ધગશભેર દેશસેવાનાં કાર્યોનો પ્રારંભ કર્યો હતો. એક વર્ષ સુધી મુઝફ્ફરપુરાબાદના દૂરના વિસ્તારોમાં કામ કર્યું. ગીચ રસ્તાઓ પરથી ગંદકી સાફ કરી અને લોકોનાં ઘરો સ્વચ્છ કર્યાં. રખડતાં નિરક્ષર બાળકોને શાળાએ મોકલ્યાં. આ જોઈને લાલા લજપતરાયે આ યુવાનને બીજે જ વર્ષે ભારત સેવક સંઘનું આજીવન સભ્યપદ આપ્યું હતું. આ સંસ્થાનું સભ્યપદ ધરાવનારે એક જ કામ કરવાનું અને તે દેશસેવાનું અને એક જ ચિંતા કરવાની અને તે દેશોદ્ધારની. આમાં યુવકોને તાલીમ આપવામાં આવતી. એનું સભ્યપદ મેળવવું અત્યંત કપરું હતું અને પછી એના આજીવન સભ્યપદ પર રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ હતું. આનું આજીવન સભ્યપદ ધરાવનારને સામાન્ય માનવીની પેઠે સાદાઈથી જીવવાનું, કોઈ સારા પગારની નોકરી કરી શકાય નહીં, શરૂઆતમાં આજીવિકા માટે સાઠ રૂ. મળે અને પછી એકસો રૂ. મળે. દેશમાં જુદાં જુદાં રચનાત્મક કામો ક૨વાં અને એનો આજીવન સભ્ય દસ વર્ષ સુધી ધારાસભામાં જઈ શકે નહીં.
વિચિત્ર ઘટના એ બની કે જ્યારે લાલબહાદુરે એમની માતા રામદુલારી દેવીને કહ્યું કે મને આનું આજીવન સભ્યપદ મળ્યું છે, ત્યારે એમની માતાને થયું કે વાહ, હવે તો દીકરો ઘણા રૂપિયા કમાશે, મોટા ઘરમાં રહેશે અને દુઃખના દિવસો પૂરા થશે, પણ માતાએ જ્યારે એના નિયમો જાણ્યા, ત્યારે એમને એ વાત વજ્રપાત જેવી વસમી લાગી. પણ યુવાન લાલબહાદુર સામે દેશની આમજનતાનું દુ:ખ તરવરતું હતું, ત્યાં વળી પોતાના દુઃખને શું રડવું ?
આથી લાલબહાદુરને જે કંઈ આવક થતી, તેમાંથી ભારત સેવક સંઘને ૨કમ આપવાની રહે અને બીજું વિશાળ કુટુંબની જવાબદારી નિભાવવાની રહે, પરંતુ એમનો સિદ્ધાંત હતો કે કોઈની પાસે ધનની લાલસા ન રાખવી. જેટલી આવક હોય એટલામાં કરકસરથી પૂરું કરવું અને એમનાં સંતાનોને એ હંમેશાં કહેતા કે, ‘પૈસાની કદી લાલસા રાખવી નહીં. નીતિમાન અને કર્મશીલ બનવું.’
એક વાર લાલબહાદુરના મિત્ર હેમવતી નંદને કહ્યું, ‘તમે આખો દિવસ કામ કરો છો. સવારે ચા પીને ઘરેથી નીકળી જાઓ છો અને પછી સાંજે ઘરે પાછા ફરો છો, કોઈક જ દિવસ બપોરનું ભોજન લો છો, ત્યારે બપોરે ચાને બદલે સંતરાનો રસ લેતા હો તો.’ ત્યારે લાલબહાદુરે હસતાં હસતાં કહ્યું, ‘જનાબ, મને આનંદ છે કે તમે એમ માનો છો કે સંતરાનો રસ પીવાની મારી હેસિયત છે.’ આમ કહીને એમણે એ વાત ઉડાડી દીધી !
1961ના વર્ષ બાદ 1962ની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના ત્રણ વરિષ્ઠોમાં એક લાલબહાદુર હતા. સવારથી સાંજ સુધી એ ચૂંટણીનાં આયોજનોમાં વ્યસ્ત રહેતા. આથી એક વાર એમના મિત્ર પ્યારેલાલ શ્રીવાસ્તવ મોડી રાત્રે એમને મળવા આવ્યા. લાલબહાદુર સૂવાની તૈયારી કરતા હતા. પ્યારેલાલે જોયું કે એક ખાટલા પર ચાદર પાથરી હતી અને માથા નીચે એક ઓશીકું મૂક્યું હતું. એ સમયે અત્યંત પ્રભાવશાળી કૉંગ્રેસ પક્ષના અગ્રણી અને 1961ના એપ્રિલમાં પં. ગોવિંદ વલ્લભ પંતના અવસાન પછી ભારતના ગૃહપ્રધાન તરીકે કાર્યરત એવા લાલબહાદુરની આવી સાદગી જોઈને પ્યારેલાલ આશ્ચર્યચકિત બની ગયા. દિલ્હીમાં ક્યારેક એવું પણ બનતું કે તેઓ મોડી રાત્રે ઘેર પાછા આવે, ત્યારે બાળકોને ખાટલામાં સૂતેલાં જુએ એટલે શાંતિથી જમીન પર ચાદર બિછાવીને અને એક કામળી ઓઢીને આખી રાત વિતાવે !
અરે ! લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા, ત્યારે પણ કાથીના ખાટલા પર સૂતા હતા. મોડી રાત્રે જ્યારે પાછા આવે, ત્યારે એમનાં પત્ની લલિતાદેવી અને બહેન સુંદરીદેવી જમવાનું યાદ કરાવે, તો ખાટલા પર બેસીને થોડું જમી લે. ખાટલો એ જ ડાઇનિંગ ટેબલ અને એ જ સૂવાનો પલંગ.
બધે જ ઘર ભાડે રાખીને રહેતા લાલબહાદુર શાસ્ત્રીને ઘણી વાર લલિતાદેવી હસતાં હસતાં કહેતાં, ‘શાસ્ત્રીજી, અમને ઝાડની નીચે જ રહેઠાણ કરાવશે.’ કદાચ લલિતાદેવીએ હસતાં હસતાં કહેલા આ શબ્દો એક અર્થમાં સાચા પુરવાર થયા, કારણ કે લાલબહાદુર શાસ્ત્રીનું અકાળે અવસાન થતાં ભારતના આ અપાર ચાહના પ્રાપ્ત કરનાર વડાપ્રધાન પોતાની પાછળ પોતાના દેશની ધરતી પર પોતાનું કહી શકાય એવું એક નાનું શું ઘર પણ છોડી ગયા નહીં અને આ ધરતી પર એમની માલિકીની એક તસુ જમીન પણ નહોતી.
લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવાનું ભાગ્યે જ ચૂકતા હતા, પણ એમની સાદાઈ એવી કે પોતાના આવાસની આજુબાજુ પોલીસ-વ્યવસ્થા રાખે નહીં. દરવાજા પર પહેરેગીર પણ ન જોઈએ, વળી સ્વયંસેવકો પાસે મુદ્દલ કામ કરાવે નહીં. એમની પાસે સામાન્ય માણસ પણ આવકાર પામતો. લાલબહાદુર સહુની વાત નિરાંતે સાંભળતા.
મારી સાથે પણ કેટલી બધી નમ્રતાથી વાત કરી ! ઉકાળો અને ત્રણ ખાખરા આપવા માટે આભાર માન્યો. એ 1961ના જાન્યુઆરી મહિનામાં આ દેશનેતા વિશે જાણવાની એવી ધૂન લાગી કે એમના સ્વજનો, મિત્રો, રાજકીય અગ્રણીઓ અને પરિચિતો પાસેથી એમની સતત માહિતી મેળવતો રહ્યો અને જેમ જેમ માહિતી મેળવતો ગયો, તેમ મનમાં થયું કે આ ઉકાળા અને ત્રણ ખાખરાએ ભારે કરી. મારા ઉલ્લસિત મનની અપાર જિજ્ઞાસા હવે મને જંપીને બેસવા નહીં દે !